લક્ષ્મણ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
લક્ષ્મણ, રામ-સીતા અને હનુમાન સાથે - ભક્તિવેદાંત મેનોર (ઇસ્કોન મંદિર), વોટ્ફોર્ડ, યુ.કે.

લક્ષ્મણ (સંસ્કૃત: लक्ष्मण; તેલુગુ:లక్ష్మణ;તમિલ: லக்ஷ்மணன்; અંગ્રેજી: Lakshmana, Laxmana, Laksmana; ચીની: લોમાન; ઇન્ડોનેશિયન અને જાવાનીઝ: લક્ષ્મણ, લક્ષમણ, લેસ્મન, લેસ્મોનો; થાઇ: พระลักษมณ์) હિંદુ ધર્મના ભગવાન રામના ભાઈ હતા અને રામાયણ પ્રમાણે શુરવિર હતા.[૧] લક્ષ્મણને શેષનાગનો અવતાર માનવામાં આવે છે, અને અમુક સંપ્રદાયમાં તેમને રામના અંશ માનવામાં આવે છે.

અયોધ્યાના રાજા દશરથનો સુમિત્રાથી જન્મેલ પુત્ર; રામનો નાનો ભાઈ. રામ સાથે વનમાં જઈ રામ તથા સીતાની અનન્ય ભાવથી તેણે સેવા કરી હતી. મેઘનાદને મારી તેણે રાવણને ભારે હેરાન કર્યો હતો. તે શેષનો અવતાર ગણાય છે. વનવાસ દરમિયાન ચૌદ વરસ પર્યંત તેણે આહાર, નિદ્રા તજી ભારે બ્રહ્મચર્ય પાળ્યું હતું. લક્ષ્મણજીનું બ્રહ્મચર્ય કેવું હતું ? સીતાજીનું હરણ થયું, રામચંદ્રજી સીતાજી માટે બહુ વિકલ અને દુઃખી થઈ જાય છે, વનવનમાં, જંગલેજંગલ અને ગામેગામ ભટકે છે, પણ ક્યાંય પત્તો લાગતો નથી. જતાં જતાં એક પર્વત ઉપર પહોંચે છે. રામ અને લક્ષ્મણ બેઠા છે. તેવામાં સુગ્રીવ કેટલાંક આભૂષણ લાવે છે અને કહે છે કે, જંગલમાં ફરતાં આ આભૂષણ મળ્યાં છે. તે માતા સીતાજીનાં તો નથી ને ? રામચંદ્રજી લક્ષ્મણને ને ઘરેણાં જોવાનું કહે છે. લક્ષ્મણ તે જોઈ કહે છે કે હું બાજુબંધને જાણતો નથી, કુંડલને જાણતો નથી. આમાંની એક ચીજ જોઈને તે સીતાજીની છે એમ કહી શકું છું તે ચીજ આ ઝાંઝર છે. આ ઝાઝર તેમના પગમાં રહેતાં હતાં. સીતાજીને હું હમેશ નમસ્કાર કરતો હતો તેથી હું આ ઝાંઝરને ઓળખી શકું છું. ચોવીસે કલાક સીતાજી સાથે રહેવા છતાં, રાતદિવસ તેની સેવા બજાવતાં છતાં લક્ષ્મણ પોતાની ભાભીનું મોઢું કેવું હતું અને તેના શરીર ઉપર કેવાં ઘરેણાં હતાં તે પણ જાણતા ન હતા. ખરો બ્રહ્મચારી આવો હોય. આ કારણથી લક્ષ્મણના બ્રહ્મચર્યનાં આજ પણ ગુણગાન કરવામાં આવે છે. તેની પત્નીનું નામ ઊર્મિલા હતું. તે સીતાની બેન હતી. તેનાથી લક્ષ્મણને અંગદ અને ચંદ્રકેતુ નામે બે પુત્રરત્ન થયા હતા. લક્ષ્મણની રામ ઉપર અત્યંત પ્રીતિ હતી અને રામની પણ તેના ઉપર તેવી જ પ્રીતિ હતી. લક્ષ્મણ રામને રાવણ સાથેના યુદ્ધમાં પુષ્કળ ઉપયોગી થઈ પડ્યા હતા. તેણે અનેક રાક્ષસોને મારી છેવટે રાવણના પરમ બલાઢ્ય પુત્ર ઇંદ્રજિતને પણ માર્યો હતો. રામે રાવણને મારી વિભીષણને રાજ્ય સોંપ્યા પછી લક્ષ્મણ રામ સાથે અયોધ્યા પાછા ગયા હતા. રામને રાજ્યાભિષેક થયા પછી જ્યારે રામે લક્ષ્મણને યૌવરાજપદ આપવા માંડ્યું ત્યારે તે તેમણે લીધું નહિ અને કેવળ બીજી સેવા કરવાનું જ તેમણે પસંદ કર્યું. આ ઉપરથી તેમને વૈરાગ્યશીલ જોઈ, જ્ઞાનના અધિકારી ગણી, તેમણે પ્રાર્થના કરવાથી રામે તેમને બ્રહ્મવિદ્યા કહી હતી. તેમણે સરયુ નદીના કિનારે પ્રાણ ત્યાગ્યો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. The Valmiki Ramayana: retold in verse, ISBN 0-89389-137-1, ISBN 978-0-89389-137-4 - [૧]