લખાણ પર જાઓ

વડોદરા રાજ્ય

વિકિપીડિયામાંથી
વડોદરા રાજ્ય, બરોડા સ્ટેટ
વડોદરા રજવાડું
૧૭૨૧–૧૯૪૯
Flag of વડોદરા
રજવાડાનો ધ્ય્વજ (૧૭૨૧–૧૮૧૮)

Baroda state in 1909
વિસ્તાર 
• ૧૯૨૧
20,976 km2 (8,099 sq mi)
વસ્તી 
• ૧૯૨૧
૨૧,૨૬,૫૨૨
ઇતિહાસ 
• સ્થાપના
૧૭૨૧
• ભારત દેશમાં વિલિનીકરણ
1 May ૧૯૪૯
પહેલાં
પછી
મરાઠા સામ્રાજ્ય
ભારતીય સંઘરાજ્ય
આજની સ્થિતિગુજરાત,
ભારત
"A Catalogue of Manuscript and Printed Reports, Field Books, Memoirs, Maps ..." Vol. iv, "Containing the treaties, etc., relating to the states within the Bombay presidency"
વડોદરા રાજ્ય. મહારાજાની મુદ્રા ૧૮૭૪–૧૯૩૬
મહારાજાની અંતિમ મુદ્રા. ૧૯૩૬-૧૯૪૯

વડોદરા રાજ્ય હાલના ગુજરાત રાજ્યમાં આવેલ એક રાજાશાહી ધરાવતું રાજ્ય હતું. મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ રાજવંશે આ રાજ્યની સ્થાપના ૧૭૨૧માં કરી અને ત્યાર પછી ૧૯૪૯માં ભારતીય ગણતંત્રમાં વિલિનીકરણ સુધી અહીં રાજ કર્યું. વડોદરા શહેર તેની રાજધાની હતું. બ્રિટીશ રાજ દરમિયાન બરોડા રેસિડેન્સી હેઠળ તેનું સંચાલન કરવામાં આવતું હતું. ઈ. સ. ૧૯૦૧ માં આ રાજ્યની આવક રૂ. ૧,૩૬,૬૧,૦૦૦ હતી.[] વડોદરા રાજ્યે ૧ મે ૧૯૪૯ ના દિવસે ઔપચારિક રીતે ભારતીય સંઘમાં પ્રવેશ કર્યો, તે પહેલાં આ રાજ્યમાં વચગાળાની સરકાર બનાવવામાં આવી હતી. []

ઇતિહાસ

[ફેરફાર કરો]

પ્રારંભિક ઇતિહાસ

[ફેરફાર કરો]
વડોદરા રાજ્ય, ૧૮૯૬
સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા (૧૮૬૩–૧૯૩૯), વડોદરાના મહારાજા

વડોદરા એ નામ સંસ્કૃત શબ્દ વટોદરા પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે - વટવૃક્ષ(વડ)ના હૃદયમાં. આ શહેરના રહેવાસી તથા ૧૭મી સદીના ગુજરાતી કવિ પ્રેમાનંદ ભટ્ટ આ શહેરને તેના અન્ય નામ, વીરક્ષેત્ર અથવા વીરવટી (લડવૈયાઓની ભૂમિ) તરીકે પણ વર્ણવે છે. પ્રારંભિક અંગ્રેજી મુસાફરો અને વેપારીઓ દ્વારા તેનો બ્રોડેરા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે પરથી તેનું અંગ્રેજી ઉચ્ચારણ બરોડા પડ્યું હતું.[] ભૌગોલિક દૃષ્ટિએ તેમાં હાલના ગુજરાત રાજ્યમાં ફેલાયેલા ૧૦૦૦ ચોરસ માઇલ જેટલા જમીનના ઘણાં છૂટા છવાયેલા ભૂમિ ભાગનો સમાવેશ થતો હતો. રાજ્યને ચાર પ્રાંતમાં વહેંચવામાં આવ્યું હતું કડી, બરોડા, નવસારી અને અમરેલી, જેમાં દ્વારકા નજીકના ઓખામંડળ વિસ્તાર અને દીવ નજીક કોડીનારના દરિયાકાંઠાના વિસ્તારોનો સમાવેશ થતો હતો.[]

ઈ. સ. ૧૭૦૫ માં મરાઠાઓએ પહેલીવાર ગુજરાત પર હુમલો કર્યો. ઈ. સ. ૧૭૧૨ સુધીમાં, ખંડેરાવ દાભાડે આ ક્ષેત્રમાં શક્તિશાળી બન્યા. ઈ. સ, ૧૭૧૬માં જ્યારે તેઓ સાતારા પાછા ફર્યા, ત્યારે તેમને સેનાપતિ બનાવવામાં આવ્યા. ત્યારબાદ ૧૭૨૧ માં "બાલાપુરની લડાઇ" દરમિયાન, તેમના એક અધિકારી, દામાજી ગાયકવાડને શમશેર બહાદુર અથવા (ચતુર તલવારબાજ)ની પદવીથી નવાજવામાં આવ્યા હતા. ૧૭૨૧ માં દામાજીનું અવસાન થયું અને તેમના પછી ભત્રીજા પીલાજીરાવ તેમના પછી તેમને સ્થાને આવ્યા.[]

