લખાણ પર જાઓ

અર્જુન

વિકિપીડિયામાંથી
અર્જુન
માહિતી
જીવનસાથીદ્રૌપદી, સુભદ્રા, ઉલૂપી અને ચિત્રાંગદા.
બાળકોસ્ત્રુતકર્મ (દ્રૌપદીથી), અભિમન્યુ અને રુચિપર્વન (સુભદ્રાથી), ઇરાવત (ઉલૂપીથી), બભ્રૂવાહન (ચિત્રાંગદાથી)
સંબંધીઓપાંડવો, કૃષ્ણ

અર્જુન (સંસ્કૃત: अर्जुनः) એ મહાભારતના મહાનાયકમાંનો એક હતો. અર્જુનનો અર્થ ઉજ્જવળ, ચમકતું કે ચાંદી એવો થાય છે. તેની ગણના કર્ણ તથા એકલવ્યની જેમ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર તરીકે થાય છે. કુંતીનો પુત્ર તથા વાસુદેવ શ્રીકૃષ્ણનો મિત્ર હોવાની સાથે પાંચ પાંડવોમાં અર્જુન ત્રીજો હતો.

જીવન[ફેરફાર કરો]

પાર્થના નામે પણ જાણીતો અર્જુન એક અજોડ ધનુર્ધર હતો. તે પાંડુ રાજાનો પુત્ર હતો. પાંડવો અને તેમના શત્રુઓ વચ્ચેના યુદ્ધમાં તેણે કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધમાં ભાગ લેવા તૈયાર ન હતો, કેમકે શત્રુ પક્ષે લડનારા સૌ તેના સગા હતાં. તેના મિત્ર અને સારથી શ્રી કૃષ્ણએ અર્જુનના વિચારોમાં પરિવર્તન આણ્યું. તેમના વાર્તાલાપમાં મુખ્યત્વે યુદ્ધને લાગતા મુદ્દા, બહાદુરી, વીરતા, જીવન અને આત્માનો ઉદ્દેશ્ય અને પ્રભુનું કાર્ય છે. આ વાર્તાલાપ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. ભગવદ્ ગીતા મહાભારતનો એક મુખ્ય વિષય છે. કર્ણ, જે તેનો મુખ્ય પ્રતિસ્પર્ધી અને તેનો અજાણ્યો ભાઈ છે, જે કૌરવોના પક્ષે લડ્યો હતો. યુદ્ધમાં પણ તેણે મુખ્ય ભાગ ભજવ્યો. એમ પણ કહેવાય છે કે પર્શિયન પુરાણ કથાનો નાયક અર્શ, પાર્થિયન બાણાવળીને અર્જુન સાથે ઘણું સામ્ય છે. ઘણા વિદ્વાન તેને ભારત-ઈરાની સભ્યતાના સાંંસ્કૃતિક ભાગીદારીનો એક પુરાવો માને છે. જોકે અર્જુન મહાભારતના ઘણાં વીર નાયકોમાંનો એક છે જ્યારે અર્શની કથામાં અન્ય નાયકોની વાત નથી. ભારતીય વૈજ્ઞાનીકોએ સમુદ્ર તળમાં ગરક થઈ ગયેલ દ્વારકા નગરી શોધી કાઢી છે જેથી મહાભારત એક દંતકથા ન બની રહેતાં તેનો એક ઇતિહાસ હોવાના દાવાને સમર્થન મળ્યું છે. જ્યારે અર્જુનને પોતાની ઓળખ આપવાનું કહેવાયું ત્યારે તેણે નીચે મુજબ દસ નામ જણાવ્યા હોવાનું મનાય છે- અર્જુન, ફાલ્ગુન, જીષ્ણુ, કીર્તી, શ્વેતવાહન, વિભત્સુ, વિજય, પાર્થ, સાવ્યસાચી અને ધનંજય.

જન્મ[ફેરફાર કરો]

જાવાના છાયાનાટકમાં અર્જુનનું પાત્ર.

પાંડુ તેમને મળેલા શાપ અને રોગને કારણે પિતા બનવા સક્ષમ ન હતા. તેમની પત્ની કુંતીને તેની મુગ્ધાવસ્થામાં દુર્વાસા મુનિ દ્વારા વરદાન મળ્યું હતું. જેના થકી તેણી કોઈ પણ દેવનું આવાહ્ન કરી તેમના દ્વારા પુત્ર પ્રાપ્ત કરી શકતી. પાંડુ અને કુંતીએ આ વરદાનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. કુંતીએ વારાફરથી ધર્મરાજ યમ, વાયુ અને ઇંદ્રનું આવાહ્ન કરી ત્રણ પુત્રને જન્મ આપ્યો. અર્જુન તેનો ત્રીજો પુત્ર હતો જે દેવોના રાજા ઇંદ્રની કૃપાથી ઉત્પન્ન થયો હતો.

વ્યક્તિત્વ[ફેરફાર કરો]

અર્જુનને એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે. એક તંદુરસ્ત તન અને મન ધરાવતી વ્યક્તિ જેને દરેક મા પુત્ર તરીકે, દરેક પત્ની વર તરીકે અને દરેક વ્યક્તિ મિત્ર તરીકે મેળવવા ઇચ્છે. અર્જુન ઈઁદ્રનો પુત્ર એક સશક્ત શરીર સહિત ખૂબ મોહક દર્શાવાયો છે. તે ચાર વખત પરણ્યો હતો. અર્જુન તેના મિત્રો પ્રત્યે સાચો અને વફાદાર હતો. મહાન યોદ્ધા સાત્યકી તેનો ખાસ મિત્ર હતો. તેને પોતાના પિતરાઈ ભાઈ શ્રી કૃષ્ણ સાથે જીવન ભર મધુર સંબંધ રહ્યા. તે ઘણો સંવેદનશીલ અને વિચારી માનવ હતો જેને લીધે તેણે કુરુક્ષેત્રના ઘાતક પરિણામોનો વિચાર કર્યો અને તેને સમજાવવા શ્રી કૃષ્ણએ ઉપદેશ આપ્યો જેને આપણે સૌ ભગવદ્ ગીતાના નામે જાણીએ છીએ. તેને પોતાની ફરજોનું અચૂક જ્ઞાન હતું. તેણે એક વખત બ્રાહ્મણને મદદ કરવાનો નિષેધ કરવા કરતાં અજ્ઞાતવાસમાં જવાનું પસંદ કર્યું હતું.

