લખાણ પર જાઓ

દુલેરાય કારાણી

વિકિપીડિયામાંથી
દુલેરાય કારાણી
જન્મનું નામ
દુલેરાય લખાભાઈ કારાણી
જન્મદુલેરાય
(1896-02-26)February 26, 1896
કચ્છ
મૃત્યુFebruary 26, 1989(1989-02-26) (ઉંમર 93)
ઉપનામજળકમળ, હસતારામ
વ્યવસાયશિક્ષક
ભાષાકચ્છી, ગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણદસમું ધોરણ

દુલેરાય લખાભાઈ કારાણી (૨૬ ફેબ્રુઆરી ૧૮૯૬ - ૨૬ ફેબ્રુઆરી ૧૯૮૯) કચ્છી લોકસાહિત્યના સંશોધક, સંગ્રાહક અને સર્જક હતા. તેઓ ‘જળકમળ’, ‘હસતારામ’ ઉપનામ હેઠળ પોતાનું લેખન કરતા. તેઓ ‘કચ્છના મેઘાણી’ તરીકે જાણીતા છે.[]

અંગત જીવન

[ફેરફાર કરો]

તેઓ મૂળ ચૌહાણ વંશના હતા અને તેમના પૂર્વજો ત્રણસો ચારસો વર્ષ પહેલાં અજમેરથી કચ્છ આવ્યા હતા. તેમના વડીલો શિક્ષક, વાર્તાકાર તો કોઈ જાદુગર પણ હતા.[] તેમનો જન્મ કચ્છના મુન્દ્રામાં થયો હતો. તેમણે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને કચ્છી ભાષા સિવાય શાળાના સમયે રાત્રિ શાળાઓમાં જઈ તેઓ ઉર્દૂ, અંગ્રેજી, સિંધી, વ્રજ ભાષા અને ફારસી જેવી ભાષાઓ શીખ્યા સ્વપ્રયત્ને શીખ્યા હતા. તેમણે કારકિર્દીનો આરંભ દરબારી શાળામાં ૧૫ કોરીના પગારદાર શિક્ષક તરીકે કર્યો. [] આગળ જતા નોકરીમાં બઢતી મળી અને તેઓ નાયબ શિક્ષણાધિકારી બન્યા. નિવૃત્તિ પછી તેમણે સોનગઢના જૈન છાત્રાલયમાં ગૃહપતિ તરીકે સેવા આપી.[] તેમણે કચ્છ રાજ્યની ‘કચ્છ સમાચાર પત્રિકા’ પાક્ષિકના અને સોનગઢમાં ‘સમયધર્મ’ માસિકના તંત્રી અને પત્રકાર તરીકે પણ કાર્ય કર્યું. એમનાં વ્યક્તિત્વ પર ગાંધીજી અને સ્વામી દયાનંદની ઊંડી અસર હતી, ગાંધીજીના દેહાંતના સમાચાર જાણી, ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વરસ સુધી પ્રિય એવી પાઘડી તેમણે પહેરી નહોતી.[]

સાહિત્ય સેવા

[ફેરફાર કરો]

તેઓ ‘જળકમળ’, ‘હસતારામ’ ઉપનામ હેઠળ પોતાનું લેખન કરતા. તેઓ ‘કચ્છના મેઘાણી’ તરીકે જાણીતા છે.[] ઇ.સ. ૧૯ર૮માં પ્રકાશિત ‘કચ્છનાં રસઝરણાં’ એ તેમનું પ્રથમ પુસ્તક હતું. તેમના ૬૦ પુસ્તકો પ્રગટ થયા અને ૧૦-૧ર પુસ્તકો અપ્રગટ રહ્યા. તેમણે સાહિત્ય ક્ષેત્રે કાવ્યો, નાટકો, નવલકથા, જીવનચરિત્રો, બાળગીતો, બાળવાર્તા, બાળરમતો, બાળજોડકણાં સાથેનું બાળસાહિત્ય, કોશ સાહિત્ય, કચ્છી કહેવતો અંગેનાં ત્રણ પુસ્તકો જેવાં સંશોધન, સંપાદન અને ભાષા શીખતાં-શીખતાં જ વર્ણમાળા શીખવી દેવાય એવી રીતે કચ્છી ભાષા શીખવવા બે ભાગમાં કચ્છી ભાષાની પ્રથમ પોથી જેવી કૃતિઓ રચી છે. []

