લખાણ પર જાઓ

ભીમાશંકર

વિકિપીડિયામાંથી
ભીમાશંકર
ભીમાશંકર મંદિર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોપુણે
દેવી-દેવતાભીમાશંકર (શિવ)
તહેવારમહાશિવરાત્રી
સ્થાન
સ્થાનભીમાશંકર
રાજ્યમહારાષ્ટ્ર
દેશભારત
ભીમાશંકર is located in મહારાષ્ટ્ર
ભીમાશંકર
મહારાષ્ટ્રમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ19°04′19″N 73°32′10″E / 19.072°N 73.536°E / 19.072; 73.536
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીનાગર શૈલી

ભીમાશંકર મંદિર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે, આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદી ને મળે છે.

જ્યોતિર્લિંગ

[ફેરફાર કરો]

શિવ પુરાણ અનુસાર એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે સૃષ્ટિની રચનાના આધિપત્યને લઈને વિવાદ થયો.[] તેમની પરીક્ષા કરવા, શિવજી એ ત્રણે લોકને ભેદતું એક અંતહીન જ્યોતિર્લિંગ બનાવ્યું. તેનો અંત કે સ્ત્રોત શોધાવા બ્રહ્મા નીચે તરફ અને વિષ્ણુ ઉપર તરફ ગયા. તેમને આનો છેડો મળી ગયો એમ બ્રહ્માજી અસત્ય બોલ્યાં જ્યારે વિષ્ણુએ પોતાની હાર સ્વીકારી. શિવજી એક અન્ય સ્તંભ તરીકે પ્રગટ થયાં અને તેમણે બ્રહ્માને શાપ આપ્યો કે કોઈ પણ પૂજા-અર્ચના આદિમાં તેમનું કોઈ સ્થાન નહીં રહે જ્યારે અનંતકાળ સુધી લોકો વિષ્ણુની પૂજા કરશે.

'જ્યોતિર્લિંગ' એ સર્વોચ્ચ ભિન્ન ન કરી શકાય એવું સત્ય માનવામાં આવે છે, જેમાં શિવનો અંશ રહેલો હોય છે. આ જ્યોતિર્લિંગ એવા સ્થળો છે જ્યાં ભગવાન શંકર દિવ્ય જ્યોતી સ્વરૂપે પ્રગટ થયા હતાં.[][] એમ માનવામાં આવે છે કે શરૂઆતમાં ૬૪ જ્યોતિર્લિંગ હતાં. તેમાંના ૧૨ને અત્યંત પવિત્ર અને શુકનવંતા માનવામાં આવે છે.[] દરેક જ્યોતિર્લિંગનું તેના અધિપતી દેવ પ્રમાણે નામકરણ કરાયું છે - તે દરેક શિવના જ વિવિધ સ્વરૂપો છે.[] આ દરેક દેવસ્થાનની મૂળ મૂર્તિ એ એક લિંગ છે જે એક અનંત સ્તંભનું ચિન્હ છે, જે અનંત અને વિશાળ એવા શિવજીને દર્શાવે છે.[][][] આ બાર જ્યોતિર્લિંગ છે: ગુજરાતમાં સોમનાથ, આંધ્ર પ્રદેશમાં મલ્લિકાર્જુન, ઉજ્જૈન, મધ્ય પ્રદેશમાં મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, મહારાષ્ટ્રમાં ભીમાશંકર, વારાણસી, ઉત્તર પ્રદેશમાં વિશ્વેશ્વર, મહારાષ્ટ્રમાં ત્ર્યંબકેશ્વર, ઝારખંડના દેવગઢમાં વૈદ્યનાથ, ગુજરાતનાં દ્વારકામાં નાગેશ્વર, તમિલનાડુમાં રામેશ્વર અને મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ઘૃષ્ણેશ્વર.[][].

