ઉત્તરા
ઉત્તરા | |
---|---|
![]() યુદ્ધ માટે જતા પહેલા ઉત્તરાને સાંત્વના આપતો અભિમન્યુ , ચિત્રણ એસ.એન. દાસ | |
માહિતી | |
કુટુંબ | વિરાટ (પિતા) સુદેશણા (માતા) ઉત્તર (ભાઈ) શંખા (ભાઈ) |
જીવનસાથી | અભિમન્યુ |
બાળકો | પરિક્ષિત |
ઉત્તરા (સંસ્કૃત: उत्तरा) મત્સ્યની રાજકુમારી હતી. હિન્દુ મહાકાવ્ય મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે તે રાજા વિરાટ અને રાણી સુદેશણાની પુત્રી હતી. અજ્ઞાતવાસ દરમિયાન તેણીએ અર્જુન પાસેથી સંગીત અને નૃત્ય શીખ્યા હતા અને પછીથી તેના પુત્ર, અભિમન્યુ સાથે લગ્ન કર્યા હતા. કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન ઉત્તરા નાની ઉંમરે જ વિધવા થઈ હતી. યુદ્ધમાં પાંડવોના વિજય બાદ, તેણી અને તેના ન જન્મેલા પુત્ર પર અશ્વત્થામા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ કૃષ્ણના દૈવી હસ્તક્ષેપથી તેઓ બચી ગયા હતા. તેના પુત્ર પરિક્ષિતે કુરુ વંશને લુપ્ત થતો બચાવ્યો, અને મહાભારત અને ભાગવત પુરાણ બંનેમાં પ્રખ્યાત રાજા બન્યો.[૧]
વ્યુત્પત્તિશાસ્ત્ર
[ફેરફાર કરો]સંસ્કૃત નામ ઉત્તરમાં આ પ્રત્યય લગાવી સ્ત્રીલિંગ નામ ઉત્તરા કરવામાં આવ્યું છે. તેના બહુવિધ અર્થો થઈ શકે છે; બ્રિટિશ ઇન્ડોલોજિસ્ટ મોનિયર વિલિયમ્સના મતે, આ સંદર્ભમાં, તેનો અર્થ 'ઉપરી', 'ઉચ્ચતર', 'શ્રેષ્ઠ' અથવા 'ઉત્કૃષ્ટ' એવો થાય છે. આ શબ્દનો ઉપયોગ 'ઉત્તર દિશા' તેમજ 'જવાબ' દર્શાવવા માટે પણ થાય છે. મહાભારતમાં આ જ નામનું પુરુષ સ્વરૂપ તેના મોટાભાઈના નામ તરીકે જોવા મળે છે.[૨]
સાહિત્યિક પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]ઉત્તરા ભારતીય ઉપખંડના સંસ્કૃત મહાકાવ્યોમાંનું એક એવા મહાભારતનું એક મહત્ત્વનું પાત્ર છે. આ કૃતિ શાસ્ત્રીય સંસ્કૃતમાં લખાયેલી છે અને તે ઘણી સદીઓથી સંશોધન, સંપાદન અને અંતર્વર્ધન સંમિશ્રિત કાર્ય છે. લખાણના હયાત સંસ્કરણનો સૌથી જૂના ભાગો ઈ.પૂ. ૪૦૦ની આસપાસનો હોઈ શકે છે.[૩]
મહાભારતની હસ્તપ્રતો અસંખ્ય આવૃત્તિઓમાં અસ્તિત્વ ધરાવે છે, જેમાં મુખ્ય પાત્રો અને પ્રસંગોની વિશિષ્ટતાઓ અને વિગતો ઘણી વાર નોંધપાત્ર રીતે બદલાય છે. ભગવદ્ ગીતાના જે વિભાગો અસંખ્ય હસ્તપ્રતો વચ્ચે નોંધપાત્ર રીતે સુસંગત છે તે સિવાય, બાકીનું મહાકાવ્ય ઘણી આવૃત્તિઓમાં અસ્તિત્વ ધરાવે છે.[૪] ઉત્તર અને દક્ષિણીય સંસ્કરણો વચ્ચેનું અંતર વિશેષરૂપથી નોંધપાત્ર છે, જેમાં દક્ષિણની હસ્તપ્રતો વધુ પ્રચુર અને પ્રમાણમાં લાંબી છે. વિદ્વાનોએ વિવેચનાત્મક આવૃત્તિનું નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો છે, જે મોટે ભાગે "બોમ્બે" આવૃત્તિ, "પૂના" આવૃત્તિ, "કલકત્તા" આવૃત્તિ અને હસ્તપ્રતોની "દક્ષિણ ભારતીય" આવૃત્તિઓના અભ્યાસ પર આધાર રાખે છે. સૌથી વધુ સ્વીકૃત આવૃત્તિ ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં વિષ્ણુ સુકથંકરની આગેવાની હેઠળના વિદ્વાનો દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે ક્યોટો યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને વિવિધ ભારતીય વિશ્વવિદ્યાલયોમાં સચવાયેલી છે.[૫]
ઉત્તરાનો ઉલ્લેખ પછીથી લખાયેલા પૌરાણિક ગ્રંથોમાંના કેટલાકમાં પણ જોવા મળે છે, જેમાં સૌથી મુખ્ય કૃષ્ણ-સંબંધિત ભાગવત પુરાણ છે.[૬]
જીવન
[ફેરફાર કરો]મહાભારત અનુસાર, ઉત્તરાનો જન્મ મત્સ્ય સામ્રાજ્યના રાજા વિરાટ અને તેના પત્ની સુદેશણાને ત્યાં થયો હતો, જે કેકેયના સૂત રાજાની પુત્રી હતી. તેણીને બે મોટા ભાઈઓ ઉત્તર અને શંખા અને એક સાવકી બહેન શ્વેતા હતી.[૭]
ઉત્તરને મહાકાવ્યના ચોથા પ્રકરણ વિરાટપર્વમાં મુખ્ય કથામાં રજૂ કરવામાં આવી છે, જેમાં પાંચ પાંડવ ભાઈઓ અને તેમની પત્ની દ્રૌપદીના દેશનિકાલના છેલ્લા વર્ષ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જે તેમણે અજ્ઞાતવાસમાં પસાર કરવું પડ્યું હતું. તેઓ મત્સ્યદેશમાં સાથે રહ્યા અને વિરાટના દરબારમાં વિવિધ વેશપલટો કર્યો. અર્જુન બૃહન્નલ્લા નામના કિન્નર તરીકે રહેતો હતો અને તેને ઉત્તરાના પ્રશિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને તેણે તેને સ્વર્ગમાં અપ્સરાઓ પાસેથી શીખેલા નૃત્ય, વાદ્યસંગીત અને સ્વરસંગીતનું કૌશલ્ય શીખવ્યું હતું. ઉત્તરાની અસાધારણ પ્રતિભાની અર્જુ દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. વનવાસ પૂરો થયા પછી પાંડવોએ પોતાની અસલી ઓળખ વિરાટ સમક્ષ પ્રગટ કરી હતી. રાજા વિરાટે તરત જ અર્જુનને લગ્ન માટે ઉત્તરાનો હાથ આપ્યો, પરંતુ તેણે વિરાટના પ્રસ્તાવને ફગાવતા દલીલ કરતાં જણાવ્યું કે શિક્ષકનો વિદ્યાર્થી સાથેનો સંબંધ બાળક સાથે માતા-પિતા જેવો હોય છે. તેના બદલે, અર્જુને ઉત્તરાને તેના પુત્ર અભિમન્યુ સાથે લગ્ન કરીને તેની પુત્રવધૂ બનવાનું સૂચન કર્યું. બંને પક્ષોની સહમતીથી ઉપલવ્ય શહેરમાં તેમના સંબંધીઓ અને સહયોગીઓની હાજરીમાં ઉત્તરા અને અભિમન્યુના લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.