આમ ઈ. સ. ૧૭૨૧માં જ્યારે જ્યારે મરાઠા સેનાપતિ પિલાજી ગાયકવાડે મોઘલો પાસેથી સોનગઢ જીતી લીધું ત્યારે વડોદરા રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. આ પહેલા મરાઠા સામ્રાજ્યના અસરકારક શાસક પેશ્વાએ ગુજરાતમાંથી રાજ્યસ્વ (મહેસૂલ) એકત્રિત કરવા માટે તેમની નિયુક્તિ કરી હતી, જેમણે મોગલો પાસેથી સુરતની ઉત્તર અને દક્ષિણ તરફનો ભાગ જીતી સુરત સરકાર સ્થાપી હતી. ૧૮૬૬ સુધી સોનગઢ ગાયકવાડ રાજપરિવારનું મુખ્ય મથક રહ્યું.[] [] બીજા અંગ્રેજ-મરાઠા યુદ્ધ (૧૮૦૩-૧૮૦૫) પછી, ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતના મોટાભાગના ક્ષેત્ર પર નિયંત્રણ મેળવ્યું. તેમ છતાં, વડોદરાના ગાયકવાડોએ, અંગ્રેજો સાથે એક અલગ સંધિ કરી અને તેમની સાથે એક અનુગામી જોડાણમાં કર્યું, તે અનુસાર આંતરિક સ્વાયત્તા જાળવી રાખવાના બદલામાં બ્રિટીશ રાજના આધિપત્ય અને રાજ્યની બાહ્ય બાબતોના નિયંત્રણને સ્વીકાર્યું.

રજવાડું

[ફેરફાર કરો]
બરોડાના સયાજી રાવ બીજાનો ચાંદીનો રૂપિયો (શાસનકાળ ૧૮૧૯–૪૭) જેના પર મોગલ સમ્રાટ મુહમ્મદ અકબર (બીજો) નું નામ કંડારેલું હતું. હીજરી સન ૧૨૩૮ (ઈ. સ. ૧૮૨૨-૨૩). તેના પરનો નાગરી અક્ષર એ સયાજીરાવનો સ સૂચવે છે અને તેના પર એક વળાંકવાળી તલવાર પણ દેખાય છે, જે ગાયકવાડોના રાજવંશના પ્રતીકોમાંની એક છે તે પ્રતીક ચિહ્ન વડોદરા રાજ્યના ધ્વજ પર પણ દેખાય છે.
વડોદરાના સયાજીરાવ ત્રીજાના ચાંદીનો રૂપિયો (શાસનકાળ ૧૮૭૫–૧૯૩૯). તેના ઉપર રાજાનું ચિત્ર કંડરેલું છે. આ સિક્કો વિક્રમ સંવત ૧૯૫૫(ઈ. સ. ૧૮૯૭) નો છે.

ઈ. સ. ૧૮૭૦ માં વડોદરાના લોકપ્રિય મહારાજા સર ખંડેરાવ ગાયકવાડ (૧૮૨૮-૧૮૭૦) ના અવસાન પછી, અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમના ભાઇ મલ્હારરાવ (૧૮૩૧-૧૮૮૨) તેમની ગાદી પર આવશે. મલ્હારરાવ પહેલાથી જ પોતાના કાર્યોથી પોતાની જાતને અધમ પાત્ર સાબિત કરી ચૂક્યો હતો અને ખંડેરાવની હત્યાનું ષડયંત્ર રચવા માટે અગાઉ જેલમાં પણ ગયો હતો. ખંડેરાવની વિધવા, મહારાણી જમનાબાઇ (૧૮૫૩–૧૮૯૮) પિતાના મરણોત્તર સંતાન દ્વારા પહેલાથી ગર્ભવતી હોવાથી, બાળકના લિંગની જાણ થવા સુધી ઉત્તરાધિકારની જાહેરાત વિલંબિત થઈ હતી. તે સંતાન પુત્રી હતી, અને તેથી તેના જન્મ પછી ૫ જુલાઈ ૧૮૭૧ ના દિવસે, મલ્હારરાવ સિંહાસન પર આવ્યા.

