શિશુપાલ

વિકિપીડિયામાંથી
શિશુપાલ
શિશુપાલ
શિશુપાલનો વધ કરતા કૃષ્ણ
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
ચંદેરી, ચેદી રાજ્ય (હાલમાં બુંદેલખંડ)
દેહત્યાગ
રાજસુય યજ્ઞ, ઇન્દ્રપ્રસ્થ (હાલમાં દિલ્હી)
બાળકોપુત્રી: રેણુમતી
પુત્રો: ધૃષ્ટકેતુ, સુકેતુ, કરકષ, શરભ
માતા-પિતાદમઘોષ (પિતા), શ્રુતશ્રવા (માતા)

શિશુપાલ એ ભારતીય ઉપખંડમાં સૌથી મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રો પૈકીના મહાભારત ગ્રંથમાં વર્ણવ્યા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના પિતરાઇ ભાઈ હતા. શિશુપાલને ઘણી વાર ચેતવણી આપવા છતાં તેણે કરેલા દુષ્ટાચારને પરિણામે શ્રી કૃષ્ણએ તેનો વધ કર્યો હતો.

જીવન[ફેરફાર કરો]

શિશુપાલનો જન્મ ચેદિ દેશના સોમવંશી રાજા દમઘોષના ઘરે થયો હતો. કૃષ્ણના પિતા વસુદેવની બહેન શ્રુતશ્રવા તેની માતા હતી. ચેદિ રાજાનો વંશજ હોવાથી તે ચૈદ્ય નામે પણ ઓળખાય છે.[૧] એ હિરણ્યકશિપુના અંશથી જન્મ્યો હતો. જન્મસમયે તેને ત્રણ આંખો અને ચાર હાથ હતાં અને જન્મતાં જ તેણે ગર્દભ (ગધેડા) જેવો સૂર કાઢયો હતો તેથી રાજા દમઘોષ તેને અપશુકનિયાળ માની ફેંકી દેવાની તૈયારીમાં હતો. તે સમયે આકાશવાણી થઈ હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે, જેના ખોળામાં આને બેસાડતાં તેના વધારાના બે હાથ અને એક આંખ ખરી પડે તેને હાથે આનું મૃત્યુ થશે. એક વખત પોતાની ફોઈને મળવા કૃષ્ણ-બલરામ શુક્તીમતી નગરીમાં આવ્યા. જ્યારે તેની ફોઈએ શિશુપાલને કૃષ્ણના ખોળામાં મૂક્યો કે તરત જ તેનું ત્રીજું નેત્ર અને બે હાથ ખરી પડ્યાં, આથી શિશુપાલની માતા શ્રુતશ્રવાએ કૃષ્ણને કહ્યું કે, તું મને વચન આપ કે, તું શિશુપાલને મારીશ નહિ. કૃષ્ણએ કહ્યું કે તમારા માનની ખાતર હું એ એના સો અપરાધ માફ કરીશ.

શિશુપાલને ધૃષ્ટકેતુ, સુકેતુ, કરકષ, શરભ આદિ પુત્રો હતા અને રેણુમતી નામે કન્યા હતી, તેને પાંડુપુત્ર નકુળ સાથે શિશુપાલના વધ પછી વરાવી હતી.[૧]

રાજ્ય અને મૃત્યુ[ફેરફાર કરો]

શિશુપાલ મોટો થયો ત્યારે વિદર્ભના ભીષ્મક રાજાના મોટા પુત્ર રુકિમએ પોતાની બહેન રુક્મિણીને એને પરણાવવાનો વિચાર કર્યો. પણ રુક્મિણી પોતે કૃષ્ણને પરણવાની ઇચ્છા ધરાવતી હોવાથી તેણે કૃષ્ણને સંદેશો મોકલાવ્યો અને કૃષ્ણ તેનું હરણ કરી ગયા અને આમ શિશુપાલનું અહમ્ ઘવાયું. જ્યારે ઇંદ્રપ્રસ્થમાં યુધિષ્ઠરે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે શિશુપાલ પણ ત્યાં આવ્યો હતો. એ વખતે ભીષ્મના કહેવાથી યુધિષ્ઠિરે અગ્રપૂજા કૃષ્ણને આપવા માંડી. શિશુપાલથી આ સહન ન થયું અને તેણે કૃષ્ણની નિંદા કરવા માંડી અને સાથેસાથે ભીષ્મને પણ અપશબ્દો સંભળાવ્યા. કૃષ્ણએ તેને ચેતવણી આપી અને કહ્યું કે તેના સો અપશબ્દોથી વધુ સહન નહી કરે, પરંતુ શિશુપાલે તે ચેતવણી અવગણી અને કૃષ્ણ તથા ભીષ્મ માટે અપશબ્દો બોલવાનું ચાલુ રાખ્યું તેથી તેના સો ઉપરાંત અપરાધો થયા છે એ જોઈને કૃષ્ણે સુદર્શન ચક્ર વડે તેનો શિરચ્છેદ કર્યો.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી. "શિશુપાલ". ભગવદ્ગોમંડલ. મેળવેલ ૯ મે ૨૦૨૩.