લખાણ પર જાઓ

વસિષ્ઠ

વિકિપીડિયામાંથી
વસિષ્ઠ
શીર્ષકસપ્તર્ષિ
અંગત
ધર્મહિંદુ ધર્મ
જીવનસાથીઅરુંધતી
બાળકો
  • શક્તિ, સિત્રકેતુ, સુરોસિસ, મિત્ર, ઉલ્બના વગેરે (અરુંધતીથી)[૧]
  • અસ્મક (નિયોગ પુત્ર)[૨]
માતા-પિતાબ્રહ્મા

વેદવેદાંતમાં પારંગત, ધનુર્વિદ્યામાં કુશળ, તત્વજ્ઞ, તપસ્વી, ઉત્સાહી, કર્મકાંડી, સત્યવક્તા, ત્રિકાલદર્શી અને ઉત્તમવક્તા એવા વસિષ્ઠ મુનિ રઘુવંશના કુળગુરુ અને સત્યવક્તા બ્રહ્મર્ષિ સ્વાયંભુવ મન્વંતરમાં બ્રહ્માના દશ માનસપુત્રો માંહેના એક હતા. તેમનો આશ્રમ હિમાલયના એક શિખર ઉપર હતો. એ ઉપરથી એ શિખર હજુ પણ વસિષ્ઠના નામથી ઓળખાય છે.

પ્રથમ જન્મમાં વસિષ્ઠ બ્રહ્માના અયોનિજ માનસિક પુત્ર હતા. શ્રીમદ્ ભાગવતમાં વસિષ્ઠને બ્રહ્માના દશ માનસ પુત્રમાંના એક કહ્યા છે. ભગવાન મનુ પણ એમ જ કહે છે. આમ, વસિષ્ઠ અયોનિજ હતા. એમ કહેવાય છે કે, એક રાત્રીના સમારંભમાં દેવો એકઠા મળ્યા હશે. ત્યાં મિત્ર અને વરુણ ઉર્વશીને જોઈ ક્ષોભ પામ્યા અને વીર્ય સ્ખલિત થયું. તે અર્ધું એક કુંભ એટલે ઘડામાં પડ્યું અને અર્ધું વસુ એટલે પાણીમાં પડ્યું. આ રીતે વસુમાંથી જે પ્રગટ્યા તેને વસિષ્ઠ કહે છે.

લગ્ન અને સંતાન

[ફેરફાર કરો]

તેઓ કર્દમ ઋષિની દીકરી અરુંધતી સાથે પરણ્યા હતા. તેમને બીજી ઊર્જા નામની પણ સ્ત્રી હતી. તેમણે અરુંધતીને કેળવણી આપી જ્ઞાની બનાવી હતી. ઇક્ષ્વાકુ કુળના વિકુક્ષિ રાજાના તે કુળગુરુ થયા. અરુંધતીને શક્તિ વગેરે સૌ પુત્રો થયા હતા. અરુંધતીએ વેદ ઉપર ભાષ્ય કર્યું છે.

નંદિની

[ફેરફાર કરો]

નંદિની નામની કામધેનુ તેમનું ઉત્તમ બળ હતું. તે વડે એ અતિથિનો તેમની ઇચ્છા પ્રમાણે સત્કાર કરી શકતા. વસિષ્ઠે પોતાની નંદિની નામની ધેનુ દિલીપ રાજાને આપી હતી.

કાર્યો

[ફેરફાર કરો]

વસિષ્ઠ દશરથ રાજાના પુરોહિત અને મોટા પ્રધાન હતા. તેમની સલાહ પ્રમાણે રાજ્યકારભાર ચાલતો. દશરથને પુત્ર ન હોવાથી વસિષ્ઠે તેમને પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો તેથી રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન એ ચાર પુત્રો થયા. વસિષ્ઠે રામને વેદ, વેદાંગ, ધનુર્વિદ્યા, ધર્મશાસ્ત્ર, ન્યાય, નીતિ અને સકળ કળા વગેરે ચૌદ વિદ્યાનું શિક્ષણ આપ્યું હતું. તેમ જ તેમણે રામને આધ્યાત્મિક જ્ઞાન તથા યોગ સમજાવ્યો હતો. એનો ગ્રંથ આજે યોગવાસિષ્ઠ અથવા મહારામાયણ નામથી પ્રસિદ્ધ છે. વળી વસિષ્ઠે સ્મૃતિગ્રંથ રચેલો છે તેને વસિષ્ઠસ્મૃતિ કહે છે તથા તેમણે રચેલી સંહિતાને વસિષ્ઠસંહિતા કહેવામાં આવે છે. તે ૨૧ અધ્યાયની છે. યોગધર્મના તેઓ આચાર્ય હતા. આ યોગધર્મ વેદના જ્ઞાનકાંડ અને વેદાંતશાસ્ત્રના વલણ ઉપરથી રચાયો હતો. આ ધર્મમાં ગોરખ, મત્સ્યેંદ્ર, જાલંધર, નવનાથ, ચોર્યાશી સિદ્ધ, જૈનોના નવ યોગેશ્વર વગેરે યોગીઓ તેમ જ ગોપીચંદ, ભરથરી, વિક્રમ વગેરે મહારાજાઓ આ ધર્મના નિયમ ઉપર ચાલી ગયા છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Motilal Bansaridas Publishers Bhagavat Purana Book 2, Skandha IV Page: 426
  2. Pratap Chandra Roy's Mahabharata Adi Parva Page: 409