મલ્હારરાવે છૂટે હાથે ધન ખર્ચ કર્યું, પરિણામે વડોદરાનો ખજાનો તળિયા ઝાટક બની ગયો. (તેમણે અન્ય ખર્ચાઓ વચ્ચે સોનાની એક તોપની એક જોડ અને મોતીનો કાર્પેટ વસાવ્યો) અને ટૂંક સમયમાં મલ્હારરાવના ઘોર જુલમ અને ક્રૂરતાના અહેવાલો રહેવાસીઓ સુધી પહોંચ્યા. મલ્હારરાવે પોતાના કાર્યોને છુપાવવા નિવાસી કર્નલ આર. ફાયરે સી. બી.ને આર્સેનિકના સંયોજનનું ઝેર આપવાનો પ્રયાસ કર્યો. ભારતના રાજ્ય સચિવ લોર્ડ સેલિસબરીના હુકમથી, મલ્હારરાવને ૧૦ એપ્રિલ ૧૮૭૫ ના દિવસે પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા અને મદ્રાસમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જ્યાં ઈ. સ. ૧૮૮૨માં તેમનું સંદિગ્ધ મૃત્યુ થયું.[] વડોદરાની ગાદી ખાલી હોવાથી મહારાણી જમનાબાઇએ અનુગામીની પસંદગી માટે વંશની વિસ્તૃત શાખાઓના વડાઓ અને તેમના પુત્રોને વડોદરા બોલાવ્યા.

૧૮૭૦ માં મહારાજા ખાંડેરાવ દ્વારા બંધાવવામાં આવેલ મકરપુરા મહેલ

કાશીરાવ અને તેના ત્રણ પુત્રો આનંદરાવ (૧૮૫૭–૧૯૧૭), ગોપાલરાવ (૧૮૬૩૩–૧૯૩૮) અને સંપતરાવ (૧૮૬૫–૧૯૩૪), કલવાણાથી - ૬૦૦ કિલોમીટર જેટલું અંતર કાપી પોતાની ઉમેદવારી માટે જમનાબાઈને પાસે આવ્યા.

આખરે બ્રિટિશ સરકાર દ્વારા ગોપાલરાવને અનુગામી તરીકે પસંદ કરવામાં આવ્યા અને તે પ્રમાણે ૨૭ મે ૧૮૭૫ ના દિવસે મહારાણી જમનાબાઈ દ્વારા તેને દત્તક લેવામાં આવ્યા. તેમને સયાજીરાવ એ નવું નામ આપવામાં આવ્યું. ૧૮ જૂન ૧૮૭૫ ના દિવસે, તેઓ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરીકે સિંહાસન પર બેઠા, પરંતુ તેઓ સગીર વયના હોવાથી ઉંમર લાયક બને ત્યાં સુધી રિજન્સી કાઉન્સિલ હેઠળ શાસન થયું અને ૨૮ ડિસેમ્બર ૧૮૮૧ ના દિવસે તેઓ સંપૂર્ણ સત્તાઓ સાથે શાસક બન્યા જેમણે આગળ જઈ ઘણી સંસ્થાઓની સ્થાપના કરી.

૨૦ મી સદી

[ફેરફાર કરો]

તેમના દ્વારા ૨૦મી સદીની શરૂઆતમાં ૨૦ જુલાઈ ૧૯૦૮ ના દિવસે બેંક ઓફ બરોડા સહિત અન્ય વિવિધ મહત્વપૂર્ણ રાજ્ય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૦૮ માં, સયાજીરાવએ બરોડા વિધાનસભા (જેને વડોદરા ધારાસભા તરીકે પણ ઓળખાય છે) ની સ્થાપના કરી.[]

૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બંધાવવામાં આવેલ વડોદરાનો લક્ષ્મી વિલાસ મહેલ

૨૦ મી સદીની શરૂઆતે, ભારત વર્ષના ચાર સૌથી મોટી રજવાડાઓ હૈદરાબાદ, મૈસુર, જમ્મુ-કાશ્મીર અને વડોદરા(બરોડા) સાથે અંગ્રેજોનાં સંબંધોનું સંચાલન ભારતના ગવર્નર-જનરલના સીધા અધિકાર હેઠળ એક બ્રિટીશ અધિકારી દ્વારા કરવામાં આવતું હતું.[૧૦] ઈ. સ. ૧૯૧૧ માં, વડોદરા રાજ્યનો વિસ્તાર 3,239 km2 (1,251 sq mi) હતો અને ભારતની ૧૯૧૧ ની વસ્તી ગણતરી મુજબ, તેની વસ્તી ૨૦,૩૨,૭૯૮ વ્યક્તિઓ જેટલી હતી.[૧૧] આ રાજ્ય ખૂબ શ્રીમંત હતું. પિટ્સબર્ગ પ્રેસે ૧૯૨૭ માં અહેવાલ આપ્યો હતો કે તે સમયે ૧૦,૦૦૦ ડોલરની કિંમતનો હીરાનો હાર આ રાજ્યના ખજાનામાં હતો જેમાં સ્ટાર ઓફ સાઉથ નામનો હીરો જડેલો છે. આ હારને વડોદરાના નઝરબાગ મહેલમાં (બાંધકમ : ઈ. સ.૧૭૨૧) રાખવામાં આવ્યો હતો; શાહી ખજાનાનો બીજી મહત્વપૂર્ણ વસ્તુ મોહમ્મદની સમાધિને ઢાંકવા માટે બનાવવામાં ચાદર હતી જેને કિંમતી પથ્થરો અને મોતીથી ભરવામાં આવેલી હતી.[૧૨] [૧૩]

