લખાણ પર જાઓ

વિશ્વામિત્ર

વિકિપીડિયામાંથી
બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર
શકુંતલા અને નવજાત શિશુનો ત્યાગ કરી રહેલા વિશ્વામિત્ર, (રાજા રવિ વર્માનું દોરેલું ચિત્ર)
અંગત
બાળકો૧૦૪ પૂત્રો અને એક દિકરી[૧]
માતા-પિતા
  • ગાધિ (પિતા)
કારકિર્દી માહિતી
સાહિત્યિક સર્જનઋગ્વેદના ત્રીજા મંડળનું, ગાયત્રી મંત્રનું અને રામ રક્ષા સ્તોત્રનું સર્જન કર્યુ
સન્માનોઋષી
રાજર્ષિ
મહર્ષિ
બ્રહ્મર્ષિ
વંશકુશિક વંશ - Chandravamsha clan

ઋગ્વેદના ત્રીજા મંડલના સૂક્તોના કર્તા, અયોધ્યાના સૂર્યવંશી રાજકુટુંબના ઉપાધ્યાય; કાન્યકુબ્જના પુરુવંશી ગાધિ રાજાના પુત્ર ક્ષત્રિય ઋષિ વિશ્વામિત્ર, કૌશિક; ગાધિજ; ગાધિનંદન વગેરે નામોથી પણ ઓળખાય છે. ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થઈ પોતાના તપોબળથી તેણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું.

ઉત્પત્તિ[ફેરફાર કરો]

તેની ઉત્પત્તિ સંબંધમાં એવું વર્ણન છે કે, ગાધિરાજાની કન્યા સત્યવતી ઋચીક ઋષિને પરણાવી હતી. ગાધિરાજ અને ઋચીકને કાંઈ સંતાન ન થયું. તેથી ઋચીકે યજ્ઞાવશેષ ચરુના બે ભાગ કર્યા. એકની સાથે બ્રાહ્મણ સંતાનનો અને બીજીની સાથે ક્ષત્રિય સંતાનનો આશીર્વાદ હતો. બંને ચરુ ઋચીક ઋષિએ પોતાની સ્ત્રીને આપી બ્રાહ્મણવાળો ચરુ પોતાને ખાવાનું અને બીજો ચરુ ગાધિરાજાની સ્ત્રીને ખાવા આપવાનું કહ્યું. ગાધિરાજાની સ્ત્રીએ વિચાર કર્યો કે કદાચ સત્યવતીનો ચરુ અધિક શ્રેષ્ઠ હશે, કેમકે તેના સ્વામીએ તે તૈયાર કરેલ છે. ઉપરથી તેનો ચરુ પોતે લઈ લીધો અને પોતાનો તેને આપી દીધો. પરિણામે ગાધિરાજની સ્ત્રીને વિશ્વામિત્ર અને સત્યવતીને જમદગ્નિ થયા, જે બ્રાહ્મણ હોવા છતાં ક્ષાત્ર ગુણથી યુક્ત હતા. તેણે ઋચીક ઋષિ પાસે સર્વ વિદ્યાનું શિક્ષણ લીધું હતું. તેણે પ્રજાને પુત્ર પેઠે પાળી હતી. રાજ્યનો વિસ્તાર ઘણો વધાર્યો હતો, દ્રવ્ય ભંડાર ભરપુર હતો. મંત્રીમંડળ વિદ્વાન, નમ્ર અને દીર્ધદષ્ટિવાળું હતું.

કથા[ફેરફાર કરો]

એકવાર આ રાજા(વિશ્વામિત્ર) સૈન્ય સહિત મૃગયા રમવા નીકળ્યો, રસ્તામાં વસિષ્ઠ ઋષિના આશ્રમે ઋષિએ નંદિની કામધેનુની મદદથી રાજાનો સારો સત્કાર કર્યો, છેવટે ઋષિની ના છતાં બળાત્કારે કામધેનું લઈ જવા રાજા તૈયાર થયો, નંદિનીમાંથી અસંખ્ય પુરુષો પ્રગટ થયા, તેણે વિશ્વામિત્રના સર્વ સૈન્યનો નાશ કર્યો ને રાજા લજ્જા પામી પોતાને નગર પાછો આવ્યો. ક્ષત્રિયબળ કરતાં બ્રહ્મતેજનું પરાક્રમ ચડિયાતું છે એમ તેને ખાતરી થવાથી તેણે હજારો વર્ષ તપ કર્યું. તે તપના પ્રભાવથી દેવોએ તેને બ્રહ્મર્ષિ કહ્યા પણ વસિષ્ઠ તો તેને રાજર્ષિ કહીને બોલાવતા. આથી વિશ્વામિત્રે વસિષ્ઠના સો પુત્રોને મરાવી નાખ્યા ને તેને મારી નાખવા તૈયાર થયા. એક રાત્રે વસિષ્ઠના મોઢેથી વિશ્વામિત્રના તપનાં વખાણ સાંભળી, મારવા આવેલ વિશ્વામિત્ર વસિષ્ઠને પગે પડ્યા, જ્યારે તેનું નિરાભિમાન જોયું ત્યારે વસિષ્ઠે વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહ્યા. ત્યારથી તે બંને વચ્ચે ગાઢ સ્નેહ બંધાયો.