શ્રેષ્ઠ વિદ્યાર્થી[ફેરફાર કરો]

અર્જુન એક લડવૈયા તરીકે વધુ જાણીતો છે. તેના લડવૈયા તરીકેના વ્યવસાયી જીવનનો પાયો તેના બાળપણમાં જ નંખાઈ ગયો હતો. અર્જુન એક અજોડ અને પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. તેના ગુરુએ જે શીખવતા તે દરેક વસ્તુ તે શીખ્યો અને ખૂબ જલ્દી તે મહારથીની પદવી પામ્યો. એક વખત ગુરુ દ્રોણાચાર્યએ તેમના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેમણે ઝાડ પર એક લાકડાનુંં પક્ષી લટકાવ્યુંં. તેમણે દરેકને પક્ષીની આંખનું લક્ષ્ય લેવા કહી તેને વીંધવા તૈયાર રહેવા કહ્યું. જ્યારે તેઓ તૈયાર થયા ત્યારે દ્રૌણે તેમને દરેકને શું દેખાય છે તે વર્ણન કરવા જણાવ્યું. વિદ્યાર્થીઓએ બગીચો, વૃક્ષ, ફૂલો, શાખા અને પક્ષી આદિ દરેક વસ્તુ દેખાતી હોવાનું જણાવ્યું. તે દરેકને ગુરુ દ્રોણાચાર્યએ એક તરફ હટી જવાનું જણાવ્યું. જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યું કે તેને શું દેખાય છે ત્યારે તેણે કહ્યું કે તેને માત્ર પક્ષીની આંખ દેખાય છે. એક અન્ય વાર્તા કહે છે કે એક વખત અર્જુને પોતાના ભાઈ ભીમને જોયો જે ખૂબ ખાઉધરો હતો, તે રાતના અંધારામાં પણ દિવસે ખાતો હોય તેવી સહજતાથી ખાતો હતો, એ જોઈને તેને વિચાર આવ્યો કે જો તે અંધારામાં ધનુર્વિદ્યાની તાલિમ લે તો તે આ કળામાં પ્રવીણ થઈ શકશે.

દ્રૌપદી[ફેરફાર કરો]

ધનુર્વિદ્યામાં નિપુણતાનો તેને એક અનન્ય ફાયદો થયો. આને લીધે તે સ્વયંવરમાં તેની પ્રથમ પત્ની, પાંચાલનરેશ દ્રુપદની પુત્રી, દ્રૌપદીનો હાથ જીતી શક્યો. પોતાની પુત્રીના વરની શોધ માટે દ્રુપદ રાજાએ એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. એક લાકડાની માછલીને નાનકડા કુંડની ઉપર બાંધવામાં આવી હતી અને તે ગોળ ગોળ ફરતી હતી. ઉમેદવારોએ ધનુષ્ય પર પણછ ચડાવીને તે માછલીની આંખ વીંધવાની હતી. આ કામ તેમણે માછલીની પાણીમાં પડતી છાયાને જોઈને કરવાનું હતું. પાંચાલની રાજકુમારીના હાથ જીતવા માટે ઘણાં રાજા અને રાજકુમારો આવ્યા હતા. તેમાં કર્ણ સહિત અમુક રાજકુમારોને કુળના આધારે ગેરલાયક ઠેરવવામાં આવ્યા. તે સમયે ભલે પાંડવો અજ્ઞાત વાસમાં હતા, પણ અર્જુન એક ઉચ્ચ કુળના વિદ્વાન બ્રાહ્મણના રૂપમાં હોવાથી તેને ભાગ લેવામાં રજા મળી. એ યોગ્ય હતું કેમ કે તે જ તો અજોડ ધનુર્ધર હતો જે લક્ષ્ય સાધી શકે તેમ હતો. તેમની માતા કુંતીને જણાવ્યા વગર પાંચેય ભાઈઓએ સ્વયંવરમાં ભાગ લીધો હતો. જીતના ઉત્સાહમાં તેઓ દ્રૌપદીને લઈને ઘેર આવ્યા. બહારથી જ તેમણે પોતાની માને બૂમ પાડીને કહ્યું,“મા, તને વિશ્વાસ નહી આવે અમે શું લઈ આવ્યા છીએ, અનુમાન કરો.” પોતાના કામમાં વ્યસ્ત કુંતીએ કહ્યું,“જે હોય તે તમે ભાઈઓ વહેંચી લો અને તે માટે ઝઘડા ના કરશો.” સામાન્ય રીતે કહેવાયેલી પોતાની માની આ વાતને ભાઈઓએ ગંભીરતાપૂર્વક લીધી અને દ્રૌપદીને તેમની સહિયારી પત્ની તરીકે સ્વીકારી લીધી. આ વાત અર્જુનની ત્યાગવૃત્તિ બતાવે છે કે તેણે એકલા હાથે સ્વયંવર જીતેલ હોવા છતાં તેણે સ્વેચ્છાએ પોતાની પત્નીને ભાઈઓ સાથે વહેંચી. આમ કરવા પાછળ એક કારણ ભાઈઓ વચ્ચે ઉત્પન્ન થઈ શકનારી ઈર્ષ્યાને ટાળવાનું પણ હોઈ શકે. જોકે પાંચે ભાઈઓને વરવા છતાં દ્રૌપદી અર્જુનને સૌથી વધારે પ્રેમ કરતી હતી અને હંમેશા તેનો પક્ષ લેતી. અર્જુન પણ તેની ચારેય પત્નીમાંથી દ્રૌપદીને વધુ પ્રેમ કરતો હતો. એક અન્ય કથા એવી છે કે દ્રૌપદીના પાંચ પતિ હોવાનું કારણ તેના પૂર્વ ભવમાં મળેલ વરદાન હતું. જેમાં તેણે પાંચ સૌથી વધુ લાયક પતિ મેળવવાની ઇચ્છા કરી હતી. શરૂઆતમાં દ્રૌપદીના વડીલો તેના પાંડવો સાથેના વિવાહ માટે સહમત ન થયા, પણ જ્યારે તેના આ વરદાન વિશે જણાવાયું ત્યારે દ્રુપદ માની ગયા.

