લખાણ પર જાઓ

લખપતજી

વિકિપીડિયામાંથી
લખપતજી
ચાર સેવકો સાથે લખપતજી, ઇ.સ. ૧૭૫૦
કચ્છના રાવ, કચ્છના મહારાજા
શાસન૧૭૪૧-૧૭૫૨ (પ્રતિશાસક), ૧૭૫૦-૧૭૬૦
પુરોગામીદેશળજી પ્રથમ
અનુગામીગોડાજી દ્વિતીય
જન્મ૧૭૧૭
મૃત્યુ૧૭૬૦
વંશજગોડજી દ્વિતીય
વંશજાડેજા રજપૂત
પિતાદેશળજી પ્રથમ

રાવ લખપતજી અથવા લાખાજી, જાડેજા રાજપૂત વંશના કચ્છના રાવ હતા, જેમણે ૧૭૪૧ થી ૧૭૫૨ સુધી કચ્છ રજવાડા પર શાસન કર્યું હતું. ૧૭૫૨માં તેઓ તેમના પિતા દેશળજી પ્રથમના સ્થાને આવ્યા અને ૧૭૬૦માં તેમના મૃત્યુ સુધી તેમણે કચ્છ પર શાસન કર્યું.

ભુજ ખાતે રાવ લખપતજીનું સ્મારક.

લખપતજી કચ્છ રાજ્યના રાવ દેશળજી પ્રથમના એકમાત્ર પુત્ર હતા. તે મુક્ત હાથે ધન વાપરતા હતા. તેમને સત્તાનો હિસ્સો નકારી તેમનો ખર્ચ ઘટાડવાની સલાહ આપવામાં આવી હતી. લખપતજીએ ભુજ છોડી, ઉદયપુરના રાજાનું શરણ લેવાની ધમકી આપીને, તેમના પિતા પાસે તેમની કેટલીક માંગણીઓ સ્વીકાવાવી. સત્તાના વિષયે સંતુષ્ટ દેખાતા હોવા છતાં, લખપતજીએ ગુપ્ત રીતે સત્તા પોતાના હાથમાં લાવવાની યોજના ચાલુ રાખી. તેમનું પ્રથમ પગલું મંત્રી દેવકર્ણથી છૂટકારો મેળવવાનું હતું, લખપતજી માનતા હતા તેમને સત્તાના હિસ્સાથી દૂર રાખવામાં મંત્રી કારણભૂત હતા અને આથે તેને ધિક્કારતા હતા. વળી તેમની માતા સાથે મંત્રીની ગાઢ આત્મીયતા હોવાને કારાણે તેમને તેઓ ગુનાહિત માનતા. તદનુસાર, ૧૭૩૮ માં, તેમણે મંત્રીના ઘરની સામે એક ખલેલ ઊભી કરી, જ્યારે તેઓ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે ઘર બહાર આવતા હતા ત્યારે ભાડુતી હત્યારા દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો અને તેમને મારી નાખવામાં આવ્યા. તેમના મનપસંદ મંત્રીની ખોટ પર પ્રથમ રોષે ભરાયેલા રાવ, લખપતજીએ માફી માગતા, માની ગયા અને તેમને વચ્ચે કોઈ મનદુઃખ નથી એ દર્શાવવા લખપતજીના ઘરે એક મનોરંજન કાર્યક્રમમાં હાજર રહેવા સંમત થયા હતા. રાવ તેમની સાથે તેમના મોટા ભાગના મુખ્ય અધિકારીઓને લઈને આવ્યા હતા. સૌ પરિચારકોની રાહ જોઈ રહ્યા હતા. મિજબાની પીરસવામાં ઘણો વિલંબ થયો તેની તપાસ કરવાને બહાને યુવાન લખપતજી જાતે અધીરા થઈ ભોજન જલ્દી પીરસાવવા માટે ઓરડામાંથી બહાર નીકળી ગયા. તેઓ બહાર નીકળ્યા ત્યારે તે ઓરડાના દરેક દરવાજા બંધ કરી દેવાયા, અને રાવ અને તેના અધિકારીઓને શાંતિથી નજરકેદ કરી દેવાયા. તેમના પિતાને કેદમાં મૂકીને, લખપતજી શાસન ચલાવવા માંડ્યું અને એક માંડવી સિવાયના દરેક પ્રાંતના સરદારોએ તેમનું આધ્પત્ય સ્વીકાર્યું. જ્યારે લખપતજી સત્તામાં સ્થાયી થયા, ત્યારે તેમણે તેમના પિતાને યોગ્ય સ્થાન અને વધુ સ્વતંત્રતાની મંજૂરી આપી. તેમના અધિકારીઓ અને અંગત મિત્રોને મુક્ત કરીને દેશના દૂરના ભાગોમાં મોકલવામાં આવ્યા હતા. ૧૭૫૧માં રાવ દેશળજી પ્રથમનું સિત્તેર વર્ષની વયે અવસાન થયું. []

