વિદુર
વિદુર (સંસ્કૃત: विदुरः) કૌરવો અને પાંડવોના કાકા તથા ધૃતરાષ્ટ્ર અને પાંડુના ભાઈ હતા. તેમનો જન્મ મહર્ષિ વેદવ્યાસ તથા રાણી અંબિકાની દાસીથી થયો હતો. એક માન્યતા મુજબ તેમને ધર્મરાજના અવતાર પણ માનવામાં આવે છે. તેઓ નીતિમાં પારંગત અને રાજકારણમા પરમ પ્રવીણ હતા. હસ્તિનાપુર રાજ્યના તેઓ પ્રધાનમંત્રી હતા. પાંડવો માટે ભગવાન શ્રી કૃષ્ણ પછી સૌથી વધુ વિશ્વાસુ સલાહકાર પણ હતા. વિદુરે આપેલી સલાહ અને સમજ વિદુરનીતિ તરીકે પ્રખ્યાત છે.
જન્મ
[ફેરફાર કરો]અંબિકા કાશીના રાજાની ત્રણ પુત્રીઓમાં વચ્ચેની પુત્રી હતી જેને ભીષ્મએ સ્વયંવરમાં જીતી ને વિચિત્રવિર્ય સાથે પરણાવી હતી. લગ્ન પછી થોડા સમયમા વિચિત્રવિર્યને ક્ષયનો રોગ થવાથી તેઓ નિ:સંતાન મૃત્યુ પામ્યા. અંબિકા તથા તેની નાની બહેન અંબાલિકાથી રાજ્યને ઉત્તરાધિકારી આપવા માટે સત્યવતીએ ભીષ્મને વિનવ્યા પરંતુ ભીષ્મ પોતાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞામાં અડગ રહ્યા.
ત્યાર બાદ સત્યવતીએ તેમના પહેલા પુત્ર ઋષિ વેદવ્યાસને અંબીકા તથા અંબાલીકાથી સંતાનોત્પત્તિ માટે આજ્ઞા આપી. ઋષિ વેદવ્યાસનું તેજ તથા તેમના ભયંકર રુપને જોતાજ અંબિકાથી આંખો મીચાઇ ગઇ, આમ તે અંધ ધૃતરાષ્ટ્રની માતા બની. આ સમાચાર સાંભળી સત્યવતી વ્યથીત થયા અને ફરીથી તેણે ઋષિ વેદવ્યાસને અંબિકા પાસે જવા કહ્યું. પરંતુ અંબિકાએ સ્વયં ન જતા પોતાની દાસીને ઋષિ પાસે મોકલી. દાસી ન તો વેદવ્યાસને જોઈને ડરી કે ન તો ફિક્કી પડી અને આમ દાસીથી પરમ વિદ્વાન વિદુરનો જન્મ થયો.