લખાણ પર જાઓ

મંથરા

વિકિપીડિયામાંથી
મંથરા
રામાયણનું પાત્ર
મંથરા (ડાબે) કૈકૈયી સાથે
માહિતી
ઉપનામોત્રિવક્રા, કુબ્જા
લિંગસ્ત્રી
વ્યવસાયદાસી

મંથરા (સંસ્કૃત: मन्थरा) એ હિંદુ મહાકાવ્ય રામાયણનું એક પાત્ર છે. રામાયણમાં, તેણીએ દશરથ રાજાની ત્રીજી રાણી કૈકેયીને ખાતરી આપી હતી કે અયોધ્યાનું સિંહાસન તેના પુત્ર ભરતનું જ છે અને તેના સાવકા પુત્ર રાજકુમાર રામને રાજ્યમાંથી દેશનિકાલ કરવો જોઈએ.[૧] કૈકેયીના દશરથ સાથેના લગ્ન પછી મંથરા તેની દાસી તરીકે અયોધ્યા આવી હતી. કૈકેયી અને મંથરા કૈકેય પ્રદેશમાંથી આવ્યા હતા, જે હાલના પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં હતો એવું મનાય છે. મંથરા કૈકેય પ્રદેશના રાજા અશ્વપતિના ભાઇ બૃહદ્રથની પુત્રી હતી[૨] અને તેનું નામ રેખા હતું. યુવાનવયે બીમાર પડવાથી તેની કરોડરજ્જુ વાંકી થઇ ગઇ હતી અને તે પછીથી મંથરા તરીકે ઓળખાતી થઇ.[૩] શરીરથી ત્રણ ઠેકાણેથી વાંકી હોવાથી તેનું બીજું નામ ત્રિવક્રા પડયુ હતું અને તે કુબ્જા તરીકે પણ ઓળખાતી હતી.

તુલસીદાસે રામચરિતમાનસમાં મંથરાને વાક્પટુ, કુશળ અને રાજકારણી પાત્ર તરીકે વર્ણવી છે.

કૈકેયી પર પ્રભાવ

[ફેરફાર કરો]
દશરથ કૈકેયીની ઈચ્છા પ્રમાણે રામને દેશનિકાલ કરવાનું વચન આપે છે.

કૈકેયીની પારિવારિક દાસી તરીકે, મંથરા તેના જન્મના સમયથી તેની સાથે રહેતી હતી. જ્યારે તેણી સાંભળે છે કે રાજા દશરથ તેના મોટા પુત્ર રામને (ભરતને બદલે) રાજકુમાર બનાવવાની યોજના બનાવી રહ્યા છે, ત્યારે તે ગુસ્સામાં દોડીને કૈકેયીને સમાચાર આપે છે. કૈકેયી શરૂઆતમાં પ્રસન્ન થાય છે અને મંથરાને મોતીનો હાર આપે છે.[૧]

મંથરા કૈકેયીને દશરથે આપેલા બે વરદાનની યાદ અપાવે છે જ્યારે તેણીએ એકવાર યુદ્ધમાં તેનો જીવ બચાવ્યો હતો. કૈકેયીએ આ વરદાન પછીથી વાપરવા માટે રાખ્યા હતા અને મંથરાએ તેને સમજાવી કે આ વરદાન માંગવાનો યોગ્ય સમય છે. તેણી કૈકેયીને તેના રૂમમાં ગંદા કપડા પહેરીને અને આભૂષણો વગર કોપભવનમાં સૂવાની સલાહ આપે છે. તેણીએ ક્રોધનો ડોળ કરીને ગુસ્સે થવું જોઇએ અને રડવું જોઈએ. જ્યારે દશરથ તેને સાંત્વના આપવા આવશે, ત્યારે તેણે તરત જ વરદાન માંગવું જોઈએ. પહેલું વરદાન એ હશે કે ભરતને રાજા બનાવવામાં આવશે. બીજું વરદાન એ હશે કે રામને ચૌદ વર્ષ માટે વનવાસ માટે મોકલવામાં આવે. મંથરાનું માનવું છે કે ભરતને સામ્રાજ્યમાં પોતાનું સ્થાન મજબૂત કરવા અને લોકોના હૃદયમાં પોતાનો માર્ગ બનાવવા માટે ચૌદ વર્ષનો દેશનિકાલ પૂરતો હશે.[૧]

