કચ્છ રજવાડું

વિકિપીડિયામાંથી
Kingdom of Kutch (1147–1819)
Cutch State (1819–1947)

કચ્છ
૧૧૪૭–૧૯૪૭
કચ્છનો ધ્વજ
ધ્વજ
કચ્છ નું રાજચિહ્ન
રાજચિહ્ન
કચ્છ રજવાડું, ૧૮૭૮
કચ્છ રજવાડું, ૧૮૭૮
રાજધાનીલખીયારવીરો (૧૧૪૭―૧૫૪૮)

ભુજ (૧૫૪૯―૧૯૪૭)
સામાન્ય ભાષાઓકચ્છી, ગુજરાતી, સિંધી
સરકારરાજાશાહી
ઇતિહાસ 
• Established
૧૧૪૭
• બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીની કચ્છ એજન્સી હેઠળ આવ્યું
૧૮૧૯
• કચ્છ રજવાડાનું ભારત સાથે વિલિનીકરણ
૧૯૪૭
વિસ્તાર
૧૯૦૧[૧]19,725 km2 (7,616 sq mi)
વસ્તી
• ૧૯૦૧[૧]
488,022
ચલણકચ્છ કોરી
પહેલાં
પછી
ચાવડા વંશ
ચાલુક્ય વંશ
કચ્છ રાજ્ય
આજે ભાગ છે:ભારત

કચ્છ રજવાડું અથવા ઐતિહાસિક રીતે જેને કચ્છ રાજ્ય તરીકે પણ ઓળખાય છે, તે કચ્છ પ્રદેશમાં ૧૧૪૭ થી ૧૮૧૯ સુધી અસ્તિત્વ ધરાવતું એક રાજાશાહી રાજ્ય હતું. ૧૮૧૯ થી ૧૯૪૭ સુધી તે બ્રિટિશ શાસન હેઠળનું એક રજવાડું હતું. તેનો વ્યાપ દક્ષિણમાં કચ્છના અખાત અને ઉત્તરમાં સિંધની વચ્ચે આવેલો ફેલાયેલો હતો. કચ્છ રાજ્ય દરિયાકાંઠો ધરાવતા અમુક રજવાડાઓમાંનું એક હતું.

રાજ્યનો વિસ્તાર 7,616 square miles (19,725 km2) અને ૧૯૦૧માં તેની અંદાજિત વસ્તી 488,022 હતી.[૧] બ્રિટિશ રાજ દરમિયાન, આ રાજવાડું કચ્છ એજન્સીનો ભાગ હતું અને બાદમાં બોમ્બે પ્રેસિડેન્સીની અંદર વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીનો ભાગ બન્યો. અહીંના શાસકોએ 354 ઘોડેસવાર, 1,412 પાયદળ અને 164 બંદૂકોની સેના જાળવી રાખી હતી.[સંદર્ભ આપો][ ટાંકણી જરૂરી ]

ઇતિહાસ[ફેરફાર કરો]

સિંધ અને કચ્છનો નકશો ૧૮૨૭
કચ્છ રાજ્યનો વેપારી ધ્વજ

કચ્છના રાજ્યની સ્થાપના ૧૧૪૭ ની આસપાસ સિંધથી આવેલા સમ્મા જાતિના લાખો જાડાણી દ્વારા કરવામાં આવી હતી. તેમને જામ જાડાએ દત્તક લીધો હતો તેથી તેમને લાખો જાદાણી તરીકે ઓળખાય છે. તેમણે પૂર્વીય કચ્છ પર ૧૧૪૭ થી ૧૧૭૫ સુધી તેમની નવી રાજધાની લખીયારવીરોથી શાસન કર્યું, આ શહેરનું નામ તેમણે પોતાના જોડિયા ભાઈ લખિયારના નામ પરથી (હાલના નખત્રાણા નજીક) રાખ્યું હતું.[સંદર્ભ આપો] આ પહેલા, પૂર્વીય કચ્છ પર ચાવડા વંશનું શાસન હતું, જેના છેલ્લા જાણીતા શાસક વાઘમ ચાવડા હતા. ૧૩મી સદીમાં જાડેજા કુળના તેમના ભત્રીજાઓ મોડ અને માનઈ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.[૨] તે જ સમયે, મધ્ય અને પશ્ચિમ કચ્છ પર વિવિધ જાતિઓ જેમ કે કાઠી, ચૌલુક્ય અને વાઘેલા વંશોની ટોળીઓના નિયંત્રણ હેઠળ હતું.[સંદર્ભ આપો] ૧૨૧૫ માં રાયધણ રટ્ટોના મૃત્યુ પછી તેના તાબાના પ્રદેશને તેમના ચાર પુત્રો વચ્ચે વહેંચવામાં આવ્યો. તેમના પુત્રો ઓથાજી, દેદાજી, હોથીજી અને ગજનજીને અનુક્રમે લખીરવિરો, કંથકોટ, ગજોડ અને બારાના કચ્છ પ્રદેશો આપવામાં આવ્યા હતા.