આજ્ઞાનું ઉલ્લંઘન[ફેરફાર કરો]

દ્રૌપદીના સાથેના તે ભાઈઓના સંબંધ વિષે એક સામાન્ય વર્તણૂક આપસમાં નક્કી કર્યું હતું. તેમાંનો મહત્ત્વનો મુદ્દો એ હતો કે જ્યારે કોઈ એક ભાઈ દ્રૌપદી સાથે એકાંતમાં હોય ત્યારે અન્ય કોઈ ભાઈએ તેમને ખલેલ ન પહોંચાડવી અને આમ કરવાની સજા હતી એક વર્ષ સુધીનો દેશવટો. એક વખત હજી જ્યારે પાંડવો વૈભવી ઈન્દ્રપ્રસ્થ નગરી પર રાજ કરતાં હતાં ત્યારે એક બ્રાહ્મણ ખૂબજ ઉતાવળે અર્જુનની મદદ માટે આવ્યો. એક પશુ ચોરની ટુકડીએ તેના પશુઓને ચોરી લીધાં હતાં તેણે મદદ માટે અર્જુન સિવાય અન્ય કોઈ યોગ્ય ના લાગ્યો. અર્જુન ઘણી મોટી અવઢવમાં હતો તેના શસ્ત્ર સરંજામ તે ઓરડામાં હતાં જ્યાં દ્રૌપદી અને યુધિષ્ઠીર સાથે હતાં. તેમને ખલેલ પહોંચાડવાનો અર્થ હતો એક વર્ષનો દેશવટો. અર્જુન એક ક્ષણ માટે અચકાયો પણ પ્રજાની રક્ષા (અને તેમાં પણ ખાસ કરીને બ્રાહ્મણની) તે તો એક રાજ કુમારનું પ્રથમ કર્તવ્ય છે. દેશવટાનો ભય તેના કર્તવ્ય પરાયણતાની આડે ના આવ્યો. તેણે યુગલને ખલેલ પહોંચાડી, શસ્ત્રો લઈને પશુ ચોરને પકડવા નીકળીપડ્યો. તે કાર્ય પુરું થયે, તેમના કુટુંબી જનો અને યુગલ કે જેમને તેના દ્વારા ખલેલ પહોંચી હતી તેમના વિરોધ છતાં તેણે દેશવટો વહોરી લીધો.

વૈવાહિક જીવન[ફેરફાર કરો]

દ્રૌપદી સિવાય અર્જુન ચિત્રાંગદા, ઉલુપિ અને સુભદ્રાનો પણ પતિ હતો. આ ત્રણે મહિલા સાથે તેના વિવાહ ત્યારે થયાઁ જ્યારે તે દ્રૌપદી અને યુધિષ્ઠિરના એકાંતમાં ખલેલ પહોંચાડવા ને સજા રૂપે દેશવટો ભોગવી રહ્યો હતો. ચિત્રાંગદા: તેના દેશવટાના કાળ દરમ્યાન અર્જુને ભારત ભ્રમણ કર્યું. ભ્રમણ કરતાં કરતાં તે પૂર્વી હિમાલયની તળેટીમાં વસેલ પ્રાચીન ત્રિપુરામાં પહોંચ્યો જે પોતાના પ્રાકૃતિક સૌદર્યો માટે પ્રસિદ્ધ હતું. ત્યાં તે મણીપુરના રાજકુમારી ચિત્રાંગદાને મળ્યો. તેનાથી મોહીત થઈ તે તેણે રાજા પાસે ચિત્રાંગદાનો હાથ માંગ્યો. આ વિનંતી સામે રાજા એ કહ્યું કે તેના અને ચિત્રંગદાની સંતાન મણીપુરના રિવાજ અનુસાર પાટૅવી કુંવર બને અને તે અર્જુન સાથે પાછા ન જઈ શકે, જો તેને આ શરત માન્ય હોય તો જ તે વિવાહ માટે સહમતિ આપે. અર્જુન આ માટે તૈયાર થયો. વિવાહ પછી તેમને બબ્રુવાહન નામનઓ પુત્ર જન્મ્યો જે તેના નાના અનુગામી બન્યો. ઉલુપિ: જ્યારે અર્જુન મણીપુરમાં હતો ત્યારે એક નાગ રાજકુમારી હતી તે અર્જુન પર મોહી પડી. તેણે યુક્તિ પૂર્વક અર્જુનને કોઈ અર્ક પાઈને અપહરણ કરાવી દીધો. અને તેને પોતાની દુનિયામાં લઈ ગઈ. ત્યાં તેણે અર્જુનને પોતાને પરણવા વિવશ કર્યો. જો કે પાછળથી મોટું હૃદય ધરાવતી ઉલુપિએ અર્જુનને પાછો ચિત્રાંગદાને સોંપી દીધો એટલું જ નહી પણએ માત્ર અર્જુન જ નહી પણ ચિત્રાંગદાની સંભાળ લેવા લાગી. બબ્રુ વાહનના લાલન પાલન માં પણ તેનો મોટો ફાળો રહ્યો. પાછળના જીવનમાં બબ્રુવાહન તેના વશમાં હતો. એક વખત બબ્રુવાહન સાથેના યુદ્ધમાં જીવ ખોઈ દીધાં પછી અર્જુનને જીવન દાન પણ ઉલુપિએ જ અપાવ્યું. સુભદ્રા: અર્જુને દેશવટાનો અંતિમ સમય દ્વારકા પાસે આવેલ એક વાટિકામાં વ્યતિત કરવાનું નક્કી કર્યું જ્યાં તેમના મામા ભાઈ બહેન બલરામ, કૃષ્ણ, અને સુભદ્રા રહેતાં હતાં, તેઓ તેમના મામા વસુદેવની સંતાન હતાં. અહીં અર્જુન અને સુભદ્રા એક બીજાના પ્રેમમાં પડ્યાં. આને કૃષ્ણએ પ્રોત્સાહન હતું કેમકે તેમને અર્જુન ખૂબ પ્રિય હતો અને તેઓ તેમની બહેન સુભદ્રા માટે સર્વોત્તમ વર ઈચ્છતાં હતાં. સમગ્ર પરિવાર સુભદ્રાના અર્જુનની ચોથી પત્ની બનવાના પ્રસ્તાવનો વિરોધ કરશે તે જાણતા તેમણે આ યુગલને ઈંદ્રપ્રસ્થ ભાગી જવાની વ્યવસ્થા કરી આપી. સુભદ્રાનું હરણ નથી થયું તે સાબિત થાય માટે તેમણે રથ હંકારવાનું સુભદ્રાને કહ્યું. આમ ઉલટું સુભદ્રાએ અર્જુનનું હરણ કર્યું એમ કહેવાયું. અર્જુન સુભદ્રાને અભિમન્યુ નામે એક જ પુત્ર થયો. અભિમન્યુ અને તેની પત્ની ઉત્તરાને પરિક્ષિત નામે એક પુત્ર થયો જેનો જન્મ યુદ્ધભૂમિ પર અભિમન્યૂના મૃત્યુ પછી થયો. પરિક્ષિત કુરુ કુળનો એક માત્ર વારસદાર રહ્યો અને તે યુધિષ્ઠીર પછી પાંડવ રાજ્યનો રાજા બન્યો.

