અહુપે ઘાટ

વિકિપીડિયામાંથી

અહુપે ઘાટ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં સહ્યાદ્રી પર્વતમાળામાંથી પસાર થતો એક માર્ગ છે. આ રોડ પુના જિલ્લાના જુન્નર તાલુકાના અહુપે ગામને થાણે જિલ્લાના મુરબડ તાલુકાના દેહેરી ગામ સાથે જોડે છે. આ એક પાકો માર્ગ છે.

મંચર પાસેથી ઘોડેગાંવ-ડિંભે માર્ગ દ્વારા અહુપેનું અંતર ૫૨ કિલોમીટર જેટલું છે. આ રોડ વાંકોચૂંકો છે, જેના પર થી પસાર થતાં ડાબી બાજુ ડિંભે જળાશય નજરે પડે છે. અહુપા ખાતે પ્રવેશ કરતાં એક મોટી ધાર આવે છે, જેને સ્થાનિક લોકો ઢગ તરીકે ઓળખે છે. ચોમાસાની ઋતુમાં વરસાદ આવે ત્યારે આ ધાર પરથી એક ધોધ નીચે પડે છે. સ્થાનિક લોકો આને વાઘમાચા ધોધ કહે છે.

અહુપાની પહેલાં આવતું પીપરર્ગણે ગામથી કિલ્લો તેમ જ ધાકોબા શિખર દેખાય છે. અહુપા પહેલાં એક નાની દેવરાઈ દેખાય છે. તેની આગળ નીચે ઘોડ નદીનું ઉદ્‌ગમસ્થાન નજરે પડે છે. પહેલાંના સમયમાં અહીંથી અશ્વ આકારના કોતરમાંથી પાણીનો પ્રવાહ વહેતો હતો. તેથી આ નદીનું નામ ઘોડ નદી પડ્યું છે. અહુપેથી કોંકણના ખોપિવલી ગામ ખાતે પગપાળા ચાલીને જઈ શકાય છે.

ભીમાશંકર નજીક આવેલ અહુપે ઘાટ એક અત્યંત રમણીય સ્થળ છે.