લખાણ પર જાઓ

ગૌતમ

વિકિપીડિયામાંથી

ન્યાય, તર્ક, રસાયણ, પદાર્થ, પૃથક્કરણ અને તત્ત્વ વગેરેના શોધક; ન્યાયશસ્ત્રના આચાર્ય અને પ્રણેતા, ઇસુથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં થયેલા ગૌતમ સમર્થ બ્રહ્મર્ષિ તરીકે પૂજનીય છે. તેમનો જન્મ બ્રહમાનસપુત્ર અંગિરા ઋષિના દીર્ધતમાને ત્યાં ત્રેતાયુગના આરંભમાં હિમાલય પ્રદેશમાં થયો હતો. તે મહાન તેજસ્વી, તત્ત્વજ્ઞ અને તીવ્ર બુદ્ધિના હતા. લાંબો કાળ તપશ્ચર્યા કરી તેમણે તપસમૃદ્ધિ મેળવી હતી. પોતાની પ્રબળ શક્તિથી સર્વમાં માન પામી સપ્તર્ષિના પંચમાં તેમની નિમણૂક થઈ.

અહલ્યા ને શાપ

[ફેરફાર કરો]

તેને અહલ્યા નામે મહા તેજસ્વી અને રૂપસુંદર સ્ત્રી હતી. ઇંદ્ર વગેરે દેવો અહલ્યાને વરવા ઇચ્છતા હતા, પણ સ્વયંવરમાં તે ગૌતમને પરણી ત્યારથી ઇંદ્ર તેમના ઉપર દ્વેષ રાખતો. અહલ્યા મહા સતી હતી અને દંપતી વચ્ચે ગાઢ સ્નેહ હતો. ગૌતમને આ સાધ્વી સ્ત્રીએ ધર્મોપદેશ, ધર્મનીતિનાં કૃત્યો અને શોધોમાં ઘણી સહાયતા આપી હતી. એક વાર ગૌતમની ગેરહાજરીનો લાભ લઈ ઇંદ્ર દ્વેષબુદ્ધિથી ગૌતમના વેશે કપટથી છેતરવા આવ્યો અને સતીને પોતાના પ્રપંચ જાળમાં સપડાવવા લાગ્યો, તેટલામાં ઋષિ આવ્યા. તેમણે ઇંદ્રને ઓળખી શાપ આપ્યો તેથી ઇંદ્રના શરીરમાં સહસ્ત્ર છિદ્ર પડ્યાં અને તે નપુંસક થયો. સતી ઇંદ્રના પ્રપંચને પારખી શકી નહિ તેથી તેને પણ ઋષિએ શાપ આપી શલ્યારૂપ કરી.

અહલ્યા નો ઉદ્ધાર

[ફેરફાર કરો]

પત્નીવિયોગથી ઉદાસ થઈ તે હિમાલય તરફ ગયા ને પત્નીનો ઉદ્ધાર થતાં સુધી નિરંતર તપશ્ર્ચર્યા જ કર્યા કરી. જ્યારે ભગવાન રામચંદ્રની કૃપાથી અહલ્યાનો ઉદ્ધાર થયો ત્યારે તેમને મળી આનંદ પામ્યા હતા. ગૌતમનો આશ્રમ પ્રથમ પ્રયાગ પાસે હતો, પછી મિથિલાના અરણ્યમાં પછી હિમાલયમાં ને પછી પત્નીને પામ્યા પછી વરુણકાનનમાં આવી ત્યાં આશ્રમ બાંધી રહ્યા હતા. ત્યારથી એ આશ્રમ ગૌતમાશ્રમ નામથી પ્રસિદ્ધ છે.

સંતાન અને શિષ્ય

[ફેરફાર કરો]

તેમની પાસે ઘણા શિષ્યો વિદ્યાભ્યાસ કરતા હતા, તેમાં કનાયન અને નિબાળી એ બે મુખ્ય શિષ્ય હતા. ગૌતમ ઋષિને શતાનંદ નામે પુત્ર થયો, તે વિદેહવંશી જનકના પુરોહિત થયા. તે પુરાણીના નામથી પણ પ્રસિદ્ધ છે. એના પછી અંજની નામે પુત્રી થઈ, જે હનુમાનજીની માતા થાય. બીજો પુત્ર ચિરકારી નામનો હતો. તે ઋષિમંડળમાં પ્રસિદ્ધ થયેલ છે.

ગ્રંથો

[ફેરફાર કરો]

પ્રત્યેક મન્વંતરના દ્વાપરયુગમાં પુરાણોના વક્તા વ્યાસો થયેલા છે. આજ સુધી ૨૮ વ્યાસ થયા, તેમાં ગૌમત ૨૦ મા વ્યાસ ગણાય છે. એણે રચેલી સ્મૃતિને ગૌતમ સ્મૃતિ કહે છે. તેમ જ ન્યાયશાસ્ત્રદિ ગ્રંથો પણ તેમણે રચ્યા છે. ન્યાયશાસ્ત્રને ન્યાયદર્શન અથવા ગૌતમદર્શન પણ કહે છે. તે ન્યાયશાસ્ત્ર સર્વમાન્ય છે. ન્યાયસૂત્ર ઉપર વાત્સ્યાયનનું ભાષ્ય છે. તેના બીજા પણ ઘણા ગ્રંથો છે.

પૌરાણિક કથા

[ફેરફાર કરો]

