દુર્લભરાજ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દુર્લભરાજ
ગુજરાતના રાજા
શાસનઈ.સ. ૧૦૦૮–૧૦૨૨
પુરોગામીવલ્લભરાજ
અનુગામીભીમદેવ સોલંકી
વંશસોલંકી વંશ (ચાલુક્ય)
પિતાચામુંડરાજ સોલંકી

દુર્લભરાજ ( ઈ.સ. ૧૦૦૮-૧૦૨૨) એક ભારતીય રાજા હતા, જેમણે અણહિલવાડપાટણની રાજધાનીથી હાલના ગુજરાતના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું. તેઓ સોલંકી વંશ (ચાલુક્ય)ના સભ્ય હતા.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

દુર્લભરાજ ચાલુક્ય રાજા ચામુંડરાજના પુત્ર હતા. તેમના ભાઈ વલ્લભરાજનું શીતળાને કારણે અચાનક અવસાન થવાથી તેઓ રાજા બન્યા હતા.[૧]

સૈન્ય કૂચ[ફેરફાર કરો]

ઈ.સ. ૧૦૧૦નું દુર્લભરાજના સમયનું એક તામ્રપત્ર

લાટ પ્રદેશ પરનું સફળ આક્રમણ એ દુર્લભરાજની સૌથી મોટી સિદ્ધિ હતી. તેમણે કદાચ લાટ પ્રદેશના ચાલુક્ય રાજા કિર્તીરાજ (કિર્તીપાલ) કે જેઓ કલ્યાણી ચાલુક્ય (પશ્ચિમી ચાલુક્ય વંશ)ના પ્રતિનિધિ હતા તેમને હરાવ્યા હશે. કલ્યાણી ચાલુક્ય રાજા જયસિંહ દ્વિતીય (પશ્ચિમી ચાલુક્ય વંશ) ચોલ વંશ સામેના યુદ્ધમાં વ્યસ્ત હતા, જેનો લાભ લઈ દુર્લભરાજે લાટ પર હુમલો કર્યો હોઈ શકે છે.[૨] થોડા સમય બાદ, કીર્તિરાજે આઝાદી મેળવી લીધી હોય તેવું લાગે છે (અથવા કલ્યાણી ચાલુક્યની સત્તા પાછી મેળવી લીધી હોય). જોકે, ઈ.સ. ૧૦૧૮માં પરમાર વંશના રાજા ભોજે પણ લાટ પર હુમલો કર્યો અને કીર્તિરાજને હરાવ્યા.[૩]

૧૨મી સદીના લેખક હેમચંદ્રાચાર્યના એક દંતકથારૂપ વર્ણનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુર્લભરાજે કેટલાક રાજાઓના રાજ્યમંડળોને પરાજય આપ્યો હતો. આ વર્ણન મુજબ, તેમને નાડોલ ચૌહાણ વંશના રાજા મહેન્દ્રની બહેન દુર્લભાદેવીના સ્વયંવર સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંગ, અવંતી, ચેડી, ગુર્જરા, હુણ, કાશી, કુરુ રાજ્ય, મથુરા, અને વિંધ્ય તથા તટીય આંધ્રના રાજાઓ તેમના પ્રતિસ્પર્ધી હતા. આ બધા રાજાઓમાં દુર્લભાદેવીએ દુર્લભરાજની પસંદગી કરી. મહેન્દ્રએ પોતાની નાની બહેન લક્ષ્મીના લગ્ન દુર્લભરાજના નાના ભાઈ નાગરાજ સાથે કરાવ્યા. ગુજરાત પાછા ફરતી વખતે સ્વયંવરમાં નાપસંદ થયેલા દાવેદારોએ દુર્લભરાજ પર સંયુક્તપણે હુમલો કર્યો હતો. દુર્લભરાજે હુમલાખોરોને ઠપકો આપ્યો અને પોતાની નવી દુલ્હન સાથે ઘર તરફ કૂચ કરી. આ દંતકથા ઐતિહાસિક રીતે સચોટ જણાતી નથી. નાડોલના વડા અપેક્ષાકૃત ઓછા મહત્ત્વપૂર્ણ શાસકો હતા અને એ માનવું મુશ્કેલ છે કે જ્યારે ઉત્તર ભારતનું ક્ષેત્ર મહમદ ગઝનીના આક્રમણ હેઠળ હતું ત્યારે આટલા બધા શાસકો તેમના સમારોહમાં હાજરી આપવા માટે પોતાના રાજ્યો છોડી ગયા હોય. દુર્લભરાજ દ્વારા આ તમામ શક્તિશાળી રાજાઓનો પરાજય પણ અકલ્પનીય લાગે છે.[૪][૫]

૧૪મી સદીના લેખક મેરુતુંગાનો દાવો છે કે નિવૃત્તિ પછી દુર્લભરાજ કાશી જતી વખતે માળવા પરથી પસાર થયા હતા. ત્યાં પરમાર રાજા મુંજ દ્વારા તેમનું અપમાન કરાયું હતું. તેઓ ગુજરાત પાછા ફર્યા અને તેમના ઉત્તરાધિકારી ભીમદેવને મુંજને સજા કરવા કહ્યું. આ વર્ણન અગાઉની દંતકથાઓ જેમાં અપમાનિત રાજાને ચામુંડરાજ નામ આપવામાં આવ્યું છે તેનું રૂપાંતરણ છે. તે ઐતિહાસિક રીતે ખોટું છે, કારણ કે દુર્લભરાજના ઉદ્‌ગમના લગભગ એક દાયકા પહેલાં મુંજનું મૃત્યુ થયું હતું.[૬]

હેમચંદ્રના મત અનુસાર દુર્લભરાજ નિઃસંતાન મૃત્યુ પામ્યા હતા અને તેમના શાસન બાદ તેમના ભત્રીજા ભીમદેવ રાજા બન્યા હતા.[૭]

સંદર્ભ[ફેરફાર કરો]

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

  • Asoke Kumar Majumdar (1956). Chaulukyas of Gujarat. Bharatiya Vidya Bhavan. OCLC 4413150.CS1 maint: ref=harv (link)
  • Chandra Prabha (1976). Historical Mahākāvyas in Sanskrit, Eleventh to Fifteenth Century A.D. Meharchand Lachhmandas. OCLC 4497542.CS1 maint: ref=harv (link)
  • Krishna Narain Seth (1978). The Growth of the Paramara Power in Malwa. Progress.CS1 maint: ref=harv (link)