સુભદ્રા
સુભદ્રા | |
---|---|
દેવી યોગમાયાનો અવતાર | |
![]() અર્જુન અને સુભદ્રા. રાજા રવિ વર્મા દ્વારા દોરાયેલું ચિત્ર | |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | અર્જુન |
બાળક | અભિમન્યુ (પુત્ર), ઉત્તરા (પુત્રવધુ) અને પરિક્ષિત (પૌત્ર) |
માતા-પિતા | વાસુદેવ (પિતા), દેવકી (સાવકી માતા), રોહીણી (માતા) |
સહોદર | કૃષ્ણ અને બલરામ (ભાઈઓ) |
સુભદ્રા (સંસ્કૃત: सुभद्रा) એ હિંદુ મહાકાવ્ય મહાભારતમાં ઉલ્લેખિત દ્વારકાની રાજકુમારી છે. તે હિન્દુ શાસ્ત્રોમાં દેવતાઓ કૃષ્ણ અને બલરામની બહેન છે. સુભદ્રાએ પાંડવ ભાઈઓમાંના એક અર્જુન સાથે લગ્ન કર્યા અને તેને અભિમન્યુ નામનો એક પુત્ર હતો.
સુભદ્રા, પુરીના જગન્નાથ મંદિરમાં પૂજાતા દેવતાઓના ત્રિભુજનો એક ભાગ છે, જેમાં કૃષ્ણ (જગન્નાથ તરીકે) અને બલરામ (અથવા બલભદ્ર) નો સમાવેશ થાય છે. વાર્ષિક રથયાત્રામાંનો એક રથ તેમને સમર્પિત છે.
નામકરણ
[ફેરફાર કરો]સંસ્કૃત નામ સુભદ્રા એ બે શબ્દોનો બનેલો છે: સુ અને ભદ્રા. ઉપસર્ગ સુ એ સારપ સૂચવે છે,[૧] જ્યારે ભદ્રાને નસીબ અથવા ઉત્કૃષ્ટતા તરીકે અનુવાદિત કરવામાં આવે છે.[૨] આ નામનો અર્થ 'ગૌરવશાળી', 'ભાગ્યશાળી', 'ભવ્ય', અથવા 'શુભ' એવો થાય છે.[૩]
મહાભારતમાં જ્યારે તેનો અર્જુન સાથે પરિચય કરાવવામાં આવે છે ત્યારે સુભદ્રાને ભદ્રા તરીકે ઓળખવામાં આવે છે, જેનો શાબ્દિક અર્થ 'ભાગ્યશાળી' થાય છે.[૪] મહાભારતના પરિશિષ્ટ, હરિવંશ અનુસાર, તેણીનું જન્મ નામ ચિત્રા હતું, જેનો અર્થ 'તેજસ્વી, સ્પષ્ટ, ઉત્તમ અથવા રંગીન' થાય છે.[૫]
દંતકથા
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]સુભદ્રાનો જન્મ યાદવ પ્રમુખ વાસુદેવ અને તેમની પત્ની રોહિણીને ત્યાં થયો હતો, તેણી બલરામ અને કૃષ્ણની બહેન હતી. મહાકાવ્ય મહાભારત અનુસાર, તે વાસુદેવની પ્રિય પુત્રી હતી.
અર્જુન સાથે વિવાહ
[ફેરફાર કરો]
સુભદ્રાના અર્જુન સાથેના લગ્નનું વર્ણન સૌ પ્રથમ મહાભારતના પ્રથમ ગ્રંથ આદિ પર્વના સુભદ્રાહરણ વિભાગમાં કરવામાં આવ્યું છે. મહાકાવ્યના વિવિધ સંસ્કરણોમાં કથાના વિવિધ વિવરણોનો સમાવેશ થાય છે, જેમાં પાછળથી વ્યુત્પન્ન લખાણો તેમાં વધુ વિગતો ઉમેરે છે.[૬]
મહાભારતના ચતુર્ધર સંસ્કરણ અનુસાર, અર્જુન પોતાની સામાન્ય પત્ની દ્રૌપદી સાથે અંગત સમય ગાળવા અંગે પોતાના ભાઈઓ સાથે થયેલી સમજૂતીની શરતો તોડવા માટે આત્મ-નિર્ધારિત તીર્થયાત્રાની પર હતો. અર્જુન દ્વારકા પહોંચ્યો અને ત્યાં તેના મામાના પુત્ર કૃષ્ણને મળ્યો અને રૈવત પર્વત પર આયોજિત એક ઉત્સવમાં ભાગ લીધો. ત્યાં અર્જુને સુભદ્રાને જોઈ અને તેની સુંદરતાથી પ્રભાવિત થયો અને તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. કૃષ્ણએ જાહેર કર્યું કે તેણી વાસુદેવ અને રોહિણીની સંતાન છે, અને તેની સાવકી બહેન છે. કૃષ્ણએ જણાવ્યું હતું કે તેઓ સુભદ્રાના સ્વયંવરમાં તેણીના નિર્ણયનું પૂર્વાનુમાન કરી શકતા નથી અને અર્જુનને સુભદ્રા સાથે ભાગી જવાની સલાહ આપી હતી. યુધિષ્ઠિરને પરવાનગી માટે મોકલવામાં આવેલા પત્રની સંમતિ મળ્યા પછી, અર્જુન એક રથને પહાડો તરફ હંકારી ગયો અને સુભદ્રાને પોતાની સાથે લઈ ગયો. સુભદ્રાના રક્ષકોએ તેમને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો પછી, યાદવો, વૃષ્ણીઓ અને અંધકોએ આ બાબતે ચર્ચા કરવા માટે એક બેઠક યોજી હતી. કૃષ્ણએ તેમને દિલાસો આપ્યા પછી, તેઓ સંમત થયા, અને આમ, અર્જુને સુભદ્રા સાથે વૈદિક વિધિથી લગ્ન કર્યા.