મુન્દ્રા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મુન્દ્રા
—  નગર  —
બુખારી પીર દરગાહની કાચ જડિત છત
મુન્દ્રાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°50′22″N 69°43′17″E / 22.839520°N 69.721327°E / 22.839520; 69.721327
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૧૦,૦૦૦ (2001)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 14 મીટરs (46 ft)

મુન્દ્રા અથવા મુંદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું મુખ્ય મથક તેમ જ મહત્વનું નગર છે. જિલ્લાના મુખ્ય મથક ભૂજથી આશરે ૫૨ કિલોમીટરના અંતરે આવેલું મુન્દ્રા અરબ સાગરમાં આવેલા કચ્છના અખાત ખાતે આવેલું એક બંદર છે.

મુન્દ્રા ગામથી ૧૩ કિ.મી.નાં અંતરે બંદર આવેલું છે, જેના વિકાસનું કાર્ય અદાણી જુથને ફાળવવામાં આવ્યું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

મુન્દ્રા કિલ્લો

જૂના મુન્દ્રાનો કિલ્લો તેનાથી ઈશાન દિશામાં ૨૭ કિમી દૂર આવેલા ભદ્રેસરના પ્રાચીન ખંડેરોના પથ્થરોનો ઉપયોગ કરી બાંધવામાં આવ્યો હતો. આ શહેર કચ્છ રાજ્ય સાથે જોડાયેલું હતું. ૧૭૨૮માં દેવકરણ શેઠ દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ૧૭૫૫માં ગોડજી દ્વિતિયે તેમના પિતા સામેના બળવો કર્યો ત્યારે અહીં રહ્યા હતા. ઇ.સ. ૧૮૦૧માં ફતેહ મહંમદે મુન્દ્રા દોસલ વેણને આપ્યું હતું અને ૧૮૧૫માં તે રાવ ભારમલજી દ્વિતિય સામેના આક્રમણથી મહંમદ સોટા દ્વારા બચાવાયું હતું. ૧૮૧૮માં તેની વસતી ૧૨૦૦ વ્યક્તિઓની હતી અને વાર્ષિક આવક ૩૦૦૦ પાઉન્ડ (રૂપિયા ૩૦,૦૦૦) હતી. ૧૮૫૫માં ઘરોની સંખ્યા ૧૫૦૦ જેટલી હતી. ૧૮૬૧માં તે સુંદર ગાલીચાઓ માટે જાણીતું હતું. ૧૮૭૯માં મુન્દ્રાનો વ્યાપાર કાઠિયાવાડ, ખંભાત, સુરત અને મુંબઈ સાથે થતો હતો જેમાં મુખ્યત્વે કપાસ, રાયડો, કઠોળ, ઊન અને કાપડનો સમાવેશ થયો હતો. મુખ્ય આયાતોમાં ધાતુઓ, લાકડાં, અનાજ, ખજૂર, કરિયાણું વગેરેનો સમાવેશ થતો હતો. ૧૮૭૨માં મુન્દ્રાની વસતી ૭,૯૫૨ હતી.[૧]

૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી કચ્છ રાજ્ય ભારતમાં ભળી ગયું. ૧૯૫૬માં કચ્છ રાજ્ય મુંબઈ રાજ્ય સાથે વિલિન થયું અને ૧૯૬૦માં ભાષાવાર રાજ્યોની રચના પછી કચ્છ ગુજરાતમાં આવ્યું. મુન્દ્રા ગુજરાતના કચ્છ જિલ્લામાં આવ્યું.

૧૯૯૪માં મુન્દ્રામાં મુન્દ્રા બંદરની જાહેરાત થઇ હતી. આ બંદર ઓક્ટોબર ૧૯૯૮માં કાર્યરત થયું. પછીના વર્ષોમાં બંદરની સાથે નગરનો પણ ઝડપી વિકાસ થયો. ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપ સમયે મુન્દ્રા જ કચ્છ જિલ્લાનું એવું નગર હતું જે અસર નહોતું પામ્યું. ધરતીકંપ પછી નવા ઉદ્યોગોના વિકાસ માટે કચ્છમાં કર રાહતો આપવામાં આવી જેથી આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ વધુ ઝડપી બન્યો.

૨૦૧૪માં મુન્દ્રા બંદર માલ-સામાન પરિવહનમાં કંડલાને આંબી ગયું અને ભારતનું સૌથી મોટું અંગત માલિકીનું બંદર બન્યું.

ભૂગોળ[ફેરફાર કરો]

મુન્દ્રા મોટાભાગે સપાટ ભૂગોળ ધરાવે છે. અા વિસ્તારનું પાણી અત્યંત ખરાબ ગુણવત્તા ધરાવે છે અને તેમાં ફ્લોરાઇડનું પ્રમાણ અત્યંત વધુ છે.

મહત્વના સ્થળો[ફેરફાર કરો]

