લખાણ પર જાઓ

ઉલૂપી

વિકિપીડિયામાંથી
ઉલૂપી
અર્જુન અને ઉલૂપીની મુલાકાત
માહિતી
જોડાણનાગ
કુટુંબકૌરવ્ય (પિતા)
જીવનસાથીઅર્જુન
બાળકોઇરવન
સંબંધીઓકુંતી (સાસુ),
પાંડવ,
દ્રૌપદી,
ચિત્રાંગદા,
સુભદ્રા

ઉલૂપી કે જે ઉલૂચી અને ઉલૂપિકા તરીકે પણ ઓળખાય છે, તે એક નાગ રાજકુમારી છે જેનો ઉલ્લેખ હિન્દુ મહાકાવ્ય મહાભારતમાં કરવામાં આવ્યો છે. ઉલૂપી રાજા કૌરવ્યની પુત્રી છે, અને તે અર્જુનની બીજી પત્ની છે. વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે.[]

કહેવાય છે કે અર્જુન જ્યારે વનવાસમાં હતો ત્યારે તેની ઉલૂપી સાથે મુલાકાત થઈ હતી અને તેની સાથે લગ્ન કર્યા હતા જેના થકી તેણીએ પુત્ર ઇરાવનને જન્મ આપ્યો હતો. ચિત્રાંગદા અને અર્જુનના પુત્ર બભ્રુવાહનના ઉછેરમાં તેણે મોટો ભાગ ભજવ્યો હતો. બબ્રુવાહન દ્વારા યુદ્ધમાં માર્યા ગયા પછી અર્જુનનો જીવ પુનઃસ્થાપિત કરીને વસુઓના શ્રાપમાંથી અર્જુનને મુક્ત કરવાનો શ્રેય પણ તેણીને આપવામાં આવે છે.

વ્યુત્પત્તિશાસ્ત્ર અને સ્વરૂપ

[ફેરફાર કરો]

મહાભારતમાં ઉલૂપીનો ઉલ્લેખ ખાસ જોવા મળતો નથી. ઉલૂપી મહાભારતમાં ભુજગાત્મજા, ભુજાગેન્દ્રકન્યકા, ભુજગોત્તમા કૌરવી, કૌરવ્યદુહિતા, કૌરવ્યકુલનંદિની, પન્નગનંદિની, પન્નગાસુતા, પન્નગાત્માજા, પન્નગેશ્વરકન્યા, પન્નગી અને ઉરગઆત્મજા જેવા અનેક નામોથી ઓળખાય છે.[]

ઉલૂપીને નાગકન્યા (નાગ રાજકુમારી), અર્ધ-કુમારિકા અને અર્ધ-સર્પિણીના પૌરાણિક સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવે છે.[] ડબ્લ્યુએમ. માઇકલ મોટ્ટે તેના કેવર્ન્સ, કૌલડ્રોન્સ એન્ડ કન્સીલ્ડ ક્રીએચર્સમાં ઉલૂપીને "આંશિક રીતે સરિસૃપ" તરીકે વર્ણવી છે જેનો કમરની નીચેનો ભાગ સાપ અથવા મગર જેવો લાગે છે.[][]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

ઉલૂપી નાગ રાજા કૌરવ્યની પુત્રી હતી.[][] તેના પિતાએ ગંગા નદીના પાણીની અંદર આવેલા સર્પોના સામ્રાજ્ય પર શાસન કર્યું હતું. [૮] તે એક સારી રીતે પ્રશિક્ષિત યોદ્ધા હતી.[]

અર્જુન સાથે લગ્ન

[ફેરફાર કરો]
ઉલૂપી અને અર્જુન

અર્જુનને પાંડવોની સામાન્ય પત્ની દ્રૌપદી સાથેના તેના લગ્નની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ રાજ્યની રાજધાની ઇન્દ્રપ્રસ્થમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો, જે તપસ્યા રૂપે બાર વર્ષની તીર્થયાત્રા પર ગયો હતો. બ્રાહ્મણોની સાથે અર્જુન વર્તમાન ભારતના ઉત્તર પૂર્વીય પ્રદેશમાં ગયો હતો.[]

એક દિવસ, અર્જુન ગંગા નદીમાં તેનું અનુષ્ઠાન કરવા માટે સ્નાન કરી રહ્યો હતો, ત્યારે નાગ રાજકુમારી ઉલૂપીએ તેને પકડી લીધો અને નદીમાં ખેંચી ગઈ.[૧૦] તેણી તેને પોતાના હાથથી પકડીને પોતાની મરજી મુજબ જળયાત્રા કરવા દબાણ કરે છે. છેવટે તેમની યાત્રા પાણીની અંદરના નાગરાજ્યમાં સમાપ્ત થાય છે, જે કૌરવ્યનું નિવાસસ્થાન છે. અર્જુન ત્યાં એક બલિદાન અગ્નિની સામે આવે છે અને અગ્નિને તેના સંસ્કાર અર્પણ કરે છે. અર્જુન દ્વારા નિઃસંકોચપણે સંસ્કાર અર્પણ કરવાથી અગ્નિ પ્રસન્ન થાય છે.[૧૧]