[૧][૮] ઉપલવ્યમાં નિવાસ દરમિયાન પાંડવોનો સંપર્ક એક ગરીબ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવ્યો હતો, જેણે ઉત્તરાને જોઈને ભવિષ્યવાણી કરી હતી કે જ્યારે કુરુ વંશ સમાપ્ત થશે ત્યારે તે એક પુત્રને જન્મ આપશે અને તે જ કારણસર તેને પરીક્ષિત (જેની પરખ (કસોટી) કરવામાં આવી છે તે) કહેવામાં આવશે.[૯]
મહાભારતના કેટલાક પર્વો પાંડવો અને તેમના પિતરાઇ ભાઇઓ કૌરવો વચ્ચે લડાયેલા કુરુક્ષેત્ર યુદ્ધનું વર્ણન કરે છે, જેમાં મત્સ્ય પાંડવો પક્ષે જોડાયા હતા. યુદ્ધ દરમિયાન ઉત્તરાએ તેના પિતા, ભાઈઓ અને મત્સ્ય સેનાને ગુમાવી દીધી. તે ખૂબ જ નાની ઉંમરે વિધવા થઈ જ્યારે અભિમન્યુ, જે પોતે માત્ર સોળ વર્ષનો હતો, તે યુદ્ધમાં માર્યો ગયો હતો. પતિના દેહને જોઈને શોકથી અભિભૂત થતેલી તેને તેના કાકા-સસરા અને દિવ્ય અવતાર કૃષ્ણએ સાંત્વના આપી હતી. પોતાના પતિના શબને જોઈને તેના દુઃખ અને વિલાપને ફરીથી કૌરવોની માતા ગાંધારીએ સ્ત્રીપર્વમાં વ્યક્ત કર્યો છે.[૧][૧૦][૧૧]
પાંડવોના વિજય સાથે સમાપ્ત થયેલા કુરુક્ષેત્ર યુદ્ધ પછી, કૌરવ સેનાના સેનાપતિ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ પાંડવોની બાકીની સેના પર સામૂહિક હુમલો કરીને પોતાની હારનો બદલો લેવાનો પ્રયત્ન કર્યો. આ ઘટના સૌપ્તિક પર્વમાં જોવા મળે છે. અશ્વત્થામાનો સામનો અર્જુન દ્વારા કરવામાં આવ્યો હતો અને તે પરંપરાગત સાધનોથી અર્જુનને પરાજિત કરવામાં અસમર્થતાથી વાકેફ હતો, અશ્વત્થામાએ બ્રહ્મશીર (બ્રહ્માસ્ત્ર) તરીકે ઓળખાતા શક્તિશાળી દૈવી શસ્ત્રનો ઉપયોગ કર્યો. જવાબમાં અર્જુને પણ બ્રહ્મશિર છોડવાની તૈયારી કરી. હિન્દુ પૌરાણિક કથાઓના આદરણીય ઋષિઓ નારદ અને વ્યાસે દરમિયાનગીરી કરી અને બંને યોદ્ધાઓને તેમના અવકાશી શસ્ત્રો પાછા ખેંચી લેવાની સૂચના આપી. અર્જુને તેમના નિર્દેશોનું પાલન કર્યું અને તેણે મુક્ત કરેલા બ્રહ્મશિરને પાછું ખેંચી લીધું. જો કે, અશ્વત્થામામાં બ્રહ્મશિરને પાછું ખેંચવાની ક્ષમતાનો અભાવ હતો, કારણ કે શસ્ત્ર પર તેનો જરૂરી અંકુશ ન હતો. બદલો લેવાની તીવ્ર ઇચ્છાથી પ્રેરાઈને અશ્વત્થામાએ નક્કી કર્યું કે જો તે પાંડવોનો નાશ નહીં કરી શકે, તો તે તેમના વંશને ખતમ કરી દેશે. એક જઘન્ય કૃત્યમાં, તેણે