૧૭૪૧ માં, જ્યારે લખપતજીએ પોતાના પિતાને કેદમાં રાખી, કચ્છનું શાસન સંભાળ્યું, ત્યારે તેઓ ચોંત્રીસ વર્ષના હતા. તે જ સમયે, ઘણા જાડેજાઓ લાખાજીની તેમના પિતા સાથેની વર્તણૂકથી નારાજ હતા, અને તેમાંથી એક, સુમરાજી, તેરા, કચ્છના ઠાકોર, તેના વર્તનની ખુલ્લી નિંદા કરતા હતા. જ્યારે સરકારમાં નિશ્ચિયે રીતે ઠરીઠામ થયા, ત્યારે લખપતજીએ આ અપમાનનું વેર વાળવાનું નાખવાનું નક્કી કર્યું. ભાઈયાતોને એકત્રિત કરીને, તેમણે તેરા સામે એક સૈન્ય મોકલ્યું, અને બ્રિટિશ પ્રદેશમાંથી લવાયેલા તોપચી દ્વારા તોપો તાકવામાં આવી અને કિલ્લાને ભારે નુકસાન થયું. થોડા દિવસો પછી, સરદારોએ વિચાર્યું કે આવા સમાન બહાને રાવ તેમના કિલ્લાઓને પણ નષ્ટ કરી શકે છે, આથી તેઓએ તોપચીઓને ચેતવણી આપી કે, જો તેઓ કિલ્લાને નુકસાન પહોંચાડવાનું ચાલુ રાખશે, તો તેઓએ તેમના જીવન સાથે તેની કિંમત ચૂકવવી પડશે. આ પછી થયેલા તોપમારામાં થોડી ઈજા થઈ અને કિલ્લાની દિવાલો ન તોડી શકાતા, ત્રણ મહિનાની ઘેરાબંધી પછી, સૈન્ય પાછું ખેંચાઈ ગયું. []

રાવના રાજ્યારોહણ પછી, દેવકર્ણના પુત્ર પુંજાને પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને જ્યાં સુધી તેઓ ભંડોળ મેળવવા સક્ષમ હતા ત્યાં સુધી તેઓ રાજાના ચહેતા રહ્યા. પાંચ વર્ષના અંતે, અમર્યાદ ઉડાઉપણા દ્વારા, લખપતજીએ તેમના પિતાનો ખજાનો વાપારી નાખ્યો, અને, તેમની જરૂરિયાતો પૂરી કરવા માટેની આવક ખૂબ ઓછી હોવાનું જણાતા, તેમણે પુંજાને બરતરફ કરી દીધો અને તેમની જગ્યાએ એક વાણિયા, રૂપશી શાને બેસાડ્યો. રૂપશી શાએ પુંજા અને તેના તમામ સંબંધીઓની સંપત્તિ જપ્ત કરી લીધી. []

