લખાણ પર જાઓ

જનક

વિકિપીડિયામાંથી

ભારતીય ઉપખંડના સૌથી મહત્વના તથા પ્રાચીન એવા હિંદુ ધર્મના સૌથી વધુ મહત્વ ધરાવતા મહાકાવ્ય ગ્રંથ રામાયણમાં વર્ણવ્યા મુજબ તત્ત્વજ્ઞાની વિદેહ અથવા મિથિલા નગરીના રાજા જનક બ્રહ્મવિદ્યાના ઉત્તેજક અને યોગીશ્વર યાજ્ઞવલ્ક્યના શિષ્ય અને ભગવાન શ્રીરામચંદ્રના સસરા; સીતાના પિતા હતા. મહાભારતના વનપર્વ અનુસાર જનકરાજાનાં રાજ્યમાં બંદી, કહોડ અને અષ્ટાવક્ર જેવાં વિદ્વાનો હતાં.[]

મહાભારતનાં શાંતિપર્વ અનુસાર તેમનાં ગુરૂ પંચશિખા હતાં. રાજા જનકે જ્યારે સંસાર છોડવાનો નિર્ણય કર્યો ત્યારે તેમનાં પત્નીએ સંસારમાં રહીને પણ બ્રહ્મજ્ઞાન મેળવી શકાય તેવું જ્ઞાન આપ્યું. આ પર્વમાં તેમનો સંવાદ વિવિધ લોકો જેવાં કે અશ્માઋષિ , પરાશર , યોગિની સુલભા તથા વ્યાસપુત્ર શુકદેવ સાથે થયો હતો. 'પરાશર ગીતા' , 'વ્યાધ ગીતા' અને ' અષ્ટાવક્ર ગીતા' માં પણ તેમનો ઉલ્લેખ મળે છે. તેમનાં પુરોહિત ગૌતમપુત્ર શતાંનદ હતાં. ભગવાન વિષ્ણુએ જનકની પરીક્ષા કરવા મિથિલા નગરી સળગાવી નાખી પણ જનક બ્રહ્મરત થઈને કાંઈ પણ ચિંતા ન કરી આથી પ્રસન્ન વિષ્ણુએ પહેલાં જેવી મિથિલા કરી આપી.[]

બૃહદારણ્યક ઉપનિષદ અને શતપથ બ્રાહ્મણ અનુસાર જનકની સભામાં યાજ્ઞવલ્યક ઋષિ , સોમશ્રવા , અશ્વલ , જરાત્કારુપુત્ર આર્તભાગ , ભુજ્યુ , ઉષસ્તિ ચાક્રાયણ , ક્હોડ , આરુણિપુત્ર ઉદ્દાલક , શાકલ્ય અને ગાર્ગી વાચક્નવી જેવાં જ્ઞાનીઓ હતાં.[]

ઉપેન્દ્રભંજની 'વૈદેહી વિલાસ' નામની કૃતિ અનુસાર જ્યારે જનક વનમાં તપસ્યા કરતા હતાં ત્યારે મેનકા નામની અપ્સરા સ્વર્ગે જતી હતી ત્યારે જનકને ઇચ્છા થઇ કે તેમને પણ આવી સુંદર પુત્રી હોય તો સારૂ મેનકાએ પ્રસન્ન થઈ વર આપ્યું કે તેમની પુત્રી પણ મારાં જેવી સુંદર હશે.[]

'અદભુત રામાયણ' અનુસાર રાવણે તેજસ્વી ઋષિઓને મારી તેમનું લોહી એક ઘડામાં ભર્યું. તેમાંથી એક ઋષિએ શ્રાપ આપ્યો આ ઘડો તારો વિનાશ કરશે . એકવાર ભૂલથી મંદોદરી તે ઘડાને ઝેર સમજી પી ગયા અને એક પુત્રીને જન્મ આપ્યો. મંદોદરીએ તેને દૂર મિથિલામાં દાટી દીધી. જ્યારે મિથિલામાં દુષ્કાળ પડ્યો ત્યારે જનક સોનામાં હળથી જમીન ખોદતાં સીતા મળી હતી.[]

જૈનધર્મની કથાઓ અને બૌદ્ધધર્મની જાતક-કથામાં પણ 'જનક' નો ઉલ્લેખ મળે છે.

