લખાણ પર જાઓ

અપ્સરા

વિકિપીડિયામાંથી
ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ, મધ્ય પ્રદેશ, ખાતે આવેલું એક અપ્સરાનું ૧૨મી સદીનું રેતીશિલ્પ.

અપ્સરા (સંસ્કૃત: अप्सरा) એ હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિમાં અવકાશી જીવોના એક વર્ગના સભ્ય છે. તેઓ મૂળભૂત રીતે વાદળો અને પાણીની એક પ્રકારની સ્ત્રી ભાવના છે, જે પાછળથી "અપ્સરા" અથવા "પરી" ની ભૂમિકા ભજવે છે. તેઓ ઘણી દક્ષિણ એશિયાઈ અને દક્ષિણપૂર્વ એશિયાઈ સંસ્કૃતિઓના શિલ્પ, નૃત્ય, સાહિત્ય અને ચિત્રકળામાં અગ્રણી છે.[]

અપ્સરાઓ સુંદર, યુવાન અને ભવ્ય હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે, અને કહેવામાં આવે છે કે તેઓ પોતાની ઇચ્છા અનુસારનું રૂપ ધારણ કરી શકવા સક્ષમ છે. અપ્સરાઓ બે પ્રકારની હોય છે - લૌકિક (સાંસારિક) અને દૈવિક (દિવ્ય). તેઓ નૃત્ય કરવાની કળામાં ઉત્કૃષ્ટ હોય છે, અને ઘણી વાર દેવતાઓના રાજા ઇન્દ્રના દરબારના સંગીતકાર ગાંધર્વોની પત્નીઓ હોય છે. અપ્સરાઓ દેવતાઓના મહેલોમાં નિવાસ કરે છે અને ગાંધર્વોએ બનાવેલા સંગીત પર નૃત્ય કરીને દેવતાઓનું મનોરંજન કરે છે. ઇન્દ્રના દરબારની પ્રત્યેક ૨૬ અપ્સરાઓ પ્રદર્શન કળાના અલગ અલગ પાસાનું પ્રતીક માનવામાં આવે છે, જે પ્રાચીન યુનાનના મ્યુઝિસ સાથે તુલના કરે છે. તેઓ ઋષિમુનિઓ દૈવી શક્તિઓ પ્રાપ્ત ન કરે તે માટે તેમને ફસાવવા માટે પણ પ્રખ્યાત છે. અપ્સરાઓમાં ઉર્વશી, મેનકા, રંભા, તિલોત્તમા અને ઘૃતચી સૌથી પ્રખ્યાત છે.[][]

જાપાનમાં અપ્સરાને "ટેનીન" (ππ) તરીકે ઓળખવામાં આવે છે. "સ્ત્રી ટેનીન" માટે "ટેન્નીયો" (ππ) અને "પુરુષ ટેનીન" માટે "ટેન્નાન" (ππ) શબ્દ પ્રચલિત છે.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
બનારસ ખાતે હિન્દુ મંદિર પર કોતરવામાં આવેલી અપ્સરાઓની કાષ્ઠપ્રતિમાઓ, ૧૯૧૩

અપ્સરા શબ્દ સંસ્કૃત अप्सरस्‌ પરથી ઊતરી આવ્યો છે. મોનિયર-વિલિયમ્સ શબ્દકોશનું વ્યુત્પત્તિશાસ્ત્ર અપ્સરાનો અર્થ अप् + √सृ, "પાણીમાં અથવા વાદળોના પાણીની વચ્ચે જતા" તરીકે આપે છે.[]

સાહિત્ય

[ફેરફાર કરો]
અપ્સરા, દેવી જગદમ્બી મંદિર, ખજુરાહો.

