દેવમોગરા
દેવમોગરા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°32′41″N 73°47′27″E / 21.544747°N 73.790971°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નર્મદા |
તાલુકો | સાગબારા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,
દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
વનપેદાશો | મહુડાનાં ફુલ તેમજ બી, ખાખરાનાં પાન, ટીમરુના પાન, સાગનાં બી, કરંજ |
દેવમોગરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા સાગબારા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. દેવમોગરા ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
દેવમોગરા ખાતે જૂની પરંપરા મુજબ દર વર્ષે યાહામોગી, પાંડોરી, દેવમોગરા માતાજીનો મેળો ભરાય છે. આ મેળો પાંચ દિવસ ચાલે છે. આ મેળો ગત વર્ષે એટલે કે ૨૦૦૯ના વર્ષ દરમિયાન ફેબ્રુઆરી ૨૧ થી ફેબ્રુઆરી ૨૫ એમ પાંચ દિવસ માટે ભરવામાં આવ્યો હતો. આ મેળામાં લાખો શ્રધ્ધાળુઓ દેવમોગરા માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે.
દેવમોગરા માતાજીએ આદિવાસીઓની કુળદેવી છે અને અહીં મહાશિવરાત્રીના તહેવારના સમયે માતાજીનો મેળો ભરાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને અન્ય રાજયોમાંથી આદિવાસીઓ તેમ જ અન્ય લોકો માતાજીના મેળામાં દર્શનાર્થે આવે છે. આદિવાસીઓ બળદગાડામાં બેસી પરંપરાગત ઘરેણા અને વસ્ત્રો પરીધાન કરી મેળો માણવા આવતા હોવાથી મેળામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોવા જેવી હોય છે. આ મેળામાં રાતે અલગ અલગ ગામના આદિવાસી રોડાલી નામક નાચ-ગાન કરે છે. દેવમોગરા માતાજીના મંદિરે લાઈનબધ્ધ શિસ્તબધ્ધ ઉભા રહીને ભકતો દેવમોગરા માતાજીના દર્શન કરે છે. કંકુ, ચુંદડી, શ્રીફળ, દારુ, મરઘાં, બકરાં કે અનાજ ચઢાવીને દેવમોગરા માતાજીની માનતા પુરી કરે છે અને પાવન થાય છે. દેવમોગરા માતાજીના મંદીરે ડુંગરોમાં રાત્રી રોકાણ કરે છે. કુટુંબ કબીલા સાથે આવેલા આદિવાસીઓ ચુલાઓ બનાવીને સળગાવીને રાંધીને ખાય છે. રાત્રે જયારે ચુલા સળગતા હોય છે ત્યારે અનેરાં દ્રશ્યો સર્જાય છે. દેવમોગરા માતાજીના મંદિરની આસપાસ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની દુકાનો મંડાય છે. આદિવાસી વસ્ત્રો પરિધાન કરેલા આદિવાસીઓ મેળામાં મહાલે છે. જાણે આદિવાસી સંસ્કૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હોય, બોલી ઉઠી હોય એવાં દ્રશ્યો સર્જાય છે.
સાર્વજનિક દેવમોગરા માંઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટી મંડળના સભ્યો અને પ્રમુખ દ્વારા મંદિર ખાતે શ્રધ્ધાળુઓને અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. દેવમોગરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પણ સુવ્યવસ્થા ગોઠવવામાં આવે છે.
દેવમોગરા ખાતે શિવરાત્રીના મેળાને અનુલક્ષીને ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા અને મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમ મળી બસો ફાળવવામાં આવે છે. છેલ્લા વર્ષથી મેળાના દિવસો માટે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ તંત્ર દ્વારા ચોવીસ કલાક ચાલુ રહેતો નિયંત્રણ કક્ષ પણ શરુ કરવામાં આવે છે. સુલેહ શાંતિ અને સલામતી માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમાં એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફીક પોલીસ, ઘોડેસવાર પોલીસ અને સમગ્ર નર્મદા જિલ્લાની પોલીસ અને પી.એસ.આઈ., ઈન્સ્પેકટર વગેરેનો પોલીસ નિયામકના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- પેનેરોમિયોની વેબસાઇટ પર દેવમોગરા સંગ્રહિત ૨૦૧૬-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |