અવન્તીબાઈ
અવન્તીબાઈ | |
---|---|
૨૦૦૧ની ભારતીય ટપાલટિકિટ પર રાણી અવન્તીબાઈ | |
જન્મની વિગત | |
મૃત્યુ | 20 March 1858 | (ઉંમર 26)
રાષ્ટ્રીયતા | ભારતીય |
જીવનસાથી | મહારાજા વિક્રમાદિત્ય સિંહ |
માતા-પિતા |
|
મહારાણી અવન્તીબાઈ લોધી (૧૬ ઓગસ્ટ ૧૮૩૧ – ૨૦ માર્ચ ૧૮૫૮) એ ભારતીય રાણી-શાસક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ મધ્ય પ્રદેશના રામગઢ (હાલના ડિંડોરી)ના રાણી હતા. ૧૮૫૭ના ભારતીય વિપ્લવ દરમિયાન બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ નેતૃત્ત્વ કરનારા અવન્તીબાઈ વિશે બહુ જૂજ માહિતી મળી આવે છે. આ માહિતી મોટે ભાગે લોકવાયકાઓમાંથી આવે છે.
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]અવન્તીબાઈ લોધીનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૮૩૧ ના રોજ જમીનદાર રાવ ઝુઝાર સિંહના ઘરે મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના માનકેહાદી ગામમાં લોધી પરિવારમાં થયો હતો. તેમના લગ્ન રામગઢ (હાલના ડિંડોરી)ના રાજા લક્ષ્મણસિંહના પુત્ર રાજકુમાર વિક્રમાદિત્યસિંહ લોધી સાથે થયા હતા. તેમને કુંવર અમનસિંહ અને કુંવર શેરસિંહ એમ બે સંતાનો હતા. ઈ.સ. ૧૮૫૦માં રાજા લક્ષ્મણસિંહનું અવસાન થતાં રાજા વિક્રમાદિત્યએ સિંહાસન સંભાળ્યું. જ્યારે રાજા બીમાર પડ્યા ત્યારે તેમના બંને પુત્રો હજી સગીર હતા. એક રાણી તરીકે તેમણે રાજ્યની બાબતોનો કુશળતાપૂર્વક વહીવટ કર્યો હતો. સગીર પુત્રોના વાલી તરીકે રાણીએ રાજ્ય વહીવટ હાથ પર લીધાના સમાચાર સાંભળીને, બ્રિટિશરોએ રામગઢ રાજ્યમાં "કોર્ટ ઓફ વોર્ડ્સ" ની કાર્યવાહી કરી અને રાજ્યના વહીવટ માટે શેખ સરબારહકરની નિમણૂક કરી. તેમને મોહમ્મદ અબ્દુલ્લા સાથે રામગઢ મોકલવામાં આવ્યા હતા. બ્રિટીશરોની આ કાર્યવાહીને અપમાન માનીને રાણીએ સરબારહકરને રામગઢમાંથી હાંકી કાઢ્યા હતા.[૧] આ દરમિયાન રાજાનું મૃત્યુ થયું અને રાજ્યની સંપૂર્ણ જવાબદારી રાણી પર આવી ગઈ. તેમણે રાજ્યના ખેડૂતોને અંગ્રેજોની સૂચનાઓનું પાલન ન કરવાનો આદેશ આપ્યો. આ સુધારા કાર્યથી રાણીની લોકપ્રિયતામાં વધારો થયો.
૧૮૫૭નો ભારતીય બળવો
[ફેરફાર કરો]૧૮૫૭ની ભારતીય ક્રાંતિ દરમિયાન રાણી અવન્તીબાઈને ગોંડ રાજા શંકર શાહની અધ્યક્ષતામાં યોજાયેલી વિશાળ પરિષદના આયોજન માટે પ્રચારની જવાબદારી મળી હતી. પોતાની આ જવાબદારી નિભાવી રાણીએ પાડોશી રાજ્યોના રાજા અને જમીનદારોને પત્રની સાથે કાચની બંગડીઓ મોકલી હતી અને પત્રમાં લખ્યું હતું.
કાં તો માતૃભૂમિની રક્ષા માટે કમર કસી લો અથવા તો કાચની બંગડીઓ પહેરીને ઘરે બેસો, તમારે તમારા ધર્મની પ્રતિજ્ઞા પૂરી કરવી જોઈએ.