અપ્સરાના સૌથી પ્રાચીન વર્ણનોમાં તેમને "જલપરી" તરીકે દર્શાવવામાં આવ્યા છે.[]

ઋગ્વેદમાં એક અપ્સરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ગંધર્વની પત્ની છે; જો કે, ઋગ્વેદ એક કરતા વધુ અપ્સરાના અસ્તિત્વને પણ અનુમોદન આપે છે.[] વિશેષરૂપે અપ્સરાનું નામ ઉર્વશી છે. એક આખું સ્તોત્ર ઉર્વશી અને તેના નશ્વર પ્રેમી પુરુરવા વચ્ચેની વાતચીત સાથે સંબંધિત છે.[] બાદમાં હિંદુ ધર્મગ્રંથોમાં અસંખ્ય અપ્સરાઓના અસ્તિત્વને અનુમોદન આપવામાં આવ્યું છે, જેઓ ઇન્દ્રની દાસી તરીકે અથવા તેમના દિવ્ય દરબારમાં નર્તકીઓ તરીકે કાર્ય કરે છે,[] ગાંધર્વો ("અવકાશી સંગીતકારો") ની સાથે સંગીતકાર તરીકે સેવા આપે છે.[]

કૌશીતકિ ઉપનિષદમાં અત્તર, માળાઓ, વસ્ત્રો અને સુગંધિત પદાર્થો સાથે સંકળાયેલા દેવી-દેવતાઓના એક વર્ગ તરીકે અપ્સરાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.[]

અપ્સરાઓની ઉત્પત્તિ રામાયણ અને પુરાણોમાં વર્ણવવામાં આવી છે. અપ્સરાઓને સમુદ્ર મંથન, જળ રમતો અને નાગ સમૂહો સાથે જોડીને પાણી સાથે સંબંધિત દર્શાવામાં આવી છે.[]

મહાભારત સાથે જોડાયેલી ઘણી કથાઓમાં અપ્સરાઓ મહત્વપૂર્ણ સહાયક ભૂમિકામાં જોવા મળે છે. મહાકાવ્યમાં મુખ્ય અપ્સરાઓની ઘણી યાદીઓ છે, જેની યાદીઓ હંમેશા એકસરખી હોતી નથી. અહીં આવી જ એક યાદી આપવામાં આવી છે, જેમાં દેવ દરબારના નિવાસીઓ અને મહેમાનોને અવકાશી નર્તક કેવા દેખાતા હતા તેનું વર્ણન આપવામાં આવ્યું છે.

ઘૃતચી, મેનકા, રંભા, પૂર્વચિત્તિ, સ્વયંપ્રભા, ઉર્વશી, મિશ્રકેશી, દંડગૌરી, વરુથિની, ગોપાલી, સહજન્યા, કુંભયોનિ, પ્રજાગરા, ચિત્રસેના, ચિત્રલેખા, સહા અને મધુરસવાના – કમળનાં પાંદડાં જેવી આંખો ધરાવતી તે અને હજારો અન્ય, કઠોર તપસ્યાના અભ્યાસી તપસ્વીઓનાં હૃદયને મોહિત કરવાના કાર્યમાં નિયોજીત હતી. પાતળી કમર અને પુષ્ઠ નિતંબ ધરાવતી તેઓએ વિવિધ ભંગિમાઓ કરવાનું શરૂ કર્યું. તેઓ ગાઢ વક્ષઃસ્થલોનું દોલન કરી, આસપાસ નજર ફેરવી, દર્શકોના મન-મસ્તિષ્ક અને સંકલ્પોનું હરણ કરવામાં સક્ષમ અન્ય આકર્ષક દૃષ્ટિકોણોનું પ્રદર્શન કરતી નૃત્ય કરી રહી હતી. []

મહાભારતમાં અપ્સરાઓના વ્યક્તિગત પરાક્રમોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. જેમ કે, તિલોત્તમા જેણે અસુર બંધુઓ સુન્દ અને ઉપસુન્દથી વિશ્વને ઉગાર્યું હતું, અને ઉર્વશી, જેમણે અર્જુનને લલચાવવાનો પ્રયાસ કર્યો હતો.

