કાહુ-જો-દડો

વિકિપીડિયામાંથી
મીરપુરખાસ સ્તૂપ
(કાહુ-જો-દડો)
મીરપુર ખાસ, સિંધ (પાકિસ્તાન) ખાતે બુદ્ધની પ્રતિમા.
કાહુ-જો-દડો
કાહુ-જો-દડો
કાહુ–જો–દડોનું પાકિસ્તાનમાં સ્થાન
સ્થાનસિંધ, પાકિસ્તાન
અક્ષાંસ-રેખાંશ25°32′44″N 69°00′31″E / 25.545650°N 69.008640°E / 25.545650; 69.008640
પ્રકારસ્તૂપ
ઇતિહાસ
સંસ્કૃતિઓપશ્ચિમી ક્ષત્રપ
ગુપ્ત સામ્રાજ્ય

કાહુ-જો-દડો જે મીરપુર ખાસ સ્તૂપ તરીકે પણ ઓળખાય છે, તે એક પ્રાચીન બૌદ્ધ સ્તૂપ છે જે પાકિસ્તાનના સિંધમાં મીરપુર ખાસ પુરાતત્વીય સ્થળ પર જોવા મળે છે. આ સ્થળ ૩૦ એકરમાં ફેલાયેલું છે. ૧૯૧૦ પહેલાં પૂર્ણ થયેલા ખોદકામમાં ઈંટો આધારિત આ વિશાળ સ્તૂપમાંથી મળી આવેલી અસંખ્ય ટેરાકોટા મૂર્તિઓ હવે વિશ્વના મુખ્ય સંગ્રહાલયોમાં જોવા મળે છે.[૧] [૨] મીરપુર ખાસ સ્થળ નોંધપાત્ર છે કારણ કે તેના ખોદકામ દરમિયાન ઐતિહાસિક ભારતીય અને આરબ સિક્કાઓ મળી આવ્યા હતા. આનાથી ડેરીલ મેકલિન જેવા વિદ્વાનોએ સૂચવ્યું કે બૌદ્ધ ધર્મ ૧૦મી સદીની આસપાસ સિંધ પ્રદેશમાં વિકસી રહ્યો હતો અને ઇસ્લામિક વિજય પછી પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દક્ષિણ એશિયાના આ ભાગોમાં લુપ્ત થઈ ગયો હતો.[૩]

પ્રારંભિક અનુમાનોએ આ સ્થળને ૪થી ૫મી સદીમાં મૂક્યું હતું. વર્તમાન સંશોધનો સૂચવે છે કે આ સ્તૂપ ૫મીથી ૬ઠ્ઠી સદીની શરૂઆત વચ્ચેનો છે, કારણ કે તેની કલાકૃતિઓ વધુ જટિલ છે અને તે ભારતમાં અજંતા અને ભીતરગાંવ જેવા સ્થળોએ જોવા મળતી કૃતિઓને મળતી આવે છે.[૨] [૪] અહીંની ટેરાકોટાની કલાકૃતિઓમાં જટિલ અને સુંદર રીતે કોતરેલી બુદ્ધની મૂર્તિઓ તેમજ કેટલીક હિંદુ કલાકૃતિઓ જેવી કે બ્રહ્માનો સમાવેશ થાય છે.[૫] અહીં જોવા મળેલી આ વિવિધ ટેરાકોટા કલાકૃતિઓ ૬ઠ્ઠી થી ૧૦મી સદીની વચ્ચે વિવિધ રીતે બનાવવામાં આવી છે અને તેમાં અવલોકિતેશ્વર પદ્મપાણીની ૭મી સદીની નોંધપાત્ર ચિત્રિત છબીનો સમાવેશ થાય છે.[૬] આ કલાકૃતિઓ સારનાથ અને મથુરામાં જોવા મળેલી વસ્તુઓ જેવી જ છે. ૭મી–૮મી સદીની લિપિમાં બૌદ્ધ સૂત્ર "યે ધર્મ હેતુ"[upper-alpha ૧] ધરાવતી માટીની ગોળીઓ પણ મળી આવી હતી.[૭]

સિંધમાં કાર્યકારી બ્રિટિશ કમિશનર જનરલ જોન જેકબ ૧૯મી સદીમાં સૌપ્રથમ આ સ્થળ તરફ આકર્ષાયા હતા. તેમના ખોદકામમાં સ્ફટિક અને એમિથિસ્ટના કેટલાક ટુકડાઓ ધરાવતા ઝીણા માટીના વાસણોની ફૂલદાની મળી આવી હતી, જે કરાચી સંગ્રહાલયમાં મોકલવામાં આવી હતી.[૮] બુદ્ધને દર્શાવતા ટેરાકોટા શિલ્પોનો ઉપયોગ કરીને સ્તૂપને શણગારવામાં આવ્યો હતો.[૯]

હેનરી કાઉસન્સના જણાવ્યા અનુસાર, જ્યારે વસાહતી યુગમાં સિંધના રેલવે કોન્ટ્રાક્ટરોએ ટ્રેક બેલાસ્ટ તરીકે ઉપયોગ કરવા માટે પ્રાચીન ઇંટોનો મોટો જથ્થો કાઢી નાખ્યો ત્યારે કાહુ-જો-દડો સાઇટને નોંધપાત્ર રીતે નુકસાન થયું હતું.[૧૦] ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં પાકિસ્તાન સરકારે રહેવાસીઓને સંકુલની બહાર અન્ય સાઇટ પર સ્થાનાંતરિત કર્યા હતા ત્યારે સાઇટ પર સ્થાનિક ગ્રામજનો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો.[૧૧] સ્થાનિક બાંધકામ માટે ઈંટોની ચોરી કરવાની પ્રથાના કારણે સ્તૂપની હાલત વધુ ખરાબ થઈ છે અને સાઈટના વિનાશને વધુ વેગ આપ્યો છે.[૧૨]

પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ, મીરપુર ખાસ સ્તૂપની શૈલીને ગાંધારની ગ્રીકો-બૌદ્ધ કલા અને ગુપ્ત કલાના સંયોજન તરીકે વર્ણવે છે.

ચિત્ર દીર્ઘા[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

 1. બૌદ્ધ ધર્મમાં યે ધર્મ હેતુ એક પ્રખ્યાત સૂત્ર છે જે પ્રાચીન સમયમાં ઘણું લોકપ્રિય હતું અને ચૈત્ય, મૂર્તિઓ વગેરેમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Harle, James C. The Art and Architecture of the Indian Subcontinent (અંગ્રેજીમાં). Yale University Press. પૃષ્ઠ 117. ISBN 978-0-300-06217-5.
 2. ૨.૦ ૨.૧ Relief Panel: 5th century - 6th Century from Mirpur Khas Pakistan, Victoria & Albert Museum, UK
 3. MacLean, Derryl N. (1989). Religion and Society in Arab Sind. E.J. Brill. પૃષ્ઠ 53–60, 71 with footnotes. ISBN 978-90-04-08551-0.
 4. Schastok, S.L. (1985). The Śāmalājī Sculptures and 6th Century Art in Western India. Brill. પૃષ્ઠ 30–31. ISBN 978-90-04-06941-1.
 5. MacLean, Derryl N. (1989). Religion and Society in Arab Sind. E.J. Brill. પૃષ્ઠ 7–20 with footnotes. ISBN 978-90-04-08551-0.
 6. MacLean, Derryl N. (1989). Religion and Society in Arab Sind. E.J. Brill. પૃષ્ઠ 113 with footnote 68. ISBN 978-90-04-08551-0.
 7. The Indian Historical Quarterly - Volumes 32-33, 1956, Page 182
 8. Revised lists of antiquarian remains in the Bombay Presidency: and the native states of Baroda, Palanpur, Radhanpur, Kathiawad, Kachh, Kolhapur, and the southern Maratha minor states, Volume 16 of [Reports]: New imperial series, Archaeological Survey of India, James Burgess, Henry Cousens, Printed at the Government central press, 1897, p. 215
 9. Vakataka - Gupta Age Circa 200-550 A.D, edited by Ramesh Chandra Majumdar, Anant Sadashiv Altekar, Motilal Banarsidass Publ., 1967, p. 435
 10. Van Lohuizen-De Leeuw, J.E. (1979). South Asian Archaeology 1975: Papers from the Third International Conference of the Association of South Asian Archaeologists in Western Europe Held in Paris. Asian Studies. Brill. પૃષ્ઠ 153. ISBN 978-90-04-05996-2.
 11. MIRPURKHAS: Kahu Jo Daro affectees complain of harassment, The Dawn (Nov 20, 2007)
 12. Sindh, Past, Present and Future, Fahmåidah Husain, University of Karachi. Shāha ʻAbdullat̤īfu Bhiṭāʼī Caʼir, University of Sind. Institute of Sindology, Shah Abdul Latif Bhitai Chair, University of Karachi, 2006, p. 230

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]