[૪] ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંકલિત મહાભારતની વિવેચનાત્મક આવૃત્તિમાં પણ આવી જ એક કથાનો સમાવેશ કરવામાં આવ્યો છે.[૭]
મહાભારતની કુંભકોણમ આવૃત્તિ (દક્ષિણી સંસ્કરણ) સુભદ્રાના અપહરણનું એક અલગ વર્ણન રજૂ કરે છે, જે ચતુર્ધર સંસ્કરણથી ભિન્ન છે. આ પ્રસ્તુતિ કથાને પરસ્પર પ્રેમકથામાં પરિવર્તિત કરે છે, જે ઘટનાઓ વિશે વધારાની વિગતો પૂરી પાડે છે. આ સંસ્કરણ અનુસાર, પોતાની તીર્થયાત્રા દરમિયાન અર્જુન પ્રભાસ પહોંચ્યો, જ્યાં તેની મુલાકાત યાદવના વડા ગદા સાથે થઈ. ગદાએ અર્જુનને સુભદ્રા વિશે કહ્યું, અર્જુનની તેની સાથે લગ્ન કરવાની ઇચ્છાને જાગૃત કરી. આ ઉદ્દેશની પ્રાપ્તિમાં, અર્જુને કૃષ્ણ તેના લગ્નમાં મદદ કરશે એવી આશા સાથે તપસ્વીનો વેશ ધારણ કરી, એક વૃક્ષ નીચે ધ્યાન ધર્યું. તે જ સમયે, દ્વારકામાં, કૃષ્ણ, તેમની દૈવી શક્તિઓનો ઉપયોગ કરીને, અર્જુનની આકાંક્ષાથી વાકેફ થયા અને પ્રભાસમાં તેની મુલાકાત લીધી. કૃષ્ણ અર્જુનને રૈવાટક પર્વત તરફ દોરી ગયા, જે અગ્રણી યાદવો માટે યોજાઈ રહેલા ઉત્સવનું સ્થળ હતું. ઉત્સવ દરમિયાન, અર્જુન, કૃષ્ણની સાથે, સુભદ્રાને મળ્યો અને તેના આકર્ષણથી મોહિત થઈ ગયો.
ભાગવત પુરાણમાં અર્જુનને પસંદ કરવામાં સુભદ્રાની ભૂમિકાનું વર્ણન કરવામાં આવ્યું છે. બલરામે કૌરવોમાંના એક દુર્યોધનને સુભદ્રાના પતિ તરીકે તેની સંમતિ વિના પસંદ કર્યો હોવાની વિગતો પણ તેમાં ઉમેરવામાં આવી છે. સુભદ્રાના ભાગી જવાના સમાચાર મળ્યા પછી બલરામ અર્જુન સામે યુદ્ધ કરશે એ જાણ્યા પછી કૃષ્ણે અર્જુન માટે સારથિ બનવાનું નક્કી કર્યું. સુભદ્રા અર્જુન સાથે ભાગી ગઈ હોવાના સમાચાર મળ્યા બાદ બલરામે સંમતિ આપી હતી અને સુભદ્રાના લગ્ન અર્જુન સાથે દ્વારકામાં કરાવ્યા હતા.[૮][૬]
વૈવાહિક જીવન
[ફેરફાર કરો]પાંડવોની રાજધાની ઇન્દ્રપ્રસ્થમાં અર્જુન સુભદ્રા સાથે પાછો ફર્યો ત્યારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની પ્રથમ પત્ની દ્રૌપદી વિશે પૂછપરછ કરતાં, તેના ભાઈઓએ જણાવ્યું કે દ્રૌપદી ગુસ્સાને કારણે કોઈને પણ મળવાની ઈચ્છા ધરાવતી નથી. અર્જુને, સમાધાનના પ્રયાસમાં, સુભદ્રાને એક સરળ ગોપ કન્યાના વેશમાં દ્રૌપદી સામે રજૂ કરી. સુભદ્રાએ પોતાની જાતને એક ગોપાલક અને કૃષ્ણની નાની બહેન તરીકે રજૂ કરી દ્રૌપદી સમક્ષ પોતાની સંપતિ સોંપી, પોતાની જાતને તેણીની દાસી તરીકે રજૂ કરી હતી. આ ચેષ્ટાએ વિશ્વાસ અને સ્નેહ કેળવ્યો. સુભદ્રાએ નમ્રતાપૂર્વક દ્રૌપદીનું સ્થાન લેવાની અનિચ્છા જાહેર કરી. પ્રેમના આ પ્રદર્શનથી ઉત્સાહિત દ્રૌપદીએ સુભદ્રાને ગળે લગાવી, તેને એક નાની બહેન તરીકે તથા અર્જુનની પત્ની તરીકે સ્વીકારી.[૯]