ઓથાજી સૌથી મોટા હોવાથી તેઓ લખિયારવીરોના વડા તરીલે સિંહાસન પર આવ્યા અને બાકીના ભાઈઓ સરકારની સંઘીય પ્રણાલીમાં ભાયાત અથવા ભાઈચારાના ભાગ બન્યા. જો કે, આવનારા સમયમા તેમની વચ્ચેની આંતરિક દુશ્મનાવટ વધી અને છેવટે આ ભાઈઓ ઓથાજી અને બારાના ગજનજીના બે જૂથોમાં ભળી ગયા.

દુશ્મનાવટ હેઠળ કચ્છના ઇતિહાસને બદલી નાખનાર પ્રથમ ઘટના, જાડેજાઓની સૌથી મોટી શાખાના વડા અને ઓથાજીના વંશજ લખિયારવીરોના જામ હમીરજીની હત્યા હતી. બારાના જામ રાવળ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે જામ રાવળે તેમના પિતા જામ લાખાજીની હત્યાનું કારણ હમીરજી છે માનતા હતા, કારણ કે હમીરજીની ઉશ્કેરણી પર ડેડા તમિયાચી દ્વારા લખિયારવીરો પ્રદેશમાં તેમની હત્યા કરવામાં આવી હતી.[૩] જામ રાવળે બદલો લેવા માટે વિશ્વાસઘાતથી તેના મોટા ભાઈ રાવ હમીરજીની (ખેંગારજીના પિતા) હત્યા કરી નાખી અને ખેંગારજીના શાસક બનવા સુધીના બે દાયકાથી વધુ સમય સુધી કચ્છ પર શાસન કર્યું, જ્યારે ખેંગારજી મોટા થયા ત્યારે તેઓએ જામ રાવળ પાસેથી કચ્છ ફરીથી જીતી લીધું. જામ રાવળ કચ્છમાંથી ભાગી ગયા અને આશાપુરા માતાએ તેમને સ્વપ્નમાં આપેલી સલાહ મુજબ નવાનગરની સ્થાપના કરી. [૩] પાછળથી તેમના વંશજોએ રાજકોટ, ગોંડલ, ધ્રોલ અને વીરપુર રાજ્ય સ્થાપ્યા. [૪] આ વંશોને સંલગ્ન બારોટો દ્વારા આજે પણ વંશાવળી જાળવવામાં આવે છે અને જાડેજા કુળના દરેક વ્યક્તિ તેમના વંશને રાતો રાયધણ દ્વારા શોધી શકે છે. [૪]

૧૧૪૭માં તેની સ્થાપનાથી લઈને ૧૫૪૮માં જામ રાવળના સમય સુધી લખિયારવીરો કચ્છની રાજધાની રહી હતી.

શાસકો[ફેરફાર કરો]

કચ્છ રાજ્યના જાડેજા વંશનું કુટુંબ વડલો

૧૧૪૭માં કચ્છ રાજ્યની રચના થઈ ત્યાંથી ૧૯૪૮ સુધી જ્યારે તે ભારત ગણરાજ્યમાં શામેલ થયું ત્યાં સુધી સમા જાતિના જાડેજા રાજપૂત વંશનું શાસન હતું.[૧] આ શાસકોએ ૧૨મી સદીની અંતમાં સિંધથી કચ્છમાં સ્થળાંતર કર્યું હતું. આ રાજ્ય અંગ્રેજ સત્તા હેઠળ ૧૭ બંદૂકોની સલામીનો હક ધરાવતું રાજ્ય હતું. શરૂઆતમાં આ શાસકો જામ બિરુદ ધરાવતા, બ્રિટિશ રાજ દરમિયાન તે બદલાયું અને ૧ જાન્યુઆરી ૧૯૧૮થી તે મહારાવ થયું.[૫]

