કિશોર જાદવ

વિકિપીડિયામાંથી
કિશોર જાદવ
કિશોર જાદવ નાગાલૅન્ડ ખાતેના તેમના નિવાસસ્થાન પર, ડિસેમ્બર, ૨૦૧૭
કિશોર જાદવ નાગાલૅન્ડ ખાતેના તેમના નિવાસસ્થાન પર, ડિસેમ્બર, ૨૦૧૭
જન્મનું નામ
કિશોર કાલિદાસ જાદવ
જન્મ(1938-04-15)15 April 1938
આંબલિયાળા, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો
મૃત્યુ1 March 2018(2018-03-01) (ઉંમર 79)
દિમાપુર, નાગાલેંડ
વ્યવસાયવાર્તાકાર, નવલકથાકાર, વિવેચક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારત
માતૃ શિક્ષણ સંસ્થામહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
નોંધપાત્ર સર્જનો
  • પ્રાગૈતિહાસિક અને શોકસભા (૧૯૬૯)
  • નિશાચક્ર (૧૯૭૯)
  • નવી ટૂંકીવાર્તાની કલામીમાંસા (૧૯૮૬)
જીવનસાથી
કમસાંગકોલા
(લ. 1967; તેણીના મૃત્યુ સુધી 2011)
સહી

કિશોર કાલિદાસ જાદવ (૧૫ એપ્રિલ ૧૯૩૮ - ૧ માર્ચ ૨૦૧૮) ગુજરાતી સાહિત્યકાર હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના આંબલિયાળા ગામે થયો હતો. ૧૯૫૫માં મેટ્રિક કર્યા પછી તેમણે ૧૯૬૦માં મ.સ. યુનિવર્સિટીમાંથી બી.કૉમ.ની પદવી મેળવી. ૧૯૭૨ માં તેઓ ગૌહત્તી યુનિવર્સિટીમાંથી એમ.કોમ. થયા. ૧૯૬૫ થી ૧૯૮૨ સુધી નાગાલેંડમાં વિવિધ રીતે અંગત સચિવની કામગીરી બજાવ્યા બાદ ૧૯૮૨ થી નાગાલેંડ સરકારના મુખ્ય સચિવના અંગત સચિવ પદે રહ્યા. ૧૯૭૬ માં તેમણે પૂર્વોત્તર સાહિત્ય અકાદમીની સ્થાપના કરી હતી અને ૧૯૭૬ થી ૧૯૮૧ સુધી એના મહામંત્રી રહ્યા હતા. કોહિમા ખાતે લાંબા સમય નિવાસ કર્યા બાદ ૧૯૯૫ માં તેઓ નિવૃત્ત થયા બાદ દિમાપુર ખાતે સ્થાયી થયા.[૧][૨][૩]

૧૯૬૭ માં તેઓએ નાગા જાતિની કન્યા કમસાંગકોલા સાથે લગ્ન કર્યા હતાં. તેમની પત્નીનું ૨૦૧૧ માં અવસાન થયું હતું. તેમને ૨ દીકરા અને ૩ દીકરીઓ હતાં. ૧ માર્ચ ૨૦૧૮ના રોજ કિડનીની બિમારી અને સ્ટ્રોકને કારણે તેમનું અવસાન થયું હતું.[૪]

સર્જન[ફેરફાર કરો]

એમણે કથાસાહિત્યમાં પ્રયોગકક્ષાએ અને મુખ્યત્વે ભાષાકક્ષાએ કામ કર્યું છે. એમનું લક્ષ બાહ્ય ઘટનાને સ્થાને આંતરિક ચિત્રાંકન પર, પાત્રના સૂક્ષ્મ મનોવ્યાપાર પર રહ્યું છે. ચીલાચાલુ કથાનક છેદ ઉડાડી ભાષાને તાર્કિક પ્રત્યાયન અર્થે નહી, પણ સંવાદી લય અને નાદતત્ત્વને અનુલક્ષીને પ્રોયજી છે. આથી અન્તઃસ્ફુરણા, ભાવકલ્પનશ્રેણીઓ તેમ જ અનેકસ્તરીય વાસ્તવશ્રેણીઓ દ્વારા તેઓ વાર્તાને ભાષાકીય ક્રીડા બનાવવા તાકે છે.

પ્રથમ વાર્તાસંગ્રહ પ્રાગૈતિહાસિક અને શોકસભા (૧૯૬૯) થી એમનું આ વલણ જોવાય છે. પરંપરાગત વાર્તાસમજને પડકારતી અને ઊફરાટે જતી વીસેક વાર્તાઓનો આ સંચય છે. સૂર્યારોહણ (૧૯૭૨) ની સત્તર વાર્તાઓની સંરચનાઓનું પ્રયોજન પ્રભાવનિષ્પત્તિ છે. લેબિરિન્થ એનું સારું ઉદાહરણ છે. વાર્તાકાર ઘટનાલોપને નહિ પણ ઘટકલોપને અનુસરે છે; અને છદ્મવેશ (૧૯૮૨)[૫][૩] ની આઠ જેટલી વાર્તાઓમાં, તેથી જ, કલ્પનાના વ્યાપારથી રૂપાન્તરિત થયેલું વિશ્વજીવન જોઈ શકાય છે.

નવી ટૂંકીવાર્તાની કલામીમાંસા (૧૯૮૬) એમનો વિવેચનગ્રંથ છે. કિશોરજાદવની વાર્તાઓ (૧૯૮૪) માં એમની પ્રતિનિધિ કૃતિઓ આસ્વાદ સહિત સંપાદિત કરવામાં આવી છે.

નિશાચક્ર (૧૯૭૯) કિશોર જાદવની લઘુનવલ છે. સામાજિક યા રાજ્કીય સમસ્યાઓના ઉકેલ માટે બહાર તાકતા કથાસાહિત્યની સામે કથાસાહિત્યની પોતીકી જ સમસ્યાના ઉકેલ માટે અંદર તાકતી જે આધુનિક કૃતિઓ અવતરી એમાં આ કૃતિનું સ્થાન છે. આ લેખક અસંબદ્ધની લીલા સંદર્ભે કલ્પન-પ્રતીક દ્વારા સ્વપ્નવાસ્તવ અને વાસ્તવિકતાની મિશ્ર અને ધૂંધળી ભોંય ઉપસાવે છે અને કથાને મિષે બળકટ ભાષાના વિસ્તારો ઊભા કરે છે. આ લઘુનવલમાં કથાનાયક ‘હું’ અનંતલીલા, કમસાંગકોલા અને સાનુલા નામની ત્રણ નોખા નોખા વ્યક્તિત્વવાળી સ્ત્રીઓનાં સંબંધોમાં આવે છે અને તેની ક્રિયાપ્રતિક્રિયારૂપે થતા નીતિનિરપેક્ષ અવૈધ જાતીય વ્યવહારોનું નિરૂપણ આઠ ખંડમાં વહેંચાય છે. સભ્ય સમાજથી દૂરના કોઈ પહાડી પ્રદેશમાં વસતી આદિમજાતિનો સ્થાનિક રંગ આ નવલનું મુખ્ય આકર્ષણ છે.

પુરસ્કારો[ફેરફાર કરો]

તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.[૧]

પૂરક વાચન[ફેરફાર કરો]

  • જાદવ, કિશોર (૨૦૧૭). એક ઇતરજનનું દુ:સ્વપ્ન. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. ISBN 978-93-5108-728-1.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Kartik Chandra Dutt (૧૯૯૯). Who's who of Indian Writers, 1999: A-M. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ ૪૭૬. ISBN 978-81-260-0873-5. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭.
  2. "કિશોર જાદવ". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭.
  3. ૩.૦ ૩.૧ Brahmabhatt, Prasad (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: Parshwa Publication. પૃષ્ઠ ૨૨૪–૨૨૭. ISBN 978-93-5108-247-7.
  4. "નાગાલૅન્ડ જેવા જુદા જ ભારતીય પરિવેશની ભૂમિકાએ માતૃભાષામાં સાહિત્યસર્જન થાય એવું છેલ્લાં ૫૦ વર્ષમાં બન્યું ન". opinionmagazine.co.uk. મેળવેલ ૨૦૧૮-૦૩-૧૩.
  5. "Whos's Who of Indian Writers". Sahitya Akademi. મૂળ માંથી 2018-08-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ ઓગસ્ટ ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]