ડૉ બી. આર. આંબેડકરે તેમની આત્મકથાના, બીજા પ્રકરણ વેઈટીંગ ફોર વીઝામાં વડોદરામાં અસ્પૃશ્યતા વિષેના તેમના અનુભવ લખ્યા છે.[૧૪]

૧૯૩૭માં મુંબઈ રેસીડેન્સીની ઉત્તર તરફ અને બરોડા રેસીડેન્સી નજીક આવેલી રેસીડેન્સીઓ જેમકે રેવા કાંઠા એજન્સી, સુરત એજન્સી, નાસિક એજન્સી, કૈરા એજન્સી અને થાણા એજન્સી આદિને ભેળવી બરોડા ઍન્ડ ગુજરાત સ્ટેટ્સ એજન્સી રચવામાં આવી.[૧૫] સ્વતંત્રતાના અમુક વર્ષો પહેલા નાના રજવાડા, વસાહતો અને થાણાઓને એકીકૃત કરવા માટે અટેચમેંટ સ્કીમ (જોડાણ યોજના) નામની પરિયોજના શરૂ કરવામાં આવી. આનો સૌથી વધુ ફાયદો વડોદરાને થયો. આ યોજના હેઠળ વડોદરા રજવાડાન ક્ષેત્રમાં માં ૧૫,૦૦૦ ચો. કિમી. જેટલો ભૂભાગ અને વસતીમાં ૫ લાખ લોકો ઉમેરાયા. વડોદરામાં જોડાણ પામતા રાજ્યો આ મુજબ હતા : પેથાપુર (૧ ફેબ્રુઆરી ૧૯૪૦), કટોસણ થાણું, સાથે દેલોલી, કલ્સાપુરા, માગુણા, મેમદપુરા, રામપુરા, રાણીપુરા, તેજપુરા, વરસોડા, પલાજ તાલુકો અને બંને ઇજપુરા રજવાડા (જૂન અને જુલાઈ ૧૯૪૦ વચ્ચે). આ પછી ૧૦ જુલાઈ ૧૯૪૩ ના દિવસે આંબલિયારા, ઘોરસર, ઇલોલ, કટોસણ, ખડાલ, પાટડી, પુનાદ્રા, રણાસણ, વાસોડા અને વાવને પણ આ એજેન્સીમાં જોડવામાં આવ્યા.[૧૬] આ સાથે આ વિસ્તારના ઘણા નાના તાલુકાઓ પણ જોડાવામાં આવ્યા હતા. ૨૪ જુલાઈ ૧૯૪૩ ના દિવસે સાચોદર રજવાડું અને અમુક નાના ક્ષેત્રો કે જેઓનું પોતાનું કોઈ અધિકારક્ષેત્ર ન હતું, તેઓને પણ આ રાજ્ય સથે જોડવામાં આવ્યા. તે જ વર્ષે ડિસેમ્બર સુધીમાં બજાણા, ભીલકા, માલપુર, માણસા અને વડિયા રજવાડાઓએ અદાલતમાં આ નિર્ણયને પડકાર્યો.[૧૭] છેવટે ૫ નવેમ્બર ૧૯૪૪ ના દિવસે બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીને વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી (WISA) સાથે વિલિન કરી એક વિશાળ બરોડા, વેસ્ટર્ન ઇન્ડિયા એન્ડ ગુજરાત સ્ટેટ્સ એજન્સીની રચના કરવામાં આવી.

ભારતની આઝાદી પછી, શરૂઆતમાં જ્યાં સુધી બરોડા અથવા અન્ય ઘણા રજવાડાઓનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો તે સમય દરમ્યાન મુખ્યપ્રધાન ડૉ. જીવરાજ મહેતા ના નેતૃત્વ હેઠળ એક વચગાળાની સરકાર બનાવવામાં આવી. તેઓ બરોડા રાજ્યના દિવાન મનુભાઇ મહેતાના જમાઈ હતા. ૪ સપ્ટેમ્બર ૧૯૪૮ ના દિવસે, વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસના એક વિશેષ દરબારમાં તત્કાલીન મહારાજા દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.[૧૮] છેવટે ૧ મે ૧૯૪૯ ના દિવસે, બ્રિટીશ ભારતના તે સમયના ત્રીજા સૌથી મોટા રાજ્ય બરોડા સ્ટેટે ઔપચારિક રીતે ભારતના પ્રભુત્વને માન્યતા આપી.[] [૧૯] શરૂઆતમાં, આ રાજ્ય બૃહદ્ મુંબઈ રાજ્યનો ભાગ બન્યો, અને પછી ૧ મે ૧૯૬૦ના દિવસે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એ બે નવા રાજ્યોની રચના થઈ, ત્યારે તે ગુજરાતનો ભાગ બન્યો, આ સાથે ડૉ. જીવરાજ નારાયણ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.

કોળી બળવો

[ફેરફાર કરો]

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ દરમ્યાન ચાંડપ તાલુકાના બે કોળી ભાઈઓ નાથજી પટેલ અને યમાજી પટેલ દ્વારા ક્રાંતિમાં સહભાગી કોળી દળનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. બરોડાના ગાયકવાડને આ વાતની જાણ થઈ. તેથી ગાયકવાડે તેમને કાબૂમાં રાખવા માટે તેની અશ્વદળને ચાંદપ ખાતે ગોઠવ્યું. પરંતુ ગાયકવાડના અશ્વદળને ચાંદપના કોળીઓએ મારી નાખ્યા અને બહાર ફેંકી દીધા. તે પછી કોળીઓ ડુંગરોમાં ચાલ્યા ગયા અને કેટલાક મહિનાઓ સુધી બળવો ચાલુ રાખ્યો. ઑક્ટોબર ૧૮૫૭ના અંતમાં, બ્રિટીશ અને વડોદરા રાજ્યના સંયુક્ત સૈન્યએ કોળીઓ ઉપર હુમલો કર્યો અને ચાંડપ ગામને બાળી નાખ્યું.[૨૦]

બરોડા સ્ટેટ રેલ્વે

[ફેરફાર કરો]

૧૮૬૨માં શરૂ કરવામાં આવેલી બરોડા સ્ટેટ રેલ્વે (જી બી એસ આર) એ ગાયકવાડી વડોદરા રાજ્યની માલિકીની ભારતના પ્રથમ નેરો-ગેજ રેલ્વે હતી. આ રેલ્વે ડભોઈ થી મિયાગામ સુધી 8 miles (13 km)ની લંબાઈ ધરાવતી હતી.[૨૧] ડભોઇને ક્ન્દ્ર તરીકે રાખી આ રેલ્વેને બાદમાં ગોયાગેટ, ચાંદોદ, બોડેલી અને સમાલયા જંક્શન સુધી વિસ્તારવામાં આવી હતી. આઝાદી પછી ૧૯૪૯ માં આ રેલ્વે બોમ્બે બરોડા ઍન્ડ સેન્ટ્રલ રેલ્વેમાં ભેળવી દેવામાં આવી. આ રેલ્વે લાઈનો હાલમાં બ્રોડગેજમાં રૂપાંતરણ હેઠળ છે.[૨૨]

બરોડા સ્ટેટ નેવી

[ફેરફાર કરો]

૧૮ મી સદીના અંતિમ ભાગમાં, સુરતથી લગભગ ૪૦ માઇલ દક્ષિણમાં, વડોદરા રાજ્યએ બિલિમોરા સુબા આર્મર તરીકે ઓળખાતું એક માળખું બિલિમોરા ખાતે ગોઠવ્યું. અહીં ૫૦ જહાજોનો કાફલો ઉભો કરવામાં આવ્યો હતો, જેમાં મોટે ભાગે વહાણો, વેપાર માટેના માલવાહક જહાજો અને પોર્ટુગીઝ, ડચ અને ફ્રેન્ચથી સમુદ્રને સુરક્ષિત કરવા માટેના લશ્કરી જહાજોનો સમાવેશ થતો હતો.[]

બીજા અંગ્રેજ-મરાઠા યુદ્ધ પછી, જ્યારે રાજકીય જોડાણ બદલાયું ત્યારે, બરોડાના રહેવાસી, કર્નલ વૉકરની આગેવાની હેઠળ બ્રિટિશ અને બરોડા રાજ્યના સૈન્યની સંયુક્ત સૈન્ય ૧૮૦૮ માં કાઠિયાવાડ પહોંચ્યું, અને ઓખા-મંડળના અને દરિયા કિનારાના રાજ્યના વડાઓ પાસેથી ચાંચિયાગીરીનો ત્યાગ કરવાની લેખિત બાંહેધારી મેળવી. ઈ. સ. ૧૮૧૩માં, વડોદરા સરકારે કોડીનાર (હાલના જૂનાગઢ જિલ્લામાં ) પરગણું કબજે કર્યું, જ્યાં વેલણ બંદરે મુંબઈ અને સિંધ વચ્ચેના વેપારની સુરક્ષા માટે ૧૨-પાઉન્ડર બંદૂકો ધરાવતી ચાર ફ્રિગેટ્સનો નાનો કાફલો સ્થાપિત કરાયો. આ ચાર સશસ્ત્ર જહાજોનું નામ આનંદપ્રસાદ, સરસુબા, અનામત વર્ત અને એની મારિયા હતું. તેમને ઈરાનના શાહ પાસેથી ખરીદવામાં આવ્યા હતા, અને તે 'શાહ કાઈ ખુસ્રુ' તરીકે જાણીતું હતું.[]