કચ્છ અને કચ્છની સંસ્કૃતિ માટે તેમને ખૂબ પ્રેમ હતો. કચ્છમાં પરિભ્રમણ કરી તેમણે ‘કારાણી કાવ્યકુંજ’ (ભા. ૧ થી ૪), ‘કચ્છની રસધાર’ (૧ થી ૫), ‘સોનલ બાવની અથવા ઘરભંગજી ગાથા’, ‘જામ ચનેસર’, ‘જામ રાવળ’, ‘જગડૂદાતાર’, ‘જામ અબડો’, ‘ઝારેજો યુદ્ધ’ વગેરે વિવિધ વિષય અને સ્વરૂપની અનેક કૃતિઓ રચી અથવા સંપાદિત કરી છે.[]

‘કચ્છ કલાધર’ના બે ભાગ અને ‘કચ્છના સંતો અને કવિઓ’ના બે ભાગ એ તેમની સંશોધન-સંપાદિત કૃતિઓ છે. ‘કચ્છી-ગુજરાતી શબ્દકોશ’ અને ‘કચ્છી કહેવતો’ પણ તેમણે સંપાદિત કર્યા છે. આ સિવાય કચ્છના સંસ્કાર-સંસ્કૃતિને આવરી લેતા અન્ય લેખનો પણ તેમણે કર્યા છે.[]

પોતાનાં સર્જનકાર્ય માટે તેઓ કહેતા કે "કોઈ વાર પ્રબળ ભાવનાથી દ્રવી ઊઠેલા હૃદયમાંથી ટપકી પડેલાં ફોરાં ભલે મોતી ન હોય, તો પણ તેમને એકત્ર કરી લેવાનો મારો નમ્ર પ્રયાસ છે."[][]

તેમની રચેલી આ પંક્તિઓ કચ્છી લોકોને વિષે કચ્છી લોકોમાં લોકપ્રિય બનેલી છે:[]

કચ્છડો ખેલે ખલકમેં, જીં મહાસાગરમેં મચ્છ
જિત હિકડો કચ્છી વસે, ઉતે ડીયાણો કચ્છ

સન્માન

[ફેરફાર કરો]

કચ્છમાં ગ્રામોત્થાન સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલી સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટની સાહિત્ય પાંખ વિવેકગ્રામ પ્રકાશનના રજત જયંતી વર્ષ નિમિત્તે કચ્છના સાહિત્યકાર દુલેરાય કારાણીના વૈવિધ્યસભર સાહિત્યમાંથી વિવિધ કૃતિઓ પસંદ કરીને `દુલેરાય કારાણી સાહિત્ય વૈભવ'ના નામે વિશિષ્ટ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. મુન્દ્રા જિલ્લા પંચાયતે તાલુકાની દરબારી શાળાને દુલેરાય કારાણીનું નામ આપવાનો નિર્ણય લીધો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "કારાણી, દુલેરાય લખાભાઈ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-23.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "શબ્દસંગ : કચ્છી ગિરાના ગગનમાં અમીવર્ષણ ચન્દ્રરાજ: દુલેરાય કારાણી – વેબગુર્જરી" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2021-09-23.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "કચ્છના લોકસાહિત્યનો અર્ક એટલે કારાણી". www.gujaratimidday.com. 2019-12-10. મેળવેલ 2021-09-23.
  4. "`દુલેરાય કારાણી સાહિત્ય વૈભવ ગ્રંથ કચ્છના સાહિત્ય જગતમાં નવું પરિમાણ". www.kutchmitradaily.com. મેળવેલ 2021-09-23.