સુભદ્રા અર્જુન સાથે ઇન્દ્રપ્રસ્થમાં રોકાઈ હતી જ્યાં તેણે અભિમન્યુને જન્મ આપ્યો હતો. કૌરવો દ્વારા પાંડવોને તેર વર્ષ વનવાસ ભોગવવાની ફરજ પડી તે પછી, સુભદ્રા અને અભિમન્યુ દ્વારકા ગયા. વનવાસનો સમયગાળો પૂરો થયા બાદ સુભદ્રા અભિમન્યુના લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહી હતી જે ઉપલવ્ય શહેરમાં યોજાયો હતો. જ્યારે અભિમન્યુ કુરુક્ષેત્રના યુદ્ધમાં મૃત્યુ પામ્યો, ત્યારે સુભદ્રાએ તેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. યુદ્ધ પછી, તેણી યુધિષ્ઠિર દ્વારા આયોજિત અશ્વમેધ યજ્ઞમાં પણ હાજર હતી.[૮]
જીવન ઉત્તરાર્ધ
[ફેરફાર કરો]પરીક્ષિત રાજ્યાસન પર બેઠા પછી, સ્વર્ગ તરફ પ્રયાણ કરતી વખતે, યુધિષ્ઠિરે બંને રાજ્યોને તેના પૌત્ર દ્વારા શાસિત રાખવાની જવાબદારી સોંપી હતી અને ઇન્દ્રપ્રસ્થ પર તેના ભાઈ કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભ દ્વારા શાસન કરવામાં આવ્યું હતું. તેણીનું મૃત્યુ કેવી રીતે અને ક્યારે થયું તે વિશે મહાકાવ્યમાં કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી પરંતુ એવું માનવામાં આવે છે કે પાંડવો દ્રૌપદી સાથે સ્વર્ગમાં પહોંચ્યા પછી, સુભદ્રા અને તેની પુત્રવધૂ (ઉત્તરા) તેમનું શેષ જીવન સંન્યાસી તરીકે વીતાવવા જંગલમાં ગયા હતા.[૧૦]
પૂજા
[ફેરફાર કરો]-
સુભદ્રા તેના ભાઈઓ બલભદ્ર (બલરામ) અને જગન્નાથ (કૃષ્ણ) સાથે મધ્યમાં.
હિંદુઓનો અમુક વર્ગ સુભદ્રાને યોગમાયા નામની દેવીનો અવતાર માને છે. સુભદ્રા, પુરી ખાતેના જગન્નાથ મંદિરમાં કૃષ્ણ (જગન્નાથ તરીકે) અને બલરામ (અથવા બલભદ્ર) સાથે પૂજાતા ત્રણ દેવતાઓમાંની એક છે. વાર્ષિક રથયાત્રામાં એક રથ તેમના માટે સમર્પિત હોય છે. તે સિવાય ઑડિશા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં પણ કેટલાક સમુદાય દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે.[૧૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Baldi, Philip; Dini, Pietro U. (1 January 2004). Studies in Baltic and Indo-European Linguistics: In Honor of William R. Schmalstieg (અંગ્રેજીમાં). John Benjamins Publishing. પૃષ્ઠ 103. ISBN 978-90-272-4768-1.
- ↑ Bopp, Franz (1845). A Comparative Grammar of the Sanscrit, Zend, Greek, Latin, Lithuanian, Gothic, German, and Sclavonic Languages (અંગ્રેજીમાં). Madden and Malcolm. પૃષ્ઠ 398.
- ↑ Monier-Williams, Leumann & Cappeller 1899, p. 1229.
- ↑ ૪.૦ ૪.૧ Ganguli 1883.
- ↑ Monier-Williams, Leumann & Cappeller 1899, p. 396.
- ↑ ૬.૦ ૬.૧ Vemsani, Lavanya (2021-05-21). Feminine Journeys of the Mahabharata: Hindu Women in History, Text, and Practice (અંગ્રેજીમાં). Springer Nature. ISBN 978-3-030-73165-6.
- ↑ Debroy, Bibek. The Mahabharata (Version 2).
- ↑ ૮.૦ ૮.૧ Mani 1975.
- ↑ Srivastava 2017.
- ↑ Mahaprasthanika Parva https://www.sacred-texts.com/hin/m17/m17001.htm
- ↑ "Why Subhadra Is Worshipped With Krishna In Jagannath Yatra". indiatimes.com. indiatimes.com. મૂળ માંથી 29 જૂન 2017 પર સંગ્રહિત. મેળવેલ 15 June 2017.