ભરત-શત્રુઘ્નનો ઠપકો

[ફેરફાર કરો]

રામના વનવાસ પછી રામાયણમાં મંથરાનો એક જ ઉલ્લેખ છે. કૈકેયી દ્વારા મોંઘા વસ્ત્રો અને આભૂષણોનું દાન કરાયા પછી તે મહેલના બગીચામાં ફરતી હતી ત્યારે ભરત અને શત્રુઘ્ન તેને મળે છે. તેને જોતા જ શત્રુઘ્ન ગુસ્સે થાય છે અને મંથરાને મારવા માટે દોડે છે. કૈકૈયી તે સમયે શત્રુઘ્નને મનાવે છે કે સ્ત્રીની હત્યા કરવી પાપ છે અને તેમ કરતા રામ બંને ભાઇઓ પર નારાજ થશે. કૌશલ્યા પણ વચ્ચે પડતા બંને ભાઇઓ શાંત થાય છે અને સ્થળ છોડી જાય છે અને કૈકેયી મંથરાને સાંત્વના આપે છે. ભરતના રામની શોધના કાર્યમાં કૈકેયીની સાથે મંથરા પણ જોડાય છે.

રામના રાજ્યાભિષેક પછી

[ફેરફાર કરો]

૧૪ વર્ષના વનવાસ પછી જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા આવ્યા,[૪] અને રામને અયોધ્યાના રાજા બનાવવામાં આવ્યા.[૫] રામના રાજ્યાભિષેક પછી, રામ અને સીતાએ તેમના સેવકોને ઝવેરાત અને વસ્ત્રો ભેટમાં આપ્યા. પછી રામે કૈકેયીને પૂછ્યું કે મંથરા ક્યાં છે. પછી, કૈકેયીને કહેવામાં આવે છે કે મંથરાને તેના કૃત્ય માટે ખૂબ જ પસ્તાવો છે અને તે ૧૪ વર્ષથી રામની માફી માંગવાની રાહ જોઈ રહી છે. રામ એક અંધારા ઓરડામાં ગયા જ્યાં મંથરા જમીન પર સૂતી હતી. લક્ષ્મણ, સીતા અને રામને જોઈને તેણે માફી માંગી અને રામે તેને માફ કરી દીધી.

