લખાણ પર જાઓ

ચંદ્રવદન મહેતા

વિકિપીડિયામાંથી
ચંદ્રવદન ચીમનલાલ મહેતા
જન્મ૬ એપ્રિલ, ૧૯૦૧
સુરત, બ્રિટિશ ભારત
મૃત્યુ૪ મે, ૧૯૯૧
વ્યવસાયનાટ્ય લેખક, વિવેચક, લેખક, કવિ, પ્રવાસવર્ણન લેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
શિક્ષણબી.એ.
નોંધપાત્ર સર્જનોનાટ્ય ગઠરિયાં
નોંધપાત્ર પુરસ્કારો
  • પદ્મશ્રી (૧૯૬૨)
  • સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૧)
  • સંગીત નાટક અકાદમી ફેલોશીપ (૧૯૮૪)
ચંદ્રવદન મહેતા માર્ગ

ચંદ્રવદન ચીમનલાલ મહેતા (૬ એપ્રિલ, ૧૯૦૧ - ૪ મે, ૧૯૯૧) પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર અને કવિ હતા.[] તેઓ ચં. ચી. મહેતા અથવા ચંદ્રવદન મહેતા એવા ટુંકા નામે ઓળખાતા હતા.

ચંદ્રવદન મહેતાનો જન્મ ૬ એપ્રિલ ૧૯૦૧ના રોજ દક્ષિણ ગુજરાતના સુરતમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ સુરતમાં પૂર્ણ કર્યા બાદ ૧૯૧૯માં તેઓ મૅટ્રિક થયા.[] ૧૯૨૪ માં મુંબઈ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. થયા. તેમણે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ૧૯૨૮માં તેઓ નવભારતના સંપાદક તરીકે જોડાયા હતા. ૧૯૩૩ થી ૧૯૩૬ સુધી તેઓ મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક હતા. ૧૯૩૮માં તેઓ મુંબઈ તેમ જ ૧૯૫૪માં અમદાવાદ ‘આકાશવાણી’ના નિયામક તરીકે રહ્યા હતા.[] નિવૃત્તિ બાદ તેઓ મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન રહ્યા હતા. વિદેશના વાસપ્રવાસે અનેક દેશોની નાટ્યશાળાઓના, સમકાલીન નાટ્યપ્રવૃત્તિના, લેખકો, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં હતા. આજે તેઓ નાટ્યકલાના વિશ્વવિખ્યાત તદ્વિદ ગણાય છે. તેઓ ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા તેમજ ફૉર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ રહ્યા હતા.

એમનું અવસાન ૪ મે, ૧૯૯૧ના દિવસે થયું હતું.

મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષથી સ્વીકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ-એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિસંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે. રંગભૂમિની સૂઝથી લખાયેલાં, તખ્તાને જીવંત કરતાં એમનાં નાટકોની સંખ્યા મોટી છે ને એમાં વૈવિધ્ય પણ છે. ટ્રેજેડી, કૉમેડી, ફારસ, ભાંડભવાઈ ઉપરાંત ઐતિહાસિક, સામાજિક, પૌરાણિક તેમ જ જીવનચરિત્રવિષયક સામગ્રીનો એમણે ઉપયોગ કર્યો છે. નાટકકાર તરીકેની એમની સિદ્ધિ હાસ્યરસમાં છે અને હાસ્યરસમાં પણ એમને અટ્ટહાસ વિશેષ ફાવે છે.

નાટ્યગ્રંથો

[ફેરફાર કરો]

