ચૂડ વિજોગણ

વિકિપીડિયામાંથી

ચૂડ વિજોગણ એ એક ગુજરાતી લોકકથા છે. આ કથામાં એક ચુડેલે તેના પ્રેમી માટે દુહા લખેલા છે જે પ્રચલિત છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આ લોકકથા પ્રચલિત છે.

લોકકથા[ફેરફાર કરો]

ઓખા બરડાના[૧] અથવા સૌરાષ્ટ્રના કોઈ નગરમાં એક સિંધી કુંવરી નાનપણથી તે નગરના નગરશેઠ અથવા મંત્રીના પુત્ર અમિયલના પ્રેમમાં હોય છે. તે કુંવરીના અન્ય રાજકુમાર સાથે લગ્ન થતાં તે વ્રતનું બહાનું કાઢી નગર બહાર એકાંતમાં વસે છે અને અમિયલ સાથે પ્રેમસંબંધ ચાલુ રાખે છે. એક દિવસ રાજકુમારને જાણ થતાં તે કુંવરીની હત્યા કરી નાખે છે. મૃત્યુ બાદ ચુડેલ બનેલ કુંવરી સાથે અમિયલનો પ્રેમસંબંધ અજાણતા જ ચાલુ રહે છે. પણ અમિયલને હકીકતની જાણ થતાં તે ભાગીને ગિરનાર ચાલ્યો જાય છે. ચુડેલ તેને ત્યાં શોધી કાઢે છે પણ તેને અમિયલે છોડ્યાંની જાણ થતાં તિરસ્કાર વરસાવે છે.[૨][૧]

દુહા[ફેરફાર કરો]

એક મત અનુસાર અમિયલ એ સિંધી કુંવરીનું નામ છે પણ બીજા મત અનુસાર એનું નામ ચૂડ કીધું છે. ચૂડ નામ એ ચુડેલ એટલે કે મૃત્યુ બાદ પ્રેત સ્વરૂપે ફરતો સ્ત્રીના વાસનાદેહના સંદર્ભે હોય શકે એવો મત પણ છે. આ લોકકથા સંબંધિત અંદાજે સો જેટલા દુહા મળે છે જેમાં નામ હોય અથવા ન પણ હોય. આ દુહાઓમાં ચૂડ અને ક્યારેક અમિયલ એવા નામ જોવા મળે છે. ઉપરાંત 'એડા' એટલે કે 'એવા' જેવા સિંધી શબ્દો પણ મળે છે. મોટા ભાગના દુહામાં છ કડી હોય છે પણ કેટલાકમાં ઓછી કડી મળે છે. વિષય અને રચનાના આધારે સિંધી મુસ્લિમ દુહાગીર તમાચી સુમરા તેના રચનાકાર હોવાની સંભાવના દર્શાવવામાં આવી છે.[૨]

આ દુહાઓ મુખ્યત્વે પ્રેમવિષયક અને પ્રેમીને સંબોધીને છે. સ્વાગત, વિદાય, સપનું, વિરહ જેવા વિષયો છે. તેમાં કોને પ્રેમ કરવો અને ન કરવો એવી વાતો પણ છે. લોકજીવનમાં જોવા મળતી વસ્તુઓ કુવાનો કોસ, બિલોરી કાચ, હિંડોળાખાટ, ટંકણખારના નિર્દેશ પણ મળે છે.[૨]

ઝવેરચંદ મેઘાણીના 'પરકમ્મા' પુસ્તકમાં 'સજણાં' નામના પ્રકરણમાં આ દુહાઓની નોંધ છે. તેમની 'ઓળીપો' વાર્તાનું કથાબીજ પણ આ લોકકથા છે.[૧]

દુહાનું ઉદાહરણ:[૧]

ચૂડ કે'
સાજણ સેજે દૂબળાં, લોક જાણે ઘર ભૂખ!
સમદર જેવડી સારણ્યું, અને ડુંગર જેવડા દુ:ખ
ડુંગર જેવડા દુ:ખ તે કેને દાખિયે?
રૂદાની વાતું અમે રૂદામાં રાખિયેં.

અન્ય ઉદાહરણ:[૧]

સજણ પોઢ્યા નહીં ઢોલિયે, હું પ્રાણ પથારી કરું,
ઘાયલ કરીને ઘૂમતા, હું કેટલીક ધરતી ફરું!
કેટલીક ધરતી ફરું, તે ફરીને થાકી,
અને રૂદાની વાત તમે કોઈ દિ'નો આપી!
સાંભળ્ય મારા સાજણા, હું ઉભી બરદાસુ કરું,
ચુડ કે',
સજણ પોઢયા નહીં ઢોલિયે, હું પ્રાણ પથારી કરું!

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ મહેતા, વિક્રમ (2023-02-14). "'ચૂડ વિજોગણ'ની પ્રેમકથા:એક 'ચૂડેલે' પ્રેમીના વિરહમાં દુહાઓ લખ્યા, આજે પણ તેનું પ્રેત પોતાના પ્રિયતમની રાહ જોઈ રહ્યું છે". દિવ્ય ભાસ્કર.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ જયંત, કોઠારી (2021). શાહ, કીર્તિદા (સંપાદક). ગુજરાતી સાહિત્ય કોશ: ખંડ 1 (મધ્યકાળ). 1 (2nd (Revised) આવૃત્તિ). ગુજરાતી સાહિત્ય પરિષદ.