સ્થાપત્ય

[ફેરફાર કરો]
નંદી

આ મંદિરનું બાંધકામ પ્રાચીન અને અર્વાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. પ્રાચીન વિશ્વકર્મા સ્થપતિઓએ હાંસલ કરેલું પ્રાવીણ્ય અને ચોકસાઈ આ મંદિરમાં જોવા મળે છે. આ એક સર્વ સામાન્ય પણ જાજરમાન મંદિર છે. આનું નિર્માણ ૧૩મી સદીમાં થયું હતું અને સભામંડપ ૧૮મી સદીમાં નાના ફડનવીસે બંધાવડાવ્યો હતો. મંદિરનું શિખર પણ નાના ફડનવીસે બનાવડાવ્યું હતું. મહાન મરાઠા શાસક શિવાજી આ મંદિરની પૂજા અર્ચના માટે ફાળો મોકલતા. અન્ય શિવ મંદિરની જેમજ આનું ગર્ભગૃહ નીચાણમાં આવેલું છે.

અહીંનું સ્થાપત્ય એકંદરે નવું છે પણ ૧૩મી સદીના સાહિત્યમાં અહીંના ભીમાશંકરમ મંદિર અને (ભીમારથી નદી)નો ઉલ્લેખ જોવા મળે છે. સંત જ્ઞાનેશ્વરે ત્ર્યંબકેશ્વર અને ભીમાશંકરની મુલાકાત લીધી હોવાનું મનાય છે. અહીંના પટાંગણમાં (રોમન શૈલીનો) એક વિશિષ્ટ ઘંટ જોવા મળે છે, આ ઘંટ ચીમાજી અપ્પા (બાજીરાવ પેશ્વા પ્રથમના ભાઈ અને નાનાસાહેબ પેશ્વાના કાકા) દ્વારા ભેટ અપાયો હોવાનું મનાય છે. પોર્ટુગીઝ સામેના યુદ્ધના વિજય પછી ચીમાજી અપ્પાએ વસઈના કિલ્લાના બે વિશાળ ઘંટ લઈ લીધાં. તેમાંનો એક તેમણે અહીં ભીમાશંકરમાં અર્પણ કર્યો અને બીજો વાઈ નજીકના કૃષ્ણા નદી કિનારે આવેલા મેનોવાલી શિવ મંદિરને અર્પણ કર્યો.

મનમાડની ટેકરીઓમાં ભીમાશંકર પાસે ૧૦૩૪ મીટરની ઈંચાઈ પર અંબા અને અંબાલિકા, ભૂતલિંગ અને ભીમાશંકરની બુદ્ધ શૈલિમાં કાંડરેલી મૂર્તિઓ આવેલી છે. નાના ફડનવીસ દ્વારા બંધાવાયેલ હેમદપંથી માળખામાં આવેલ વિશાળ ઘંટ જોવા લાયક છે. આ સાથે અહીંની આસપાસના હનુમાન તળાવ, ગુપ્ત ભીમાશંકર, ભીમા નદીનું મૂળ, નાગ ફણી, મુંબઈ પોઈન્ટ, સાક્ષી વિનાયક અને અન્ય ઘણાં સ્થળો જોવાલાયક છે. આ સાથે ભીમાશંકર એક સંવર્ધીત લાલ જંગલ ક્ષેત્ર છે જેમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ, પ્રાણીઓ, ફૂલો અને વનસ્પતિ જોઈ શકાય છે. જંગલના અંતરિયાળ ક્ષેત્રોમાં "શેકરુ" નામનું વિરલ પ્રાણી જોઈ શકાય છે. જંગલ પ્રેમીઓ માટે અને પર્વતારોહકો માટે અને જાત્રા કરવા નીકળેલા લોકો માટે ભીમાશંકર સારું સ્થળ છે. આ મંદિર પુનાના લોકોમાં ઘણું પ્રચલિત છે અને વિશ્વભરમાંથી લોકો અહીં દર્શન માટે આવે છે.

અન્ય મંદિરો અને સ્મારકો

[ફેરફાર કરો]

ભીમાશંકર મંદિરની બાજુમાં કમલાજાનું સ્મારક છે. કમલાજા એ પાર્વતીનો એક અવતાર છે, જેમણે ત્રિપુરાસુર સામેના યુદ્ધમાં ભગવાન શંકરને મદદ કરી હતી. બ્રહ્માએ કમળના ફૂલ દ્વારા કમલાજાને પૂજ્યા હતા. દાનવો સામેનાં યુદ્ધમાં શાકીની અને ડાકીની નામના શિવગણોએ શિવજીને મદદ કરી હતી, તેમને પણ અહીં પુજવામાં આવે છે.