ખેંગારજી પહેલા, કચ્છ રાજ્યના સ્થાપક તરીકે ઓળખાય છે, તેમણે પૂર્વ, મધ્ય અને પશ્ચિમ કચ્છને એક સત્તા હેઠળ જોડ્યા. આ ક્ષેત્રો પર તેમની પહેલાં જાડેજાઓ સિવાય ચાવડા અને સોલંકી જેવા અન્ય રાજપૂત વંશોની આંશિક સત્તા હતી. [૬] [૧] ખેંગારજી પહેલાએ અમદાવાદના સુલતાન મહમદ બેગડાનો જીવ સિંહથી બચાવ્યો હતો અને સુલતાને તેમને મોરબીની જાગીર અને લશ્કર આપ્યા હતા. ઘણા વર્ષો સુધી યુદ્ધ ચલાવી અંતે ખેંગારજીએ જામ રાવળ પાસેથી કચ્છને ફરીથી જીતી લીધું અને છેવટે ૧૫૪૯માં કચ્છને એક વિશાળ સત્તા હેઠળ આણ્યું . જામ રાવળે પોતાનો જીવ બચાવવા કચ્છની બહાર ભાગી જવું પડ્યું. ખેંગારજી પહેલા તેમના પિતાની ભૂતકાળની રાજધાની લખિયારવીરો અને જામ રાવળની રાજધાની બારા પર કબજો કર્યો અને વર્ષ ૧૫૩૪ માં રાપર ખાતે ઔપચારિક રીતે સિંહાસન પર બેઠા હતા.[૭] પાછળથી તેમણે તેમની રાજધાની ભુજ ખસેડી.[૧] ખેંગારજીએ માંડવી નામે એક બંદર શહેરની સ્થાપના પણ કરી હતી.

૧૬૯૮માં રાયધણ બીજાના અવસાન પછી, ઉત્તરાધિકારની નિયમિતતા ફરીથી વિચલિત થઈ, રાયધણજીને ત્રણ પુત્રો હતા, રાવજી, નાગુલજી અને પ્રાગજી. સોઢા રાજપૂતો દ્વારા રાયધણજીના સૌથી મોટા પુત્ર રાવજીની હત્યા કરવામાં આવી હતી, તેમના બીજા ભાઈ નાગુલજીનું કુદરતી કારણોસર મૃત્યુ થયું હતું, આ બંને ભાઈઓના પુત્રો કચ્છની ગાદી પર બેસવાના હકદાર હતા, પરંતુ તેઓ ઘણા નાના હતા, આથી રાવ રાયધણજીના ત્રીજા પુત્ર, પ્રાગજી કચ્છની ગાદી પર આવ્યા અને મહારાવ પ્રાગમલજી પ્રથમ તરીકે ઓળખાયા.[૮]

રાયધણ બીજાના પ્રથમ પુત્ર રાવજીનો મોટા પુત્ર કાંયોજી કચ્છ છોડી ચાલ્યા ગયા અને મોરબીમાં પોતાની સ્થાયી થયા, મોરબી આ પહેલાં કચ્છના રાજ્યનો ભાગ હતો. કાંયોજીએ મોરબીને કચ્છથી સ્વતંત્ર બનાવ્યું અને ત્યાંથી તેમણે કચ્છની પોતાના હકની ગાદી પાછી મેળવવા માટે ઘણી વખત નિષ્ફળ પ્રયત્નો કર્યા. કાંયોજી જાડેજાના વંશજો આમ મોરબીમાં સ્થાયી થયા અને તેઓ કાંયાણી તરીકે ઓળખાયા. [૧]

મહારાવ લખપતજીનું રહેઠાણ -આયના મહેલ, ભુજ

પાછળથી રાવ ગોડજી પ્રથમ (૧૭૧૫-૧૯)ના શાસન હેઠળ ભુજિયો કિલ્લો બાંધી શહેરની કિલ્લેબંધી કરવામાં આવી હતી. કિલ્લાનું મુખ્ય ચણતર અને પૂર્ણાહુતિ તેમના પુત્ર મહારાવ દેશળજી પ્રથમ (૧૭૧૮-૧૭૪૧) ના શાસન દરમિયાન કરવામાં આવી હતી. ૧૭૧૯ માં દેશળજી પ્રથમના શાસન દરમિયાન મુઘલ (મોલગ) સામ્રાજ્યના ગુજરાત સુબાના સુબેદાર, ખાને કચ્છ પર આક્રમણ કર્યું. કચ્છનું સૈન્ય અનિશ્ચિત સ્થિતિમાં હતું, ત્યારે નાગા બાવાઓનું એક જૂથ તેમની સાથે જોડાયું અને મુઘલ(મોગલ) સૈન્યનો પરાજય થયો.