એમણે ઓગણત્રીસ જેટલા નાટ્યગ્રંથો આપ્યા છે. ‘અખો’ (૧૯૨૭), ‘મૂંગી સ્ત્રી’ (૧૯૨૭), ‘અખો વરવહુ અને બીજાં નાટકો’ (૧૯૩૩), ‘આગગાડી’ (૧૯૩૩), ‘રમકડાંની દુકાન’ (૧૯૩૪) ‘નર્મદ’ (૧૯૩૭), ‘નાગાબાવા’ (૧૯૩૭), ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ (૧૯૩૭), ‘સીતા’ (૧૯૪૩), ‘શિખરિણી’ (૧૯૪૬), ‘પાંજરાપોળ’ (૧૯૪૭), ‘મેના પોપટ અથવા હાથીઘોડા’ (૧૯૫૧), ‘રંગભંડાર’ (૧૯૫૩), ‘સોનાવાટકડી’ (૧૯૫૫), ‘માઝમરાત’ (૧૯૫૫), ‘મદીરા’ (મિડિયા) (૧૯૫૫), ‘કિશોર નાટકો’- ભા. 1-2 (૧૯૫૬), ‘હોહોલિકા’ (૧૯૫૭), ‘કપૂરનો દીવો’ (૧૯૬૦), ‘પરમ માહેશ્વર’ (૧૯૬૦), ‘સતી’ (૧૯૬૦), ‘કરોળિયાનું જાળું’ (૧૯૬૧), ‘શકુંતલા અથવા કન્યાવિદાય’ (૧૯૬૬), ‘ધરાગુર્જરી’ (૧૯૬૮), ‘અંદર અંદર’ (૧૯૬૯), ‘અબોલા રાણી’ (૧૯૭૨), ‘સંતાકૂકડી’ (૧૯૭૨), ‘ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (૧૯૭૪), ‘અંતર-બહિર અને બીજાં નાટકો’ (૧૯૭૫).

એમણે નાટ્યમર્મજ્ઞ તરીકે જે કેટલુંક નિરીક્ષણ કર્યું છે એમાં થિયેટરથી માંડી નાટકની ભજવણી સુધીની વિચારણા સાથે વિદેશોની નાટ્યસૃષ્ટિનો અનુભવ ભળેલો છે. એમના નાટ્યવિષયક વિવેચનના ગ્રંથોની સંખ્યા અગિયાર જેટલી છે : ‘કવિ શ્રી નાનાલાલનાં નાટકો અને અકબરશાહની રંગભૂમિ પર રજૂઆત’ (૧૯૫૯), ‘નાટક ભજવતાં’ (૧૯૬૨), ‘લિરિક’ (૧૯૬૨), ‘લિરિક અને લગરિક’ (૧૯૬૫), ‘નાટ્યરંગ’ (૧૯૭૩), ‘અમેરિકન થિયેટર’ (૧૯૭૪), ‘યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ’ (૧૯૭૪), ‘જાપાનનું થિયેટર’ (૧૯૭૫), ‘વાક્’ (૧૯૭૫), ‘એકાંકી : ક્યારે ક્યાં અને કેવાં ઉપરાંત બીજા નાટ્યવિષયક લેખો’ (૧૯૭૫). એમનું અંગ્રેજી પુસ્તક ‘બિબ્લિઓગ્રાફી ઑવ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેઝિસ’- ભા. ૧,૨ (૧૯૬૪, ૧૯૬૫) નાટ્યસંશોધનનો ગ્રંથ છે. આ ગ્રંથ દ્વારા યુરોપના નાટ્યક્ષેત્રે એમની પ્રસિદ્ધિ થઈ. એમાં ૧૯મી અને ૨૦મી સદીમાં ભારતમાં ભજવાયેલાં-લખાયેલાં નાટકોની સાલ, કર્તા, પાત્રવાર યાદી એમણે દશ વર્ષની મહેનતથી તૈયાર કરેલી છે.

આગગાડી ચંદ્રવદન મહેતાનું કરુણાન્ત નાટક છે.[][][] એમાં રેલવેની દુનિયાના વાસ્તવિક ચિત્ર વચ્ચે ગરીબ રેલવે-કામદાર કુટુંબની શાસકમિજાજી ગોરા સાહેબોના અત્યાચારથી થતી અવદશા, ક્યાંક અતિ-ઉત્કટ લાગતી છતાં કૃતિગત સંદર્ભમાં નાટ્યોચિત નિરૂપણને કારણે નિર્વાહ્ય બનતી વાસ્તવિકતાપૂર્વક આલેખાયેલી છે. વસ્તુ તત્કાલીન યુગસંદર્ભાનુકૂલ છે, છતાં બદલાયેલા સમયસંદર્ભમાં પણ કૃતિ પોતાનું વિશિષ્ટ મહત્ત્વ જાળવી રાખે છે, તે તેમાંના કરુણાત્મક-કરુણાન્ત નિરૂપણ ઉપરાંત વિશેષતઃ તો તેની ગુજરાતી નાટ્યક્ષેત્રે તત્કાલપર્યન્ત અપરિમિત એવી નવતર નાટ્યશૈલી અને તખ્તાપરકતાને કારણે. આ નાટક, આ રીતે, ગુજરાતી નાટક તેમ જ રંગભૂમિના નવપ્રસ્થાન તરીકે પણ મહત્ત્વનું છે. લેખકે આ પ્રકારના ‘નાટક’થી ગુજરાતી નાટક અને રંગભૂમિને પરંપરાગત ખ્યાલો અને રીતિપદ્ધતિથી મુક્ત કરી અર્વાચીનતાના ઉંબર પર મૂકી આપ્યાં છે.