ભીમાશંકર મંદિરની પાછળ મોક્ષકુંડ તીર્થ આવેલું છે, આનો સંબંધ ઋષિ કૌશિક સાથે છે. આ સાથે અહીં સર્વતીર્થ, કુશારણ્ય તીર્થ અને જય કુંડ આવેલા છે. કુશારણ્ય તીર્થ આગળ ભીમા નદી પૂર્વ તરફનું વહેણ ચાલુ કરે છે.

ભીમાશંકર એ પ્રાચીન દેવસ્થાન છે. તે શિવના ૧૨ જ્યોતીર્લિંગમાંનું એક છે. શહેરી જીવનથી દૂર સફેદ વાદળોની વચમાંથી ડોકીયું કરતા આ સ્થળને જાત્રાળુઓનું સ્વર્ગ કહી શકાય છે. આ સ્થળની આસપાસની ટેકરીઓ પર આવેલા ગીચ જંગલો ઘણી લુપ્તપ્રાયઃ પ્રાણી અને વનસ્પતિ પ્રજાતિનું આશ્રય સ્થાન છે. પશ્ચિમ ઘાટના છેડે આવેલું આ સ્થળ આસપાસના ક્ષેત્ર, નદીઓ અને ટેકરીઓનું મનોરમ્ય દ્રશ્ય પુરું પાડે છે.

ભીમાશંકરમાં એ ભીમા નદીનું મૂળ છે. આ નદી અગ્નિ દિશામાં વહીને કૃષ્ણા નદીને મળે છે. જંગલોની અવિરત હારમાળા, પર્વતના શિખરો, ભીમા નદીના પાણીનો ગણગણાટ આ સૌને કારણે આ સ્થળ ખરેખર સ્વર્ગ સમાન લાગે છે.

આવાગમન

[ફેરફાર કરો]

ભીમાશંકર મુંબઈથી ૨૦૦ કિમી અને પુનાથી ૧૨૭ કિમી દૂર આવેલું છે. મંચર થઈને ભીમાશંકર પહોંચી શકાય છે. એક અન્ય રસ્તો વાડા થઈને રાજગુરુનગર મારફતે જાય છે. આ સ્થળે જઈ તેની પ્રાકૃતિક સુંદરતા માણી એક દિવસમાં પુના પાછું ફરી શકાય છે. પ્રકૃતિ પ્રેમીઓ, પર્વતારોહકો, જંગલ પ્રેમી અને પક્ષી નિરીક્ષકો માટે ભીમાશંકર સારું સ્થળ છે. અહીં આવવાની સૌથી સારી ઋતુ ચોમાસું અને શિયાળો છે.

પુનાથી ભીમાશંકર જવા રાજ્ય પરિવહનની બસો મળી રહે છે. પુનાથી ભીમશંકરનો પ્રવાસ પાંચ કલાકનો છે. મહાશિવરાત્રિના દિવસે જ્યારે અહીં યાત્રાળુઓની વધુ ભીડ હોય છે ત્યારે વધુ બસો છોડવામાં આવે છે. આ સ્થળે મુંબઈ-પુના માર્ગના સેન્ટ્રલ રેલ્વેના કર્જત સ્ટેશનેથી પણ જઈ શકાય છે. જોકે કર્જતથી ભીમાશંકર જવા કોઈ પાકો માર્ગ નથી તહેવાર દરમ્યાન માત્ર પગપાળા યાત્રાળુઓ આ માર્ગ લે છે.

ઔરંગાબાદ કે અહમદનગરથી અહીં આવતી વખતે અહમદનગર નજીકના ૩૦ કિમી દૂર આવેલા અલેફાટા આગળથી વળી જવું પડે છે. ત્યાંથી ૬૦ કિમી દૂર મંચર સુધી પહોંચવું પડે છે. મંચરથી બીજા ૬૦ કિમી પછી ભીમાશંકર આવે છે. (ઔરંગાબાદથી અહમદનગર ૧૧૨ કિમી છે)

અન્ય રસ્તો નાશિક-પુના રોડ પર આવેલા સંગમનેરથી પસાર થાય છે. સંગમનેરથી મંચર પહોંચી ફરી તે જ માર્ગ લેવો પડે છે.