બ્રહ્મશિરને ઉત્તરાના ગર્ભ તરફ વાળ્યું, પરિણામસ્વરૂપે અજન્મા બાળકનું મૃત્યુ થઈ ગયું. જો કે, કૃષ્ણએ ખાતરી આપી હતી કે બાળકને બચાવી લેવામાં આવશે અને કોઈ યોદ્ધા દ્વારા અજન્મા બાળક પર શસ્ત્ર ઉઠાવવાના વિચારથી ગુસ્સે થઈ, અશ્વત્થામાને સહસ્ત્રાબ્દી સુધી સંપૂર્ણપણે એકલો, રોગગ્રસ્ત અને પોતાના જ પસની દુર્ગંધથી દૂર ભાગતા રહી જીવવાનો શ્રાપ આપ્યો.[૯][૧૨][૧૩][૧૪]
અશ્વમેધિકા પર્વ પરીક્ષિતના જન્મની સાબિતી આપે છે. જ્યારે ઉત્તરા પ્રસવ પીડામાં હતી, ત્યારે મૃત બાળકનો જન્મ થયો. તેને અન્ય રાજવી સ્ત્રીઓ તેણીને સાંત્વના આપી. જ્યારે કૃષ્ણ તેને મળવા પહોંચ્યા, ત્યારે તેણીએ રડતાં રડતાં તેના બાળકને બચાવવાની કૃષ્ણની અગાઉની ખાતરીની યાદ અપાવી. પોતાની દૈવી શક્તિઓનો ઉપયોગ કરીને, કૃષ્ણએ મૃત બાળકને પુનર્જીવિત કર્યું. શિશુનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું, જેનો અર્થ છે 'જેની કસોટી કરવામાં આવી છે.'[૧][૧૫]
મહાભારતમાં ઉત્તરાનો છેલ્લો દેખાવ આશ્રમવાસીકા પર્વમાં છે. યુદ્ધના પંદર વર્ષ પછી કુરુ વડીલો ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી અને વિદુર વન તરફ પ્રયાણ કર્યું. ઉત્તરા, રાજવી પરિવારના અન્ય સભ્યો સાથે, રાજધાની શહેરમાં પાછા ફરતા પહેલા, એક અંતર સુધી તેમની સાથે હતી.[૧] મહાકાવ્યના અંતે, જ્યારે પાંડવોએ આખરે સંસારનો ત્યાગ કર્યો, ત્યારે ઉત્તરાની સાસુ, સુભદ્રાને યુવાન પરીક્ષિતની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી, જેને હસ્તિનાપુરના નવા રાજા તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. ઉત્તરા કદાચ પોતાનું બાકીનું જીવન રાજમાતા તરીકે વ્યતીત કર્યું હશે.[૧૬]
વારસો
[ફેરફાર કરો]ઉત્તરા હિંદુ ધર્મના કૃષ્ણ-કેન્દ્રિત સંપ્રદાયોમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ છે. પૌરાણિક ગ્રંથો અનુસાર, કૃષ્ણના મૃત્યુના વર્ષો પછી, તેમના જીવનચરિત્રનું વર્ણન ઋષિ વ્યાસના પુત્ર શુક દ્વારા તેણીના પુત્ર પરીક્ષિતને કરવામાં આવ્યું હતું, જેને તે સમયે ભાગવત પુરાણ તરીકે સંકલિત કરવામાં આવ્યું હતું. કૃષ્ણ દ્વારા ઉત્તરાના પુત્રને બચાવવાનો પ્રસંગ પણ આ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે, પરંતુ મહાભારતમાં આપેલા વર્ણનોથી અલગ અલગ છે. તે મુજબ અશ્વત્થામાએ છોડેલું હથિયાર ઉત્તરા પર ત્રાટક્યા બાદ તે ગર્ભપાતના ડરથી કૃષ્ણ પાસે દોડી ગઇ હતી. કૃષ્ણએ તેના ગર્ભમાં આત્મા તરીકે પ્રવેશ કર્યો અને પરીક્ષિતને બચાવ્યો, જેના કારણે તેને વિષ્ણુરત્ન પણ કહેવામાં આવતો હતો.[૧૭]