જનકનાં પત્નીનું નામ રામાયણનાં વિવિધ સંસ્કરણો અલગ અલગ છે, જેમ કે જૈન ગ્રંથ ' પૌમ્યચરિત્ર ' અનુસાર તેમનું નામ વિદેહ , 'વાસુદેવ હિંદી' અનુસાર ધારિણી , તુલસીદાસની રામાયણમાં તેમનું નામ ' સુનયના' અમુક જગ્યાએ 'સુનેત્રા' મળે છે.[]

વિદેહ વંશના પ્રત્યેક રાજાનું સામાન્ય નામ. એનું કારણ એમ છે કે એ મૂળ પુરુષ કેવળ પિતાના જ દેહથી નિર્માણ થયો હતો. વૈવસ્વત મનુના મોટા પુત્ર ઈક્ષ્વાકુના સો પુત્ર માંહેના બીજા પુત્ર નિમિ રાજાને વસિષ્ઠનો શાપ હતો. એનો દેહ પડી ગયા પછી બ્રાહ્મણોએ એના દેહનું મંથન કર્યું અને તેમાંથી એક પુરુષ નિર્માણ કર્યો. એનું નામ મિથિનામા જનક. ત્યાર પછીના દરેકને આ નામ લાગુ પડ્યું. સીતાજી આ કુળમાં થયેલ સીલધ્વજની પુત્રી હતી. સીતાના પિતા જનક તેની પછી વીસમા રાજા થયા. તેને કોઈ ઉત્પન્ન કરનાર નહિ હોવાથી જનક અથવા વિદેહ કહેવાયા. એના વંશના સર્વ જનક અથવા વિદેહ વંશ જ કહેવાય છે.

રામાયણ અનુસાર નિમિનો પુત્ર મિથિ અને તેના પુત્રનું નામ જનક હતું. તેનો પુત્ર ઉદવસુ , તેનો પુત્ર નંદીવર્ધન , તેનો પુત્ર દેવરાત , તેનો બૃહદરથ , તેનો મહાવીર , તેનો સુર્ધિતિ , તેનો ધૃષ્ટકેતુ , તેનો હયાશ્વ , તેનો મારૂ , તેનો પ્રતિન્ધક , તેનો ર્કિતિરથા , તેનો દેવમીઢ , તેનો વિબુધ , તેનો મહાદ્રીક , તેનો ર્કિતિરથ , તેનો મહારોમા , તેનાં સ્વર્ણરોમા , તેનાં હશ્વરોમા અને તેનાં ક્ષીરધ્વજ જનક થયાં.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Ramanarayanadatta astri. Mahabharata. [Gorakhpur Geeta Press].
  2. Ramanarayanadatta astri. Mahabharata. [Gorakhpur Geeta Press].
  3. Swami Madhavananda (૧૯૫૦). Brihadaranyaka Upanishad - Shankara Bhashya translated by Swami Madhavananda (Englishમાં).CS1 maint: unrecognized language (link)
  4. "Read / Download Vaidehish Vilas in Oriya". www.dwarkadheeshvastu.com. મૂળ માંથી 2017-08-16 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ઓગસ્ટ ૨૦૧૭.
  5. "Read / Download Adbhut Ramayan in Hindi @ dwarkadheeshvastu.com". www.dwarkadheeshvastu.com. મૂળ માંથી 2017-08-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ઓગસ્ટ ૨૦૧૭.
  6. "Sita Devi | Rama | Ramayana". Scribd (અંગ્રેજીમાં). મેળવેલ ૨૨ ઓગસ્ટ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]