ભુજ ખાતે રાવ લખપતજીની સ્મારક

દેશલળના અનુગામી તેમના પુત્ર રાવ લખપતજી (૧૭૪૧-૬૧) હતા, તેમણે પ્રખ્યાત આયના મહેલ બનાવવા માટે રામ સિંહ માલમની નિમણૂક કરી હતી. રામસિંહ માલમે માધાપર પાસે કાચ અને સિરામિકની ફેક્ટરી પણ શરૂ કરી હતી. લખપતજીના શાસનકાળ દરમિયાન કચ્છનો દરિયાઈ વ્યાપાર વિકસ્યો હતો અને તેમના શાસનકાળ દરમિયાન કચ્છે તેનું પોતાનું ચલણ કચ્છ કોરી બહાર પાડ્યું હતું, જે ઠેઠ બ્રિટિશ રાજ એટેલે કે ૧૯૪૮ સુધી ચલણમાં હતું. સ્વતંત્ર ભારત સાથે કચ્છને ભેળવતા તે નાબૂદ થયું.

પાછળથી, રાવ ગોડજી દ્વિતીય (૧૯૬૧-૧૭૭૮) ના શાસન દરમિયાન, કચ્છ રાજ્યને સિંધના મિયાં ગુલામ શાહ કલહોરોના હાથે તેની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. કલહોરોએ બે વાર કચ્છ પર હુમલો કર્યો પહેલી વખત ૧૭૬૩-૬૪માં જેમાં જારા, કચ્છ નજીક થયેલા યુદ્ધમાં સેંકડો કચ્છી લોકો મૃત્યુ પામ્યા અને ત્યારબાદ ૧૭૬૫માં. ઘણો પ્રદેશો ગુમાવ્યા બાદ ગોડજીને તેમની સાથે સંધિ કરવી પડી. પાછળથી ૧૭૭૦ માં, તેમના પિતરાઈ ભાઈ વેસુજીની એક પુત્રીના લગ્ન મિયાં કલહોરો સાથે થયા અને આ લગ્ન બંને પક્ષ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા. આ સંબંધને ધ્યાનમાં રાખીને, મિઆન કાલ્હોરો દ્વારા જીતી લેવામાં આવેલા બુસ્તા બંદર, લખપતના નગરો અને અન્ય પ્રદેશોને કચ્છના રાવને પરત કરવામાં આવ્યા હતા.

તેમના અનુગામી, રાયધણ તૃતીય (૧૭૭૮-૮૬) એક ધાર્મિક કટ્ટરપંથી બન્યા અને તેમના તમામ વિદ્યાર્થીઓને બળજબરીથી ઇસ્લામમાં ફેરવવાનું શરૂ કર્યું. ૧૭૮૫માં જ્યારે અંજારના મેઘજી શેઠે વિદ્રોહ કર્યો અને સ્થાનિક સેનાના વડા ડોસલ વેણે અને ફતેહ મુહમ્મદ પણ વિદ્રોહમાં તેમની સાથે જોડાયા. રાયધણ તૃતીયને સત્તા પરથી હટાવી [૯] નજરકેદમાં રાખવામાં આવ્યો અને રાજ્યનું શાસન નાના રાજા પૃથ્વીરાજજીના નામ હેઠળ બાર ભાઈયાતની જમાત દ્વારા ચલાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ સભા એ ફતેહ મહમ્મદને શાસક બનાવ્યો જેણે ૧૭૮૬ થી ૧૮૧૩ સુધી કચ્છ પર શાસન કર્યું. તેમના મૃત્યુ પછી બાર ભાઈયાતની જમાતે રાવ રાયધણને એક મહિના માટે ફરીથી રાજા બનાવ્યો પરંતુ રાવે હજુ પણ તેમની રીતભાત ન બદલી અને તરત જ તેમની જગ્યાએ હુસૈન મિયાંને શાસન આપવામાં આવ્યું. હુસૈન મિયાંએ ૧૮૧૩ થી ૧૮૧૪ સુધી શાસન કર્યું અને ત્યાર બાદ રાયધણના મોટા પુત્ર ભારમલજી બીજાને ૧૮૧૪માં બાર ભાઈયાતની જમાત દ્વારા શાસક બનાવવામાં આવ્યા પણ સેના હુસૈન મિયાંના નિયંત્રણ હેઠળ રાખવામાં આવી. [૯]