અન્ય સંસ્કરણોમાં

[ફેરફાર કરો]
દશરથને વનવાસ આપવાનું કહેતી કૈકેયી અને તેની બાજુમાં તેની દાસી મંથરા
 • તેલુગુ આવૃત્તિ શ્રી રંગનાથી રામાયનમ યુવાન રામ અને મંથરાની ટૂંકી વાર્તા બાલકાંડમાં વર્ણવે છે. જ્યારે રામ દડા સાથે રમતા હતા ત્યારે મંથરાએ દડાને રામથી દૂર ફેંકી દીધો. ગુસ્સામાં રામે મંથરાની ઘૂંટણ પર લાકડી મારી અને ઘૂંટણને તોડી નાખ્યો. કૈકેયી અને દશરથને આ વાતની જાણ કરવામાં આવે છે અને તેઓ રાજકુમારોને શિક્ષણ માટે મોકલવાનું નક્કી કરે છે જેથી રાજકુમારોને યોગ્ય જ્ઞાન અને શાણપણ મળી શકે. મંથરાએ આ ઘટનાનો ખાર રાખ્યો અને નક્કી કર્યું કે સમય આવ્યે તે તેનો બદલો લેશે. એવું પણ કહેવાતું હતું કે કૈકેયી તેના પુત્રો કરતા રામ સાથે વધુ સમય પસાર કરતી હતી જેથી મંથરાને ઇર્ષા આવતી હતી.
 • રામાનંદ સાગરની ટેલિવિઝન શ્રેણી રામાયણમાં મંથરાનું પાત્ર પીઢ અભિનેત્રી લલિતા પવારે ભજવ્યું છે. આ ટીવી શ્રેણીમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે રામ વનવાસ પછી અયોધ્યા પાછા ફરે છે, ત્યારે તે મંથરાને મળવા જાય છે, જેને એક અંધારા ઓરડામાં કેદ કરવામાં આવી છે. રામને જોઈને, મંથરા તેના પગ પર પડે છે અને તેના બધા પાપો માટે માફી માંગે છે, જેના પગલે રામ તેને માફ કરે છે.
 • ૨૦૧૫માં પ્રકાશિત થયેલી અમિષ ત્રિપાઠીની નવલકથા સ્કિઓન ઓફ ઇશ્વાકુમાં મંથરાને એક ધનિક સ્ત્રી તરીકે દર્શાવી છે જે સપ્ત સિંધુ પ્રદેશમાં રહે છે અને કૈકેયીની મિત્ર છે.[૬]
 • ગુજરાતી કવિ ઉમાશંકર જોશીએ મંથરા નામની કવિતા લખી છે, જે સમગ્ર કવિતા કાવ્ય સંગ્રહમાં સંગ્રહાઈ છે.[૭]
 • આનંદરામાયણ ગ્રંથ મુજબ મંથરાનો પુનઃઅવતાર કંસની દાસી કુબ્જા તરીકે થયો અને તે કૃષ્ણના હાથે સુંદર શરીર પામી. કેટલાંક પુરાણોમાં મંથરા પૂતના રાક્ષસી તરીકે જન્મી અને કૃષ્ણને ખતમ કરવા જતાં પોતે જ મૃત્યુ પામી હતી.
 • પુરાણો મુજબ પૂર્વજન્મમાં મંથરા દુંદુભિ નામની ગંધર્વ સ્ત્રી હતી.
 • ભગવદ્ગોમંડળ પ્રમાણે મંથરા વિરોચન દૈત્યની કન્યા હતી જેણે સમગ્ર પૃથ્વીનો નાશ કરવો એવી ઈચ્છા ધારણ કરી તેથી ઇંદ્રએ તેને મારી નાખી હતી.[૮]
 • એક અન્ય દંતકથા મુજબ ગંધર્વ કન્યા મંથરાને ઇંદ્રએ રામને વનવાસ મળે તે માટે મોકલી હતી, જેથી રામ વનવાસ દરમિયાન રાવણનો વધ કરી શકે.[૩]

સંદર્ભ

[ફેરફાર કરો]
 1. ૧.૦ ૧.૧ ૧.૨ Mani 2015.
 2. Buck, William (2000). Ramayana (અંગ્રેજીમાં). Motilal Banarsidass Publ. ISBN 9788120817203. મૂળ સંગ્રહિત માંથી ૨૦ જુલાઇ ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જુલાઇ ૨૦૧૮. CS1 maint: discouraged parameter (link)
 3. ૩.૦ ૩.૧ "know the story behind manthara the vamp in ramayan because of whom lord ram had to go to vanvas | જાણો રામાયણની મંથરા કોણ હતી, જેના લીધે મળ્યો શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ". www.gujaratimidday.com. 2020-07-28. મેળવેલ 2024-02-01.
 4. Ohri, Vishwa Chander (1983). The exile in forest. Lalit Kalā Akademi, India. OCLC 10349809.
 5. Hone, Joseph (2017-11-23). "Coronation". Oxford Scholarship Online. doi:10.1093/oso/9780198814078.003.0003.
 6. "'The Scion of Ikshvaku' is quite the 'Un-Ramayana'", Scroll.in, 2015-06-28, https://scroll.in/article/737251/the-scion-of-ikshvaku-is-quite-the-un-ramayana 
 7. જોશી, ઉમાશંકર. "મંથરા".
 8. "મંથરા - Gujarati to Gujarati meaning, મંથરા ગુજરાતી વ્યાખ્યા". Gujaratilexicon. મેળવેલ 2024-02-01.

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]