પંપા સરોવર
પંપા સરોવર ભારતના કર્ણાટક રાજ્યના કોપ્પલ જિલ્લાના હમ્પી નજીક આવેલું એક સરોવર છે. તુંગભદ્રા નદીની દક્ષિણે સ્થિત આ સરોવરને હિંદુઓ પવિત્ર માને અને તે પાંચ પવિત્ર સરોવરો પૈકીનું એક છે. હિંદુ ધર્મની પૌરાણિક કથા પ્રમાણે આ સ્થળે ભગવાન શિવની અર્ધાંગિની પંપા (પાર્વતી)એ પોતાનું શિવ પ્રતિ સમર્પણ દર્શાવવા માટે તપસ્યા કરી હતી.[૧]. આ સરોવરનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે. રામાયણમાં આ એ જ સરોવર છે જેના કિનારે શબરીએ ભગવાન રામચંદ્રના આગમનની પ્રતિક્ષા કરતી હતી.
વર્ણન
[ફેરફાર કરો]પંપા સરોવર હોસપેટથી આનેગુંડી જતા માર્ગે પહાડોથી ઘેરાયેલી ખીણમાં આવેલું છે. હનુમાન મંદિર નામે જાણીતા પહાડની તળેટીથી લગભગ એક કિલોમીટર દૂર આવેલું છે અને કમળથી ભરેલું છે. જ્યારે કમળો ખીલેલા હોય ત્યારે સરોવર ખુબ નયનરમ્ય બની રહે છે. સરોવરના કિનારે લક્ષ્મી મંદિર અને એક શિવ મંદિર પણ આવેલાં છે. સરોવરની બાજુમાં જ આંબાના વૃક્ષ નીચે ગણપતિનું પણ નાનકડું સ્થાનક આવેલું છે. [૨]
પૌરાણિક કથા
[ફેરફાર કરો]રામાયણમાં પંપા સરોવરનો ઉલ્લેખ એ સ્થળ તરિકે કરવામાં આવ્યો છે જ્યાં માતંગ ઋષીની શિષ્યા શબરીએ ભગવાન રામને સિતાને પાછી લાવવા માટેની તેમની દક્ષિણ તરફની યાત્રામાં દિશાસુચન કર્યું હતું. કથા અનુસાર, શબરી રોજે પ્રાર્થના કરતી હતી કે તેને ભગવાન શ્રી રામના દર્શન કરવાનો મોકો મળે. તે તેના ગુરૂ માતંગના આશ્રમમાં રહેતી હતી, આ આશ્રમ આજના હમ્પીમાં માતંગ પર્વત નામે ઓળખાતા ક્ષેત્રમાં આવેલો હતો. તેના ગુરૂ માતંગે પોતાના અવસાન પહેલા તેને જણાવ્યું હતું કે તે અવશ્ય ભગવાન રામના દર્શન મેળવશે. ગુરૂના નિધન પછી પણ શબરી ભગવાન રામની પ્રતિક્ષામાં આશ્રમમાં રહેતી હતી. ઘણા વર્ષો વીતી ગયા અને શબરી વૃદ્ધ થઈ ગઈ હતી ત્યારે ભગવાન રામ લંકા જતાં રસ્તામાં તેના આશ્રમે પધાર્યા. તેણે રામ અને અનુજ લક્ષ્મણને પ્રેમે ભોજન કરાવ્યું. તેના ઔદાર્યને વશ થઈને રામ અને લક્ષ્મણે તેને પ્રણામ કર્યાં. ત્યાર બાદ તેમણે શબરીને સીતાના અપહરણની કથની કહી સંભળાવી અને શબરીએ તેમને દક્ષિણમાં આવેલા વાનર રાજ્યના હનુમાન અને સુગ્રીવની મદદ લેવા જણાવ્યું જેઓ પંપા સરોવર નજીક રહેતા હતાં.
પંપા સરોવર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો માટે એક અન્ય અગત્યતા ધરાવે છે, કેમકે ૧૬મી સદીમાં થઈ ગયેલા પુષ્ટી માર્ગના સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ શ્રીમદ્ ભાગવતમ્ પારાયણ કર્યું હતું. આ કારણે અહીં પુષ્ટી માર્ગની બેઠકાવેલી છે. શ્રીમદ્ વલ્લભાચાર્યએ આ સ્થળની લીધેલી મુલાકાત એ વાતની પૂર્તિ કરે છે કે આ સ્થળ ધાર્મિક રીતે મહત્વ ધરાવે છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "હમ્પીની પૌરાણિક વાતો". hampi.in. મૂળ માંથી 2007-12-31 પર સંગ્રહિત. મેળવેલ 2011-11-29.
- ↑ "પંપા સરોવર". hampi.in. મૂળ માંથી 2011-03-01 પર સંગ્રહિત. મેળવેલ 2011-11-29.