આગગાડીનું અંગ્રેજી ભાષાંતર તેમણે પોતે આર્યન રોડ તરીકે કર્યું છે.[]

કાવ્યગ્રંથો

[ફેરફાર કરો]

એમની કવિતામાં એક બાજુ બળવંતરાય ઠાકોરના કાવ્યાદર્શનો સ્વીકાર અને બીજી બાજુ ભગિનીપ્રેમના છદ્મ ભાવાવેગની સંદિગ્ધતાનો પુરસ્કાર છે. ‘યમલ’ (૧૯૨૬)માં ચૌદ સૉનેટોનો સંચય છે. ‘ઇલાકાવ્યો’ (૧૯૩૩)માં ‘યમલ’નું પુનમુર્દ્રણ અને ‘કંચનજંઘા’ની સૉનેટમાલા સમેત કુલ પાંત્રીસ સૉનેટ છે. ‘ચાંદરણાં’ (૧૯૩૫) બાલગીતસંગ્રહ છે તો ‘રતન’ (૧૯૩૭) સળંગ પૃથ્વી છંદમાં ૧,૬૩૬ પંક્તિનું કથાકાવ્ય છે. આ કાવ્યમાં બહેન રતનનો ત્યાગ અને એનું મૃત્યુ નિરૂપાયાં છે. ‘રૂડો રબારી’ (૧૯૪૦) કથાકાવ્ય પછી ‘ચડો રે શિખર રાજા રામનાં’ (૧૯૭૫)માં એમનાં વીસ જેટલાં પ્રતિનિધિકાવ્યો છે, જેમાં ‘ઓ ન્યૂયોર્ક’, ‘કોલોક્વિલ ગુજરાતીમાં કવિતા’ જેવી રચનાઓ વિશિષ્ટ છે.

ઇલાકાવ્યો અને બીજાં કેટલાંક (૧૯૩૩) ચન્દ્રવદન ચીમનલાલ મહેતાનો કાવ્યસંગ્રહ છે. આ કાવ્યોમાં ભાઈ-બહેનના પારસ્પરિક, નિર્વ્યાજ પ્રેમ અને શ્રદ્ધાના ભાવોને આર્દ્રતાથી આલેખતાં સ્મૃતિચિત્રોમાં કિશોરવયની મુગ્ધતા, સ્વપ્નશીલતા અને સરળતાનું દર્શન થાય છે. દલપતશૈલીની શબ્દાળુતાના અનુભવ સાથે કથનની પ્રવાહિતા, કલાસૂઝ અને કલ્પનાની લીલા રચનાને આસ્વાદ્ય બનાવે છે. કેટલાંક તળપદાં નાનાં પ્રકૃતિચિત્રો અને વાસ્તવિક પ્રસંગવર્ણનો કાવ્યગત ભાવને તાદ્દશ બનાવે છે. ગુજરાત, ગાંધીજી, નર્મદા અને સ્વદેશપ્રેમ જેવા વિષયો પરની રચનાઓ પણ અહીં સંગ્રહાયેલી છે.