ગાંડિવ[ફેરફાર કરો]

ઈંદ્રપ્રસ્થ પાછા ફરવાના ટૂંક સમય પછી, અર્જુન શ્રી કૃષ્ણ સાથે ખાંડવાના વનમાં ગયાં. ત્યાં તેમને અગ્નિદેવ મળ્યાં. તેમની તબિયત ખૂબ ઢીલી થઈ ગઈ હતી. કોઈ એક રાજા ખૂબ યજ્ઞ કરતો હતો અને તેમાં અગ્નિને ખૂબ ઘી પાતો હતો. તેને લીધે તેમની તબિયત બગડી હતી. આ માંથી ઠીક થવા માટે તેમને જંગલ સ્વાહા કરવાની જરૂર હતી. પણ તે જંગલમાં તક્ષક નામના નાગ રાજ રહેતા હતાં તે ઈંદ્રના મિત્ર હતાં. જ્યારે અગ્નિદેવ તે જંગલને બાળવા જતા ત્યારે ઈંદ્ર ત્યાં વરસાદ પાડતાં. અર્જુને અગ્નિદેવને કહ્યું તે ઈંદ્રનો સામનો કરી શકે તેવી શસ્ત્રો ચલાવવામાં નિપુણ છે પણ તે માટે તેને દિવ્ય ધનુષ્યની જરૂર છે જે ઈંદ્રના શક્તિશાળી શસ્ત્રોનો સામનો કરી શકે અને તે દરમ્યાન તૂટે નહીં. અગ્નિદેવે ત્યારબાદ વરુન દેવનું આવાહન કર્યું અને અર્જુનને દિવ્ય ધનુષ્ય “ ગાંડીવ” અર્પણ કર્યું. તેને વાપરનારનો યુદ્ધમાં વિજય થતો. ભવિષ્યમાં થનારા તમામ યુદ્ધમાં તેણે અર્જુન માટે મહત્વનો ભાગ ભજવ્યો. વધારામાં તેમણે અર્જુનને કદી ના થાકે અને સામાન્ય શસ્ત્રોથી ઘાયલ ન થાય એવા સફેદ અશ્વ જોડેલો દિવ્ય રથ પણ આપ્યો. અર્જુને અગ્નિદેવને આગળ વધવા કહ્યું અને તે તેના પિતા ઈંદ્ર સાથે યુદ્ધે ચડ્યો.આ યુદ્ધ ઘણાં દિવસ અને રાત સુધી ચાલ્યું. આકાશવાણી થઈ અને તેમાં અર્જુન અને કૃષ્ણને વિજયી ઠરાવાયા અને ઈંદ્રને ચાલ્યા જવા જણાવ્યું.

મયસભા[ફેરફાર કરો]

જંગલના દવાનળમાં અર્જુને મય નામના એક અસુરને બચાવી લીધો જે એક મશહૂર વાસ્તુ કાર હતો. આ ઉપકારના બદલામાં મયએ યુધિષ્ઠીર માટે એક વૈભવી રાજ કક્ષ બનાવ્યો, જેવો વિશ્વમાં ક્યાંય ન હોય. એ આ કક્ષ હતો જે દુર્યોધનની ઈર્ષ્યાની ચરમ સીમાનુંકારણ બન્યો. જેને કારણ દ્યુત રમાયું.

વનવાસ[ફેરફાર કરો]

અર્જુનના ઈંદ્રપ્રસ્થ આવ્યાં પછી મહાભારતની ઘણી મહત્વપૂર્ણ ગણાતી ઘટનાઓ ઘટી જેના પરિણામે પાંડવોને તેમની પત્ની દ્રૌપદીનો વિરહ સહેવો પડ્યો. આ કાળ દરમ્યાન અર્જુને મેળવેલ તાલિમ ખૂબ ઉપયોગી થઈ પડી.

