લખાણ પર જાઓ

ભીષ્મ

વિકિપીડિયામાંથી

મહાભારતના મુખ્ય પાત્રો માના એક ભીષ્મ (સંસ્કૃતઃ भीष्मः) અથવા દેવવ્રત (देवव्रत) મહારાજ શંતનુ તથા ગંગાના પુત્ર હતા. મહાપ્રતાપિ, મહાવીર અને મહાન વ્રતધારી ભીષ્મએ રાજનીતિ દેવોના ગુરુ બૃહસ્પતિ પાસેથી, વેદ-વેદાંગની શિક્ષા ઋષિ વસિષ્ઠ પાસેથી અને યુદ્ધવિદ્યા પરશુરામ મુનિ પાસેથી મેળવી હતી. આમ તેઓ અનેક વિદ્યાઓમાં પારંગત હતા. મહાભારતના યુદ્ધમાં તેમની ધ્વજનું ચિન્હ સુવર્ણ શ્રીફળ વૃક્ષ હતું. કૌરવો તથા પાંડવોમાં તેઓ ભીષ્મ પિતામહઃ ના નામથી ઓળખાતા હતા.

ભીષ્મ પ્રતિજ્ઞા લેતી વેળા
ચિત્રકાર રાજા રવિ વર્મા.

વસિષ્ઠ ઋષિનો શાપ અને જન્મ

[ફેરફાર કરો]

એક વાર આઠ વસુઓ પોતાની પત્નીઓની સાથે વસિષ્ઠ ઋષિના આશ્રમમાં આવ્યા. આશ્રમમા નંદીની નામની એક દિવ્ય ગાય હતી જેને જોઇને પ્રભાસ નામના વસુની પત્નીને ગાય મેળવવાની ઇચ્છા થઇ. પ્રભાસની પાસે ઇચ્છા રજુ કરતા તેણે અન્ય વસુઓ સાથે મળી ગાય ચોરી લીધી. વસિષ્ઠ ઋષિએ યોગ બળથી આ જાણી લીધું અને બધાને પૃથ્વી પર જન્મ લેવાનો શ્રાપ આપ્યો. પ્રથમ સાત વસુઓ કે જેમણે માત્ર મદદ કરી હતી તેમને કહ્યુંકે તેઓ જન્મતાની સાથે મૃત્યુ પામશે પરંતુ, પ્રભાસ લાંબુ આયુષ્ય ભોગવશે. શ્રાપ સાંભળતા પ્રભાસ ઋષિના પગમાં પડ્યો અને ક્ષમા માંગી. ઋષિએ દયા કરતા તેને ખૂબ યશ, તેજ અને જ્ઞાન ના આશીર્વાદ આપ્યા.

ભીષ્મ પ્રતિજ્ઞા

[ફેરફાર કરો]

જ્યારે ભીષ્મ મોટા થયા ત્યારે તેમને હસ્તિનાપુરના યુવરાજ બનાવવામાં આવ્યા. આ સમય દરમિયાન શંતનુ નાવિકની કન્યા સત્યવતીના પ્રેમમાં પડ્યા અને તેના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ સત્યવતીના પિતાએે વિવાહ માટે શરત મુકી કે જો સત્યવતીનું સંતાન રાજા બને તો જ તેઓ પોતાની પુત્રી સત્યવતીને શંતનુ સાથે પરણાવશે.

પોતાના પ્રિય પુત્ર ભીષ્મને યુવરાજ બનાવી ચુક્યા હોવાથી શંતનુ આ શરતનો સ્વીકાર કરી શક્યા નહિં. પરંતુ તેઓ રાત-દિવસ ઉદાસ રહેવા લાગ્યા. ભીષ્મને આ વાતની ખબર પડતા તેમણે સત્યવતીના પિતાને વચન આપ્યું કે તેઓ રાજપદ જતું કરવા તૈયાર છે. આમ છતા જ્યારે સત્યવતીના પિતાએ ભવિષ્યની પેઢી પ્રતિ શંકા દર્શાવી તો ભીષ્મએ આ જીવન બ્રહ્મચર્યની કઠોર પ્રતિજ્ઞા લીધી. આવી કઠોર પ્રતિજ્ઞા કરવાને લીધે તેઓ દેવવ્રત ઉપરાંત ભીષ્મના નામે ખ્યાતિ પામ્યા. પુત્રના આવા મહાન બલીદાનથી શંતનુ ખુબ પ્રભાવિત થયા અને ભીષ્મને ઇચ્છામૃત્યુનું વરદાન આપ્યું.

