ગાંધારી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગાંધાર (હાલનું ઉત્તર પૂર્વ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો થોડો ભાગ)ના રાજા મહારાજ સુબલની પુત્રી ગાંધારી(સંસ્કૃત: गांधारी) ના લગ્ન હસ્તિનાપુરના અંધ રાજા ધૃતરાષ્ટ્ર સાથે કરવામાં આવ્યા હતા. પોતાના લગ્નજીવન દરમ્યાન ગાંધારીએ સ્વેચ્છાએ આંખે પાટા બાંધી દીધાં હતાં. તેમના પતિ ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા. તેમને મળ્યાં પછી આ વાતની જાણ થતાં તેણે જાતેજ દ્રષ્ટી સુખનો નિષેધ કર્યો કેમકે તે સુખ તેમના પતિ ક્યારેય નહોતા માણી શકવાનાં.

ગંધારીને અધુરા માસે ગર્ભપાત થઈ ગયો હતો, પરંતુ તે ગર્ભને સાચવીને તેમાંથી ૧૦૦ પુત્રો અને એક પુત્રી દુશલાને જન્મ આપવામાં આવ્યો હતો જેઓ કૌરવો કહેવાયાં. પુત્રી દુશલા મોટી થતાં તેના લગ્ન જયદ્રથ સાથે થયાં. કૌરવો, ખાસ કરી દુર્યોધન અને દુશાસન, મહાભારતનાં ખલનાયકો હતાં અને તેમના પિતરાઈ પાંડવો વિરુદ્ધનાં કુરુક્ષેત્રનાં યુદ્ધમાં તેઓ માર્યાં ગયાં. ભલે ગાંધારીના પુત્રો મહાભારતમાં ખલનાયકો તરીકે ચિતરાયા, પણ ગાંધારી ખૂબજ ઊંચા મૂલ્યો ધરાવતું સન્માનનીય પાત્ર છે. તે વારંવાર તેના પુત્રોને ધર્મના માર્ગે ચાલવા અને પાંડવો સાથે શાંતિ સ્થાપવાની સલાહ આપતી. ગાંધારી ખાસ કરીને કુંતીની ખૂબ જ નજીક હતી અને તેને મોટી બહેન સમાન ગણતી.

માની મમતાને કારણે દુર્યોધન ઉપર પોતાની દ્રષ્ટી પાડી તેના શરીરને દુશ્મનોથી અભેદ્ય કરવા માટે સમગ્ર વિવઝિત જીવન દરમ્યાન ફક્ત એક જ વખત તેણે અપવાદ રૂપે આંખેથી પાટા ખોલ્યાં હતાં, જો કે ભગવાન કૃષ્ણની લીલાને કારણે દુર્યોધન પોતાનાં ગુપ્તાંગોને ઢાંકીને માતા સમક્ષ ઉપસ્થિત થતાં તેનો જાંઘ અને સાથળોનો ભાગ, કે જેના પર ગાંધારીની દ્રષ્ટિ ના પડી શકી તે સામાન્ય રહી ગયાં અને અંતિમ યુદ્ધમાં અઢારમે દિવસે ગદા યુદ્ધમાં ભીમે દુર્યોધનનાં કમરપટા નીચે સાથળ પર પ્રહાર કરીને જ તેને ચિત્ત કર્યો.

ગાંધારી શિવની હઠ યોગીની ભક્ત હતી. ગાંધારીને દ્રષ્ટી બલિદાન અને સાત્વિક જીવનને લીધે આત્મિક શક્તિઓ પ્રાપ્ત થઈ. તેના ૧૦૦ પુત્ર ગુમાવવાનાં શોક અને ક્રોધના પરીણામે તેણે કૃષ્ણને શાપ આપ્યો જેથી અંતે યાદવ કુળનો નાશ થયો.

એમ પણ કહેવામાં આવે છે કે તેની આંખના પટ્ટાની તિરાડમાંથી એક વખત તેની દૃષ્ટી યુધિષ્ઠીરના અંગુઠા પર પડી. તેની દ્રષ્ટીના પ્રભાવ અને શક્તિથી અંગુઠો કાળો મેષ થઈ ગયો. ગાંધારીએ પોતના જીવનનૉ અંત પોતાની જેઠાણી અને પતિ સાથે હિમાલયમાં જઈ આણ્યો જ્યાં જંગલના દાવાનળમાં તેઓ મૃત્યુ પામ્યા.