ઇમેન્યુએલ કેન્ટ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઇમેન્યુએલ કેન્ટ
જન્મ (1724-04-22)22 એપ્રિલ 1724
કોનિંગ્સબર્ગ, પ્રશિયા (હવે ક્લાનિનગ્રાડ, રશિયા)
મૃત્યુ 12 ફેબ્રુઆરી 1804(1804-02-12) (79 વયે)
કોનિંગ્સબર્ગ, પ્રશિયા
માતૃસંસ્થા યુનિવર્સિટી ઑફ કોનિંગ્સબર્ગ
વ્યવસાય
  • તત્વજ્ઞાની
  • અધ્યાપક
Notable work(s)
  • ધ ક્રિટિક ઓફ પ્યૂર રીઝન
  • ધ ક્રિટિક ઓફ પ્રેક્ટિકલ રીઝન
  • ધ ક્રિટિક ઓફ જજમેન્ટ
માતાપિતા
  • જોહાન જ્યોર્જ કેન્ટ
  • એન્ના રેગીના રેઉટર
હસ્તાક્ષર

ઇમેન્યુએલ કેન્ટ અથવા ઇમેન્યુએલ કાન્ટ (જ. ૨૨ એપ્રિલ ૧૭૨૪, કોનિંગ્સબર્ગ, પ્રશિયા; અ. ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૪, કોનિંગ્સબર્ગ) (અંગ્રેજી: Immanuel Kant) જર્મન ફિલોસોફર હતા કે જેમનું નામ આધુનિક તત્વજ્ઞાનમાં સીમાચિહ્નરૂપ ગણવામાં આવે છે. તેમણે ૧૭૮૧ માં સત્તાવન વર્ષની વયે તેમનો ગ્રંથ ધ ક્રિટિક ઓફ પ્યૂર રીઝન પ્રકાશિત કર્યો હતો અને ત્યારબાદ અન્ય અગત્યનાં બે ગ્રંથો ધ ક્રિટિક ઓફ પ્રેક્ટિકલ રીઝન (૧૭૯૭) અને ધ ક્રિટિક ઓફ જજમેન્ટ (૧૭૯૦) પ્રગટ કર્યા હતા.

શરૂઆતનું જીવન[ફેરફાર કરો]

ઇમેન્યુએલ કેન્ટનો જન્મ ૨૨ એપ્રિલ ૧૭૨૪ નાં દિવસે પ્રશિયાના કોનિંગ્સબર્ગ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જોહાન જ્યોર્જ કેન્ટ તથા માતાનું નામ એન્ના રેગીના રેઉટર હતુ. તેઓ તેમના માતા-પિતાના નવ સંતાનોમા બીજા ક્રમનું સંતાન હતા. નવ સંતાનોમાંથી ચાર સંતાનો મૃત્યં પામ્યા હતા આથી બાકી બચેલ પાંચ સંતાનો સાથે તેમના માતા-પિતા કોનિંગ્સબર્ગમા ગરીબ જીવન ગાળતા હતા. કેન્ટની માતા ધાર્મિક મનોવૂત્તીની હતી અને ચુસ્ત નિયમપાલનમાં માનતી હતી. કેન્ટ તેર વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયુ હતુ. કેન્ટ ત્યારપછી ગરીબીના દિવસોમાં ટ્યૂશનો આપીને પોતાનુ ગુજરાન ચલાવતા હતા અને આ રીતે તેમને અભ્યાસ પૂર્ણ કરો હતો. તેમણે કોનિંગ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક વિજ્ઞાનો, તત્વજ્ઞાન અને ઈશ્વર વિચાર (theology) નો અભ્યાસ કર્યો હતો. શરુઆતમાં કેન્ટે કેટલાક વિદ્યાર્થીઓને તેમના ઘેર શિક્ષણ આપવાનું કાર્ય કર્યુ હતું. ત્યાર પછી તેમને કોનિંગ્સબર્ગ યુનિવર્સિટીમાં વ્યાખ્યાનો આપવાની મંજૂરી મળી હતી જ્યાં તેમને જેટલા વિદ્યાર્થીઓ વ્યાખ્યાનોમાં આવે અને ફી ભરે એટલી જ આવક મળતી હતી. કેન્ટનાં વ્યાખ્યાનો શુદ્ધ ગણિત, ભૌતિકશસ્ત્ર, ભૂગોળ, નૃવંશશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર એમ અનેક વિષયોને આવરી લેતાં વ્યાખ્યાનો હતાં. યુનિવર્સિટીમાં ભણતા ભણતા તેમણે વિજ્ઞાન અને તત્વજ્ઞાનનાં અનેક નિબંધો લખ્યા અને પ્રગટ કર્યા હતાં જેના અધારે તેમને "ડૉક્ટર ઓફ ફિલોસોફી" ની પદવી મળી હતી. ૧૭૭૦ માં તેમને તર્કશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રનાં કોનિંગ્સબર્ગ યુનિવર્સિટીમા વિધીસર પ્રોફેસર બનાવવામાં આવ્યા હતાં. ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૪ ના રોજ કોનિંગ્સબર્ગમાં જ તેમનુ અવસાન થયું હતું. તેઓ જીવનભર અપરણિત રહ્યાં હતાં.[૧][૨]

તત્વજ્ઞાન[ફેરફાર કરો]

કેન્ટ

યુનિવર્સિટીમાં અધ્યાપન કરાવતાં કરાવતાં લાંબા ગાળા દરમિયાન તેમણે ઘણું લખ્યું હતુ પણ તે તત્વજ્ઞાનને લગતુ ન હતું પણ પૃથ્વીની ભૂગોળ, માનવવંશશાસ્ત્ર, ગ્રહો, ધરતીકંપ, પવન, પાણી ને આગ તથા આવી અનેક શૈક્ષણિક બાબતો વિશે તેમણે લખ્યું હતું. થિયરી ઑફ હેવન્સ માં તેમણે નિહારિકામાંથી સૂર્યો, સૂર્યમંડળો, ગ્રહો ઇત્યાદિ સર્જન પામ્યા છે અવી કલ્પના રજૂ કરી હતી. તેમના મતે તમામ ગ્રહો પર વસતી હતી, અથવા છે કે થશે. તેમના એક પુસ્તકમાં માનવીની ઉત્પત્તિ ચોપગાં પ્રાણીઓમાંથી થયાનો ઉલ્લેખ છે. છેંતાલીશ વર્ષની વયે લેખક અને વ્યાખ્યાતા તરીકે તેમની ખ્યાતિ બંધાઈ ચૂકી હતી.[૧]

પંદર વર્ષના લાંબા સંશોધન અને વિચારવિમર્શ પછી ૧૭૮૧ માં સત્તાવન વર્ષની વયે તેમણે તેમનો ગ્રંથ ધ ક્રિટિક ઓફ પ્યૂર રીઝન (અંગ્રેજી: Critique of Pure Reason) પ્રકાશિત કર્યો અને તે દ્વારા તત્વાજ્ઞાનની દુનિયામા મોટો બદલાવ આવ્યો.[૧]

ક્રિટિક ઓફ પ્યૂર રીઝન[ફેરફાર કરો]

'ક્રિટિક' એટલે વિવેચન અને 'રીઝન' એટલે શુદ્ધ તર્કબુદ્ધિ. આમ આ પુસ્તક મનુષ્યની શુદ્ધ તર્કબુદ્ધિ પર પ્રકાશ પાડે છે. આ પુસ્તક મુખ્ય બે વિભાગમાં છે: તત્વોનો સિદ્ધાંત (doctrine of elements) અને પદ્ધતિ અંગેનો સિદ્ધાંત (doctrine of method). તત્વો અંગેના સિદ્ધાંતમાં કેન્ટે પ્રાગાનુભવિક જ્ઞાનનાં સ્વરૂપ અને તેની મર્યાદાનો વિચાર રજૂ કર્યો છે જ્યારે પ્રાગાનુભવિક જ્ઞાનનાં સ્વરૂપ અને તેની મર્યાદના ફલિતાર્થો પદ્ધતિ અંગેના સિદ્ધાંતમાં રજૂ કર્યા છે. પદ્ધતિ અંગેના સિધાંતમાં કેન્ટ ગાણિતિક અને તાત્વિક પદ્ધતિના ભેદો તેમજ સૈદ્ધાંતિક અને વ્યાવહારિક ભેદો સ્પષ્ટ કરે છે અને પોતાનો સમીક્ષાત્મક અભિગમ કેવી રિતે મતાગ્રહવાદ, અનુભવવાદ અને સંશયવાદથી જુદો પડે છે તે બાબત સ્પષ્ટ કરે છે. તત્વોનો સિદ્ધાંત બે મુખ્ય વિભાગોમાં રજૂ થયો છે: (૧) મૂળગામી સંવેદનવિછાર (Transcendental Aesthetic) અને (૨) મૂળગામી તર્કશાસ્ત્ર (Transcendental Logic). પહેલા વિભાગમાં મનુષ્યની સંવેદનક્ષમતાનં પ્રાગનુભવાત્મક (apriori) તત્વો એટલે કે દેશ અને કાલનું જ્ઞાનમાં શુમ્ યોગદાન છે તેનું નિરૂપણ થયું છે તો બીજા વિભાગમાં આપણી સમજણશક્તિનાં પ્રાગનુભવાત્મક તત્વોનું નિરૂપણ થયું છે અને સમજણશક્તિનિ પ્રાગનુભવાત્મક વિભાવનાઓ તેમજ તર્કબુદ્ધિના વિછારોનું સ્વરૂપ અને તેની મર્યાદાઓ સ્પષ્ટ કરવામાં આવી છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ શુક્લ, ચન્દ્રવદન (૧૯૬૯). તત્વજ્ઞાન અને તત્વજ્ઞાનીઓ. મુંબઈ: વિભૂતી પ્રકાશન. p. ૧૫૦. 
  2. ૨.૦ ૨.૧ બક્ષી, મધુસૂદન (૨૦૧૧). કાન્ટનું તત્વજ્ઞાન. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૧-૨.