અજયપાળ

વિકિપીડિયામાંથી
અજયપાળ
ગુર્જર પ્રદેશના રાજા
શાસનઈ.સ. ૧૧૭૧ – ૧૧૭૫
પુરોગામીકુમારપાળ
અનુગામીમૂળરાજ દ્વિતીય
જીવનસાથીનાયકાદેવી
વંશચાલુક્ય
ધર્મહિંદુ

અજયપાળ (ઈ.સ. ૧૧૭૧ - ૧૧૭૫) ગુજરાતના ચાલુક્ય (સોલંકી) વંશના ભારતીય રાજા હતા. તેમણે પોતાની રાજધાની અણહિલવાડ પાટણ (આધુનિક પાટણ)થી હાલના ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ટૂંકા ગાળા માટે શાસન કર્યું હતું.

તેમના પુરોગામી કુમારપાળથી વિપરીત અજયપાળે જૈન ધર્મનું રક્ષણ કર્યું ન હતું. આ કારણે પાછળથી જૈન ઇતિહાસકારોએ તેમને નકારાત્મક રીતે રજૂ કર્યા છે અને તેમના પર જૈનો પર અત્યાચાર કરવાનો અને કુમારપાળને ઝેર આપવાનો આરોપ લગાવ્યો છે. આ દાવાઓ ઐતિહાસિક રીતે સચોટ જણાતા નથી.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

અજયપાળ કુમારપાળના સ્થાને ચાલુક્ય સિંહાસન પર આવ્યા.[૧] કવિ સોમેશ્વરે લખેલા સુરતોત્સવ મુજબ અજયપાળ કુમારપાળના પુત્ર હતા. સોમેશ્વર અજયપાળના પુત્ર ભીમદેવ દ્વિતીય (અને કદાચ અજયપાળ)ના સમકાલીન હતા.[૨]

જોકે, બાદમાં કેટલાક જૈન લેખકો અજયપાળને કુમારપાળના ભત્રીજા અને મહિપાળના પુત્ર તરીકે વર્ણવે છે. તેમાંથી સૌથી પ્રારંભિક અભયતિલક ગની છે, જેમણે ૧૩મી સદીમાં હેમચંદ્રના વૈદ્યરાય પર એક ટિપ્પણી લખી હતી.[૧] ૧૪મી સદીના ઇતિહાસકાર મેરુતુંગા પણ આ દાવાનું પુનરાવર્તન કરે છે, પરંતુ તેમના પ્રબંધ-ચિંતામણી ગ્રંથમાં અજયપાળને કુમારપાળના પુત્ર તરીકે વર્ણવે છે.[૩] ત્યાર બાદ જયસિંહ સૂરી, રાજશેખર અને જિનમંદના જેવા જૈન ઇતિહાસકારો એ દાવાનું પુનરાવર્તન કરે છે કે અજયપાળ કુમારપાળના ભત્રીજા હતા.[૧]

એ બાબતની સંભાવના વધુ છે કે અજયપાળ કુમારપાળના પુત્ર હતા. પછીના જૈન લેખકોએ કદાચ તેમને કુમારપાળના ભત્રીજા તરીકે ગણાવ્યા હતા અને તેમને નકારાત્મક રીતે રજૂ કર્યા હતા, કારણ કે તેમણે જૈન ધર્મને સંરક્ષણ આપ્યું ન હતું.[૩]

ઉદ્‌ગમ[ફેરફાર કરો]