કૃષ્ણની મૂર્તિશાસ્ત્રની વિગતો લોકપ્રિય રીતે ઉત્તરાને આભારી છે. વ્રજ અને રાજસ્થાનના પ્રદેશની એક લોકપ્રિય કથા અનુસાર, કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભને કૃષ્ણના પ્રગટ સ્વરૂપને જોવાની ઇચ્છા હતી, કારણ કે તેઓ દ્વારકાના સિંહાસન પર બિરાજમાન થયા હતા. જો કે, તેને માર્ગદર્શન આપવા માટે કોઈ મૂર્ત સ્વરૂપ નહોતું. વજ્રનાભે જીવિત સાક્ષીઓ જેવા કે, ઉત્તરા – જે હવે હસ્તિનાપુરની વૃદ્ધ રાજમાતા હતી, અને ઉદ્ધવ– કૃષ્ણના મિત્રની શોધ કરી. ઉત્તરાએ આબેહૂબ વિગતવાર વર્ણન આપ્યું હતું, પરંતુ શિલ્પકારો કૃષ્ણની સંતોષકારક રીતે પુનઃ પ્રસ્તુત કરવામાં નિષ્ફળ ગયા. તેઓએ આ પ્રત્યક્ષદર્શીઓની મદદ લીધી અને દૈવી અભિવ્યક્તિ માટે પ્રાર્થના કરી, જેના પરિણામસ્વરૂપ ગોવિંદ દેવ, ગોપીનાથ અને મદન મોહનનું ત્રિમૂર્તિ સ્વરૂપ પ્રકટ થયું. જો કે, કોઈ પણ આકૃતિ કૃષ્ણના સ્વરૂપને સંપૂર્ણપણે દર્શાવી શકતી ન હતી, પ્રત્યેક આકૃતિ ચોક્કસ પાસાઓમાં સફળ થતી હોય તો અન્યમાં ટૂંકી પડે છે. તેમાં ખામીઓ હોવા છતાં, આમાંની દરેક છબીઓ હવેથી તેની પોતાની રીતે પૂજાની એક મહત્વપૂર્ણ વસ્તુ બની જશે. જો કે, માનવામાં આવે છે કે મધ્યયુગીન સમયગાળા દરમિયાન તેમની પુન:શોધ પહેલાં તે લાંબા સમય સુધી અદૃશ્ય થઈ ગઈ હતી.[૧૮] પૌરાણિક કથાકાર દેવદત્ત પટ્ટનાયકના મતે, વાર્તાની વિવિધતા કૃષ્ણના અન્ય મહત્વના ચિહ્નોનો ઉમેરો કરે છે- જે ઉત્તરના વર્ણનના આધારે રચવામાં આવી હતી.[note ૧] આ ચિહ્નો ભારતભરમાં ફેલાયેલાં છે અને હિંદુ ધર્મની ભાગવત સંસ્કૃતિમાં કેન્દ્રસ્થાને આવ્યાં છે. ઇતિહાસકારો આ કથાને પ્રયોગમૂલક પુરાવાને બદલે આસ્થાના મૂળમાં રહેલા સાંસ્કૃતિક નિર્માણ તરીકે જુએ છે.[૧૯]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Mani, Vettam (1975). Puranic encyclopaedia : a comprehensive dictionary with special reference to the epic and Puranic literature. Robarts - University of Toronto. Delhi : Motilal Banarsidass. પૃષ્ઠ Uttarā. ISBN 978-0-8426-0822-0.
- ↑ "Monier-Williams Sanskrit-English Dictionary --उ". sanskrit.inria.fr. મેળવેલ 2024-07-03.