વિચિત્રવિર્ય માટે કન્યા

[ફેરફાર કરો]

વિચિત્રવિર્ય માટે જ્યારે ઉત્તમ કન્યાની શોધ ચાલતી હતી ત્યારે, કાશીના રાજાની ત્રણ પુત્રીઓ,અંબા, અંબીકા તથા અંબાલીકા માટેનો સ્વયંવર ચાલતો હતો. ભીષ્મએ વિચિત્રવિર્યનું પ્રતિનીધિત્વ કરી સ્વયંવરમાં ત્રણેય રાજકુમારીઓ ને જીતી વિચિત્રવિર્ય સાથે પરણાવવા માટે લાવ્યા. પરંતુ અંબા પહેલેથી જ મનોમન રાજા શાલ્વ ને વરી ચુકી હોવાથી ફક્ત તેની નાની બહેનો અંબીકા તથા અંબાલીકાના જ વિચિત્રવિર્ય સાથે લગ્ન થયા.

આમ અંબા પોતાના પ્રેમી રાજા શાલ્વ પાસે જ્યારે પાછી ફરી ત્યારે તેણે તેનો અસ્વિકાર કર્યો કારણકે તે સ્વયંવરમાં ભીષ્મ દ્વારા પરાજિત થયો હતો. આવી પરીસ્થિતિમા અંબા ફરીથી પાછી ફરી અને ભીષ્મ પાસે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો. પરંતુ ભીષ્મ પોતાની બ્રમ્હચર્યની પ્રતિજ્ઞામા અડગ રહ્યા.

અંબા ભીષ્મ પર ક્રોધિત થઇ ઋષિ પરશુરામ પાસે પોતાની વ્યથા કહી. પરશુરામે ભીષ્મને તેમની પાસે બોલાવ્યા પરંતુ ભીષ્મ ગયા નહી. આથી પરશુરામજી એ ભીષ્મને યુદ્ધ માટે લલકાર્યા પરંતુ, પરશુરામજી ભીષ્મના ગુરુ હોવાથી ભીષ્મએ યુદ્ધ મર્યાદાની વિરુદ્ધ જાણ્યું. પરંતુ, પરશુરામજીને જ્યારે ભીષ્મએ રથ વગર ના જોયા તો તેમણે પોતાના ગુરુ ને વિનંતી કરી કે તેઓ રથ પર આરુઢ થઇ અને કવચ ધારણ કરે. પરશુરામજી મલકયા અને ભીષ્મને દિવ્ય ચક્ષુ આપ્યા અને ફરી જોવા કહ્યું. ભીષ્મએ જયારે ફરી જોયું તો પરશુરામજી પૃથ્વીરુપિ રથ પર સવાર હતા જેના ચાર વેદરુપિ ઘોડા હતા, ઉપનિષદો લગામ હતી અને વાયુ સારથિ તથા દેવીઓ તેમનું અભેદ કવચ હતા. ભીષ્મ રથ પરથી ઉતરીને પરશુરામજી પાસેથી યુદ્ધ માટેની આજ્ઞા માંગી. પરશુરામજી ભીષ્મના આ વિવેક થી ખુબ પ્રસન્ન થયા અને તેમને ભીષ્મને પોતાના ધર્મ તથા બ્રમ્હચર્યની રક્ષાના આશીર્વાદ આપ્યા અને તેમણે કહ્યુંકે તેઓ પોતાનો અંબા પ્રતિ શરણાગત ધર્મ બજાવશે. આમ તેમણે આજ્ઞા આપી ત્યાર બાદ ખુબ ભયાનક સંગ્રામ ૨૩ દિવસ સુધી ખેલાણો. બન્ને યોદ્ધા પરમ પ્રતાપિ હોવા ઉપરાંત, પરશુરામજી ચિરંજીવી તથા ભીષ્મને ઇચ્છા મૃત્યુનું વરદાન હોવાથી હાર-જીતનો ફેસલો ન થઇ શક્યો. ૨૨માં દિવસે ભીષ્મએ કંટાળીને પોતાન પૂર્વજોને પ્રસન્ન કર્યા. પૂર્વજોએ ભીષ્મને એવું અસ્ત્ર આપ્યું કે જેની જાણ પરશુરામજીને ન હતી. વેદના નિયમ મુજબ જો યોદ્ધા યુદ્ધ દરમિયાન નિંદ્રાને વશ થાય તો તે મૃત ગણાય. યુદ્ધ દરમિયાન જ્યારે ભીષ્મએ આ અસ્ત્રનું અનુસંધાન કર્યું તો તેમની વિજ્ય નિશ્ચિત થઇ ગઇ. પરંતુ ભીષ્મએ તેનો પ્રયોગ મર્યાદાની વિરુદ્ધ જાણ્યો અને પોતે સ્વયં મેદાન પરથી હટી ગયા. અંતે પરશુરામજીએ અંબાને કહ્યું કે ભીષ્મને જીતવા શક્ય નથી પરંતુ તેમણે અંબાને શિવજીને પ્રસન્ન કરવા કહ્યું. આમ, અંબા નિરાશ થઇ, આવતા જન્મમાં ભીષ્મને મારવાની પ્રતિજ્ઞા સાથે વનમાં તપ કરવા ચાલી ગઇ. તેનો પુનર્જન્મ દ્રુપદ રાજાને ત્યાં શિખંડી તરીકે થયો જે ભીષ્મના મૃત્યુનું કારણ બન્યો.

મહાભારતના યુદ્ધમાં

[ફેરફાર કરો]

યુદ્ધ અટકાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ, દુર્યોધનની વિનંતીથી, ભીષ્મ પિતામહઃ મહાભારતના યુદ્ધમાં કૌરવ સેના ના પ્રધાન સેનાપતિ બન્યા. તેમણે દુર્યોધનને કહ્યું કે તેઓ રોજ દસ હજાર સૈનિકો નો વધ કરશે પરંતુ એક પણ પાંડવને મારશે નહીં. વળી તેમણે શરત મુકી કે તેઓની હાજરીમાં કર્ણ યુદ્ધમાં ભાગ લઇ શકશે નહી. યુદ્ધમાં તેમના અદ્વિતિય પરાક્રમને લીધે પાંડવોની સેના ખુબ ક્ષતિ પામી. આ યુદ્ધ દરમિયાન શ્રિકૃષ્ણએ નિ:શસ્ત્ર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે ભીષ્મ પિતામહઃ એ કહ્યું કે તેઓ પ્રતિજ્ઞા તોડાવીને જ રહેશે. ભીષ્મના તથા અર્જુનના ભયાનક યુદ્ધ દરમિયાન જ્યારે અર્જુન અત્યંત ઘવાયો ત્યારે કૃષ્ણએ પોતાનું સૂદર્શન ચક્ર ધારણ કરવુ પડ્યું. અર્જુને તેમને પ્રતિજ્ઞા યાદ દેવડાવી અને તેમને રોક્યા.

આમ નવ દિવસ સુધી તેમણે પોતાના અલૌકિક શૌર્યથી અર્જુન સહિતના બધા મહારથીઓ ને વિચલીત કરી મુક્યા. નવમા દિવસની રાત્રે શ્રી કૃષ્ણની સલાહથી આખરે પાંડવો તેમની પાસે તેમના મૃત્યુનો ઉપાય જાણવા ગયા. તેમણે પાંડવોને કહ્યુંકે તેમની સામે જો સ્ત્રી આવશે તો તેઓ શસ્ત્ર નહીં ઉગામે. દસમાં દિવસે અર્જુને પોતાના રથમાં શિખંડીને સાથે રાખ્યો અને રથને પિતામહઃ ભિષ્મની સામે ઉભો રાખ્યો. શિખંડીની પાછળ ઉભા રહી અર્જુને તેમના આખા શરીરને વિંધિ નાખ્યું અને તેઓ બાણની શય્યા પર અત્યંત ઘાયલ થઇને પડી ગયા.

પિતામહઃ ભિષ્મને ઇચ્છામૃત્યુનું વરદાન હતું અને વળી તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તેઓ હસ્તિનાપુરને સુરક્ષિત નહીં જાણે ત્યાં સુધી તેઓ દેહ ત્યાગ નહીં કરે. આમ તેઓ આવી ઘાયલ અવસ્થામા પણ પોતાના પ્રાણ ટકાવીને યુદ્ધના પરિણામની પ્રતિક્ષા કરવા લાગ્યા. તેમના પછી કૌરવોની સેનાના પ્રધાન સેનાપતિ દ્રોણને બનાવવામાં આવ્યા.