મહાભારતમાં એવી પુનરાવર્તિત ઘટનાઓનો ઉલ્લેખ જોવા મળે છે જેમાં ઋષિઓને તેમની તપસ્યાઓથી વિચલિત કરી ઈછિત વરદાનોથી વંચિત રાખવા માટે અપ્સરાઓ મોકલવામાં આવે છે. આ વિષયને મૂર્તિમંત કરતી એક કથામાં કથાનાયિકા શકુંતલાએ સ્વયં પોતાના માતાપિતાની કથાનું વર્ણન કર્યું છે.[૧૦] એક વખત વિશ્વામિત્ર ઋષિએ પોતાની તપસ્યાથી એવી તીવ્ર ઊર્જા ઉત્પન્ન કરી કે સ્વયં ઇન્દ્ર પણ ભયભીત થઈ ગયો. ઋષિને તપસ્યાથી વિચલિત કરવા તેણે અપ્સરા મેનકાને વિશ્વામિત્ર પાસે મોકલી આપી. આવા શક્તિશાળી તપસ્વીને ગુસ્સે કરવાના વિચારથી મેનકા ધ્રૂજી ઊઠી, પણ તેણે ઇન્દ્રની આજ્ઞાનું પાલન કર્યું. જ્યારે તે વિશ્વામિત્ર પાસે પહોંચી, ત્યારે વાયુ દેવતાએ તેણીનાં વસ્ત્રો ફાડી નાખ્યાં. તેને આ રીતે જીર્ણ વસ્ત્રોમાં જોઈને ઋષિ વિચલિત થયા અને તેમની તપસ્યાનો ભંગ થયો. ઋષિ સાથેના સંબંધને પરિણામે મેનકાએ એક પુત્રીને જન્મ આપ્યો, જેને તેણે નદીના કાંઠે તરછોડી દીધી. તે પુત્રી સ્વયં કથાનાયિકા શકુંતલા હતી.

ઘણી ભારતીય અપ્સરાઓ તેમના નામથી ખ્યાત હતી અને દંતકથાઓમાં કેન્દ્રસ્થાને હતી.

નાટ્ય શાસ્ત્ર

[ફેરફાર કરો]

સંસ્કૃત નાટકો માટે નાટ્યાત્મક સિદ્ધાંતનું મુખ્ય કાર્ય નાટ્ય શાસ્ત્ર નીચે મુજબની અપ્સરાઓને સૂચિબદ્ધ કરે છે: મંજુકેશી, સુકેશી, મિશ્રકેશી, સુલોચના, સૌદામિની, દેવદત્ત, દેવસેના, મનોરમા, સુદતી, સુંદરી, વિગગ્ધા, વિવિધા, બુધા, સુમાલા, સાંતતી, સુનંદા, સુમુખી, મગધિ, અર્જુની, સરલા, કેરાલા, ધૃતિ, નંદા, સુપુષ્પમાલા, સુપુષ્કલા અને કલાભા.

કમ્બોડિયા

[ફેરફાર કરો]
ફ્રેન્ચ ઇન્ડોચીનની ૧૯૩૧ની ટપાલ ટિકિટ પર અપ્સરા
અંગકોર વાટ, કમ્બોડિયા, મંદિરની દિવાલ પર અપ્સરાનું શિલ્પ
અંગકોર વાટ મંદિર દિવાલ પર દેવતાનું શિલ્પ

કમ્બોડિયામાં આવેલા અંગકોરવાટના મંદિરો (ઇ.સ. ૮મી-૧૩મી સદી)ની પાષાણ કલાકૃતિઓમાં અપ્સરાઓ એક મહત્વપૂર્ણ આકૃતિઓનું પ્રતિનિધિત્વ કરે છે, જો કે, તમામ સ્ત્રી છબીઓને અપ્સરા તરીકે ગણવામાં આવતી નથી. નૃત્યના ભારતીય જોડાણ સાથે સુમેળ ધરાવતી, ખ્મેર સ્ત્રી આકૃતિઓ કે જેઓ નૃત્ય કરી રહી છે અથવા નૃત્ય કરવા માટે તૈયાર છે તેમને અપ્સરા માનવામાં આવે છે; સ્ત્રી આકૃતિઓ, જે વ્યક્તિગત રીતે અથવા સમૂહમાં દર્શાવવામાં આવી છે, જેઓ મંદિરના સંરક્ષકોની જેમ સ્થિર અને આગળ તરફ મોઢું રાખીને ઉભા હોય છે, તેમને દેવતા કહેવામાં આવે છે.[૧૧]

સૌથી મોટું અંગકોર મંદિર, અંગકોર વાટ (ઈ.સ. ૧૧૧૩–૧૧૫૦માં નિર્મિત) અપ્સરા અને દેવતા બંને ધરાવે છે, જો કે, દેવતા પ્રકારના શિલ્પો સૌથી વધુ સંખ્યામાં છે અને હાલની સંશોધન સૂચિ પ્રમાણે ૧,૭૯૬ થી વધુ છે.[૧૨] અંગકોરવાટના સ્થપતિઓએ થાંભલાઓ અને દિવાલો પર સુશોભનાત્મક ભાત તરીકે નાની અપ્સરા છબીઓ(૩૦ – ૪૦ સે.મી.)નો ઉપયોગ કર્યો હતો. તેમાં મંદિરના પ્રવેશદ્વારથી માંડીને ઊંચા મિનારાઓની ટોચ સુધીના દરેક સ્તરે મોટા દેવતાની છબીઓ (લગભગ ૯૫ – ૧૧૦ સે.મી.ની માપણીના પૂર્ણ કદનાં ચિત્રો)નો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૯૨૭માં, સાફો માર્ચલે તે કલાકૃતિઓના વાળ, વસ્ત્રો, દેખાવ, દાગીના અને સુશોભનાત્મક ફૂલોની નોંધપાત્ર વિવિધતાની યાદી આપતો એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો. માર્ચલે નિષ્કર્ષ આપ્યો કે તે અંગકોર સમયગાળાની વાસ્તવિક પદ્ધતિઓ પર આધારિત છે. કેટલાક દેવતાઓ એકબીજાની આસપાસ હાથ રાખીને દેખાય છે અને દર્શકોને અભિવાદન પાઠવતા હોય તેવું લાગે છે. માર્ચલે લખે છે કે, "દેવતાઓ એક શુદ્ધ લાવણ્યના તમામ તત્વોનું પ્રતીક હોય તેવું પ્રતીત થાય છે."[૧૩]

ખ્મેર અપ્સરા નર્તકીઓ

અંગકોર વાટના મંદિરોની કલાકૃતિઓ ખ્મેર શાસ્ત્રીય નૃત્યની પ્રેરણા બની ગઈ છે. કમ્બોડિયાની સ્વદેશી બેલે જેવી પ્રદર્શન કલાને ઘણી વખત "અપ્સરા નૃત્ય" કહેવામાં આવે છે. આ નૃત્ય કંબોડિયાના રાજવી નર્તક દ્વારા ૨૦મી સદીના મધ્યમાં કમ્બોડિયાની રાણી સિસોવાથ કોસમકના આશ્રય હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું. અપ્સરાની ભૂમિકા સુવર્ણ આભૂષણો સહિત ચુસ્ત પારંપરિક વસ્ત્રોમાં સજ્જ મહિલા દ્વારા ભજવવામાં આવે છે,[૧૪] જેની મનોહર, મરોડવાળી હરકતોને શાસ્ત્રીય દંતકથાઓ અથવા ધાર્મિક વાર્તાઓ વર્ણવવા માટે સંહિતાબદ્ધ કરવામાં આવી છે.[૧૫]

જાવા અને બાલી, ઇન્ડોનેશિયા

[ફેરફાર કરો]
૯ મી સદીના બોરોબુદુર મંદિર, જાવા, ઇન્ડોનેશિયાની પાષાણ કલાકૃતિમાં દર્શાવવામાં આવેલી બોરોબુદુરની અપ્સરા, ઉડતી અવકાશી યુવતી.

સમગ્ર મધ્યકાલીન યુગ દરમિયાન ઇન્ડોનેશિયાની ભાષામાં અપ્સરાઓને 'બિદાદરી' તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને 'વિદ્યાધરી' (સંસ્કૃત શબ્દ विद्याधरी પરથી: विद्या એટલે 'જ્ઞાન'; धराय એટલે 'હોવું, વાહક અથવા લાવનાર') સાથે જોડવામાં આવે છે,[૧૬] જે ભારતીય પૌરાણિક કથાઓમાં અવકાશી પ્રાણીઓના એક વર્ગ વિદ્યાધરોની સ્ત્રીઓ સાથે મેળ ખાય છે. 'વિદ્યાધર'નો શાબ્દિક અર્થ 'વિજ્ઞાન અથવા મંત્રોથી યુક્ત', અને 'એક પ્રકારની અલૌકિક હસ્તી' એવો થાય છે. મોનિયર-વિલિયમ્સ શબ્દકોશ 'જાદુઈ શક્તિ યુક્ત' અથવા 'પરી' તરીકે ઉલ્લેખ કરે છે. બિદાદરીઓ સ્વર્ગીય કુમારિકાઓ છે,[૧૬] તેઓ સ્વર્ગલોકમાં અથવા ઇન્દ્રના અવકાશી મહેલમાં રહે છે, જેનું વર્ણન બાલીના દેદારી (બિદારી અથવા અપ્સરા) નૃત્યમાં કરવામાં આવ્યું છે.

પરંપરાગત રીતે અપ્સરાઓને ઇન્દ્રના સ્વર્ગમાં રહેતી અવકાશી કુમારિકાઓ તરીકે વર્ણવવામાં આવે છે. તેઓ ઇન્દ્રના વિશેષ કાર્ય માટે જાણીતી છે: તપસ્વીઓ પોતાની સાધના અને તપસ્યાથી દેવતાઓ કરતા વધુ શક્તિશાળી ન બની શકે તેથી તેમને લલચાવવા માટે ઇન્દ્ર દ્વારા અપ્સરાઓને પૃથ્વી પર મોકલવામાં આવે છે. જાવાની પરંપરાઓમાં આ વિષય વારંવાર જોવા મળે છે, જેમાં રાજા એરલાંગ્ગાના શાસન દરમિયાન ૧૦૩૦માં મ્પૂ કાનવા લિખિત કાકાવિન અર્જુનવિવાહનો પણ સમાવેશ થાય છે. વાર્તા કહે છે કે અર્જુન, મહાકાય નિવાતકવાકાને હરાવવા માટે ધ્યાન અને તપસ્યામાં રોકાયો હતો, જેના પર ઇન્દ્રએ તેને લલચાવવા અપ્સરા મોકલી હતી. જો કે, અર્જુન તેની વાસના પર વિજય મેળવવામાં સફળ રહ્યો અને પછી તે મહાકાયને હરાવવા માટે દેવતાઓ પાસેથી અંતિમ શસ્ત્રો જીતવામાં સફળ રહ્યો.

બાલિ લેગોંગ નૃત્યમાં ઇન્ડોનેશિયાના બાલી ખાતેની અવકાશી કુમારિકાઓનું નિરૂપણ.

પાછળથી જાવા પરંપરામાં અપ્સરાને હપ્સરી પણ કહેવામાં આવતી હતી, જે વિદોદરી (સંસ્કૃત ભાષાના શબ્દ વિદ્યાધરી) તરીકે પણ ઓળખાય છે. જાવાનીઝ હિન્દુ-બૌદ્ધ પરંપરાએ પણ બાલી પર પ્રભાવ પાડ્યો હતો. બાલિ નૃત્યમાં, અવકાશી કુમારિકાઓનો વિષય ઘણી વખત જોવા મળે છે. સંઘયાંગ દેદારી અને લેગોંગ જેવા નૃત્યોમાં દૈવી કુમારિકાઓને તેમની પોતાની રીતે દર્શાવવામાં આવી હતી. માતારામ સલ્તનતના દરબારમાં નૃત્યોમાં સ્વર્ગીય કુમારિકાઓને દર્શાવવાની પરંપરા હજી પણ જીવંત છે. બેધયાના જાવા નૃત્યો અપ્સરાઓનું ચિત્રણ કરે છે.

જો કે, ઇસ્લામ અપનાવ્યા પછી, બિદારીને કુરાનમાં ઉલ્લેખિત સ્વર્ગીય કુમારિકા હૂર સાથે સરખાવવામાં આવે છે, જેમાં ઈશ્વરે જણાવ્યું હતું કે સ્વર્ગના 'નિશિદ્ધ મોતી' તે માણસો માટે છે જેમણે પ્રલોભનોનો પ્રતિકાર કર્યો છે અને જીવનની કસોટીઓ સહન કરી છે. મલય દ્વીપસમૂહમાં ઇસ્લામનો ફેલાવો થયો જ્યારે અરબી વેપારીઓ મલય લોકો સાથે મસાલાનો વેપાર કરવા આવ્યા. તે સમયે હિંદુ ધર્મ મલય સંસ્કૃતિનો પાયો હતો, પરંતુ ઇસ્લામી ધર્મ અને સંસ્કૃતિ સાથે સમન્વયવાદને કારણે બિદાદરીનો વિચાર પેદા થયો. સામાન્ય રીતે તેને પરમેશ્વરની સેવામાં રત અને તેને પ્રસન્ન કરતી જીવનશૈલી જીવતા લોકોને આપવામાં આવતા ઇનામ તરીકે જોવામાં આવે છે. મૃત્યુ પછી, બિદાદારી તે વ્યક્તિને પત્ની તરીકે મળે છે, જેનો આધાર તે કેવા પ્રકારની વ્યક્તિ છે તેના પર રહેલો છે. બિદાદરી મેળાવવાની વ્યક્તિની યોગ્યતા તેની પવિત્રતા પર આધારિત હતી: તે કેટલી વાર પ્રાર્થના કરતો હતો, તે 'બાહ્ય દુનિયા' થી કેટલું દૂર થઈ ગયો હતો, અને દુન્યવી ઇચ્છાઓ પર તેણે કેટલું ઓછું ધ્યાન આપ્યું હતું.

બે અપ્સરાઓથી ઘેરાયેલ એક નર દેવતા, વિષ્ણુ મંદિર, પ્રમ્બનન, જાવા

શૈલેન્દ્ર રાજવંશના યુગથી માંડીને મજાપહિત સામ્રાજ્ય સુધીના પ્રાચીન જાવાના અનેક મંદિરોમાં અપ્સરાઓની કલાકૃતિઓ જોવા મળે છે. અપ્સરા અવકાશી કુમારિકાઓ સુશોભનાત્મક ભાત તરીકે અથવા આધારશિલામાં વાર્તાના અભિન્ન ભાગ તરીકે પણ મળી શકે છે. અપ્સરાઓના ચિત્રો બોરોબુદુર, મેંદુટ, પ્રમ્બનન, પ્લાઓસન અને પેનતરન પર જોવા મળી શકે છે.

બોરોબુદુર ખાતે અપ્સરાઓને દૈવી રીતે સુંદર અવકાશી કુમારિકાઓ તરીકે દર્શાવવામાં આવી છે, જે ઊભી રહેલી કે ઉડતી સ્થિતિમાં ચિત્રિત કરવામાં આવી છે. સામાન્ય રીતે કમળના ફૂલ પકડીને, ફૂલોની પાંખડી ફેલાવતી, અથવા આકાશી વસ્ત્રો લહેરાવતી તેઓ ઉડાન ભરવાની પાંખો હોય તેમ દર્શાવવામાં આવી છે. બોરોબુદુર પાસે આવેલા મેંદુતના મંદિરમાં સ્વર્ગમાં ઊડતા દેવતાઓ, દિવ્ય જીવોના સમૂહોને દર્શાવવામાં આવ્યા હતા, જેમાં અપ્સરાઓનો પણ સમાવેશ થતો હતો. પ્રમ્બનન મંદિર પરિસરમાં, ખાસ કરીને વિષ્ણુ મંદિરમાં, પુરુષ દેવતાની કેટલીક છબીઓ બે અપ્સરાઓથી ઘેરાયેલી જોવા મળે છે.

મણિપુર, ભારત

[ફેરફાર કરો]

પૂર્વોત્તર ભારતના મૈતેઇ લોકોની પ્રાચીન મણિપુર સંસ્કૃતિમાં, અપ્સરાને અવકાશી અપ્સરા અથવા હેલોઇસ તરીકે માનવામાં આવે છે જે માનવ માદા શરીરથી મળતા આવતા ઉડતા જીવો છે જે નર પથિક અથવા જંગલમાં પોતાનો માર્ગ ભટકનારા કોઈપણ શૂરવીરને આકર્ષિત કરે છે. તેઓ તેમની સુંદરતા, જાદુઈ શક્તિઓ અને મોહક અલૌકિક ચુંબકીય વ્યક્તિત્વ માટે જાણીતા હતા. માનવામાં આવે છે કે તેઓની સંખ્યા સાત છે અને તેઓ આકાશ દેવતા અથવા સોરેન દેવતાની પુત્રીઓ છે.

મધ્યકાલીન અંગકોરનું પડોશી, જે હવે મધ્ય વિયેટનામના દરિયાકાંઠે પૂર્વમાં આવેલું છે, તે ચંપાની કળામાં પણ અપ્સરાઓ એક મહત્ત્વની ભાત હતી. વિશેષ કરીને નોંધનીય બાબત એ છે કે ચામ કલાની ત્રા કિઉ શૈલીમાં અપ્સરાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે, આ શૈલી ઇ.સ. ૧૦મી અને ૧૧મી સદીમાં વિકસી હતી.

અપ્સરાઓને ઘણીવાર પૂર્વ એશિયન બૌદ્ધ કળામાં દર્શાવવામાં આવી છે.[૧૭] તેમને ચાઇનીઝમાં ફેટિયન તરીકે ઓળખવામાં આવે છે.[૧૭]

તેમને ચીનમાં ભીંતચિત્રો અને બોદ્ધ ગુફા સ્થળોના શિલ્પોમાં ઉડતી આકૃતિઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેમ કે મોગાઓ ગુફાઓમાં,[૧૮][૧૯] યુલિન ગુફાઓ, [૧૮] તિઆનલોંગશાન ગ્રોટ્ટોસ,[૧૮] યુંગાંગ,[૨૦] અને લોંગમેન ગ્રોટ્ટોસ.[૨૧] તેમને પેગોડાની શૈલી પર પણ દર્શાવવામાં આવ્યા છે, જેમ કે ઝીઉડિંગ-સી પેગોડા.[૧૮]

તેમને નૃત્યાંગના અથવા સંગીતકારો તરીકે પણ દર્શાવવામાં આવી શકે છે, જેઓ વાંસળી, પીપા અથવા શેંગ જેવા સંગીતનાં સાધનો ધરાવે છે.[૧૮] અપ્સરાને બહુવિધ આત્માઓ તરીકે રજૂ કરી શકાય છે જેમણે બુદ્ધો માટે સંગીત વગાડ્યું હતું.[૨૨] સામાન્ય રીતે, તેમને પવનમાં ફરકતા લાંબા સ્કર્ટ સાથે દર્શાવવામાં આવે છે.[૧૮]

અપ્સરાને કેટલીક વખત એક શક્તિશાળી અને પ્રભાવશાળી આત્મા તરીકે દર્શાવવામાં આવે છે[૨૨] અથવા ભગવાન જે "ઝુલતી બાંય" સાથેનો પોશાક પહેરે છે અને તિયાનમાં રહે છે. અપ્સરાના આ સંસ્કરણનો ઉપયોગ ચીની લોક ધર્મમાં પૂજાના પદાર્થ તરીકે અને ચીની લોકવાયકામાં થાય છે.

ચિત્રવીથિ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Apsara | Indian religion and mythology". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-15.
  2. Gopal, Madan (1990). K.S. Gautam (સંપાદક). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. પૃષ્ઠ 68.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Apsaras" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 2 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. પૃષ્ઠ 231.
  4. Monier-Williams, Sir Monier; Leumann, Ernst; Cappeller, Carl (1899). A Sanskrit-English Dictionary: Etymologically and Philologically Arranged with Special Reference to Cognate Indo-European Languages (અંગ્રેજીમાં). Motilal Banarsidass Publishing House. પૃષ્ઠ 59. ISBN 978-81-208-3105-6.
  5. ૫.૦ ૫.૧ Stefon, Matt (2009-10-20). "apsara" (અંગ્રેજીમાં). Encyclopedia Britannica. મેળવેલ 2023-06-07.
  6. Rig Veda, Book X, Hymn 95.
  7. Cohen, Simona (2021). "The Indian Hair-Wringing Apsaras and her Discriminating Goose: Meanings and Migrations". Religions of South Asia (અંગ્રેજીમાં). 15 (2): 156–157. doi:10.1558/rosa.20975. ISSN 1751-2697.
  8. Cohen, Simona (2021). "The Indian Hair-Wringing Apsaras and her Discriminating Goose: Meanings and Migrations". Religions of South Asia (અંગ્રેજીમાં). 15 (2): 157. doi:10.1558/rosa.20975. ISSN 1751-2697.
  9. Mahabharata, Book III: Vana Parva, Section 43.
  10. Mahabharata, Book I: Adi Parva, Section 71-72.
  11. Maurice Glaize, Monuments of the Angkor Group, p.37.
  12. Angkor Wat devata inventory - February 2010 સંગ્રહિત ૨૩ એપ્રિલ ૨૦૧૦ ના રોજ વેબેક મશિન
  13. Sappho Marchal, Khmer Costumes and Ornaments of the Devatas of Angkor Wat.
  14. "Home". Rough Guides (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-15.
  15. Di Giovine, Michael A. The Heritage-Scape. 2008, pages 293–4
  16. ૧૬.૦ ૧૬.૧ "Bidadari". KBBI.
  17. ૧૭.૦ ૧૭.૧ "Flying Celestial Apsara (Feitian 飛天) 7th century". www.metmuseum.org. મૂળ સંગ્રહિત માંથી 13 December 2021 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-13.
  18. ૧૮.૦ ૧૮.૧ ૧૮.૨ ૧૮.૩ ૧૮.૪ ૧૮.૫ Wannaporn Rienjang; Peter Stewart, સંપાદકો (2020). The global connections of Gandharan art : proceedings of the Third International Workshop of the Gandhāra Connections Project, University of Oxford, 18th-19th March, 2019. Oxford: Archaeopress. પૃષ્ઠ 239–241. ISBN 978-1-78969-695-0. OCLC 1197810642.
  19. Expert Committee of Chinese Society of Cultural Relics, સંપાદક (2019). Collection of ancient Chinese cultural relics. Volume 5, Sui, Tang and Five Dynasties : 581-960. Guozhen Wang વડે અનુવાદિત. Hindmarsh, SA. પૃષ્ઠ 223. ISBN 978-1-925371-44-4. OCLC 1176321935.
  20. "Other Divinities". depts.washington.edu. મેળવેલ 2021-12-13.
  21. "Feitian – flying Apsaras in Longmen Grottoes[1]". www.chinadaily.com.cn. મેળવેલ 2021-12-13.
  22. ૨૨.૦ ૨૨.૧ Meyer, Michael (2008). The Bedford Introduction to Literature: Reading, Thinking, Writing (8th આવૃત્તિ). Boston: St. Martin's Press. પૃષ્ઠ 1311. ISBN 978-0-312-47200-9.

બાહ્ય કડી

[ફેરફાર કરો]