૧૫ ડિસેમ્બર ૧૮૧૫ના દિવસે, કચ્છ રાજ્યની સેનાને વડોદરા રાજ્યના ગાયકવાડ અને અંગ્રેજોની સંયુક્ત સેનાઓ દ્વારા કચ્છના ભદ્રેશ્વર નજીક પરાજિત કરવામાં આવી હતી. આ હાર પછી ૨૫ ડિસેમ્બર ૧૮૧૫ને દિવસે અંજારનું નજીકનું મુખ્ય કિલ્લેબંધ નગર, તુણા બંદર અને અંજાર જિલ્લો બ્રિટિશ તાબા હેઠળ આવ્યા. કચ્છના શાસકો અને અંગ્રેજો વચ્ચે વાટાઘાટો થઈ અને કચ્છના જાડેજા શાસકોએ ૧૮૧૯માં અંગ્રેજોનું આધિપત્ય સ્વીકાર્યું અને કેપ્ટન જેમ્સ મેકમર્ડોને ભુજ ખાતે બ્રિટિશ રાજકીય નિવાસી (બ્રિટિશ પોલીટીકલ રેસીડેન્ટ) તરીકે મુકવામાં કરવામાં આવ્યા. ત્યાર બાદ અંજાર જિલ્લો, ૨૫ ડિસેમ્બર ૧૮૨૨ સુધીના સાત વર્ષ સુધી બ્રિટિશ દળોના સીધા કબજા હેઠળ રહ્યો, અને છેવટે એક કરાર દ્વારા તેને ફરી કચ્છમાં ભેળાવવામાં આવ્યો. [૧][૧૦]

આ વિજય પછી અંગ્રેજોએ શાસક રાજા જામ ભારમલજી દ્વીતિયને પદભ્રષ્ટ કર્યા અને તેમના એક સગીર પુત્ર, દેશળજી દ્વિતીયને કચ્છ રાજ્યનો શાસક બનાવવામાં આવ્યા. તેમની સગીર વય દરમિયાન રાજ્યની બાબતોનું સંચાલન કાઉન્સિલ ઑફ રીજન્સી દ્વારા કરવામાં આવતું હતું, જાડેજાના વડાઓ આ કાઉન્સીલના સભ્યો હતા અને તેનું નેતૃત્વ કેપ્ટન મેકમર્ડો પાસે હતું. [૧૧][૧૨][૧૩]

માંડવીના દરિયા કિનારે આવેલો વિજય વિલાસ પેલેસ, વિજયરાજી માટે બનાવવામાં આવેલો, જે રાવના વંશજોનું વર્તમાન નિવાસસ્થાન છે.

દેશલજી દ્વિતીયના શાસનકાળ દરમિયાન, ૧૮૧૯માં કચ્છમાં ગંભીર ધરતીકંપ આવ્યો અને ત્યારબાદ ૧૮૨૩, ૧૮૨૫ અને ૧૮૩૨માં ભારે દુકાળ પડ્યો.[સંદર્ભ આપો] વધુમાં, કચ્છ પર સિંધના લુંટારુ ટોળીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.[સંદર્ભ આપો] દેશળજી દ્વિતીયએ ૧૮ વર્ષની ઉંમરે રાજ્યનું સંચાલન પોતાના હાથમાં લીધું અને સિંધના આક્રમણકારીઓને હરાવ્યા. તેમના શાસનકાળમાં આફ્રિકા, ઓમાન અને ખાસ કરીને ઝાંઝીબાર સાથેના દરિયાઈ વેપારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. કચ્છમાં ધીમે ધીમે ઔદ્યોગિકીકરણને પાછું ફર્યું જેની શરૂઆત લખપતજી અને ગોડજીએ કરી હતી.[૧૪] ૧૮૬૦માં તેમના પુત્ર પ્રાગમલજી દ્વિતીય તેમના અનુગામી બન્યા.