- ↑ Brockington, J. L. (1998). The Sanskrit Epics. Brill Academic. પૃષ્ઠ 26. ISBN 978-9-00410-260-6.
- ↑ Minor, Robert N. (1982). Bhagavad Gita: An Exegetical Commentary. South Asia Books. પૃષ્ઠ l–li. ISBN 978-0-8364-0862-1. મૂળ સંગ્રહિત માંથી 16 April 2023 પર સંગ્રહિત. મેળવેલ 28 June 2020.
- ↑ McGrath, Kevin (2004). The Sanskrit Hero: Karna in Epic Mahabharata. Brill Academic. પૃષ્ઠ 19–26. ISBN 978-9-00413-729-5. મૂળ સંગ્રહિત માંથી 16 April 2023 પર સંગ્રહિત. મેળવેલ 28 June 2020.
- ↑ Prabhupada, His Divine Grace A. C. Bhaktivedanta Swami (1972-12-31). Srimad-Bhagavatam, First Canto: Creation (અંગ્રેજીમાં). The Bhaktivedanta Book Trust. ISBN 978-91-7149-634-8.
- ↑ Mani, Vettam (1975). Puranic encyclopaedia : a comprehensive dictionary with special reference to the epic and Puranic literature. Robarts - University of Toronto. Delhi : Motilal Banarsidass. પૃષ્ઠ Virāṭa. ISBN 978-0-8426-0822-0.
- ↑ "The Mahabharata, Book 4: Virata Parva: Go-harana Parva: Section LXXII".
- ↑ ૯.૦ ૯.૧ Mani, Vettam (1975). Puranic encyclopaedia : a comprehensive dictionary with special reference to the epic and Puranic literature. Robarts - University of Toronto. Delhi : Motilal Banarsidass. પૃષ્ઠ Aśvatthāmā. ISBN 978-0-8426-0822-0.
- ↑ "Mahabharata,Book 20:Section 20". Wisdom Library. 17 August 2021.
- ↑ "The Mahabharata, Book 11: Stri Parva: Stri-vilapa-parva: Section 20". sacred-texts.com. મેળવેલ 2024-07-02.
- ↑ "The Mahabharata, Book 10: Sauptika Parva: Section 15".
- ↑ "The Mahabharata, Book 14: Aswamedha Parva: Anugita Parva: Section LXX".
- ↑ "The Mahabharata, Book 10: Sauptika Parva: Section 16".
- ↑ "The Mahabharata, Book 14: Aswamedha Parva: Anugita Parva: Section LXX".
- ↑ "The Mahabharata, Book 17: Mahaprasthanika Parva: Section 1".
- ↑ Prabhupada, His Divine Grace A. C. Bhaktivedanta Swami (2020-04-15). Krsna, the Supreme Personality of Godhead (અંગ્રેજીમાં). The Bhaktivedanta Book Trust International, Inc. ISBN 978-91-7769-108-2.
- ↑ Packert, Cynthia (2010-07-07). The Art of Loving Krishna: Ornamentation and Devotion (અંગ્રેજીમાં). Indiana University Press. ISBN 978-0-253-00462-8.
- ↑ Admin, Devdutt (2017-07-23). "Icons for Vajranabhi". Devdutt Pattanaik (અંગ્રેજીમાં). મેળવેલ 2024-07-03.
નોંધ
[ફેરફાર કરો]- ↑ વૃંદાવનના બાંકે બિહારી, ગુજરાતના ડાકોરના રણછોડરાય, ઉદયપુરના નાથદ્વારાના શ્રીનાથજી, ઓડિશાના સાક્ષી ગોપાલ, મહારાષ્ટ્રના પંઢરપુરના વિઠ્ઠલા, કર્ણાટકના ઉડુપીના કૃષ્ણ, આંધ્રપ્રદેશના તિરુમાલાના વેંકટેશ્વરા, તામિલનાડુના શ્રીરંગમના રંગનાથ અને કેરળમાં ગુરુવાયુર-અપ્પન.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]