મરક મરક સ્મિત સાથે અર્જુન ઉલૂપીને તેની પૃષ્ઠભૂમિ વિશે પૂછે છે, જેના પર તેણી આ રીતે ઉત્તર આપે છે:[૧૨]

"કૌરવ્ય નામનો એક નાગ છે, જેનો જન્મ ઐરાવતના વંશમાં થયો છે. હે રાજકુમાર, હું એ કૌરવ્યની પુત્રી છું અને મારું નામ ઉલૂપી છે.

હે મનુષ્યોમાં વ્યાઘ્ર, તું સ્નાન કરવા માટે ઝરણામાં ઊતરે છે તે જોઈને, હું કામદેવ દ્વારા વિવેકથી વંચિત થઈ ગઈ.

હે પાપમુક્ત, હું હજી અવિવાહિત છું. હું તારા કારણે કામદેવ દ્વારા પીડિત છું, હે કુરુના વંશજ, આજે તારી જાત મને સોંપીને મને પ્રસન્ન કર."

— વેદવ્યાસ, મહાભારત, અર્જુન-વન પર્વ, શ્લોક ૨૧૬

જો કે, અર્જુને તેની યાત્રા પરના બ્રહ્મચર્યનું કારણ આપીને તેના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. ઉલૂપી દલીલ કરે છે કે તેનું બ્રહ્મચર્ય માત્ર તેની પ્રથમ પત્ની દ્રૌપદી પૂરતું મર્યાદિત છે.[૧૩] તેની દલીલથી પ્રભાવિત થઈને અર્જુન તેની સાથે લગ્ન કરે છે, નાગની હવેલીમાં રાત વિતાવે છે.[૧૪] બાદમાં, તેમને ત્યાં ઈરાવન નામના પુત્રનો જન્મ થયો.[૧૧] અર્જુનથી પ્રસન્ન થઈને ઉલુપી તેને વરદાન આપે છે કે દરેક ઉભયજીવી પ્રાણી નિઃશંકપણે તેના દ્વારા પરાજિત થવા માટે સક્ષમ હશે.[૧૦][૧૫]

ઉલૂપી કુરુક્ષેત્ર યુદ્ધમાં તેના પુત્ર ઈરાવનને ગુમાવે છે, જ્યાં તે તેના પિતાની તરફેણમાં લડતાં લડતાં માર્યો જાય છે.

અર્જુનને શ્રાપમાંથી મુક્તિ

[ફેરફાર કરો]

કુરુક્ષેત્ર યુદ્ધમાં ભીષ્મને દગો આપીને મારી નાખ્યા બાદ ભીષ્મના ભાઈ વસુઓએ અર્જુનને શ્રાપ આપ્યો હતો.[૧૬][૧૭] ઉલૂપીએ જ્યારે શ્રાપ વિશે સાંભળ્યું ત્યારે તેણે તેના પિતા કૌરવ્યની મદદ માંગી. તેના પિતા ભીષ્મની માતા, દેવી ગંગા પાસે ગયા અને તેને શ્રાપથી રાહત માટે વિનંતી કરી. તેની વાત સાંભળીને ગંગાએ કહ્યું કે અર્જુનને તેનો જ પુત્ર બબ્રુવાહન (ચિત્રાંગદા દ્વારા અર્જુનનો પુત્ર) મારી નાખશે અને જ્યારે ઉલૂપીએ તેની છાતી પર નાગમણી નામનું એક રત્ન મૂકશે ત્યારે તે પુનર્જીવન પ્રાપ્ત કરશે.[૧૭]