આ પછી મહા તપોબળી વિશ્વામિત્રે સિદ્ધાશ્રમમાં ઘણા યજ્ઞો કર્યા. રાક્ષસોનું જોર બહુ વધી ગયું હતું અને યજ્ઞમાં આવી વિધ્ર કરતા. યજ્ઞના પ્રસંગમાં કોઈને શાપ દેવાય નહિ એવી શાસ્ત્રમર્યાદા હોવાથી વિશ્વામિત્રે દશરથ રાજા પાસેથી રામની માગણી કરી ને રામ લક્ષ્મણ પાસે ઘણા રાક્ષસોનો નાશ કરાવ્યો. વિશ્વામિત્રને ગાલ્લવ નામે પુત્ર હતો અને ગાલ્લવ નામનો એક શિષ્ય પણ હતો. તેને માધવીથી અષ્ટક નામે એક પુત્ર થયો હતો. વિશ્વામિત્રના કુળમાં પોતે સુદ્ધાં તેરે મંત્રદષ્ટા ઋષિ થઈ ગયા છે. વિશ્વામિત્ર પોતે, દેવરાત-શુન:શેપ, મધુચ્છંદ, અધમર્ષણ, અષ્ટક, લોહિત-રોહિત, ભૃતકીલ, માંબુદ્ધિ, દેવશ્રવા, દેવરત, ધનંજય, શિશિર, શાલકાયન. આ સિવાય પણ તેને ઘણા પુત્રો થયા છે: વિશ્વામિત્ર પ્રજાપક્ષી હતા, જે રાજાના રાજ્યમાં પ્રજાને દાદ મળતી ન હોય ને અધિકારીઓ જુલમી હોય તેની સામે પ્રજાપક્ષે થતા ને ભાષણોદ્વારા ટીકા કરી તૂટી પડતા. રાજાઓને સલાહ આપવામાં એ એક મોટા પ્રધાન જેવા હતા. તેમણે ધનુર્વેદ પ્રથમ ક્ષત્રિયોને શીખવ્યો હતો. તેમે ધનુવિદ્યાનો મહાન ગ્રંથ રચ્યો છે. તે વિદ્યામાં તેઓ ઘણા જ પ્રસિદ્ધ થયેલા છે. રાજાઓ એકાંતમાં તેની સલાહ લેતા અને વિશ્વામિત્ર દેશની પ્રજાની દાહ હૈયે ધરી તેમને સુખી કરવાને પ્રયત્ન કરતા. એ પ્રજાપક્ષી બ્રહ્મષિ સપ્તઋષિના રાજ્ય પંચમાં નિમાયા હતા. એ ચાલુ મન્વંતરમાં સપ્તષિમાં ગણાય છે. રાજ્ય જેવી સમૃદ્ધિ અને વૈભવને છોડી બ્રહ્મપદની પ્રાપ્તિમાં અને પ્રજાને સુખી કરવામાં એણે દેહ અર્પણ કર્યો હતો. ક્ષણિક વસ્તુઓ તેમને તુચ્છ હતી. તપ અને મનુષ્યનું કલ્યાણ કરવું એજ તેને પ્રિય હતું. તત્વજ્ઞાન અને ધર્મનીતિનો ઠેકઠેકાણે ઉપદેશ આપતા. એ પોતાના આત્મબળના પરાક્રમથી આર્યાવર્તમાં અમર કીર્તિ રાખી ગયા છે.

સ્ત્રોત[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Jestice, Phyllis G. (૨૦૦૪). Holy People of the World: A Cross-cultural Encyclopedia. ABC-CLIO. પૃષ્ઠ ૮૯૯.