બરોડાના ગાયકવાડ મહારાજાઓ

[ફેરફાર કરો]
કિર્તી મંદિર, વડોદરાના ગાયકવાડોની સમાધિ છે.
  • પીલાજીરાવ ગાયકવાડ (૧૭૨૧–૧૭૩૨)
  • દમાજીરાવ ગાયકવાડ (૧૭૩૨–૧૭૬૮)
  • સયાજીરાવ ગાયકવાડ (પ્રથમ) (૧૭૬૮–૧૭૭૮)
  • ફતેહસિંહરાવ ગાયકવાડ (પ્રથમ) (૧૭૭૮–૧૭૮૯)
  • મનાજીરાવ ગાયકવાડ (૧૭૮૯–૧૭૯૩)
  • ગોવિંદરાવ ગાયકવાડ (૧૭૯૩–૧૮૦૦)
  • આનંદરાવ ગાયકવાડ (૧૮૦૦- ૧૮૧૮)
  • સયાજીરાવ ગાયકવાડ (દ્વિતીય) (૧૮૧૮–૧૮૪૭)
  • ગણપતરાવ ગાયકવાડ (૧૮૪૭–૧૮૫૬)
  • ખંડેરાવ ગાયકવાડ (૧૮૫૬–૧૮૭૦)
  • મલ્હારરાવ ગાયકવાડ (૧૮૭૦–૧૮૭૫)
  • સયાજીરાવ ગાયકવાડ (તૃતીય) (૧૮૭૫–૧૯૩૯)
  • પ્રતાપસિંહરાવ ગાયકવાડ (૧૯૩૯-૧૯૫૧)
  • ફતેસિંહરાવ ગાયકવાડ (દ્વિતીય) (૧૯૫૧–૧૯૮૮)

૧૯૭૧ માં ભારતના તમામ રાજવીઓના વર્ષાસન અને ખિતાબો નાબૂદ કરાયા હતા.

  • રણજિતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ (૧૯૮૮–૨૦૧૨)
  • સમરજિતસિંહ ગાયકવાડ (૨૦૧૨ - ચાલુ )

બરોડા ગાદીની ઉત્તરાધિકાર ધરાવતા વર્તમાન વંશજો

[ફેરફાર કરો]

ઉત્તરાધિકારની બાબતમાં ગાયકવાડ રાજવંશ પુરૂષ આદિમના ધોરણને અનુસરે છે. ઉત્તરાધિકારના વર્તમાન અનુગામીઓ નીચે મુજબ છે:

  1. શ્રીમંત પ્રિન્સ (મહારાજકુમાર) સંગ્રામસિંહરાવ ગાયકવાડ, વારસદાર પૂર્વસૂચિત (૬ ઑગસ્ટ ૧૯૪૧ –). વર્તમાન મહારાજાના કાકા.
  2. શ્રીમંત મહારાજકુમાર પ્રતાપસિંહરાવ સંગમસિંહરાવ ગાયકવાડ (૨૬ ઑગસ્ટ ૧૯૭૧–). સંગ્રામસિંહરાવ ગાયકવાડના એક માત્ર પુત્ર.
  3. શ્રીમંત રાજકુમાર સયાજીરાવ ખંડેરાવ ગાયકવાડ (૬ એપ્રિલ ૧૯૪૭ –). સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પ્રપૌત્ર. મહારાજાના નાના પુત્ર શિવાજીરાવ (૧૮૯૦-૧૯૧૯) અને શિવાજીરાવના પુત્ર ખંડેરાવ (૧૯૧૬–૧૯૯૧)ના પુત્ર. તેમને બે પુત્રીઓ છે.
  4. શ્રીમંત રાજકુમાર આનંદરાવ ખંડેરાવ ગાયકવાડ (૨૮ સપ્ટેમ્બર ૧૯૪૮–). સયાજીરાવ ખંડેરાવ ગાયકવાડના નાના ભાઈ. તેમને બે પુત્રો છે.
  5. શ્રીમંત શિવાજીરાવ આનંદરાવ ગાયકવાડ (૨૧ સપ્ટેમ્બર ૧૯૮૩–). આનંદરાવ ખંડેરાવ ગાયકવાડના સૌથી વડીલ પુત્ર.
  6. શ્રીમંત ઉદયસિંહ આનંદરાવ ગાયકવાડ (૩ ડિસેમ્બર ૧૯૯૦-). આનંદરાવ ખંડેરાવ ગાયકવાડના નાના પુત્ર.
  7. શ્રીમંત કે. આર. જીતેન્દ્રસિંહ ગૌતમસિંહરાવ ગાયકવાડ (૪ નવેમ્બર ૧૯૬૦,), સ્વ. પ્રોફેસર શ્રીમંત ગૌતમસિંહરાવ ભદ્રસિંહરાવ ગાયકવાડ (૧૯૩૬-૨૦૦૬) ના પુત્ર. મહારાજા સર સયાજીરાવ ત્રીજાના પ્રપૌત્ર. મહારાજાના દિવંગત મોટા ભાઈ 'સેનાપતિ' આનંદરાવ, હિંમત બહાદુર, સી આઈ ઈ (૧૮૫૭–૧૯૧૭) ના પ્રપૌત્ર. આનંદરાવના દીકરા 'રાજ્યકાર્ય ધુરંધર' 'દીવાન' 'બેરિસ્ટર' ભદ્રસિંહરાવ આનંદરાવ ગાયકવાડ, સી આઈ ઈ (૧૮૯૬–૧૯૪૬).
  8. શ્રીમંત સત્યજીતસિંહરાવ દુલિપસિંહરાવ ગાયકવાડ (૩ માર્ચ ૧૯૬૨ –). મહારાજાના મોટા ભાઈ આનંદરાવ, હિંમત બહાદુર, સી આઈ ઇ (૧૮૫૭–૧૯૧૭) દ્વારા, આનંદરાવના પુત્ર ચંદ્રસિંહરાવ (જન્મ ૧૮૯૪?) દ્વારા અને તેમના પૌત્ર દુલિપસિંહરાવ (બીસી ૧૯૨૦–) દ્વારા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પૌત્ર-પૌત્ર )
  9. શ્રીમંત યુદીપસિંહરાવ સત્યજીતસિંહરાવ ગાયકવાડ (૨૦૦૧ –) સત્યજીતસિંહરાવનો પુત્ર.

વડોદરા રાજ્યના દિવાન

[ફેરફાર કરો]

બરોડાના દિવાનની સૂચિ: [૨૩]

  • ભાઉ શિંદે - (૧૭ નવેમ્બર ૧૮૬૭ - ૨૪ નવેમ્બર ૧૮૯૬)
  • નિંબાજી રાવ ઢોલે (કાર્યકારી) - (૨૫ નવેમ્બર ૧૮૬૯ - નવેમ્બર ૧૮૭૦)
  • હરિબા દાદા - (નવેમ્બર ૧૮૭૦ - માર્ચ ૧૮૭૧)
  • ગોપાલ રાવ મેરલ - (૨૨ માર્ચ ૧૮૭૧ - ૧૮૭૨)
  • બળવંત રાવ ભીખાજી રાહુરાકર - (૧૮૭૨ –૭૨) (૪ મહિના)
  • બલવંત્રવ ખાનવેલકર - (નવેમ્બર ૧૮૭૨ - માર્ચ ૧૮૭૩)
  • શિવાજી રાવ ખાનવેલકર - (૫ માર્ચ ૧૮૭૩ - ૪ ઓગસ્ટ ૧૮૭૪)
  • દાદાભાઈ નવરોજી - (૪ ઓગસ્ટ ૧૮૭૪ - ૭ જાન્યુઆરી ૧૮૭૫)
  • રાજાહ સર ટી. માધવ રાવ - (૧૬ મે ૧૮૭૫ - ૨૮ સપ્ટેમ્બર ૧૮૮૨)
  • ખાન બહાદુર કાઝી શાહાબુદ્દીન - (૨૯ સપ્ટેમ્બર ૧૮૮૨ - ૩૧ જુલાઈ ૧૮૮૬)
  • દિવાન બહાદુર લક્ષ્મણ જગન્નાથ વૈદ્ય - (૧ ઓગસ્ટ ૧૮૮૬ - ૩૦ મે ૧૮૯૦)
  • દિવાન બહાદુર મણીભાઇ જશભાઇ - (૩૧ મે ૧૮૯૦ - ૨૧ નવેમ્બર ૧૮૯૫)
  • દિવાન બહાદુર એસ શ્રીનિવાસા રાઘવૈંગર - (૧૫ જુલાઈ ૧૮૯૫ - ૨ જુલાઈ ૧૯૦૧)
  • દિવાન બહાદુર આર.વી.ધમ્નાસ્કાર - (૩ ઓક્ટોબર ૧૯૦૧ - ૩૦ જૂન ૧૯૦૪)
  • કેર્સાપજી રૂસ્તમજી દાદાચાનજી - (૧ જુલાઈ ૧૯૦૪ - ૨૮ ફેબ્રુઆરી ૧૯૦૯)
  • રોમેશ ચંદ્ર દત્ત, આઈસીએસ - (૧ જૂન ૧૯૦૯ - ૩૦ નવેમ્બર ૧૯૦૯)
  • સીએન સેડ્ડન, આઈસીએસ - (૧ ડિસેમ્બર ૧૯૦૯ - ૩ જાન્યુઆરી ૧૯૧૨)
  • બિહારી લાલ ગુપ્તા, આઈસીએસ - (૪ જાન્યુઆરી ૧૯૧૨ - ૧૬ માર્ચ ૧૯૧૪)
  • વી.પી.માધવ રાવ - (૧૭ માર્ચ ૧૯૧૪ - ૭ મે ૧૯૧૬)
  • મનુભાઇ નંદશંકર મહેતા - (૮ મે ૧૯૧૬ - ૧૯૨૭)
  • વીટી કૃષ્ણમચારી - (૧૯૨૭ –૧૯૪૪)
  • ભદ્રસિંહ આનંદરાવ ગાયકવાર - (૧૯૪૪–૧૯૪૫)
  • સર બ્રોજેન્દ્ર લાલ મિટર - (૧૯૪૫–૧૯૪૭)
  • સખારામ અમૃત સુધાલકર - (ઓક્ટોબર ૧૯૪૭ - જૂન ૧૯૪૮)
  • જીવરાજ નારાયણ મહેતા - (૧ જૂન ૧૯૪૮ - ૧ મે ૧૯૪૯)
  • મહારાજ ગુલામમુસ્તુફા (૧૮૨૦ -૧૯૪૦)