શરત મુજબ કર્ણ હવે યુદ્ધમાં ભાગ લેવા માટે આવતા પહેલા તે ભીષ્મ પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો. કર્ણ દુર્યોધનનો સૌથી પ્રિય મિત્ર હોવાથી ભીષ્મ પિતામહઃ એ કર્ણ ને કહ્યું કે તે દુર્યોધનને સમજાવે અને યુદ્ધ નો ત્યાગ કરે. પરંતુ કર્ણએ આમ કરવાની તથા દુર્યોધનનો સાથ નહીં છોડવાની વાત કરી. આમ છતા ભીષ્મએ તેને આશીર્વાદ આપ્યા.

યુદ્ધના અંતે જ્યાં સુધી તેમણે ન જાણ્યું કે પાંડવોનો વિજ્ય થયો છે, ત્યાં સુધી તેમણે પોતાના પ્રાણ ટકાવી રાખ્યા. જ્યારે અંત ઘડી નજીક આવી ત્યારે તેમણે યુધિષ્ઠિર ને ભગવાન કૃષ્ણનાં માનમાં વિષ્ણુ સહસ્ત્રનામ સંભળાવ્યાં અને ૧૦૦૦ વર્ષનું દીર્ઘ સુદીર્ઘ આયુષ્ય ભોગવી સ્વર્ગ સિધાવ્યા.[].

ભિષ્મ પિતામહઃ બાણ શય્યા પર.
સ્મિથસોનીયન ઇન્સ્ટિટ્યુશનનાં સંગ્રહ માંથી.

ભીષ્મ ગીતા

[ફેરફાર કરો]

ભીષ્મ જ્યારે મૃત્યુ શય્યા પર હતા તે વખતે તેમણે યુધિષ્ઠિરને જે ઉપદેશ આપ્યો તે ભીષ્મ ગીતા તરીકે પ્રખ્યાત છે. જ્યારે પાંડવોનો પરાજય થાય તેવું લાગતું હતું તે વખતે દ્રૌપદીએ શ્રી કૃષ્ણને વંશનો નાશ ના થાય તે માટેનો ઊપાય જણાવવા કહ્યું. કૃષ્ણએ કહ્યું કે તું ભીષ્મનાં આશિર્વાદ લે. પરંતુ યુધ્ધનાં સમયમાં ભીષ્મ ને મળવું કઠીન હતું. કૃષ્ણએ દ્રૌપદીની સખીનો વેશ ધારણ કર્યો અને બંને ભીષ્મ પાસે પહોંચ્યા. [સંદર્ભ આપો]

ભીષ્મએ અખંડ સૌભાગ્યવતીનાં આશિર્વાદ આપી દીધા. પછી ખ્યાલ આવ્યો કે મારાથી આવી ભૂલ ના થાય. નક્કી આ કૃષ્ણની જ ચાલ છે. તેથી પુછ્યુ કે આટલી રાત્રે તું એકલી કેવી રીતે આવી? ત્યારે દ્રૌપદીએ કહ્યું, "ના, ના, મારી સખી છે ને મારી સાથે." ભીષ્મ જાણી ગયા કે આ સખી કૃષ્ણ જ છે. તે જ વખતે તેમણે વચન લીધું કે મારા મૃત્યુ સમયે તમે હાજર રહેશો. યુધિષ્ઠિર ને (અર્જુનને યુદ્ધ પહેલા જેવો પસ્તાવો થયો હતો તેવો) પસ્તાવો યુદ્ધ પછીથી થયો અને બહુ જ ખોટું થઇ ગયું એવી લાગણી થઇ. તે વખતે શ્રી કૃષ્ણ તેને ભીષ્મ પિતામહ પાસે લઇ ગયાં અને ભીષ્મએ તે સમયે તેને જે ઊપદેશ આપ્યો તે "ભીષ્મ ગીતા" તરીકે પ્રખ્યાત છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Hrishikesa: Krishna-A Natural Evolution T. V. Gopal, A. Balasubrahmanian (2000) p. 101

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]