જેણે પણ આ સંદેશ વાંચ્યો તે દેશ માટે બધું બલિદાન આપવા તૈયાર થઈ ગયો. રાણીની અપીલનો પડઘો દૂર દૂર સુધી ગુંજતો રહ્યો અને યોજના મુજબ, આસપાસના તમામ રાજાઓ બ્રિટિશરો સામે એક થયા.
જ્યારે ૧૮૫૭નો બળવો ફાટી નીકળ્યો ત્યારે અવંતીબાઈએ ૪૦૦૦ સૈનિકોની સેના ઊભી કરી તેનું નેતૃત્વ કર્યું.[૨] અંગ્રેજો સાથેની તેમની પ્રથમ લડાઈ મંડલા નજીક ખૈરી ગામમાં થઇ હતી, જ્યાં તેઓ અને તેમની સેનાએ બ્રિટિશ ડેપ્યુટી કમિશનર વેડિંગ્ટન અને તેમના દળોને એવી રીતે હરાવવામાં સફળતા મેળવી હતી કે અંગ્રેજોએ મંડલાથી ભાગવું પડ્યું હતું. જો કે પરાજયથી ડઘાઈ ગયેલા અંગ્રેજોએ રીવાના રાજાની મદદથી બદલાની ભાવનાથી પાછા આવીને રામગઢ પર હુમલો કર્યો હતો. અવન્તીબાઈ સલામતી માટે દેવહરીગઢની ટેકરીઓ પર ગયા. બ્રિટિશ સેનાએ રામગઢને આગ ચાંપી દીધી અને રાણી પર હુમલો કરવા માટે દેવહરગઢ તરફ વળ્યા.[૩]
અવન્તીબાઈએ બ્રિટિશ સૈન્યને રોકવા માટે ગેરીલા યુદ્ધનો આશરો લીધો હતો.[૩] જો કે, યુદ્ધમાં લગભગ નિશ્ચિત પરાજયનો સામનો કરતી વખતે, તેમણે ૨૦ માર્ચ ૧૮૫૮ના રોજ પોતાની તલવારથી પોતાની જાતને વીંધીને માતૃભૂમિની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.[૪]રાનીએ બાલાપુર અને રામગઢ વચ્ચે સુખી-તલૈયા નામની જગ્યાએ વીરગતિ હાંસલ કરી હતી. આ પછી, આ વિસ્તારમાંથી આંદોલનને દબાવી દેવામાં આવ્યું હતું અને રામગઢ પણ બ્રિટીશ નિયંત્રણમાં આવી ગયું હતું.
રાણીની સમાધિ
[ફેરફાર કરો]રામગઢમાં મહેલના ખંડેરથી થોડે દૂર પહાડની નીચે તરફ રાણીની સમાધિ છે, જે ખૂબ જ જર્જરિત હાલતમાં છે, જેની આસપાસમાં રામગઢ વંશના અન્ય લોકોની કબરો પણ છે.
વારસો
[ફેરફાર કરો]સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ અવન્તીબાઈને પ્રદર્શનો અને લોકવાયકા દ્વારા યાદ કરવામાં આવે છે.[૫] આવું જ એક લોકગીત ગોંડ પ્રજાનું છે, જે આ પ્રદેશની વનવાસીઓની જનજાતિ છે, જે કહે છે:[૬]
રાણી જે આપણી માતા છે, તે બ્રિટિશરો પર વારંવાર પ્રહાર કરે છે. તે જંગલોના વડા છે. તેમણે અન્ય (શાસકો, સરદારો)ને પત્રો અને બંગડીઓ મોકલી અને તેમને આ હેતુ સાથે સાંકળી લીધા. તેણીએ અંગ્રેજોને પરાજિત કર્યા અને બહાર ધકેલી દીધા, દરેક શેરીમાં તે તેમને ભયભીત કરતી હતી, જેથી તેઓ જ્યાં પણ રસ્તો શોધી શકે ત્યાં ભાગી ગયા. જ્યારે પણ તે ઘોડા પર સવાર થઈને યુદ્ધના મેદાનમાં પ્રવેશતી, ત્યારે તે બહાદુરીથી લડતી અને તલવારો અને ભાલાઓ તે દિવસે રાજ કરતા. ઓહ, એ અમારી રાણી મા હતી.