ઇતિહાસશાસ્ત્ર

[ફેરફાર કરો]

૨૦૦૭ માં, ગુજરાત રાજ્યના આર્કાઇવ્ઝ ડિપાર્ટમેન્ટે (દફતર વિભાગે) વડોદરાના રાજ રજિસ્ટરો, છપાઈઓ, નક્શાઓ, જુદા જુદા સંગઠનો અથવા રજવાડાઓએ આપેલા અભિનંદન પત્રો અથવા માનપત્રો (સન્માન પત્રો),આજ્ઞા પત્રિકા (ગેઝેટો), હુઝુર આદેશ અને પત્રો, અન્ય પ્રાંતીય રાજ્યો અને બ્રિટીશ રાજ સાથે રજવાડાના કરારો, સહિત ૬૦૦,૦૦૦ ફાઇલોનું ડિજિટાઇઝેશન શરૂ કર્યું હતું. આ દસ્તાવેજો હાલમાં વડોદરા ખાતે 'સધર્ન સર્કલ રેકોર્ડ ઑફિસ' ખાતે રાખવામાં આવ્યા છે, જ્યાં એક કાયમી પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું.[૨૪]

મહેલમાં ગાયકવાડ
ઈ. સ. ૧૮૭૨ માં શોભાયાત્રા
શાહી સરઘસમાં વડોદરાના રાજા

આ પણ જુઓ

[ફેરફાર કરો]

વધુ વાંચન

[ફેરફાર કરો]
  • Foote, Robert Bruce (1898). The geology of Baroda State. Addison.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Imperial Gazetteer of India, Volume 7, page 25". dsal.uchicago.edu. Digital South Asia Library. મેળવેલ 12 July 2020.
  2. ૨.૦ ૨.૧ "Rulers Farewell Message". The Indian Express. 1 May 1949.
  3. Gazetteer, p. 25
  4. Gazetteer, p. 26
  5. Gazetteer, p. 31, 32
  6. ૬.૦ ૬.૧ ૬.૨ "280 years ago, Baroda had its own Navy". The Times of India. 27 September 2010. મૂળ માંથી 2012-11-03 પર સંગ્રહિત. મેળવેલ 2021-01-03. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "it" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  7. Gazetteer, 32
  8. "DEPOSITION OF THE GAEKWAR OF BARODA". The Times of India. 26 April 1875.
  9. Kalia, Ravi (2004). Gandhinagar: Building National Identity in Postcolonial India (અંગ્રેજીમાં). University of South Carolina Press. પૃષ્ઠ 37. ISBN 9781570035449.
  10. Imperial Gazetteer of India vol. IV (1907), p. 92.
  11. Somerset Playne; R. V. Solomon; J. W. Bond; Arnold Wright (2006). "The State of Baroda". Indian states: a biographical, historical, and administrative survey (illustrated આવૃત્તિ). Asian Educational Services. પૃષ્ઠ 9. ISBN 978-81-206-1965-4.
  12. "Baroda City of Palace". The Pittsburgh Press. 14 August 1927.
  13. "Gaekwad's Star of the South diamond sold". The Times of India. 28 March 2007. મૂળ માંથી 2012-10-22 પર સંગ્રહિત. મેળવેલ 2021-01-03.
  14. Ambedkar, Dr. Bhimrao (1991). Waiting for a Visa (PDF). Mumbai: Dept. of education, Government of Maharashtra. પૃષ્ઠ 4071–4090. મેળવેલ 15 April 2015.
  15. History of the State of Gujarat
  16. which had been fourth class states in the Mahi Kantha Agency.
  17. McLeod, John; Sovereignty, power, control: politics in the States of Western India, 1916–1947; Leiden u.a. 1999; ISBN 90-04-11343-6; p. 160
  18. "Gaekwar Inaugurates Responsible Government". The Indian Express. 5 September 1948.
  19. "Kher's Appeal to people &Service for Cooperation". The Indian Express. 2 May 1949.
  20. Gujarat (India) (1975). Gujarat State Gazetteers: Mehsana (અંગ્રેજીમાં). Directorate of Government Print., Stationery and Publications, Gujarat State.
  21. "Indian Railways Some Fascinating Facts: First Gauge Lines". Indian Army Official website. Missing or empty |url= (મદદ)
  22. Dabhoi-Bodeli broad gauge section to become operational
  23. R. V. Solomon; J. W. Bond (2006). Indian States: A Biographical, Historical, and Administrative Survey. Asian Educational Services. પૃષ્ઠ 24. ISBN 9788120619654.
  24. "Erstwhile Gaekwad state's archives being digitised". The Indian Express. 27 December 2007. મૂળ માંથી 10 October 2012 પર સંગ્રહિત.

બાહ્યકડીઓ

[ફેરફાર કરો]