બુખારી પીર દરગાહ
બુખારી પીર દરગાહના દરવાજા પરથી કોતરણી
શાંતિવન કોલોની નજીક શાંતિનાથ મહાદેવ મંદિર
  • હાટકેશ્વર મહાદેવ મંદિરમાં શહેરના કેટલાંક ખલાસીઓના સ્મારક આવેલા છે, જેમાંના કેટલાકે ઝાંઝિબારના સુલ્તાનને સલાહ આપી હતી અને વાસ્કો દ ગામાને ભારતના રસ્તાનું માર્ગદર્શન આપ્યું હતું.
  • દરિયાલાલ, કચ્છી માછીમાર સમુદાયના સંતનું મંદિર.
  • બુખારી પીર દરગાહ: હજરત શાહ મુરાદ બુખારી ૧૬૬૦માં બુખારાથી (હવે ઉઝબેકિસ્તાનમાં) મુન્દ્રા આવ્યા હતા.[૨] તેમનું સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું અને તેમના દ્વારા ઇસ્લામનો અંગીકાર કર્યો. તેમના મૃત્યુ પછી તેમની દરગાહ બાંધવામાં આવી. આ દરગાહ પર અનેક ધર્મના લોકો મુલાકાત લે છે.[૩] મુઘલ બાદશાહે[કોણ?] તેમના સન્માનમાં દરવાજો બંધાવ્યો હતો જે હજુ હયાત છે અને હવે મુઘલ દરવાજા તરીકે ઓળખાય છે. માર્ચ-એપ્રિલમાં હાજીપીરથી પાછા ફરતાં શ્રદ્ધાળુઓ આ દરગાહની મુલાકાત લે છે.
  • કિલ્લો : જૂનાં શહેરના કિલ્લાના બાંધકામમાં પ્રાચીન ભદ્રાવતી નગરીના ખંડેરોના પથ્થરો વાપરવામાં આવ્યા હતા. તેમના કેટલાંક ખંડેરો ધાર્મિક સ્થળોના પણ હતા.[૧][૪]
  • નવલખા બંગલો: અત્યંત વિશાળ અને સુંદર બે માળની ઇમારાત ભદ્રેશ્વરના ખોજાએ બંધાવેલી છે.[૧]
  • અંચલ ગચ્છના જૈન સાધુની પાદુકા પર આવેલ છત્રની લંબાઈ ૧૩.૫ ચોરસ ફીટ જેટલી છે અને પાદુકાની આજુબાજુ આરસ જડેલો છે. અંદરનો ગુંબજ સંગીતકારોની મૂર્તિઓ સાથે ઘણું બારીક નકશીકામ ધરાવે છે. બહારનો ભાગ આધુનિક છે, પણ દિવાલો, થાંભલાઓ અને આંતિરક ભાગ ૧૩મી અને ૧૪મી સદીની શૈલી ધરાવે છે. અહીં આવેલા લખાણ ૧૭૪૪ની સાલ ધરાવે છે. પાદુકા ગુરૂ હંસસાગરની છે જેઓ ગુરૂ જીવજીના અનુયાયી હતા અને માગશર વદ ૧૦ના રોજ સંવત ૧૭૯૭ (ઇ.સ. ૧૭૪૦)માં મૃત્યુ પામ્યા હતા. આ પાદુકાની નજીક પાળિયાઓ આવેલા છે, જે તેના પરથી દોરેલા જહાજ પરથી ખલાસીઓના હોય તેમ લાગે છે.[૧]
  • નાના કપાયા ગામની નજીક અદાણીના કર્મચારીઓની વસાહત, શાંતિનાથ કોલોની, પાસે શાંતિનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરની આજુબાજુ બગીચો આવેલો છે.
  • શહેરમાં ચાર જૈન દેરાસરો આવેલા છે; અંચલ ગચ્છનું શીતલનાથ દેરાસર, તપ ગચ્છનું પાર્શ્વનાથ દેરાસર, ખરતર ગચ્છનું મહાવીર સ્વામીનું દેરાસર અને ગોરજી ટ્રસ્ટનું અમિઝરા પાર્શ્વનાથ દેરાસર.
  • મુન્દ્રાથી લગભગ ૧.૫ કિમી દૂર બારોઇ ગામ ખાતે નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે, જેના પર ૧૬૬૭ (સંવત ૧૭૨૪)નું લખાણ છે. અહીં શિવલિંગ પર સાત મોઢાંવાળા કાંસાનો નાગ છે. એવું કહેવાય છે કે આ લિંગ ભદ્રેસરના દુદાના શિવ મંદિરમાંથી લાવવામાં આવેલ છે.[૧]

અર્થતંત્ર[ફેરફાર કરો]

મુન્દ્રા બંદર
મુન્દ્રા થર્મલ પાવર સ્ટેશન

મુન્દ્રા ભૂતકાળમાં મીઠું અને મસાલાના વેપાર માટે જાણીતું હતું અને હવે બાંધણી અને બાટીક પ્રિન્ટ કરેલા કાપડ માટે જાણીતું છે. જૂનું બંદર હવે લગભગ ઉપયોગમાં નથી અને નાની માછીમારી હોડીઓ ત્યાંથી અવાગમન કરે છે.

સ્થાનિક લોકો માટે આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી, પશુપાલન અને છૂટક મજૂરી છે. મુન્દ્રામાં દાંતીવાડાની સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી સંચાલિત ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. ઘણાં લોકો વિવિધ કંપનીઓ, બંદર અને પાવર સ્ટેશનમાં કાર્યરત છે.[૫]

મુન્દ્રા બંદર ખાસ આર્થિક વિસ્તાર (સેઝ)ની સાથે અદાણીનું માલિકીનું અને સંચાલિત સૌથી મોટું બંદર છે.

મુન્દ્રાની નજીક બે તાપ વિદ્યુત મથકો આવેલા છે. મુન્દ્રા અલ્ટ્રા મેગા પાવર સ્ટેશન એ ટાટા પાવર દ્વારા અને મુન્દ્રા થર્મલ પાવર સ્ટેશન અદાણી પાવર દ્વારા સંચાલિત છે. આ બંને મથકો ૮,૬૦૦ મેગાવોટ કરતાં વધુ વીજળીનું ઉત્પાદન કરે છે. આ મથકોમાં વપરાતો કોલસો મુખ્યત્વે ઇંડોનેશિયાથી આયાત કરાય છે.[૬] તાપ વિદ્યુતમથકોનો પાણીનો સ્ત્રોત કચ્છના અખાતનું પાણી છે.

સંદર્ભ[ફેરફાર કરો]