તેઓ ૧૮૫૭ની ઘટનાઓ સાથે સંકળાયેલા લોકોના જૂથો દ્વારા બિરદાવવામાં આવેલી વિરાંગનાઓ (વીર મહિલાઓ)માંના એક છે, જેમના અન્ય ઉદાહરણોમાં રાણી લક્ષ્મીબાઈ, રાણી દુર્ગાવતી, રાણી આશા દેવી, ઝલકારી બાઈ, રાણી મહાબિરી દેવી અને ઉત્તર ભારતમાં રાણી ઉદાદેવી અને દક્ષિણ ભારતમાં રાણી વેલુ નચિયાર, રાણી કિત્તુર ચેન્નમ્મા અને અબ્બક્કા ચોવટાનો સમાવેશ થાય છે.
૧૯૮૮-૮૯માં, સરકાર દ્વારા રાધાકૃષ્ણના મહેલ અને મંદિરના અવશેષોની નજીક એક ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું (જે રામગઢ રાજવંશના વંશજો દ્વારા બાંધવામાં આવ્યું હતું). આ ઉદ્યાનમાં ઘોડા પર સવાર રાણીની સફેદ રંગની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
લોકવાયકા સિવાય અવન્તીબાઈ વિશે બહુ ઓછી માહિતી છે. ભારતીય જનતા પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સંસદીય વિરોધ બાદ ૨૦૧૨થી રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (એનસીઇઆરટી)ના ઇતિહાસના પાઠયપુસ્તકોમાં ૧૮૫૭ના બળવામાં સહભાગી તરીકે તેમની કથાને સંક્ષિપ્તમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.[૭][૮]
નર્મદા ઘાટી વિકાસ પ્રાધિકરણ દ્વારા તેમના સન્માનમાં જબલપુરમાં બરગી બંધ પરિયોજનાના એક ભાગનું નામ આપ્યું હતું.[૯]
ભારતીય ટપાલ વિભાગ દ્વારા અવન્તીબાઈના સન્માનમાં ૨૦ માર્ચ ૧૯૮૮ના રોજ અને ૧૯ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ બે સ્મારક ટપાલટિકિટ બહાર પાડવામાં આવી છે.[૧૦][૧૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Rani Avantibai and Ramgarh".
- ↑ "Ramgarh of Rani Avantibai". September 2019.
- ↑ ૩.૦ ૩.૧ Sarala, Śrīkr̥shṇa (1999). Indian Revolutionaries A Comprehensive Study, 1757–1961. 1. Ocean Books. પૃષ્ઠ 79. ISBN 81-87100-16-8.
- ↑ "Biography of Rani Avantibai". મેળવેલ 2023-04-12. CS1 maint: discouraged parameter (link)
- ↑ Narayan, Badri (2006). Women Heroes and Dalit Assertion in North India: Culture, Identity, and Politics. SAGE Publications. પૃષ્ઠ 26, 48, 79, 86. ISBN 978-8-17829-695-1.
- ↑ Pati, Biswamoy (29 September 2017). "India 'Mutiny' and 'Revolution,' 1857-1858". Oxford Bibliographies. doi:10.1093/obo/9780199791279-0040. મેળવેલ 2019-09-25. CS1 maint: discouraged parameter (link)
- ↑ Chopra, Ritika (19 May 2012). "NCERT includes Rani Avantibai Lodhi in school textbooks under political pressure". India Today. મેળવેલ 2019-09-25. CS1 maint: discouraged parameter (link)
- ↑ "When People Rebel: 1857 and After". Our Pasts (PDF). III. NCERT. પૃષ્ઠ 58–59.
- ↑ "Rani Avanti Bai Sagar" (PDF). nvda.nic.in. મૂળ (PDF) માંથી 29 October 2013 પર સંગ્રહિત. મેળવેલ 24 October 2013. CS1 maint: discouraged parameter (link)
- ↑ 19 September 2001: A commemorative postage stamp on Rani Avantibai સંગ્રહિત ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ વેબેક મશિન. postagestamps.gov.in
- ↑ "Rani Avantibai 1988". iStampGallery.com. 11 February 2016. મેળવેલ 29 April 2019. CS1 maint: discouraged parameter (link)