રાવ લખપતજી દ્વારા સૌપ્રથમ અપનાવવામાં આવેલી દંડની પદ્ધતિ ટૂંક સમયમાં નિયમિત પ્રથા બની ગઈ અને મંત્રીઓની પસંદગી માત્ર તેમની સંપત્તિના આધારે કરવામાં આવી જે ટૂંક સમયમાં રાવ પાસે આવી જતી. ચાર વર્ષ (૧૭૪૬-૧૭૫૦) સુધી રુપશી શા સત્તામાં રહ્યા અને પુંજાને કેદમાં રાખવામાં આવ્યો. પછી રુપશી શા પણ અણગમતા થઈ પડ્યા અને પુંજા ફરીથી સત્તા પર આવતા તેમણે રુપશી શા સાથે બદલો લીધો, તેના સંબંધીઓનો નરસંહાર કર્યો અને તેને જેલમાં રાખવા જીવતો રાખ્યો. આવી વિકૃતિઓને કારણે ટૂંક સમયમાં ઘટનાએ બીજો વળાંક લીધો, અને પુંજાને બરતરફ કરવામાં આવતા ગોરધન મહેતાએ તેમનું સ્થાન લીધું.[]

પોતાને અયોગ્ય રીતે વાપરવામાં આવ્યો છે એમ જાણતા પુંજાએ રાવના એકમાત્ર પુત્ર ગોડજી દ્વિતીય સાથે મિત્રતા કેળવી. સોળ વર્ષની ઉંમર હોવા છતાં, ગોડજી દ્વિતીયે, પોતાના પિતાના ઉદાહરણને અનુસરતા અને તેમની માતા અને પુંજાની ઉશ્કેરામણીથી પોતાના પિતા પાસેથી રાજ્યના સંચાલનમાં ભાગની માંગણી કરી. રાવે ના પાડતા કોર્ધાવેશ યુવાન ગોડજી ત્યાંથી ચાલ્યા ગયા. પુંજાએ નિરાશ ગોડજીપ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા પિતાનો વિરોધ કરવાની સલાહ આપી. ત્યાર બાદ ગોડજી તેમની માતા સાથે પુંજાના ગામ, મુન્દ્રા શહેરમાં જવા માટે સંમત થયા. ભુજ છોડતા પહેલા, પુંજા તેના પ્રતિસ્પર્ધી ગોવરધન મહેતાને તારાજ કરવામાં સફળ રહ્યો. [] ભુજથી નીકળવાના દિવસે, પોતાના પર શંકા ન જાય માટે તેણે ગોવરધન સાથે ખાનગી મંત્રણા માટે સમય માંગ્યો. પાછળથી એવું લાગે કે તેણે અને ગોવરધને સાથે મળીને કોઈ વિશ્વાસઘાતી યોજના બનાવી હતી, એવો ડોળ ઊભો કરવા તે ખૂબ રહસ્યમયી રીતના પ્રદર્શન સાથે ગોવરધનના ઘરે ગયો, જેથી આ મુલાકાત તરફ લોકોનું ધ્યાન દોરાય, અને બે કલાક સુધી, બંધ દરવાજે તેણે ગોવરધન સાથે વાતો કરી. ત્યાર બાદ થોડા સમય પછી, રાવને તેમના પુત્ર અને પત્ની, પુંજા સાથે ભાગી જવાના સમાચાર આપવામાં આવ્યા. આ ઘટનાના થોડા કલાકો પહેલા પુંજાએ ગોરધન સાથે લાંબી અને ગુપ્ત મુલાકાત કરી હતી, એ વાત જણાતા, રાવ ખૂબ જ ગુસ્સે થયા અને તેમણે ગોવરધનને તાત્કાલિક ફાંસીનો આદેશ આપ્યો. ગોવરધનના મૃત્યુ પછી રૂપશી શાને મુક્ત કરી સત્તા પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યા. તેઓ દોઢ વર્ષ સુધી મંત્રી રહ્યા, જ્યારે કાબુલથી પાછા ફર્યા ત્યારે, રાવના પ્રિય એવા તુલશીદાસને આ પદ આપવામાં આવ્યું. []

લખપત કિલ્લાનો દરવાજો

આ સમય દરમ્યાન ગોડજી દ્વિતીય તેના પિતાથી સ્વતંત્ર રીતે મુન્દ્રામાં રહેતા હતા. પુંજા તેમનો મુખ્ય સલાહકાર હતા પણ તેઓ મિર્ઝા અમીર બેગ નામના એક વ્યક્તિ પર ઘણો વિશ્વાસ કરતા અને તેને તેમણે પોતાનો જમાદાર બનાવ્યો હતો. તે દરમ્યાન એક વખત શાહ મદનજી નામના એક ખૂબ જ સમૃદ્ધ વેપારી મુન્દ્રામાં મૃત્યુ પામ્યા હતા, અને તેમની અંતિમવિધિમાં કચ્છના કેટલાક ધનિક માણસો આવ્યા હતા. નાણાંની અત્યંત તંગી ધરાવતા ગોડજી જમાદારની સલાહથી શહેરના દરવાજા બંધ કરાવી દીધા અને જ્યાં સુધી વેપારીઓ એક મોટી રકમ ચૂકવે નહીં ત્યાં સુધી તેણે તે વેપારીઓને જવા દેવાની ના પાડી. પોતાના પુત્રના આવા આચરણથી ગુસ્સે થઈને લખપતજીએ મુંદ્રા પર સૈન્ય મોકલ્યું. આથી ગોડજી મોરબી ભાગી ગયા, અને ત્યાંથી સૈનિકો સાથે પૂરા પાડવામાં આવતા, તેઓ પાછા આવ્યા અને આક્ર્માણકારી દળોને ભગાડી નગરને મુક્ત કરાવ્યું. છેવટે રાવે તેના પુત્ર સાથે સમાધાન કર્યું અને તેને પુંજાને બરતરફ કરવાની શરતે તેને મુંદ્રા રાખવાની મંજૂરી આપી. આ માટે ગોડજી સહમત થયા અને ૧૭૮૫માં પુંજા લગભગ ૧૦૦૦ કોરીના માસિક પેન્શન પર અબડાસાના મોથારામાં નિવૃત્ત થયા. લગભગ આ સમયે (૧૭૫૭) રાવે મુઘલ સમ્રાટ આલમગીર બીજાને (૧૭૫૪-૧૭૫૯) કચ્છી ઘોડા અને ગુજરાતના બળદો ભેટ કર્યા અને તેના બદલામાં મિર્ઝાનું બિરુદ મેળવ્યું. પછીના વર્ષમાં તેણે ઠટ્ટા (સિંધનું એક નગર) પર ચડાઈ કરવાની યોજના બનાવી. નજે માટે પેશવા અને ગાયકવાડ બંનેએ મદદનું આશ્વાસન આપ્યું આવ્યું હતું પરંતુ આ ચડાઈ ક્યારેય ન થઈ. સિંધ અને પારકરમાં તેમનો પ્રભાવ ઘટ્યો અને ૧૭૬૦માં વિરવાહ અને પારકર ખાતેની તેમની ચોકીઓ હટાવી દેવાઈ.[]

આ સમય દરમ્યાન દેશની સંપત્તિનો વ્યય કરવામાં આવ્યો હોવા છતાં, તેની આર્થિક વૃદ્ધિ થઈ રહી હતી. એકલા લખપતમાં જ ચોખાની ખેતીથી વાર્ષિક આશરે ૮ લાખ કોરીની આવક થતી હતી. આ પ્રાંતના તેના પડોશીઓ સાથે શાંતિમય સંબંધો હતા, અને ધમર્કા પ્રમુખના કેટલાક અતિક્રમણોને કારણે માત્ર આંતરિક વિક્ષેપો થતા ઠાકોરના નગરને કબજો રાવના પક્ષે થયો.[] ૧૭૬૦ માં ચોપ્પન વર્ષની વયે લાખા રક્તપિત્ત અને અન્ય રોગોને કારાણે અવસાન પામ્યા, અને ગોડજી દ્વિતીય તેમના અનુગામી બન્યા.[]

તેઓ વહાણવટી અને કારીગર રામ સિંઘ માલમના આશ્રયદાતા હતા, જેમણે તેમના માટે ભુજમાં આયના મહેલ, માંડવીમાં જૂનો મહેલ અને ભુજમાં તેમના સ્મારકનું નિર્માણ કર્યું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 140.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 141.
  3. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 141-142.
  4. ૪.૦ ૪.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 142.
  5. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 143.
  6. Sastri, K. A. Nilakanta (1959). "Ram Singh Malam of Mandvi". Journal of the Assam Research Society. Kamarupa Anusandhan Samiti (The Assam Research Society). XIII: 19–21.

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]