કથાસંગ્રહો

[ફેરફાર કરો]

‘ખમ્મા બાપુ’ (૧૯૫૦) અને ‘વાતચકરાવો’ (૧૯૬૭) કથાસંગ્રહો છે; તો ‘મંગલમયી’ (૧૯૭૫)માં ત્રણ સત્યકથાઓ સંચિત થયેલી છે. એમણે ‘જીવતી પૂતળીઓ’ નવલકથા પણ આપી છે. નાટ્યકાર પછી આ લેખકનું સૌથી બળુકું અંગ ગદ્યકારનું છે. પ્રશિષ્ટ છટાઓ ને તળપદા સ્તરોથી પ્રગટતી ભાવભંગીઓ સાથે વ્યક્તિત્વનો પ્રબળ અંશ સામિલ કરી જીવંત પુદગલ રચતું એમનું ગદ્ય એણની આત્મકથાઓમાં ને પ્રવાસકથાઓમાં જોઈ શકાય છે. એમની વિવિધ ‘ગઠરિયાં’ વિવિધ વિષયસંદર્ભે છૂટેલી વિશેષ ભાષાગઠરિયાં છે : ‘બાંધ ગઠરિયાં’- ભા. ૧-૨ (૧૯૫૪), ‘છોડ ગઠરિયાં’ (૧૯૫૬), ‘સફર ગઠરિયાં’ (૧૯૫૬), ‘ભમિયે ગુજરાતે ન રેલપાટે ન વાટે’ (૧૯૬૨), ‘રંગ ગઠરિયાં’ (૧૯૬૫), ‘રૂપ ગઠરિયાં’ (૧૯૬૫), ‘નાટ્ય ગઠરિયાં’ (૧૯૭૧), ‘અંતર ગઠરિયાં’- ભા.૧-૨ (૧૯૭૩), ‘ધ્રુવ ગઠરિયાં’ (૧૯૭૬) અને ‘ગાંઠ બંધનિયાં’ (૧૯૭૬).

એમના બીજા પ્રકીર્ણગ્રંથોમાં ‘રેડિયો રૂપકો’, ‘પ્રેમનો તંત’, ‘નવભારતના ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઈના જીવન પર બાર રૂપકો’ વગેરેનો સમાવેશ થાય છે.

નાટ્ય ગઠરિયા (૧૯૭૦) ચંદ્રવદન ચી. મહેતાનો પ્રવાસગ્રંથ છે. આત્મકથાત્મક અને પ્રવાસના અંશોવાળી લેખકની ગઠરિયા ગ્રંથશ્રેણીના આ ગ્રંથમાં મુખ્યત્વે સ્પેન, ઑસ્ટ્રિયા, ઈટલી, પોલૅન્ડ અને જર્મની જેવા દેશોમાં ચાલતી કળાપ્રવૃત્તિ અને વિશેષ તો નાટ્યપ્રવૃત્તિનો આલેખ મળે છે.વીએનાનાં ઑપેરા હાઉસ, બર્ગ થિયેટર ને ત્યાંનાં સંગીતકારો; મિલાનનું લા સ્કાલા ઑપેરા હાઉસ; પોલૅન્ડની નાટ્યશાળાઓ ને ત્યાંનો ખ્યાતનામ કલાકાર તેમ જ દિગ્દર્શક લીઓ શીલર; ફ્રાંસના નાનકડા ગામ નૉંસીની નાટ્યશાળા ને ત્યાં થતી નાટ્યહરિફાઈઓ; ઈસ્ટ બર્લિનની બ્રેખ્ત નાટકશાળા, ત્યાંના એક ઑપેરા હાઉસનો ખ્યાતનામ નટ વૉલ્ટર ફેલસેનસ્ટાઈન; પેર્ટન દંપતી; લાઈપઝિકનું ભવ્ય ઑપેરા હાઉસ ઇત્યાદિ વિશેની વિગતો ઉમળકાભરી શૈલીમાં નિરૂપાઈ છે. યુરોપીય પ્રજાના કળાપ્રેમની, તેમની વ્યવસ્થાશક્તિની લેખક અહીં મુક્તકંઠે પ્રશંસા કરે છે, તો ગુજરાતીમાં જોવા મળતી કળાવિમુખતાથી તેઓ ઉદાસ બને છે. સમગ્ર પ્રવાસ દરમિયાન પોતાના સંપર્કમાં આવેલાં અનેક વિદેશી અને વિદેશમાં રહેતાં ભારતીયોનાં જે ટૂંકાં રેખાચિત્રો એમણે આપ્યાં છે તેનાથી અને લેખકનાં અંગત સંવેદનોના ધબકારાથી આખોય ગ્રંથ પ્રચુર વિગતોની વચ્ચે પણ રસાવહ બન્યો છે.

