પાંડુ

વિકિપીડિયામાંથી

ભારતીય ઉપખંડમાં સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મના મહત્વના ધર્મગ્રંથો પૈકીના એક એવા મહાભારતમાં વર્ણવ્યા અનુસાર હસ્તિનાપુરના રાજા વિચિત્રવિર્ય તથા અંબાલિકા ના પુત્ર પાંડુ (સંસ્કૃત: पाण्‍डुः)નો જન્મ ઋષિ વેદવ્યાસથી થયો હતો.

જન્મ[ફેરફાર કરો]

કાશીના રાજાની ત્રણ પુત્રીઓમાં સૌથી નાની પુત્રી અંબાલિકા હતી, જેને ભીષ્મ દ્વારા સ્વયંવરમાં જીતી વિચિત્રવિર્ય સાથે પરણાવવામાં આવી હતી. લગ્ન પછી થોડા સમયમાં વિચિત્રવિર્યને ક્ષયનો રોગ થવાથી તેઓ નિ:સંતાન મૃત્યુ પામ્યા. અંબાલિકા તથા તેની મોટી બહેન અંબિકા થકી રાજ્યને ઉત્તરાધિકારી આપવા માટે સત્યવતીએ ભીષ્મને વિનવ્યા, પરંતુ ભીષ્મ પોતાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞામાં અડગ રહ્યા.

ત્યાર બાદ સત્યવતીએ તેમના પહેલા પુત્ર ઋષિ વેદવ્યાસને અંબિકા તથા અંબાલીકાથી સંતાનોત્પત્તિ માટે આજ્ઞા આપી. સત્યવતીએ અંબાલિકાને આંખો ખુલ્લી રાખવા ચેતવી હતી અન્યથા તે અંધ બાળકને જન્મ આપશે. ઋષિ વેદવ્યાસનું તેજ તથા તેમના ભયંકર રુપને જોતાંજ અંબાલિકાએ આંખતો મીચી નહીં પરંતુ તેનો ચહેરો ફિક્કો પડી ગયો, આમ તેની કુખે જન્મનાર બાળક પાંડુ રોગીષ્ઠ (પાંડુ રોગી) જન્મ્યો.

જીવન[ફેરફાર કરો]

પાંડુ એક પાવરધો ધનુર્ધર હતો. તે ધૃતરાષ્ટ્રની સેનાનો સેનાપતિ બન્યો અને તેના વતી રાજ્ય પણ ચલાવતો. પાંડુએ દસર્નસ, કાશી, અંગ, વંગ, કલિંગ, મગધ, વિગેરે રાજ્યો જીત્યાં અને તેમની અન્ય રાજાઓમાં સર્વોપરીતા સિદ્ધ કરી.

પાંડુના લગ્ન મદ્ર દેશની રાજકુમારી માદ્રી અને વૃશિણીના રાજા કુંતીભોજની પુત્રી કુંતી સાથે થયા. જંગલમાં એક વખત શિકાર કરતી વેળા તેણે એક મૃગયા (શિકાર) ખેલતી વેળા અજાણતાં ઋષી પર બાણ ચલાવ્યું (જેઓ તે સમયે હરણ વેષમાં તેમની પત્ની સાથે સંભોગ કરી રહ્યાં હતાં), આથી ઋષીએ તેને શ્રાપ આપ્યો કે જ્યારે તે તેની પત્ની પાસે સંભોગ માટે જશે ત્યારે તેનું મૃત્યુ થશે. આ શ્રાપના આઘાતથી દુખી પાંડુ રાજા પોતાનું રાજ્ય છોડી પોતાની પત્ની સાથે જંગલમાં રહેવા લાગ્યા.

કુંતીએ દુર્વાસા દ્વારા મેળવેલા વરદાનનો ઉપયોગ કરી ત્રણ પુત્રો મેળવ્યા- યુધિષ્ઠિર (યમ દેવ દ્વારા), ભીમ (વાયુ દેવ દ્વારા) અને અર્જુન (ઇંદ્ર દેવ દ્વારા). આ સિવાય કુંતીએ સુર્યદેવ દ્વારા કર્ણને પણ જન્મ આપ્યો હતો (લગ્ન પહેલા). તેણે પોતાના વરદાનનો મંત્ર માદ્રીને પણ પ્રયોગ કરવા આપ્યો. જેના દ્વારા દેવોના જોડીયા વૈદ્ય એવા અશ્વિનિકુમારો દ્વારા તેણે નકુળ અને સહદેવને જન્મ આપ્યો. આ રીતે પાંડુના પુત્રો પાંડવોનો જન્મ થયો.

મૃત્યુ[ફેરફાર કરો]

પાંડુ કોઈક અજ્ઞાત રોગથી પીડાતો હતો (સંભવતઃ પાંડુ રોગ એટલે કે શરીર ફિક્કું હોવું, જેને અંગ્રેજીમાં એનિમિયા કહે છે, જે રોગમાં વ્યક્તિનાં શરીરમાં જરૂરી પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી). ૧૫ વર્ષના સંયમ પછી એક વખત જ્યારે કુંતી બાળકો સહિત બહાર ગઈ હતી ત્યારે પાંડુ માદ્રી તરફ ખૂબજ આકર્ષિત થયો. માદ્રીને સ્પર્શ કરવા જતાં જ શ્રાપને લીધે તેનું મૃત્યુ થયું. આના પશ્ચાતાપમાં માદ્રી સતી થઈ.