પશુપત: ગુપ્તવાસના પાંચમા વર્ષ દરમ્યાન અર્જુન સૌને છોડી શિવજીના અંગત શસ્ત્ર પશુપત કે જે એટલું શક્તિશાળી હતું કે કોઇ પણ શસ્ત્રનો સામનો કરી શકે તેને મેળવવા શિવજીના તપ માટે હિમાલય જવા નીકળી પડે છે અર્જુને લાંબાસમય સુધી તપસ્યા કરી અને શિવજી પ્રસન્ન થયાં પણ તેની વધુ પરીક્ષા કરવા નક્કી કર્યું. તેમણે એક અસુરને મોટા વરાહના રૂપે તૈયાર કર્યો જે અર્જુનની તપસ્યા ભંગ કરે. વરાહથી ચિડાઇ અર્જુને તેનો પીછો કર્યો અને તેને મારવા તેના પર તીર છોડ્યાં. તેજ સમયે એક તોછડા શિકારી (શિવજી) નુ બીજું તીર પણ તે વરાહને વાગ્યું. શિકારી (કિરાત) અને યોદ્ધાના ગર્વ આધીન અર્જુન વચ્ચે કોના તીર દ્વારા વરાહ મર્યો તે વચ્ચે વિવાદ થયો. આ વિવાદ દ્વંદ્વયુદ્ધમાં પરીણમ્યો. શિકારીએ થોડાજ સમયમાં અર્જુનને અસ્ત્ર રહિત કરી દીધો. પોતાની હારથી લજ્જાસ્પદ થઈ અર્જુન સાધના માટે બનાવેલ શિવલિંગ તરફ ફર્યો અને ઉપાસના કરવા લાગ્યો. તે જે પણ ફૂલો ચઢાવ્યા તે સૌ જાદુથી કિરાત પર ચડવા લાગ્યાં. અર્જુન શિકારીની કરી ઓળખ પામી જાય છે અને શિવજી ના પગે પડે છે. શિવજી છેવટે તેને પશુપથ નું જ્ઞાન આપે છે. આ અસ્ત્ર મેળવી તે પોતાના જૈવિક પિતાને મળવા ઇંદ્રલોક જાય છે અને દેવો દ્વારા વધુ જ્ઞાન મેળવે છે. વધારામાં તે નિવત્કવચ અને કાલકેય નામના આકાશમાં રહેનારા અને દેવોને રંઝાડનાર બે અસુરોનો પણ નાશ કરે છે. આ બે રાક્ષસોએ બ્રહ્માજી પાસે દેવોથી અજેય રહેવાનું વરાદાન મેળવેલું હતું. દેવોની તાલીમ દ્વારા અર્જુન માનવ હોવાથી તેમને સફળતાથી મારી શક્યો.

ઉર્વશી નો શાપ ઇંદ્રલોકમાં ગાળેલા સમય દરમ્યાન ઉર્વશી નામની અપ્સરા અર્જુન પ્રત્યે આકર્ષિત થઇ અને અર્જુન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ભૂતકાળમાં ઉર્વશી ના લગ્ન પૌરવ નામના રાજા સાથે થયાં હતાં અને તેના દ્વારા તેમને આયુશ નામે એક પુત્ર હતો જે અર્જુનનો દૂરનો પિતરાઇ થતો હતો. આ સંબંધ અનુસાર તે ઉર્વશીને માતા સમાન જોતો હતો. આમ જણાવી તેણે ઉર્વશીના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. એક અન્ય મત અનુસાર ઉર્વશી અર્જુનના પિતા ઇંદ્રના દરબારની અપ્સરા હોવાથી તેને તે અમુક હદે માતા સમાન નિહાળતો હતો. પોતાનો અસ્વીકાર ઉર્વશીને અપમાન સમાન લાગ્યો. તેણે અર્જુનને સમજાવ્યું કે પૃથ્વીના કોઇ સંબંધો સ્વર્ગની અપ્સરાને બંધનકારી નથી. તેમ છતાં અર્જુન પોતાની વિચાર બંધન માંથી બહાર ન આવી શક્યો અને ઉર્વશીને કહ્યું, હું તો આપની સમક્ષ એક બાળક છું. આ ઉત્તર સાંભળી ઉર્વશીએ અર્જુનને નંપુસકતાનો શાપ આપ્યો. ઇંદ્રએ તેને શાપ ઘટાડવાનો કહ્યું આથી તેણે શાપની અવધી એક વર્ષ કરી અને પોતાના જીવનનો કોઇપણ એક વર્ષ તે પસંદ કરી વ્યંઢળ બની શકે તેવી જોગવાઇ રાખી. આ શાપ અર્જુન માટે વરદાન સાબિત થયો અને તેને તેણે ખૂબ જ અસર કારાક રીતે વનવાસના છેલ્લાં વર્ષ દરમ્યાન કર્યો જ્યારે તેમણે ગુપ્તાવાસમાં રહેવાનું હતું. કૌરવ સાથેના કરાર અનુસાર તે અને ૧૨ વર્ષ દેશવટો સહી તેરમા વર્ષે ગુપ્તાવાસમાં રહેવાનુ હતું. આ વર્ષ તેમણે વિરાટ રાજ્યમાં ગાળ્યો. અર્જુને આ વર્ષે ઉર્વશીના શાપનો ઉપયોગ કરી વ્યંઢળ તરીકે ગાળ્યો. તેને બ્રિહનાલ નામ લીધું. તે વર્ષના અંતે અર્જુને એકલે હાથે વિરાટ પર ચડી આવેલી કૌરવ સેનાને હરાવી હતી. તેની તે બહાદુરીના બદલા સ્વરૂપે અને પાંડવોની ખરી ઓળખ મેળવતા વિરાટ રાજે પોતાની કન્યા ઉત્તરાને અર્જુન સાથે પરણાવી. ઉંમરના અંતર ઉપરાંત વ્યંઢળ સ્વરૂપે નૃત્ય અને સંગીતનો પ્રશિક્ષક હોવાથી અર્જુને ઉત્તરાને કન્યા સમાન ગણી હોવાથી મૂંઝવણ વ્યક્ત કરી. અને જણાવ્યું કે ઉત્તરાના વિવાહ તેના પુત્ર અભિમન્યુ સાથે કરવામાં આવે. આ વિવાહ થકી જન્મેલ બાળક કુરુ કુળનો એક માત્ર વારસ જીવીત રહેવા પામ્યો.

હનુમાનજી[ફેરફાર કરો]

કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન કૃષ્ણની અંગત દેખરેખ અને દોરવણી ઉપરાંત હનુમાનજીનો પણ ટેકો હતો. અર્જુન રથ પર હનુમાનજીના ધ્વજ સાથે યુદ્ધભૂમિમાં ઉતર્યો. આનું કારણ અર્જુન અને હનુમાનજી વચ્ચે ઘટેલી એક ભૂતકાળની ઘટના હતી. રામેશ્વરમાં જ્યાં સીતાને બચાવવા જતાં શ્રી રામે લંકા સુધી પુલ બાંધ્યો હતો ત્યાં હનુમાનજી અર્જુનને એક સામાન્ય વાનર સ્વરૂપે મળ્યાં. પુલ બનાવવા વાનરોની મદદ લેવા કરતાં રામે તીરનો જ પુલ કેમ ન બનાવ્યો તેવી શંકા પ્રકટપણે વ્યક્ત કરતા હનુમાનજીએ (સામાન્ય વાનરના રૂપમાં) માત્ર તેનોજ ભાર ખમી શકે એવો પુલ બનાવવા આવાહ્ન કર્યું. વાનરની ખરી ઓળખથી અજાણ એવા અર્જુને તે આવાહ્ન સ્વીકારી લીધું. ઘડી ઘડી અર્જુને બનાવેલ પુલને આ વાનર તોડી પાડતો. પોતાની આવી અસમર્થતા જોઈ અર્જુન અત્યંત હતાશ થઈ ગયો અને તેણે આત્મહત્યાની તૈયારી કરી. ત્યારે વિષ્ણુ પ્રકટ થયા અને અર્જુનને તેના ગર્વ બદલ અને હનુમાનને અર્જુનને અસમર્થ(હીન) બતાવવા બદલ ઠપકો આપ્યો. પોતાના પશ્ચાતાપ સ્વરૂપે અને વળતર સ્વરૂપે હનુમાનજી ભવિષ્યના મહાયુદ્ધમાં અર્જુનના રથને સદ્ધર અને મજબૂત રાખવા વચન આપ્યું.

ભગવદ્ ગીતા[ફેરફાર કરો]

શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ દ્વારિકાના રાજા, યુદ્ધમાં નિષ્પક્ષ રહેવાનું નક્કી કરે છે. કારણકે પાંડવો અને કૌરવો બન્ને યાદવોના સંબંધી હતા અને મામાઈ ભાઈઓ હતાં. પણ કૃષ્ણએ અર્જુનની પડખે રહી તેની રક્ષા કરવાનું નક્કી કર્યું. શ્રી કૃષ્ણએ ૧૮ દિવસના તે યુદ્ધમાં અર્જુનના સારથી બનીને ઘણાં અવસરે અર્જુનની રક્ષા કરી અને તેને મૃત્યુથી બચાવ્યો. શ્રી કૃષ્ણના સંદર્ભમાં સારથીનો ભાવાર્થ માર્ગદર્શક તરીકે છે. અર્જુનના પ્રાણની રક્ષા કરવા સાથે શ્રી કૃષ્ણ અર્જુનને ધર્મ પણ ભગવદ્ ગીતા દ્વારા સમજાવે છે.

એમ બને છે - જ્યારે યુદ્ધ ભૂમિ પર બંને સેના એકબીજાની સામે ઉભી રહે છે ત્યારે અર્જુનનું હૃદય ભરાઈ આવે છે. તે સામે જુએ છે તો તેના જ ભાઈભાંડુ દેખાય છે. તેના જ વડીલો દેખાય છે બાળપણમાં જેમના ખોળામાં તે ખૂંદ્યો હતો, તેના ગુરુ જેમણે તેને પ્રથમ વખત ધનુષ્ય પકડતાં શીખવાડ્યું હતું. માત્ર એક રાજ્ય માટે શું આવા ગુણીજનોની, પોતાના ભાઈભાંડુઓની હત્યા કરવાનું યોગ્ય છે? આ પ્રશ્ને તે વિચલિત થઈ ઉઠ્યો. અર્જુનનું હૃદય આ વિચારે હતાશ થઈ જાય છે અને તે કૃષ્ણનું માર્ગદર્શન ચાહે છે.

આ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણ તેને સમજાવે છે. એ સંપૂર્ણ ઉપદેશ ભગવદ્ ગીતામાં છે. આ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ છે. આમાં કૃષ્ણ અર્જુનને વ્યક્તિગત સંબંધો, અંતિમ નુકસાન કે ફાયદો આદિની ચિંતા કર્યા વગર ધર્મ માટે, સત્ય માટે લડવા જણાવે છે, તે જ વ્યક્તિનું કર્તવ્ય છે તેમ સૂચવે છે. આ કર્તવ્ય અન્ય સૌ ધ્યેયથી મહાન છે. ભગવદ્ ગીતા પ્રભુ કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ વાર્તાલાપનો લેખ છે. પ્રભુ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંબંધનો એક આદર્શ સ્થાપિત કરે છે - પ્રભુ દ્વારા માર્ગદર્શિત માનવ.

ભગવદ્ ગીતા, એક વ્યક્તિ કે જે ભયાનક સૈદ્ધાંતિક ગડમથલમાં ફસાયો છે, તેને નૈતિક મૂલ્યોનો માર્ગ સમજાવે છે આ ગ્રંથ હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ ધરાવતો ગ્રંથ છે.

કુરુક્ષેત્ર[ફેરફાર કરો]

આમ શ્રી કૃષ્ણ દ્વારા 'અન્ય કોઈ પણ કર્તવ્ય કરતાં સત્ય અને ન્યાયના રસ્તે ચાલવું એ સૌથી મહાન કર્તવ્ય છે' તેવો બોધ પામી અર્જુન યુદ્ધમાં ભાગ લેવા પાંડવોની જીત માટે શસ્ત્ર ઉપાડે છે.

કર્ણવધ[ફેરફાર કરો]

