આદિવાસી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં

આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે.[૧] વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે કૂકણા, તડવી, ધોડિયા, ગામિત, વસાવા, ભીલ, નિનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.

સામાજિક વ્યવસ્થા[ફેરફાર કરો]

આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે.

લગ્નવિધી[ફેરફાર કરો]

જેમાં છોકરો તેનાં પિતા અને કેટલાક સંબંધીઓ કન્યાને જોવા જાય છે. જો છોકરાને કન્યા ગમી જાય તો, પછી છોકરા તરફથી કન્યાને આપવામાં આવતા દહેજની રકમ નક્કી થાય છે. જો બંન્ને પક્ષે બધુ માન્ય થાય તો "પિયાણ દિવસ" (સગાઇ) નક્કી કરવામાં આવે છે. અને તે દિવસે લગ્નની તિથિ નક્કી કરાય છે.અને તે દિવસે કન્યા જાન લઇને વરના ઘરે પરણવા જાય છે. સાંજ આથમ્યા પછી કન્યાને માનભેર મંડપમાં લાવવામાં આવે છે. કન્યાને જમાડતા પહેલા તેની થાળીમાં વરપક્ષ તરફથી સવા રૂપિયો (દાપુ) મુકવામાં આવે છે. અને ત્યારપછી જ જમણ ચાલુ થાય છે. જમણ પછી રાતભર નાચગાન ની મહેફીલ જામે છે તેમાં વર અને કન્યાને તેના મામા ખભા પર ઉંચકીને નચાવે છે તથા તેમનાં ભાઈઓ તથા બહેનો વર અને કન્યાને બળદગાડાની પાંગરી પર બેસીને નચાવે છે, અને સવારે અગ્નિવેદી પર સાત ફેરા ફરી છેડા બાંધવામા આવે છે. અને સવારે કન્યા પક્ષ કન્યાને મુકીને ઘરે જાય છે, લગ્નનાં પાંચ દિવસ પછી કન્યા થોડા દિવસ તેનાં પિયર રહેવા આવે છે.

જન્મવિધી[ફેરફાર કરો]

અન્ય સંસ્કૃતિઓની જેમ જ્યારે પહેલા બાળકનો જન્મ થવાનો હોય ત્યારે કન્યા તેના પિયર જાય છે અને ત્યાં બાળકને જન્મ આપે છે. જન્મ પછી બાળક અને માતા સવા મહીના સુધી પિયરમાં રહે છે. એક મહીના પછી બાળકના મામા બાળકના માથાનાં વાળ કાપે છે, તેનાં બદલામાં વરપક્ષ તરફથી તેમને ઉપહાર આપવો પડે છે.

મરણવિધી[ફેરફાર કરો]

આદિવાસીઓમા જ્યારે મરણ થાય છે ત્યારે સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરીને અથવા દાટીને શબ ને મુકિત અપાય છે . સ્ત્રીઓ સ્મશાનમાં આવી શકતી નથી તેથી તે સ્મશાનની બહાર ઉભી રહીને તેને વિદાય આપે છે. શબ ને તેનાં મૂળ દાગીના અને પસંદગીની વસ્તુઓ સાથે મુકિત અપાય છે, કારણ કે તેઓ માને છે કે પારલૌકિક જીવનમાં તેમને આ વસ્તુઓની જરૂર પડશે, અને ત્યાર પછી તેનો ખાટલો પણ ઉંધો વાળી સ્મશાનમાં મુકી આવવામાં આવે છે. મરણ પ્રક્રિયા સમાપ્ત થયા પછી સ્નાન કરીને ઘરમાં પ્રવેશ કરાય છે. મરણનાં દિવસે ઘરમાં રસોઇ થતી નથી. આદિવાસીઓમાં મરણ ના 3 દિવસે ખતરા ની વિધિ કરવામાં આવે છે. ગામીત, વસાવા એમ બધામાં અલગ અલગ વિધિ કરવામાં આવે છે.

ભાષા તથા વ્યાકરણ[ફેરફાર કરો]

આદિવાસીઓ ની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઇ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આમ જોઇયે તો તમામ આદિવાસી બોલીઓ એકંદરે સાંભળવામાં સમાન જ લાગે છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.

આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, ગામીત બોલી, વસાવા બોલી, કુકણા બોલી,ધોડીયા બોલી, ચૌધરી બોલી,રાઠવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ તું અને ઉમરમાં મોટી વ્યકિત નેપણ તું કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે. આદિવાસીઓએ પણ પોતાનું એક અલાયદુ પંચાંગ બનાવ્યું છે, જેની સરખામણી આપણે આધુનિક કેલેન્ડર સાથે કરીએ તો નીચે મુજબ ના શબ્દો મળે છે.

પચાંગ[ફેરફાર કરો]

મહિનાઓ[ફેરફાર કરો]

 1. ડોણ નીતરા - જાન્યુઆરી-ફેબ્રુઆરી
 2. ઉનાઇઓ - ફેબ્રુઆરી-માર્ચ
 3. ખાડી - માર્ચ-એપ્રિલ
 4. દાણી ખાડી - એપ્રિલ-મે
 5. ઇન્દલ દેવિયો - મે-જૂન
 6. ઉમાડિયા જાત્રા - જૂન-જુલાઇ
 7. બોન્ડીપાડા જાત્રા - જુલાઇ-ઓગષ્ટ
 8. હિરા જાત્રા - ઓગષ્ટ-સપ્ટેમ્બર
 9. મારી માવા જાત્રા - સપ્ટેમ્બર-ઓક્ટોબર
 10. કિલ્લા જાત્રા - ઓક્ટોબર-નવેમ્બર
 11. દેવલિયો - નવેમ્બર-ડિસેમ્બર
 12. ઘોડ જાત્રા - ડિસેમ્બર-જાન્યુઆરી

સપ્તાહ[ફેરફાર કરો]

પહેલાનાં સમયમાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગાયકવાડી રાજ્ય હતું ત્યારે નવસારી પ્રાંતમાં સોનગઢ-મહાલ વિસ્તારમાં ચાર ગામડાનાં ઝુમખામાં કોઇ એક ગામે અઠવાડિયામાં ચોક્કસ દિવસે સાપ્તાહિક બજાર ભરાતી હતી, અને તે બજારના દિવસને તે ગામનાં નામ પ્રમાણે નામો અપાયા હતાં જેથી નીચે મુજબનાં નામો અસ્તિત્વમાં આવ્યા.

 1. બંધારપાડિયો, વોડિઓ - સોમવાર
 2. અરોહાર, બાણો, બોરડી - મંગળવાર
 3. ઉમાડિયો, માંડવિઓ - બુધવાર
 4. દેવ ગાડિયો, ઇશરવાડિયો - ગુરૂવાર
 5. વલોડિયો, રાયપુરીયો - શુક્રવાર
 6. વ્યારિયો, થાવરવાર - શનીવાર
 7. ઈતવાર કે દીતવાર - રવિવાર

પારંપરિક તહેવારો[ફેરફાર કરો]

આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.

હોળી[ફેરફાર કરો]

આ આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.

ઉંદરીયો દેવ[ફેરફાર કરો]

ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.

પોહોતિયો[ફેરફાર કરો]

જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.

નંદુરો દેવ[ફેરફાર કરો]

આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.

આ તહેવારમાં નારીયેળ ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની આહુતિ આપી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાની સામે ટકી રહે જેથી તેમનો જીવન નિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે. આદિવાસીઓની આ ધાર્મિક વિધિ જોવાલાયક હોય છે.

વાઘ દેવ[ફેરફાર કરો]

આદિવાસી પ્રજામાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નારીયેળ તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.

ચૌરી અમાસ[ફેરફાર કરો]

વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.

પારંપરિક દેવી-દેવતાઓ[ફેરફાર કરો]

દેવમોગરા માતા[ફેરફાર કરો]

સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. દેવમોગરા નામના ગામે દેવમોગરા માતાનું મંદિર આવેલુ છે, જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે.

પાંડોર દેવી[ફેરફાર કરો]

આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું જ એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.

ઇંદલા દેવી[ફેરફાર કરો]

તે ભીમની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં સોનગઢથી ઉચ્છલ વચ્ચેના જંગલમાં આ ઇદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મ સમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.

નોકટી દેવી[ફેરફાર કરો]

રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ મોગલબારાનાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.

કંસરી માતા[ફેરફાર કરો]

કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ  પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.

દેવલીમાડી[ફેરફાર કરો]

દેવલિમાડિ સોનગઢ તાલુકના દેવલપાડા ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડિ ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામા દરેક આદિવાસી સમાજના લોકો મઝા માણતા જોવા મળે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]