૧૯મી સદીના ઉત્તરાર્ધ અને ૨૦મી સદીના પૂર્વાર્ધ દરમિયાન પ્રાગમલજી દ્વિતીય અને તેમના અનુગામી ખેંગારજી તૃતીયના નેતૃત્વમાં રાજ્યની સારી પ્રગતિ થઈ. પ્રાગમલજી દ્વિતીય દ્વારા શરૂ કરાયેલ શૈક્ષણિક, ન્યાયતંત્ર અને વહીવટી સુધારાઓને ખેંગારજી તૃતીય દ્વારા આગળ વધારવામાં આવ્યા હતા, તેમણે કચ્છ રાજ્ય રેલ્વે, કંડલા બંદર અને ઘણી શાળાઓનો પાયો નાખ્યો હતો. ખેંગારજી ત્રીજા કચ્છના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજા હતા. ખેંગારજીએ કેટલાક વર્ષો સુધી રાણી વિક્ટોરિયાના એઈડી-ડી-કેમ્પ તરીકે પણ સેવા આપી હતી. તેમના હેઠળ રાજ્યને ૧૭ બંદૂકોની સલામી ધરાવતા રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને કચ્છના શાસકોનું બિરુદ પણ મહારાવ તરીકે વધારવામાં આવ્યું હતું.[સંદર્ભ આપો]

૧૯૪૨માં ખેંગારજી તૃતીયના પુત્ર વિજયરાજી સત્તા પર આવ્યા અને ભારત સ્વતંત્ર બન્યું ત્યાં સુધી શાસન કર્યું. વિજયરાજીના શાસન દરમિયાન કચ્છ હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી હતી, ગ્રામીણ પરિષદોની ચૂંટણી કરવામાં આવી હતી અને તેમના શાસનના છ વર્ષના ટૂંકા ગાળામાં રાજ્યમાં સિંચાઈની સુવિધાઓનું મોટા પ્રમાણમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને કૃષિ વિકાસ થયો હતો. તેમણે સિંચાઈની બાબતોમાં ઊંડો રસ લીધો અને તેમના શાસનકાળ દરમિયાન અન્ય ૨૨ બંધ સાથે વિજયસાગર જળાશયનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. [૧૫] હૈદરાબાદ અને ત્રાવણકોર પછી કચ્છ ત્રીજું રજવાડું બન્યું જેણે વર્ષ ૧૯૪૫5માં પોતાની બસ પરિવહન સેવાઓ શરૂ કરી [૧૬] વધુમાં, ૧૯૪૬માં કચ્છ રાજ્ય માટે બૅન્કનોટનો નમૂનો પણ છાપવામાં આવ્યો હતો, પરંતુ ક્યારેય તેને ઉપયોગમાં લેવાઈ નહી.

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારતને સ્વતંત્રતા મળતાં જ ભારતમાં વિલિન થનાર પ્રથમ રજવાડાઓમાંનું કચ્છ એક હતું. વિજયરાજી લંડનમાં તબીબી સારવાર માટે દૂર હતા. તેમના આદેશ પર, મદનસિંહજીએ, તેમના પિતા વતી, કચ્છના મહારાવના વકીલ તરીકેની, ૧૬ ઑગસ્ટ ૧૯૪૭ના દિવસે કચ્છના ભારત સાથેના જોડાણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા. [૧૭] પાછળથી, મદનસિંહજીએ ૨૬ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે તેમના પિતા વિજયરાજીના અવસાન બાદ સિંહાસન સંભાળ્યું અને ૪ મે ૧૯૪૮ના દિવસે કચ્છ રાજ્યનો વહીવટ સંપૂર્ણપણે ભારત સંઘમાં ભળ્યું, ત્યાં સુધીના ટૂંકા ગાળા માટે તેઓ કચ્છના છેલ્લા મહારાવ બન્યા.

૧૯૦૯માં બોમ્બે પ્રેસિડેન્સીના ભાગ તરીકે કચ્છ

ભારતમાં વિલીનીકરણ બાદ કચ્છનું રજવાડું, ૧૯૪૮માં કચ્છ રાજ્ય નામથી અલગ કેન્દ્રીય વહીવટી વર્ગ-C નું રાજ્ય બન્યું.