પુનાના શિવાજીનગર એસટી ડેપોથી સવારના ૫.૩૦થી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી રાજ્ય પરિવહનની બસો ઉપલબ્ધ હોય છે. રાજ્ય પરિવહનની બસો પુનાથી -> રાજગુરુ નગર -> ચાસ કામન ડેમ -> વાડા -> ભીમાશંકર; કે પુનાથી -> રાજગુરુ નગર -> મંચર -> ઘોડેગાંવ -> ભીમાશંકર; મુંબઈ થી -> ચાકણ [પુનાનો બહારનો ભાગ] -> રાજગુરુ નગર(ખેડ) -> મંચર -> ઘોડેગાંવ -> ભીમાશંકર આ માર્ગે ચાલે છે.

મુંબઈથી

[ફેરફાર કરો]

મુંબઈથી આવતાં દેવનાર ટ્રાફીક જંક્શનથી ૩૧ કિમી દૂર નવી મુંબઈ અને પનવેલ પાર કરી મુંબઈ-પુના દ્રુતગતિ માર્ગ (NH-4) પર જાવ. ત્યાંથી ૫૨ કિમી પર લોનાવલા; ત્યાંથી ૫૦ કિમી દૂર વડગાંવ સુધી પહોંચો. વડગાંવથી ડાબે ફંટાઈ ૧૨ કિમી પહોંચો ત્યાંથી રાષ્ટ્રીય ઘોરી માર્ગ-૫૦ લો અને મંચર પહોંચો. મુંબઈ સેંટ્રલથી ભીમાશંકર જવા સીધી રાજ્યપરિવહન સેવા ઉપલબ્ધ છે. આ બસ સવારે લગભગ ૬.૦૦ વાગ્યે ઉપડે છે અને છેવટની બસ રાત્રે ૧૦.૩૦ની છે. મુંબઈથી ભીમાશંકર જતાં ગાડી દ્વારા લગભગ ૬.૦૦ કલાક અને બસ દ્વારા ૭.૦૦ કલાક લાગે છે.

પુનાથી

[ફેરફાર કરો]

પુનાથી જતા પુના નાશિક માર્ગ લઈ ભીમાશંકર જતા માર્ગ પર વળી જાવ. આ રસ્તો ઘણા ચઢાણ વાળો છે. પુનાથી આ અંતર ૧૬૦ કિમી જેટલું થાય. રાજ્ય પરિવહન દ્વારા પુનાથી ભીમશંકર જવા દર અડધા કલાકે સવારના ૫.૩૦થી સાંજના ૪.૦૦ વાગ્યા સુધી બસો ઉપલબ્ધ છે.

રહેવાની વ્યવસ્થા

[ફેરફાર કરો]

અહીં આવનારા યાત્રાળુઓ પ્રાયઃ ત્રણ દિવસ રોકાય છે. સ્થાનીય ઉપાધ્યાયજીઓ યાત્રાળુઓને સસ્તામાં રહેવાની સગવડ કરી આપતા હોય છે. યાત્રાળુઓને યાતો હંગામી ઝૂંપડીઓમાં કે ગામ નજીક આવેલી ધર્મશાળાઓમાં ઉતારો આપવામાં આવે છે. નવી ધર્મશાળાઓ પણ બંધાઈ છે. ભીમાશંકર નજીક ઘણી હોટલો પણ છે. પાસે આવેલા શીણોલી અને ઘોડેગાંવ પણ રહેવા માટે સારા સ્થળો છે.

પ્રવાસનો સમય

[ફેરફાર કરો]

અહીં આવવાનો સૌથી આદર્શ સમય છે ઑગસ્ટથી ફેબ્રુઆરી. આમ તો અહીં આવવા વર્ષનો કોઈ પણ સમય સારો જ છે, પણ ઉનાળામાં અહીંની મુલાકત ટાળી શકાય તો સારું. જો તમને ટ્રેકીંગમાં રસ ન હોય તો ચોમાસું પણ ટાળવું હિતાવહ છે. આમ આ સિવાયનો સમય એટલેકે ઑગસ્ટથી ફેબ્રુઆરી અહીંની મુલાકાત લેવા આદર્શ સમય છે.