ગૌતમ ઋષિને બ્રાહ્મણ માહાત્મ્ય સંબંધી અત્રિની જોડે, નદીના મહાત્મ્ય સંબંધી આંગિરસ સાથે અને માબાપના ઋણમાથી શી રીતે છુટાય એ સંબંધી યમની સાથે સંવાદ થયો હતો. તે ઉત્તંગ કે ઉદંક ઋષિના સસરા થાય. એક વખત પંદર વર્ષ સુધી અનાવૃષ્ટિ થઈ. આથી દુકાળ પડતાં સંખ્યાબંધ માણસો મરવા લાગ્યાં. ભૂખથી પીડાતાં માણસો પશુઓને, બાળકોને અને મુડદાંઓને પણ ખાતાં. આ વખતે બ્રાહ્મણોએ વિચાર કર્યો કે, ગૌતમમુનિ મહાતપસ્વી છે, આપણને તે મદદ કરશે. વળી તેમના આશ્રમમાં સુકાળ છે એમ સંભળાય છે. આમ વિચાર કરીને બ્રાહ્મણો અગ્નિહોત્ર, કુટુંબ, ગાયો અને દાસદાસીઓને લઈ ગૌતમના આશ્રમમાં ગયા. આ બધા બ્રાહ્મણોને આવતા જોઈ ગૌતમે તેઓને પ્રણામ કર્યા અને તેમને અભય આપ્યું. ગૌતમે પછી ગાયત્રીની પ્રાર્થના કરતાં ગાયત્રી દેવીએ ગૌતમને પ્રત્યક્ષ દર્શન દઈને એક પૂર્ણપાત્ર આપ્યું. તે પાત્રમાંથી અન્ન, ખડ, વસ્ત્ર, યજ્ઞના સાધનરૂપ પદાર્થો વગેરે ઢગલાબંધ વસ્તુઓ અને ગાયો, ભેંસો વગેરે પશુઓ પણ નીકળ્યાં. ગૌતમે બધા બ્રાહ્મણોને બોલાવી આ વહેંચી આપ્યું. બ્રાહ્મણો ગૌતમના વખાણ કરવા લાગ્યા. આ પ્રમાણે ગૌતમે બાર વર્ષ સુધી બ્રાહ્મણોનું પાલન કર્યું. તેમણે એ સ્થળમાં ગાયત્રીનું ઉત્તમ સ્થાન કર્યું હતું, ત્યાં બેઠા બેઠા બ્રાહ્મણો પુરશ્ર્ચરણો કરતા. ગાયત્રી દેવી પણ ત્યાં સવારે બાળા, બપોરે યુવાન અને સાયંકાળે વૃદ્ધારૂપે દર્શન આપતાં. એક વખતે ઇંદ્ર સ્વર્ગમાં મુનિઓના પોષણ સંબંધી વાતો કરતાં ગૌતમની સર્વોત્તમ કીર્તિ ગાઈ. તે સાંભળી નારદ ગૌતમ ઋષિના આશ્રમે તેમનાં દર્શન કરવા આવ્યા અને ઇંદ્રે કરેલી પ્રશંસા કહી સંભળાવી. પછી આશ્રમ જોઈ ગાયત્રીનાં દર્શન કરી ત્યાંથી વિદાય થયા. આશ્રમમાં રહેલા બ્રાહ્મણોએ ગૌતમની કીર્તિ સાંભળી. આથી તેમને દ્વેષ આવ્યો અને તેમણે વિચાર કર્યો કે, દુકાળ માટે અને સુભિક્ષ થાય ત્યારે આપણે ગૌતમની કીર્તિ સર્વથા ન રહે તેમ કરવું. કાળે કરીને વૃષ્ટિ થઈ અને સઘળા દેશોમાં સુભિક્ષ થયો. એ વખતે બ્રાહ્મઓએ એક ઘરડી અને તરત મરી જાય એવી ગાય બનાવી. ગૌમત મુનિ યજ્ઞ કરતા હતા તે વખતે ગાય અગ્નિશાળામાં જતાં ગૌતમે હું હું એમ કહી એને અટકાવી. પેલી ગાય ત્યાં જ પડી મરી ગઇ. બ્રાહ્મણોએ કોલાહલ મચાવ્યો કે ગૌતમે ગાય મારી. ગૌતમે યજ્ઞ કરી રહ્યા પછી નેત્ર મીંચીને જોતાં બ્રાહ્મણોનું આ સઘળું કપટ જાણ્યું. તેમને ઘણો ગુસ્સો આવ્યો અને બ્રાહ્મણોને શાપ આપ્યો. આ શાપથી બ્રાહ્મણો પોતાની વિદ્યા ભૂલી ગયા અને અધમ સ્થિતિમાં આવી પડ્યા. તેઓ ગૌતમને શરણે જઈ ક્ષમા માગવા લાગ્યા. ગૌતમે તેમને ગાયત્રી દેવીનું સેવન કરવાનું કહ્યું. વળી તેમણે શાપનો અનુગ્રહ કર્યો કે, કળિયુગમાં તમે નકરમાંથી નીકળી પુનર્જન્મ લેશો. શિવપુરાણ પ્રમાણે ગૌતમના આશ્રમમાં રહેતા બ્રાહ્મણોએ ગણપતિને પ્રસન્ન કરી તેમની પાસે વરદાન માગ્યું કે, તમે ગાય બની ગૌતમને માથે ગૌહત્યા દોષ આવે તેમ મરી જાઓ. ઘણી આનાકાની કર્યા બાદ વચને બંધાયેલા ગણપતિ ગાય બન્યા અને ગૌતમે બ્રાહ્મણને ખવરાવવા યવ, નીવાર વગેરે પવિત્ર ધાન વાવ્યાં હતાં ત્યાં પેઠા. ગૌમત સંધ્યા કરતા હતા. તેમણે ઘાસના તણખલાથી ગાય હાંકતાં ગાય પડીને મરી ગઈ. કૃતધ્ની બ્રાહ્મણોએ ગૌતમને અપવિત્ર ઠેરવી આશ્રમમાંથી જતા રહેવાનું કહ્યું. છેવટે શિવજીએ દર્શન આપી ગૌતમ પવિત્ર છે એમ કહ્યું.

સ્ત્રોત

[ફેરફાર કરો]