રાક્ષસ

વિકિપીડિયામાંથી
રાક્ષસ
राक्षस
મરીચ અને સુબાહુ (રાક્ષસ સ્વરુપે) જેમની સાથે રામ અને લક્ષ્મણ યુદ્ધ કરી રહ્યા છે. (ગીતા પ્રેસ, ગોરખપુરના સામાયિક કલ્યાણનો ફેબ્રુ. ૧૯૫૬નો અંક)
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
ભારત, શ્રીલંકા, નેપાળ, થાઇલેન્ડ, થાઇલેન્ડ, કમ્બોડીયા
ભાષાઓ
સંસ્કૃત, પાલી
ધર્મ
હિંદુ, બૌદ્ધ

રાક્ષસ (સંસ્કૃત: राक्षस) એ પ્રાચીન કાળની એક માનવ જાતિ હતી.[૧] પૌરાણિક માન્યતા પ્રમાણે લંકાના રાજા રાવણની જાતિ અને તેના પુરુષ સદસ્યોને રાક્ષસ અને સ્ત્રી સદસ્યોને રાક્ષસી તરીકે ઓળખવામાં આવે છે. ભારત અને હિંદુ ધર્મ સિવાય ભારતની આસપાસના દેશોમાં અને બૌદ્ધ ધર્મમાં પણ રાક્ષસોનું વર્ણન આવે છે.

મહારાજા ભગવતસિંહજીના મતે રાક્ષસો આકળા, વિકરાળ, મોટા દાંત, ભયંકર આંખો અને વગર પ્રમાણના અવયવોવાળા હતા એવી લોકોની સમજ છે તે ભૂલ ભરેલી છે. તેઓ આર્યોની માફક મનુષ્ય દેહધારી હતા. માત્ર રંગે કાળા અને શરીરે મજબૂત હતા. અને નરમાંસ ભક્ષણ કરવાનો ક્રૂર ચાલ તેમનામાં હતો. તેના સાત પ્રકાર છે: ભીમ, મહાભીમ, વિઘ્ન, વિનાયક, જળરાક્ષસ, રાક્ષસરાક્ષસ અને બ્રહ્મરાક્ષસ. રાક્ષસો નૈઋત્ય તરફ અને યમુના નદીને દક્ષિણે લંકા સુધી રહેતા હતા. તે નૈઋત્ય તરફ હતા માટે તેમને નૈઋતી પણ કહેતા. તેના ત્રણ પ્રકાર છે: કેટલાક યક્ષ જેવા, કેટલાક માત્ર દેવના જ દુશ્મન હોય અને બીજા સ્મશાનમાં દેખાવ દે, યજ્ઞમાં ભંગ પાડે, પવિત્ર માણસોને પજવે, જીવતા માણસનું ભક્ષણ કરે અને તેવી અનેક રીતે લોકોને પીડા રૂપ થઇ પડે. રાવણ ત્રીજા પ્રકારનો રાક્ષસ મનાય છે.[૨]

ઉત્પત્તિ[ફેરફાર કરો]

તેઓની ઉત્પત્તિ વિષે મતભેદ છે. કેટલાકનું માનવું એવું છે કે તેઓ પુલસ્ત્યના પુત્ર થાય. બીજા મત પ્રમાણે તેઓ બ્રહ્માના પગના તળિયામાંથી ઉત્પન્ન થયા હતા. વિષ્ણુ પુરાણ પ્રમાણે તેઓ કશ્યપ અને ખષાના પુત્ર છે. રામાયણમાં જણાવ્યા પ્રમાણે જ્યારે બ્રહ્માએ સમુદ્ર ઉત્પન્ન કર્યા ત્યારે તેની રક્ષા કરવા રાક્ષસોને ઉત્પન્ન કર્યા તેથી તેમને રાક્ષસ નામ આપ્યું.[૨]

અન્ય નામો[ફેરફાર કરો]

રાક્ષસને તેમના ગુણ પ્રમાણે અનેક નામથી ઓળખાવવામાં આવે છે: અનુશર, આશર, આશિર, હનૂષ, ઇષ્ટિપચ, સંધ્યાબલ, ક્ષપાત, નક્તંચર, રાત્રિચર, શમનીશદ, નૃજગ્ધ, નૃયક્ષ, પલલ, પલાદ, પલંકશ, ક્રવ્યાદ, અસ્ત્રપ, અસૃક્પ, કૌણપ, કીલાલપ, રક્તપ, દંડશુક, પ્રઘસ, મિલનમુખ, કર્બૂર, અસ્ત્ર, નિક્ષાસૂત, નિક્ષાત્મજ, જાનુધાન, પુણ્યજન, નૈઋતુ, યાતુ, રક્ષ વગેરે રાક્ષસને માટે અન્ય શબ્દો વપરાય છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "રાક્ષસ". Gujaratilexicon. મેળવેલ ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૪. Check date values in: |access-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ જાડેજા, ભગવતસિંહજી. ભગવદ્ગોમંડલ. રાજકોટ: પ્રવિણ પ્રકાશન પ્રા. લિ. પૃષ્ઠ ૭૫૭૩.