શાસકોની યાદી[ફેરફાર કરો]

શાસકોનું પ્રાદેશિક નામ શાસન વર્ષ (CE)
લાખો જાદાણી 1147-1175
રત્તો રાયધન 1175-1215
ઓથાજી 1215-1255
રાવ ગાઓજી 1255-1285
રાવ વેહનજી 1285-1321
રાવ મૂળવાજી 1321-1347
રાવ કૈયાજી 1347-1386
રાવ અમરજી 1386-1429
રાવ ભીમજી 1429-1472
રાવ હમીરજી 1472-1536
જામ રાવલ 1540-1548
ખેંગારજી પ્રથમ 1548-1585
ભારમલજી આઈ 1585-1631
ભોજરાજજી 1631-1645
ખેંગારજી II 1645-1654
તમાચી 1654-1665
રાયધન II 1665-1698
પ્રાગમલજી પ્રથમ 1698-1715
ગોડજી પ્રથમ 1715-1719
દેશળજી પ્રથમ 1719-1741
લખપતજી (કાર્યકારી) 1741-1752
લખપતજી 1752-1760
ગોડજી દ્વિતીય 1760-1778
રાયધણ તૃતીય (પ્રથમ વખત) 1778-1786
પૃથ્વીરાજજી 1786-1801
ફતેહ મુહમ્મદ (કાર્યકારી) 1801-1813
રાયધણ તૃતીય (2જી વખત) 1813
હુસૈન મિયાં (કારભારી) 1813-1814
ભારમલજી દ્વિતીય 1814-1819
દેશલજી દ્વિતીય 1819-1860
પ્રાગમલજી દ્વિતીય 1860-1875
ખેંગારજી તૃતીય 1875-1942
વિજયરાજી 1942-1948
મદનસિંહજી 1948

ધર્મ[ફેરફાર કરો]

જાડેજાઓ હિન્દુ ધર્મના અનુયાયીઓ હતા અને તેમના કુળદેવી અને રાજ્ય દેવતા આશાપુરા માતાની પૂજા કરતા હતા. માતા નો મઢ ખાતે આ દેવીનું મુખ્ય મંદિર આવેલું છે.

વસ્તી વિષયક અને અર્થતંત્ર[ફેરફાર કરો]

કચ્છ રજવાડામાં આઠ મુખ્ય નગરો હતા - ભુજ, માંડવી, અંજાર, મુન્દ્રા, નલિયા, જખૌ, ભચાઉ અને રાપર અને આ સિવાય ૯૩૭ ગામો હતા.[૧] તે સિવાય તુણા, લખપત, સાંધણ, સિંદરી, ભદ્રેસર જેવા અન્ય બંદર નગરો તેના દરિયાકાંઠા પર હતા, જેમણે દરિયાઈ વેપારને વેગ આપ્યો હતો. આ બંદરો રજવાડાની મુખ્ય આવક મેળવતા હતા. રોહા, વિરાણી મોટી, દેવપુર, તેરા, કોઠારા, બારા, કંથકોટ જેવા અન્ય નગરો પણ આ રાજ્યમાં હતા, જેનું સંચાલન રાજાઓના ભાઈયાતો (ભાઈઓ) દ્વારા કરવામાં આવતું.

વિવિધ કચ્છી સમુદાયો તેમના મસ્કત, મોમ્બાસા, મઝિઝિમા, ઝાંઝીબાર અને અન્ય વિદેશી બંદરો સાથેના વેપાર માટે તેમજ તેમની જહાજ બાંધકામની કુશળતા માટે જાણીતા હતા. કંડલાને ખેંગારજી તૃતીય દ્વારા ૧૯૩૦માં નવા બંદર તરીકે વિકસાવવામાં આવ્યું હતું. તેમના શાસનકાળ દરમિયાન, વર્ષ ૧૯૦૦-૧૯૦૮ દરમિયાન, કચ્છ રાજ્ય રેલ્વેનો પણ પાયો નાખવામાં આવ્યો હતો, આ રેલ્વે થકી ભુજ, અંજાર, ભચાઉ જેવા મુખ્ય શહેરોને તુણા અને કંડલા બંદર સાથે જોડવામાં આવ્યા હતા. આ રેલ્વેથી વેપાર વધ્યો હતો.