કથા અને ઇતિહાસ

[ફેરફાર કરો]

ઘણા યુગો પહેલાં સહ્યાદ્રી પર્વતના ઊંચા શિખરો પર આવેલા ડાકિનીના ગીચ જંગલોમાં ભીમા નામનો એક અસુર તેની માતા કર્કટી (ઉચ્ચારણ?) સાથે રહેતો હતો. ભીમાની હાજરી માત્રથી કરુણા અને દયા ધ્રુજી જતાં હતાં. અમર અને મર્ત્ય સૌ તેનાથી એકસરખા ગભરાતા. પણ તેના અસ્તિત્વ વિષેના અમુક પ્રશ્નો તેને સતત સતાવતા હતા.

જ્યારે ભીમા પોતાના અસ્તિત્વ વિષેની જીજ્ઞાસા અને વ્યથાને સહન ન કરી શક્યો ત્યારે તેણે પોતાની માતાને તેના જીવનનું રહસ્ય જણાવવા કહ્યું. તેણે પોતાની માતા ને પૂછ્યું કે તેના પિતા કોણ હતાં અને શા માટે તેમણે તેઓને આમ જંગલમાં એકલા છોડી દીધા હતા. ઘણી આના કાની પછી તેને માતાએ ડરતા ડરતા તેને જણાવ્યું કે તેના પિતા લંકેશ્વર - લંકાના રાજા રાવણના નાના ભાઈ કુંભકર્ણ છે.

ભગવાન વિષ્ણુએ તેમના રામ અવતારમાં કુંભકરણનો સંહાર કર્યો હતો. કર્કટીએ ભીમાને કહ્યું કે એક મહા યુદ્ધમાં તેના પિતા રામના હાથે હણાયા હતાં. આને કારણે ભીમા અત્યંત ક્રોધે ભરાયો અને તેણે વિષ્ણુ સાથે વેર વાળવાનું નક્કી કર્યું. આ માટે તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા કઠોર તપશ્ચર્યા કરી.

કરુણામય, સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી તેમના ભક્તની આ તપસ્યા જોઈ પ્રસન્ન થયા અને તેને શક્તિ વરદાન સ્વરૂપે આપી. આ એક અત્યંત મોટી ભૂલ હતી. આવી શક્તિ પામતા ભીમાએ ત્રણે લોકમાં તરખાટ મચાવી દીધો. તેણે ઈંદ્રને હરાવીને સ્વર્ગ પર કબ્જો જમાવ્યો. તેણે શિવભક્ત કામરૂપેશ્વરને પણ હરાવ્યો અને તેને કેદમાં પૂર્યો.

તેણે ઋષિઓ અને સાધુઓને રંજાડવાના શરૂ કર્યાં. આને કારાણે સૌ દેવો ક્રોધે ભરાયા. આ ત્રાસદિમાંથી બચાવવા દેવોએ સાથે મળી ભગવાન શીવને મદદ માંગી. ભગવાન શિવજીએ દેવોના વિનંતીનો સ્વીકાર કર્યો. બીજી તરફ ભીમાએ તેના બંદી કામરૂપેશ્વરને શિવની આરધના છોડી પોતાની પૂજા કરવાનો આદેશ આપ્યો.

જ્યારે કામરૂપેશ્વરે તેમ કરવાની મનાઈ કરી ત્યારે ભીમાએ પોતાની તલવાર ઉગામી અને જે શિવલિંગની કામરૂપેશ્વર પૂજા અને અભિષેક કરતો હતો તેના પર પ્રહાર કર્યો. જ્યારે ભીમાએ તલવાર ઉગામી કે ત્યાં શિવજી પ્રગટ થયા.

ત્યાર પછી તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ત્યાં નારદમુનિ પ્રગટ થયા અને તેમણે શિવજીને આ યુદ્ધનો અંત લવવા વિનંતી કરી. તે સમયે ભગવાન શિવે ભીમાને હણ્યો. તે સમયે હાજર સૌ દેવોએ શિવજીને તે સ્થળને પોતાનું નોવાસ કરવા વિનંતી કરી. તે વિનંતીને માન આપી ભગવાન શિવ ત્યાં ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા.

એમ પણ માનવામાં આવે છે યુદ્ધ પછી ભગવાન શિવને જે પરસેવો વળ્યો તેમાંથી ભીમારથી નદી બની.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આજે જે મંદિરનું માળખું દેખાય છે તે નજીકના ઇતિહાસને શૈલિનું જણાય છે પરંતુ ભીમાશંકરમ્ અને ભીમારથી નદીનો ઉલ્લેખ ૧૩મી સદીના સાહિત્યમાં મળી આવે છે. આ મંદિરનું બાંધકામ નાગર શૈલિમાં થયેલું છે. આ મંદિરનું સ્થાપત્ય અત્યંત સામાન્ય પણ સુંદર છે, આનું બાંધકામ ૧૮મી સદીમાં થયું હતું. આ સાથે મંદિરના સ્થાપાત્યમાં ઈન્ડો-આર્ય શૈલિની છાપ પણ જોવા મળે છે.

એમ કહેવાય છે કે પ્રાચીન માળખું સ્વયંભૂ પ્રગટ થયેલા લિંગ પર કરવામાં આવ્યું હતું. મંદિરમાં જતાં ખ્યાલ આવે છે કે શિવલિંગ ગર્ભ ગૃહના એકદમ કેંદ્રમાં આવેલું છે. મંદિરના દરવાજાની કોર અને સ્તંભો પર દેવ દેવી અને મનુષ્ય આકૃતિની સુંદર કોતરણી જોવા મળે છે. આ કોતરણીમાં પૌરાણીક કથાઓના દ્રશ્યો જોવા મળે છે.

મંદિરના પ્રાંગણમાં શનિ દેવનું નાનકડી દેરી આવેલી છે. દરેક શિવ મંદિરની જેમ દરવાજાની પાસે શિવના વાહન નંદીની સ્થાપના કરાયેલી છે.

એક અન્ય વાયાકા અનુઅસાર આ મંદિરને શિવજી અને દૈત્ય ત્રિપુરાસુરની પૌરાણીક કથા સાથે સંબંધિત છે. ત્રિપુરાસુર તેના ઉડતા અને અજેય એવા દુર્ગમાં અરહેતો હતો. એમ કહેવાય છેકે દેવો એ સહ્યાદ્રી પર્વતના શિખરો ની ટોચ પર ચડી ને શિવજી ની મદદ માંગી હતી અને ભીમાશંકર અવતાર લઈને શિવજી એ તે દુર્ગને ધ્વસ્ત કર્યો હતો. આ યુદ્ધ દરમ્યાન પડેલા શિવજીના પરસેવામાંથી ભીમારથી નદી બની છે.

આ મણ્દિરનું શિખર અને ગોપુર નાના ફડનવીસ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. મહાન મરાઠી રાજા શિવાજીએ પણ આ મંદિરના પૂજા આદિ કાર્યમાં દાન આપ્યું હોવાનું કહેવાય છે. આ ક્ષેત્રના અન્ય મંદિરોની માફક ગર્ભગૃહની સપાટી મંદિર કરતાં ઘણી નીચે છે.

શનિ મંદિરના બે થાંભલાની વચમાં એક મોટો પોર્ટુગીઝ ઘંટ આવેલો છે. મંદિરની પાછળ એક નાનકડી પગદંડી આવેલી છે જે નદી સુધી લઈ જાય છે.

મંદિરની બહાર નીકળતાં અછૂતી હરિયાળી ટેકરીના દર્શન થાય છે. તે સિવાય કિલ્લાઓ પણ જોઈ શકાય છે.[]

મુખ્ય મંદિરની આસપાસ ઘણા નાના મંદિરો અને દેરીઓ આવેલી છે. ભીમાશંકર નજીકમાં કમલાજા નું મંદિર આવેલું છે. કમલાજા પાર્વતીનો એક અવતાર છે. આ સ્વરૂપે તેમણે શિવજીને ત્રિપુરાસૂરને મદદ કરી હતી. કમલાજા દેવીને કમળના ફૂલ ધરાવવામાં આવે છે.