આત્મ કથા

[ફેરફાર કરો]

બાંધ ગઠરિયાં ભા. ૧-૨ (૧૯૫૪) ચન્દ્રવદન મહેતાની વિસ્તરેલી આત્મકથાનો એક ખંડ. પહેલા ભાગમાં વડોદરા અને સુરતમાં વીતેલા સદીની શરૂઆતના બે દાયકા અને બીજા ભાગમાં મુંબઈમાં વીતેલો ત્રીજો દાયકો નિરૂપાયા છે. ખાસ તો રેલવેજીવન, કૉલેજજીવન અને સ્નેહજીવનને આવરી લેતાં વર્ણનો બોલચાલની લઢણવાળા જીવંત ગદ્યથી પ્રાણવાન બન્યાં છે. લખાણમાં બને ત્યાં સુધી અન્ય વ્યક્તિઓની એમના પર પડેલી છાપ ઉપસાવવાનો એમનો આશય સ્પષ્ટ રહ્યો છે. આપવડાઈ ને જાતડંફાસના ભયની લેખકને જાણકારી હોવાથી નાટ્યાત્મક હળવાશનો એમણે વારંવાર આશ્રય લીધો છે.

૧૯૬૦માં યુનેસ્કો હેઠળની આંતરરાષ્ટ્રીય થિએટર ઇન્સ્ટ્યુટની વિએના ખાતેની પરિષદમાં તેમણે ૨૭ માર્ચને વિશ્વ નાટક દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો.[] તેમના જીવન પર રઘુવીર ચૌધરીએ ત્રીજો પુરુષ નામનું નાટક લખ્યું છે.[]

પુરસ્કાર

[ફેરફાર કરો]

૧૯૩૬માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૪૨માં નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૧૯૫૦માં તેમને એનાયત થયેલા કુમાર સુવર્ણ ચંદ્રકનો તેમણે અસ્વિકાર કર્યો હતો. ૧૯૬૨માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો.[]

૧૯૭૧માં પ્રવાસ ગ્રંથ નાટ્ય ગઠરિયાં માટે તેમને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[][] ૧૯૭૧માં તેમને ભારતની સંગીત, નૃત્ય અને નાટ્ય અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો.[૧૦] ૧૯૮૪માં, તેમને સંગીત નાટક અકાદમીનું સર્વોચ્ચ સન્માન સંગીત નાટક અકાદમી ફેલોશીપ મળ્યું હતું.[૧૧]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Topiwala, Chandrakanth. "સાહિત્યસર્જક: ચંદ્રવદન મહેતા". Gujarati Sahitya Parishad.
  2. ૨.૦ ૨.૧ Tevani (૧ જાન્યુઆરી ૨૦૦૩). C.C. Mehta. Sahitya Akademi. પૃષ્ઠ ૯૨. ISBN 978-81-260-1676-1.
  3. Hochman, p. 37
  4. Chambers, p. 382
  5. Tevani, p. 50
  6. George, p. 179
  7. "First Gujarati theatre group came up in 1878". The Times of India. ૨૭ માર્ચ ૨૦૧૩. મૂળ માંથી 2013-06-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ મે ૨૦૧૩.
  8. Śaileśa Ṭevāṇī (૧ જાન્યુઆરી ૨૦૦૩). C.C. Mehta. Sahitya Akademi. પૃષ્ઠ ૮૭. ISBN 978-81-260-1676-1.
  9. "Sanskrit Sahitya Akademi Awards 1955-2007". Sahitya Akademi Official website. મૂળ માંથી 2009-03-31 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-04.
  10. "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi Official website. મૂળ માંથી 2011-07-27 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-04.
  11. "SNA: List of Sangeet Natak Akademi Ratna Puraskarwinners (Akademi Fellows)". Official website. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-04.

ગ્રંથ સૂચી

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]