જૈન ઇતિહાસકારોનો દાવો છે કે અજયપાળે સિંહાસન મેળવવા માટે કુમારપાળની હત્યા કરી હતી. જયસિંહ સૂરીના વર્ણન મુજબ, કુમારપાળ પોતાના ભત્રીજા અજયપાળ અથવા તેમના પૌત્ર પ્રતાપમલ્લને તેમના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરવા માગતા હતા. તેમણે પોતાના ઉપદેશક, જૈન નેતા હેમચંદ્ર પાસેથી સલાહ માગી. હેમચંદ્રએ કુમારપાળને કહ્યું કે અજયપાળ રાજા બનવા માટે યોગ્ય નથી અને તેના બદલે પ્રતાપમલ્લની ભલામણ કરી. હેમચંદ્રના દુષ્ટ શિષ્ય અને અજયપાળના મિત્ર બાલચંદ્રએ આ વાતચીત સાંભળી. તેણે અજયપાળને જાણ કરી. અજયપાળે રાજા બન્યા પછી બાલચંદ્રને રાજવી ઉપદેશક બનાવવાનું વચન આપ્યું. હેમચંદ્રના મૃત્યુ પછી કુમારપાળ શોકમાં ડૂબી ગયા. અજયપાળે તેમના દૂધમાં ઝેર ભેળવી દીધું અને એકમાત્ર જાણીતા વિષમારક દ્રવ્યને છુપાવી દીધું. કુમારપાળનું ઝેરને કારણે મૃત્યુ થયું અને અજયપાળ તેમના સ્થાને આવ્યા. આ દંતકથાનું પુનરાવર્તન રાજશેખર અને જિનમંદના જેવા અન્ય ઇતિહાસકારોએ પણ કર્યું છે.[૪]

આ કિંવદતી સત્ય લાગતી નથી, કારણ કે પ્રભાચંદ્ર અને મેરુતુંગા જેવા અગાઉના જૈન ઇતિહાસકારોના લખાણોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પાછળથી ઇતિહાસકારોએ આ બાબતોનો ઉમેરો કર્યો છે, જેમાં અજયપાળને નકારાત્મક રજૂ કરવામાં આવ્યા છે, કારણ કે તેમણે જૈન ધર્મનું સંરક્ષણ કર્યું ન હતું.[૧]

અવસાન[ફેરફાર કરો]

અજયપાળનું મૃત્યુ ઈ.સ. ૧૧૭૫માં ૨૫ માર્ચથી ૭ એપ્રિલ વચ્ચે થયું હતું, ૧૪મી સદીના ઇતિહાસકાર મેરુતુંગા જણાવે છે કે વાયજલદેવ નામના પરિહાર રાજાએ અજયપાળ પર ચાકુથી હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. આ દાવાની સચોટતા શંકાસ્પદ છે, કારણ કે મેરુતુંગાનું અજયપાળ સંદર્ભનું વિવરણ સામાન્ય રીતે અવિશ્વસનીય છે.[૫]

અજયપાળ અને નાયકાદેવીના પુત્ર મૂળરાજ દ્વિતીય તેમના સ્થાને ચાલુક્ય સિંહાસન પર આવ્યા. મૂળરાજના મૃત્યુ બાદ અજયપાળના નાના પુત્ર ભીમદેવ દ્વિતીય સિંહાસન પર આવ્યા.[૬]

ધર્મ[ફેરફાર કરો]

જૈન ધર્મના સંરક્ષક રહેલા તેમના પુરોગામી કુમારપાળથી વિપરીત અજયપાળે બ્રાહ્મણ ધર્મનું સંરક્ષણ કર્યું હતું. ચાલુક્ય સેનાપતિ શ્રીધરના પ્રભાસ પાટણ ખાતેના શિલાલેખમાં દાવો કરવામાં આવ્યો છે કે અજયપાળે ફરીથી વૈદિક ધર્મનું વૃક્ષ ઉગાડ્યું હતું.[૭]

અજયપાળના શિલાલેખો તેમજ તેમના પુત્રો તેમને "પરમ-મહેશ્વર" (શિવના ભક્ત) તરીકે વર્ણવે છે, જે ચાલુક્ય શાસકો માટે અસામાન્ય છે. સમકાલીન કવિ સોમેશ્વરના જણાવ્યા અનુસાર, તેમના શાસનકાળ દરમિયાન શિવની દરરોજ પૂજા કરવામાં આવતી હતી અને બ્રાહ્મણોને સારી દક્ષિણા આપવામાં આવતી હતી.[૭]

જૈન ગ્રથોમાં ચિત્રણ[ફેરફાર કરો]

જૈન ઇતિહાસકારોએ અજયપાળ પર જૈનો પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ દાવો ઐતિહાસિક રીતે સાચો જણાતો નથી. અજયપાળે જૈન ધર્મને કુમારપાળ જેટલું પ્રાધાન્ય ન આપ્યું હોવાના કારણ તેમને નકારાત્મક રીતે રજૂ કર્યા છે.[૧]

૧૪મી સદીના ઇતિહાસકાર મેરુતુંગા અજયપાળને નકારાત્મક રીતે રજૂ કરનાર પ્રારંભિક જૈન લેખક હતા. અજયપાળના દુષ્કૃત્યોનું વર્ણન આપતાં તેઓ જણાવે છે કે : અજયપાળે કુમારપાળ દ્વારા બાંધવામાં આવેલા મંદિરોનો નાશ કરવાનું શરૂ કર્યું, જોકે તેમની આ ગતિવિધિઓની નકારાત્મક ટિપ્પણીઓ સાંભળ્યા પછી તેમણે આવી પ્રવૃત્તિઓ અટકાવી દીધી. કુમારપાળના શાસનકાળ દરમિયાન રાજા મલ્લિકાર્જુન (સિલ્હારા વંશ) વિરુદ્ધ સફળ સૈન્ય અભિયાનનું નેતૃત્વ કરી ચૂકેલા સેનાપતિ અમરાભટ (અથવા અંબાડા)એ અજયપાળને નવા રાજા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે અજયપાળના સૈનિકોએ અમરાભટને મારી નાખ્યો. અજયપાળે તેમના નવનિયુક્ત મુખ્યમંત્રી કપર્દીનને પણ જીવતા શેકવાનો આદેશ આપ્યો હતો. તેમણે હેમચંદ્રના શિષ્ય રામચંદ્રને તાંબાની ગરમ થાળીમાં મૂકીને મારી નાખ્યા હતા.[૮]

જયસિંહ સૂરીથી શરૂ થયેલા મેરુતુંગા પછીના ઇતિહાસકારો અજયપાળ પર કુમારપાળને ઝેર આપવાનો આરોપ લગાવે છે.[૯]

મેરુતુંગા પહેલાના જૈન લેખકો, જેમાં અજયપાળના સમકાલીનોનો સમાવેશ થાય છે, તેઓ અજયપાળની જૈન વિરોધી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતા નથી. ઉદાહરણ તરીકે, યશપાલ અજયપાળને મહાન રાજા તરીકે વર્ણવે છે અને પોતાની જાતને "અજયદેવના કમળ જેવા પગ પર હંસ" (એટલે કે અજયપાલ) તરીકે વર્ણવે છે. 'સતાર્થ-કાવ્ય'માં સોમપ્રભા પણ અજયપાળની પ્રશંસા કરે છે.[૭] અરિસિંહ અને બાલચંદ્ર પણ અજયપાળની પ્રશંસા કરે છે. ઉદયપ્રભા તેની સરખામણી દેવતા ઇન્દ્ર સાથે કરે છે. વસ્તુપાળ-તેજપાળ શિલાલેખ તેમના આત્મસંયમની પ્રશંસા કરે છે. માણિક્યચંદ્ર, તેમના પાર્શ્વનાથ-ચરિત્રમાં સ્પષ્ટપણે જણાવે છે કે જૈન વિદ્વાન વર્ધમાન કુમારપાળ અને અજયપાળના દરબારોનું રત્ન હતા અને જૈન સિદ્ધાંત પર તેમની ચર્ચાઓથી તેમના દરબારીઓને તેજસ્વી બનાવી દીધા હતા.[૯]

આ પણ જુઓ[ફેરફાર કરો]

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

  • Asoke Kumar Majumdar (1956). Chaulukyas of Gujarat. Bharatiya Vidya Bhavan. OCLC 4413150.CS1 maint: ref=harv (link)
  • Dasharatha Sharma (1959). Early Chauhān Dynasties. S. Chand / Motilal Banarsidass. ISBN 9780842606189.CS1 maint: ref=harv (link)
  • R. B. Singh (1964). History of the Chāhamānas. N. Kishore. OCLC 11038728.CS1 maint: ref=harv (link)

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]