અર્જુને કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન તેના જ એક ભાઈ કર્ણનો વધ કર્યો જે પાંડવો વિરુદ્ધ કૌરવોને પક્ષે લડતો હતો. અર્જુને કર્ણનો વધ તેની સાથેના સંબંધને અજાણતા કર્યો. કર્ણ અને અર્જુન વચ્ચે વેર ત્યારે નિર્માણ થયું જ્યારે રાજ પરીક્ષામાંથી કુળને આધારે ગુરુ દ્રોણે કર્ણને અર્જુનનો સામનો કરતાં અટકાવ્યો હતો અને તેણે તે અપમાનનું વેર વાળવાની પ્રતિજ્ઞા કરી હતી. દ્યુતની એ હાર પછી કર્ણે દ્રૌપદી અને પાંડવોનું ભરી સભામાં અપમાન કર્યું હતું. વળી, અભિમન્યૂની નિર્મમ હત્યા કરવામાં કર્ણ પણ બરાબરનો ભાગીદાર હતો. આને લીધે અર્જુન પણ કર્ણના વધ માટે આતુર હતો. આથી અભિમન્યૂની વીર ગતિને બીજે જ દિવસે અર્જુને કર્ણના પુત્રના વધ માટે ભીમને સહાય કરી. આ ઘટનાઓની પૂર્વભૂમિકામાં બંને વીર યોદ્ધાઓ વચ્ચે યુદ્ધના અંતિમ ચરણમાં ભયંકર દ્વંદ્વયુદ્ધ થયું. ઘણાં લાંબા સમય સુધી બંને યોદ્ધાઓ એક બીજા પર એકથી એક ચડિયાતા અસ્ત્રોના પ્રહાર કરતા ગયા. તેમનું કૌશલ અને વીરતા અન્ય સૌ સૈનિકોમાં ચર્ચાનો વિષય બની ગઈ. કર્ણ એ જાણતો હતો કે તે સામાન્ય શસ્ત્રોથી અર્જુનને પરાસ્ત કરી નહીં શકે આથી તેણે સર્પાસ્ત્ર ઉપાડ્યું. આ સર્પાસ્ત્રનો ઉપયોગ તે માત્ર એક જ વખત કરશે એવું વચન તેણે કુંતીને આપ્યું હતું. તે અર્જુન પર સર્પાસ્ત્રથી વાર કરે છે, પણ સર્પ અશ્વસેન અર્જુનને મારી નાખવા તેમાં પ્રવેશ કરે છે જેની માતાને અર્જુને મારી નાખી હતી. પણ અણીના સમયે શ્રી કૃષ્ણ અર્જુનને બચાવી લે છે. આથી અર્જુનનો ક્રોધ ભભૂકી ઉઠે છે. તે કર્ણ પર અસંખ્ય બાણોની વર્ષા કરે છે અને કર્ણ ઘાયલ થઇ જાય છે. જ્યારે કર્ણ પોતાનો રથ ઉપાડવા મથે છે ત્યારે કૃષ્ણ અર્જુનને ઘાયલ અભિમન્યૂ તરફ કર્ણના દયાહીન ક્રૂર અને અનૈતિક હુમલાની યાદ દેવડાવી તેની હત્યા કરવા કહે છે. આમ અર્જુન કર્ણની હત્યા કરે છે. અંતે કર્ણના પાપ તેની જ આડે આવે છે અને તે મૃત્યુ પામે છે. મહાભારતમાંં હજી વધુ ઉદાહરણ સામે આવે છે કે માણસે કરેલા કર્મો જ તેની નિયતિ કેવી હશે તે નક્કી કરે છે. માટે સારી નિયતિ માટે સારા કર્મો કરવા.

જયદ્રથવધ[ફેરફાર કરો]

એક અન્ય યાદગાર ઘટનામાં અર્જુન તેના પુત્ર અભિમન્યુના મૃત્યુનો બદલો લેતાં કૌરવોની અક્ષૌહિણી સેનાના ૧૦૯૩૫૦ સૈનિકોને એક જ દિવસમાં સાફ કરી નાખે છે. અભિમન્યૂને કૌરવ સેનાના સૌ મહારથીઓ એ સાથે મળીને ચક્રવ્યુહમાં તેની હત્યા કરી હતી. તે પણ ત્યારે કે જ્યારે તે થાકી ગયો હતો શસ્ત્રોવિહીન થઈ ગયો હતો. ચક્રવ્યૂહની રચનાને તોડવાની કળા માત્ર કૃષ્ણ, અર્જુન, દ્રોણ અને કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન જ જાણતો હતો. અભિમન્યૂના વધ પછી અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે જો બીજા દિવસે સાંજ સુધી તે સિંધુનરેશ જયદ્રથનો વધ નહિ કરે તો તે અગ્નિ સ્નાન કરશે. આથી કૌરવો એ જયદ્રથને અર્જુનથી દૂર રાખવા અક્ષૌહિણી સેના ગોઠવી. દિવસ દરમ્યાન અક્ષૌહિણી સેનાનો વધ કરવા છતાં અર્જુન જયદ્રથ સુધી ન પહોંચી શક્યો અને તેમની વચ્ચે હજી ઘણાં સૈનિકો હતા. સૂર્યાસ્તનો સમય નજીક આવ્યો અને સૌને ખાત્રી થઈ ગઈ કે હવે અર્જુનનો અગ્નિપ્રવેશ અટળ છે. પોતાના મિત્રનુંં ભાવિ જોતાં કૃષ્ણે સુદર્શન ચક્ર વાપરી સૂર્યને ઢાંકી દીધો અને કૃત્રિમ સૂર્યગ્રહણની ભ્રમણા નિર્માણ કરી. સૂર્યાસ્ત થયેલો જાણી કૌરવો અર્જુનના પરાભવનીએ ખુશીઓ મનાવવા લાગ્યાં. જયદ્રથ પણ તે ખુશીમાં પોતાની સંતાવાની ગુપ્ત જગ્યામાંથી બહાર નીકળી આવ્યો. કૃષ્ણએ આ તકે ચક્ર હટાવી લીધું સૂર્ય બહાર આવી ગયો અને તેમણે અર્જુનને જયદ્રથને મારી નાખવા વિનંતી કરી. અર્જુને એક શક્તિશાળી બાણના પ્રહાર વડે જયદ્રથને હણી દીધો. કૃષ્ણ દ્વારા પોતાના સાચા અને ધર્મના પંથે ચાલનારા ભક્તોની કરાતી રક્ષાની વાત અધૂરી રહી જાય જો હજી એક વાતની નોંધ ન લેવાય. જયદ્રથના દુષ્ટ અને પાપી પિતા વૃધક્ષેત્રએ જયદ્રથને એવું વરદાન આપ્યું હતુ કે જેના દ્વારા તેનું માથું ધરાશાયી થશે તેનુ તત્કાળ માથું ફાટીને મોત થશે. કૃષ્ણના કહેવા પર અર્જુને બાણ એવી રીતે ચલાવ્યું કે જેથી જયદ્રથનું માથું યુદ્ધભૂમિ પાસે ધ્યાન ધરી રહેલ તેના પિતાના ખોળામાં પડ્યું. અચાનક ચોંકીને ઉભા થતાં તેના પિતાના ખોળામાંથી જયદ્રથનું માથું જમીન પર પડ્યું અને તત્કાળ તેના પિતાનું મોત થયું.