તેના પિતાની સલાહ પ્રમાણે ઉલૂપી બબ્રુવાહનને અર્જુન સામે લડવા ઉશ્કેરે છે.[૧૭] જ્યારે અર્જુન અશ્વમેધ બલિ માટેના ઘોડા સાથે મણિપુર જાય છે,[૧૬] ત્યારે ઉલુપીના નિર્દેશન મુજબ રાજા બબ્રુવાહન અર્જુનને દ્વંદ્વયુદ્ધનો પડકાર આપે છે. તેમની વચ્ચે થયેલી ભીષણ લડાઈમાં બંને એકબીજાના તીરથી ઘાયલ થઈ જાય છે. છેવટે, અર્જુન જીવલેણ રીતે ઘાયલ થાય છે અને બબ્રુબાહન તેના પર શક્તિશાળી તીર ચલાવી તેને મારી નાખે છે.[૧૮] ચિત્રાંગદા ઘટના સ્થળે ધસી જાય છે અને બબ્રુવાહનને અર્જુન સામે લડવા માટે ઉશ્કેરવા બદલ ઉલૂપીને અપશબ્દો બોલે છે.[૧૭] પોતાના કર્મનો પસ્તાવો કરતાં બબ્રુવાહન આત્મહત્યા કરવાનો નિશ્ચય કરે છે, પરંતુ ઉલૂપી દ્વારા તરત જ તેને અટકાવી દેવામાં આવે છે. તેણી તેના રાજ્યમાં જાય છે અને નાગમણીને લાવે છે. જ્યારે તે નાગમણીને અર્જુનની છાતી પર મૂકે છે ત્યારે તેનું જીવન પુનઃસ્થાપિત થાય છે, આમ તેને વસુઓના શ્રાપથી મુક્ત કરે છે.[૧૯] જ્યારે અર્જુન પુનઃજીવિત થાય છે ત્યારે ઉલૂપી, ચિત્રાંગદા અને બબ્રુવાહનને જોઈને ખુશ થાય છે. તે બધાને હસ્તિનાપુર લઈ જાય છે.[૧૭]

પાંડવોનો સંન્યાસ

[ફેરફાર કરો]

કળિયુગની શરૂઆત થતાં જ પાંડવો પોતાના એકમાત્ર વારસદાર અર્જુનના પૌત્ર પરિક્ષિતને રાજગાદી સોંપી, દ્રૌપદી સાથે સંન્યાસ લઈને, પોતાનો બધો જ સામાન અને સંબંધોનો ત્યાગ કરીને, એક કૂતરા સાથે હિમાલયની અંતિમ યાત્રા પર નીકળી જાય છે. ઉલૂપી ગંગા નદીમાં પોતાના રાજ્યમાં પાછી ફરે છે.[૨૦]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Chakravarti, Bishnupada (2007-11-13). Penguin Companion to the Mahabharata (અંગ્રેજીમાં). Penguin UK. ISBN 978-93-5214-170-8.
  2. Vettam 1975, p. 806.
  3. Wheeler, James Talboys (1867). The History of India from the Earliest Ages: The Vedic period and the Mahá Bhárata. N. Trübner. પૃષ્ઠ 572.
  4. Steiger, Brad (2010). Real Monsters, Gruesome Critters, and Beasts from the Darkside. Visible Ink Press. પૃષ્ઠ 150. ISBN 978-1-57859-345-3.
  5. Mott, Wm Michael (2011). Caverns, Cauldrons, and Concealed Creatures: A Study of Subterranean Mysteries in History, Folklore, and Myth. Grave Distractions Pub. પૃષ્ઠ 98. ISBN 978-0-9829128-7-4.
  6. Vogel 1926, p. 208.
  7. Vettam 1975, p. 19.
  8. Chandramouli 2012, chpt. Seprent Princess.
  9. Vettam 1975, p. 96.
  10. ૧૦.૦ ૧૦.૧ Vettam 1975, p. 332.
  11. ૧૧.૦ ૧૧.૧ Debroy 2010, sec.Arjuna-vanavasa Parva.
  12. www.wisdomlib.org (2010-12-27). "Section CCXVI [Mahabharata, English]". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-07-14.
  13. Vettam 1975, p. 54.
  14. Bhanu, Sharada (1997). Myths and Legends from India – Great Women. Chennai: Macmillan India Limited. પૃષ્ઠ 7. ISBN 0-333-93076-2.
  15. Thadani 1931, pp. 185–186.
  16. ૧૬.૦ ૧૬.૧ Ganguli, Kisari Mohan (1883–1896). "SECTION LXXXI". The Mahabharata: Book 14: Anugita Parva. Internet Sacred Text Archive. મેળવેલ 3 April 2016.
  17. ૧૭.૦ ૧૭.૧ ૧૭.૨ ૧૭.૩ ૧૭.૪ Vettam 1975, p. 97.
  18. Ganguli, Kisari Mohan (1883–1896). "SECTION LXXIX". The Mahabharata: Book 14: Anugita Parva. Internet Sacred Text Archive. મેળવેલ 3 April 2016.
  19. Ganguli, Kisari Mohan (1883–1896). "SECTION LXXX". The Mahabharata: Book 14: Anugita Parva. Internet Sacred Text Archive. મેળવેલ 3 April 2016.
  20. Ganguli, Kisari Mohan (1883–1896). "SECTION 1". The Mahabharata: Book 17: Mahaprasthanika Parva. Internet Sacred Text Archive. મેળવેલ 3 April 2016.