૧૯૦૧ની વસ્તી ગણતરી મુજબ હિંદુઓની સંખ્યા ૩,૦૦,૦૦૦ આસપાસ, મુસ્લિમોની સંખ્યા ૧,૧૦,૦૦૦ આસપાસ અને જૈનોની સંખ્યા ૭૦,૦૦૦ હતી. [૧] લગભગ ૯% વસ્તી રાજપૂત અને બ્રાહ્મણો અને અન્ય હિંદુ જાતિઓ મળી રજવાડાની વસ્તીનો ૨૪% ભાગ હતી. [૧] સૌથી સામાન્ય બોલાતી ભાષા કચ્છી અને ગુજરાતી ભાષા હતી. લખાણો અને અદાલતો અને દસ્તાવેજોમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો હતો.[૧]

ખેતી એ લોકોનો મુખ્ય વ્યવસાય હતો, જેઓ ઘઉં, જુવાર, બાજરી, જવ વગેરેનું ઉત્પાદન કરતા. આ સિવાય પશુપાલન એ અન્ય મુખ્ય વ્યવસાય હતો.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ ૧.૧૧ ૧.૧૨ "Cutch". The Imperial Gazetteer of India. 11: 75–80. 1908.
  2. Kutch by India. Superintendent of Census Operations, Gujarat. Director, Government Print. and Stationery, Gujarat State. 1964. પૃષ્ઠ 53. Vagham Chavdagadh or Patgadh, (Taluka Lakhpat) At this place are the ruins of the old city of Vagham Chavda who is said to have been killed in the thirteenth century by his nephews, Mod and Manai
  3. ૩.૦ ૩.૧ The Land of 'Ranji' and 'Duleep', by Charles A. Kincaid by Charles Augustus Kincaid. William Blackwood & Sons, Limited. 1931. પૃષ્ઠ 11–15.
  4. ૪.૦ ૪.૧ The Paramount Power and the Princely States of India, 1858–1881 – Page 287
  5. Princely states of India: a guide to chronology and rulers – Page 54
  6. Katariya, Adesh (2007). Ancient History of Central Asia: Yuezhi origin Royal Peoples: Kushana, Huna, Gurjar and Khazar Kingdoms (અંગ્રેજીમાં). Adesh Katariya. પૃષ્ઠ 348. મેળવેલ 10 November 2017.
  7. Tyabji, Azhar (2006). Bhuj: Art, Architecture, History (અંગ્રેજીમાં). Mapin. પૃષ્ઠ 267. ISBN 9781890206802. મેળવેલ 28 November 2017.
  8. Gujarat State Gazetteer – Volume 1 – Page 275-276
  9. ૯.૦ ૯.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Pálanpur, and Mahi Kántha – Page 149
  10. "Glimpse of Anjar, Kutch". મૂળ માંથી 8 June 2011 પર સંગ્રહિત. મેળવેલ 13 May 2013.
  11. Tyabji, Azhar (2006). Bhuj: Art, Architecture, History (અંગ્રેજીમાં). Mapin. ISBN 978-1-890206-80-2.
  12. Jadeja Rulers of Kutch : Deshalji II (1814-1860) સંગ્રહિત ૧૩ જૂન ૨૦૧૧ ના રોજ વેબેક મશિન
  13. Kutch State : Maharao DESALJI BHARMALJI II (Daishalji) 1819/1860 સંગ્રહિત ૫ જૂન ૨૦૧૧ ના રોજ વેબેક મશિન
  14. The presence of a glass factory and good breed of horses led Maharao Deshalji II (1819–1960) to maritime long distance trade with Zanzibar and most of all with Sultan of Oman. Makran, Oman, and Zanzibar: three-terminal cultural corridor in the western By Beatrice Nicolini, Penelope-Jane Watson.
  15. The Politics and Poetics of Water: The Naturalisation of Scarcity in Western ... By Lyla Mehta. 2005. p. 87,88.
  16. State Transport Undertakings: Structure, Growth and Performance by P. Jagdish Gandhi – 1998– Page 37.|Hyderabad (1932) and Travancore (1938) which owned State enterprises, operated fleets of passenger buses. The small State of Kutch joined then in 1945.
  17. Lauterpacht, E. (1976). International Law Reports: Volume 50 (અંગ્રેજીમાં). Butterworths. ISBN 978-0-406-87652-2.

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • Cutch State સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર