ગોળ ગધેડાનો મેળો
ગોળ ગધેડાનો મેળો હોળીના તહેવાર પછી દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં યોજાય છે. આ મેળામાં યુવાન યુવક-યુવતીઓ પોતાના મનપસંદ સાથીદારને પસંદ કરી તેમની સાથે લગ્ન કરતાં હોય છે.[૧]
સમય
[ફેરફાર કરો]ગોળ ગધેડાનો મેળો ફાગણ મહિનામાં ભરાય છે.
વિશેષતા
[ફેરફાર કરો]ગોળ ગધેડાનો મેળો હોળી પછીના પાંચમા, સાતમા કે બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે જાહેર મેદાનમાં મેળો ભરાય છે. આ મેળામાં આજુબાજુના વિસ્તારમાંથી હજારો લોકો ઢોલ વગાડતાં અને આનંદથી નાચતાં-ગાતાં આવે છે.[૨][૩] [૧]
ગોળ ગધેડાના મેળામાં આદિવાસી સિવાયના અન્ય સમાજના લોકો પણ જોવા મળે છે. આ પ્રસંગે મેળાના મેદાનની મધ્યમાં ૨૦થી ૨૫ ફૂટ ઊંચા લાકડાનો સમક્ષિતિજ લાંબો થાંભલો ઉભો કરવામાં આવે છે,જેના ઉપર કાણાં પાડી માણસ ઉભો રહી શકે તેવી રીતે ચાર પાંચ ફૂટના બે આડા લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે. અને થાંભલાની ટોચ પર ગોળની એક પોટલી લટકાવવામાં છે. આ થાંભલાની આજુબાજુ કુંવારી કન્યાઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે. ત્યારે કન્યાઓના આ ટોળાની વચ્ચેથી બે-ત્રણ યુવાનો થાંભલા પર ચઠવાનો પ્રયત્ન કરે છે. થાંભલા પર ચડનાર યુવાનોને પેલી યુવતીઓ સોટીઓ (દાંડિયાઓ) વડે માર મારે છે છતાં પણ સોટીઓનો માર ખાઈ ને પણ કોઈ હોંશિયાર યુવાન થાંભલા ઉપર ચડી જાય છે. અને ટોચ ઉપર બાંધેલી ગોળની પોટલી લઇ લે છે. તે પોટલીમાંનો ગોળ ખાય છે અને નીચે પણ ચારેબાજુ વેરે છે. પછી કોઈને ખ્યાલ ન આવે તે રીતે નીચે કુદી પડે છે.[૨][૩][૧]
આ પોટલીનો ગોળો લેવા માટે આદિવાસી યુવાનોને ગધેડા જેવો માર ખાવો પડે છે. આ બધી ધાંધલ-ધમાલમાં થાંભલાની ટોચ સાથે બાંધેલી ગોળની પોટલી ક્યાંક ગાયબ થઈ ગઈ હોય ત્યારે પાછળથી થાંભલે ચડનાર યુવાન ગોળ વગર ગધેડો બનનાર પુરવાર થાય છે. કેટલાક જૂથોમાં યુવાન થાંભલા પર પોતાના જૂથનો ધ્વજ (ધજા) ફરકાવે છે કેટલાક આદિવાસી વિસ્તારમાં ગોળના બદલે તેના પર ધ્વજ લગાવવામાં આવે છે. જુના સમયમાં કોઈ યુવાન ગધેડા જેવો માર ખાઈને પણ જો ધ્વજ લાવે તો તે કન્યાઓના ટોળામાંથી મનપસંદ કન્યાને પરણી શકતો હતો.[૩]
રમતમાં વિજય મેળવી આદિવાસી યુવાન મનપસંદ કન્યા સાથે લગ્ન કરવાની અનુમતિ મેળવે છે આથી આ મેળો પ્રાચીન સ્વયંવરના જેવું સ્વરૂપ ધારણ કરે છે[૩] વિજય મેળવતા પહેલા યુવાનને યુવતીઓની લાકડીઓનો માર સહન કરવો પડતો હોય છે પણ ત્યારબાદ તેને ગોળ ખાવા અને ખવડાવવા પણ મળે છે એટલે આ મેળાને ‘ગોળ ગધેડાનો’ મેળો કહેવામાં આવે છે.[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ જાદવ, જોરાવરસિંહ (૨૦૧૦). ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત. ગાંધીનગર: માહિતી નિયામક, ગુજરાત રાજ્ય. pp. ૧૮૬.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ સેદાણી, હસુતાબેન શશીકાંત (૨૦૧૫). ગુજરાતની લોકસંસ્કૃતિ. અમદાવાદ: યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્ય. pp. ૮૮. ISBN 97-89-381265-97-0.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 613: attempt to compare two nil values.