યુદ્ધ પછી[ફેરફાર કરો]

યુદ્ધ પછી પાંડવો અખંડ હસ્તિનાપુરના રાજા બન્યા. ત્યાર બાદ યુદ્ધમાં તેમના સાથી રાજાઓનો સાથ અને વિરોધી રાજાઓની હાર થકી તેમને લાગ્યું કે તે અશ્વમેધ યજ્ઞ માટેનો ઉચિત સમય છે જેના પછી તેઓ પોતાને ચક્રવર્તી ઘોષિત કરી શકે. આ યજ્ઞની વિધિ અનુસાર મંત્રોચ્ચાર પછી એક ઘોડાની આહુતિ અપાય છે અર્થાત યજ્ઞ પછી એક ઘોડાને તેની ઇચ્છા અનુસાર ભટકવા છૂટો છોડી દેવામાં આવે છે. તે ઘોડો જે જે ભૂમિ પર જાય ત્યાંના રાજાએ યા તો તેના માલિક અર્થાત્ યુધિષ્ઠિરનું આધિપત્ય સ્વીકારવું અથવા તેની સામે યુદ્ધ કરવું. આ મુક્ત વિહરતા ઘોડા પાછળ અર્જુન સશસ્ત્ર ઘોડો લઈને ગયો. ક્યાંક રાજાઓએ સમર્પણ કર્યું તો ક્યાંક તેને સશસ્ત્ર પ્રતિરોધનો સામનો પણ કરવો પડ્યો. આમ પાંડવોના રાજ્યની સીમા વધારવામાં તેનો મોટો ફાળો રહ્યો. તેની ઉત્તરપથની કૂચમાં લગભગ ૩૦ જેટલા રજવાડાઓનો અંત થયો જેવા કે પ્રજ્યોતિશા, ઉલુકા, મોડાપુરા, વામદેવ, સુડામણ, સુશાંકુળ, ઉત્તર ઉલ્લુકા પુરુ કુળ વિશ્વગાસ્વ, ઉત્સવ સંકેત, લોહીત, ત્રિગર્ત, દારવ, અભિસર, કોકોંડાણા, ઉર્સા, સિંહપુર, સુહ્મા, સુમલા, બલ્હિકા, કમ્ભોજ. એ પછી આ ડાકુ ટોળકીઓ પર્વતી ક્ષેત્રો તરફ પલાયન કરી ગઈ. ત્યાર પછી અર્જુન શકદ્વીપ ક્ષેત્રમાં પ્રવેશ્યો અને તેણે લોહા, પરમ કુમ્ભોજ, ઉત્તર રિશિક, લીમ્પુરુષ, હરતક, ગાંધર્વ અને ઉત્તરકુરુ આદિને હરાવ્યા. તે સમય પછી ઉંમર થતાં પાંડવ ભાઈઓએ સંસારની માયાઓ છોડી દેવાનો નિર્ણય કર્યો. તેમણે રાજપાટ અભિમન્યૂના પુત્ર પરીક્ષિતને સોંપી દીધું. પછી હાડ ગાળવા તેમણે હિમાલય તરફ પ્રયાણ કર્યું.

કર્ણ વચ્ચે તફાવત[ફેરફાર કરો]

અર્જુન અને કર્ણ વચ્ચે આમ તો ઘણી સામાન્યતા છે. બંને કુશળ ધનુર્ધર હતાં અને બંનેએ દ્રૌપદીને મેળવવા સ્વયંવરમાં ભાગ લીધો હતો. બંને વચ્ચે ઉંડી સામ્યતા તેમાં છે કે બંનેએ કૌરવોને લોહીના સંબંધે કે મિત્રાચારીના હિસાબે નજીકના જાણ્યા. કૃષ્ણ સાથે કર્ણનો પ્રવાસ ભગવદ્ ગીતા જેવો જ છે જેમાં કૃષ્ણ અર્જુનને પોતાના કર્તવ્યનું ભાન કરાવે છે. તેમના નિર્ણયો અને નીપજેલા પરિણામની તેમના પર અને તેમના પરિવારો પર થયેલ અસર આદિ બતાવી કર્તવ્યના મહત્વનું વર્ણન કરેલ છે. અર્જુન એક આદર્શ વિદ્યાર્થી, એકાગ્રતા પરીસીમા તરીકે એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. કૃષ્ણના તેની તરફના સંલગ્નતા સાથે હોવામાત્રથી કેટલા વરદાન તે મેળવી શક્યો હતો. અમુક કૃત્યો જેથી તેના નામને દાગ લાગ્યો તે છે-ભીમ દ્વારા કર્ણના પુત્રના વધ માટે પાછળથી કરેલ સહાયતા, શિખંડીની સહાયતા દ્વારા થયેલ ભીષ્મ પિતાની હત્યા અને તેના ભાઈ યુધિષ્ઠિર દ્વારા બોલાયેલ અસત્ય જેથી ગુરુ દ્રોણની હત્યા થઈ.

અન્ય નામો[ફેરફાર કરો]

 • પાર્થ (કુંતીનું અન્ય નામ -”પૃથા”નો પુત્ર).
 • જીષ્ણુ (અજેય)
 • કિરીટ ( ઇંદ્ર દ્વારા ભેટમાં મળેલ - ચમકતું મુગટ)
 • શ્વેતવાહન ( એક ચમકતો દૈવી ઘોડો)
 • ભીભસ્તુ (ગોરો લડવૈયો)
 • વિજય (જીતેલો)
 • ફાલ્ગુણ (ઉત્તર ફાલ્ગુણ નક્ષત્રમાં જન્મેલ)
 • સવ્યસાચી (બંને હાથે બાણ છોડી શકનાર)
 • ધનંજય (મહા સંપત્તિનો ધની)
 • ગાંડીવ (ગાંડીવ નામના ધનુષ્યનો ધારક)
 • કૃષ્ણ (શ્યામ ચામડી વાળો, પાંડુ દ્વારા અપાયેલ નામ જેને કૃષ્ણ પ્રિય હતો.)
 • કપીદ્વજ (વાનરના ધ્વજ વાળો)
 • ગુડકેશ (નિંદ્રાને જીતનાર, ભયંકર કાળી રાત્રે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતાં આ નામ મળેલ)

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]