આ સિવાય શાકિની અને ડાકિની નામના બે ગણો કે જેમણે શિવને દૈત્ય વિરૂદ્ધના યુદ્ધમાં મદદ કરી હતી તેમના મંદિરો પણ અહીં આવેલાં છે. કૌષિકનામના મહા મુનિએ અહીં તાપસ કર્યું હોવાનું મનાય છે. તેઓ જે સ્થળે સ્નાન કરતાં તેને મોક્ષકુંડમ્ કહે છે અને તે ભીમાશંકર ન મંદિર પાછળ આવેલું છે. આ સિવાય સર્વ તીર્થ, કુશારણ્ય તીર્થ છે ત્યાંથી ભીમા નદી પૂર્વ તરફ વહેવાનું ચાલુ કરે છે. તે સિવાય જ્ઞાનકુંડ નામનું પણ સ્થળ છે.

અહીં દરરોજ ત્રણ પૂજા કરવામાં આવે છે:

સમયસારિણી:

  • સવાર - ૪.૩૦ સવારે
  • આરતી - ૫:૦૫ સવારે
  • સામાન્ય દર્શન - ૫ સવારે to ૧૧:૩૦ સવારે
  • આ સમય દરમિયાન અભિષેક નહિ - ૧૧:૩૦ સવારે થી ૧૧:૫૦ સવારે
  • મહા પૂજા - ૧૨:૦૦ બપોરે
  • મહા નિવેદ - ૧૨:૩૦ બપોરે
  • અભિષેક અને સામાન્ય પૂજા - ૧૨:૩૦ બપોરે થી ૨:૩૦ બપોરે
  • શ્રુંગાર પૂજા - ૨:૪૫ બપોરે થી ૩:૧૫ સાંજે
  • આરતી - ૩:૧૫ સાંજે થી ૩:૩૦ સાંજે
  • શ્રુંગાર દર્શન - ૩:૩૦ સાંજે થી ૭:૩૦ સાંજે

મહાશિવરાત્રી અહીંનો મુખ્ય તહેવાર છે.

રુદ્રસંહિતાના એક શ્લોકમાં ભીમાશંકરનો ડાકિને ભીમાશંકરમ્ તરીકે ઉલ્લેખ છે. શિવ પુરાણ અને કોટી રુદ્ર સંહિતામાં ભીમાશંકર મંદિરનું સ્થાન કામરૂપ દેશમાં હોવાનો ઉલ્લેખ છે. જો કે તે સાથે સહ્યા નામના પર્વતનો પણ ઉલ્લેખ છે, જ્યાં એવો ઉલ્લેક્ખ છે કે શિવ-ભીમાશંકર સહ્યાદ્રીમાં પ્રગટ થયા.

આસામના ગુવાહટી નજીક આવેલી ભીમાપુર ટેકરી પર પણ એક બીમાશંકર નામે મંદિર આવેલું છે. ત્યાં પણ એક એવી કથા છે કે ભીમા નામના પ્રજાને ત્રાસ આપતો હતો. એક વખત શિવની પૂજા કરવા બેઠેલા રાજાને તે મારવા અાવતો હતો ત્યારે શિવજીએ તેને હણ્યો હતો.

આ સિવાય ઉત્તરાખંડમાં નૈનીતાલ નજીક આવેલા કાશીપુરમાં પણ એક ભીમાશંકર મંદિર આવેલું છે. પ્રાચીન સમયમાં આ ક્ષેત્ર ડાકીની દેશ કહેવાતો હતો. એમ કહેવાય છે કે પાંડવ ભાઈ ભીમે હિડમ્બા સાથે લગ્ન કર્યાં હતાં જે અહીંની એક ડાકીની કન્યા હતી. આ ક્ષેત્રમાં પણ મહા શિવરાત્રિ ઉલ્લાસથી ઉજવાય છે. આ મંદિરમાં ભૈરવનાથ અને દેવીની પણ દેરીઓ છે. અને મંદિરરમાં આવેલો કુંડ શિવગંગના નામે ઓળખાય છે.

મોતેશ્વર મહાદેવ, કાશીપુર, ઉત્તરાખંડ

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ R. 2003, pp. 92-95
  2. Eck 1999, p. 107
  3. See: Gwynne 2008, Section on Char Dham
  4. ૪.૦ ૪.૧ Lochtefeld 2002, pp. 324-325
  5. Harding 1998, pp. 158-158
  6. Vivekananda Vol. 4
  7. Chaturvedi 2006, pp. 58-72
  8. ""Bhimashankar". મૂળ માંથી 2012-03-15 પર સંગ્રહિત. મેળવેલ 2012-03-25.