નલિન રાવળ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રાવળ નલિન ચંદ્રકાન્ત (૧૭-૩-૧૯૩૩) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ અમદાવાદમાં. વતન વઢવાણ. પ્રાથમિક શિક્ષણ કાળુપુરની શાળા નં. ૭માં. માધ્યમિક શિક્ષણ ન્યૂ ઍજ્યુકેશન હાઈસ્કૂલમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૬માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૫૯માં ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ભરૂચ અને નડિયાદમાં થોડો સમય અધ્યાપન કર્યા બાદ બી.ડી. આટ્સૅ કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજીના અધ્યાપક.

રાજેન્દ્ર-નિરંજનની અનુગામી પેઢીના સત્વશીલ આ કવિ એમની ટૂંકી રચનાઓમાં પ્રતીક-કલ્પનના વિશિષ્ટ સંદર્ભ સાથે વૈચારિક સૌન્દર્યને સુકુમાર ને સૂક્ષ્મ લયથી ઉપસાવે છે. ‘ઉદગાર’ (૧૯૬૨) એમની એકવીસ રચનાઓનો લઘુસંગ્રહ હોવા છતાં એમાં કેટલીક આધુનિક નગરસંવેદનની કસબયુક્ત અભિવ્યક્તિઓ મળે છે. સમયને, વૃદ્ધત્વને કે મુંબઈ યા ભરૂચ જેવા શહેરને લક્ષ્ય કરતાં કાવ્યો પરિણામગામી છે. ‘અવકાશ’ (૧૯૭૨) કાવ્યસંગ્રહમાં પણ સુબદ્ધ રચનાઓ એમની સ્વકીય મુદ્રાઓ સાથે મળે છે. અભિવ્યક્તિની સ્વતંત્ર શિસ્ત અને પ્રશિષ્ટ રંગદર્શિતા એમની કૃતિઓની ઓળખ છે. ‘આસ્વત્થામાની સ્વગતોક્તિ’ જેવા કાવ્યની અછાંદસ અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે.

‘સ્વપ્નલોક’ (૧૯૭૭) એમનો વાર્તાસંગ્રહ છે. સોળ વાર્તાઓમાં કોઈ એક સ્તરે અંકાયેલી પડેલી સ્વપ્નરેખા ગ્રંથશીર્ષકને સાર્થક કરે છે. વાર્તામાં શબ્દ સ્વયં ઘટના છે એવી પ્રતિજ્ઞા સાથે અંદર-બહારની ગતિથી વાર્તાકાર અહીં કથાવસ્તુનો અનન્ય અંશ કાવ્યાત્મક રીતે ઉપસાવવા મથે છે.

‘પાશ્ચાત્ય કવિતા’ (૧૯૭૩)માં ગ્રીકકવિતાથી શરૂ કરી અમેરિકન કવિતાનો ભાવનસંદર્ભ છે; તો ‘અનુભાવ’ (૧૯૭૫) વિવેચનગ્રંથના કવિતા સાથેના અંગત માર્મિક સંબંધમાંથી જન્મેલાં લખાણો છે. કાવ્યભાવનના હાર્દમાં સુલભ બનેલા પ્રવેશનો રોમાંચ એમનામાં વર્તાય છે. ‘પ્રિયકાંત મણિયાર’ (૧૯૭૬)માં મૈત્રીના સંવેગથી કરાવેલો કવિતાપરિચય બહુધા વિવેકપૂર્ણ અને જીવંત છે.

‘સિંધી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા’ (૧૯૭૭) એમનો અનુવાદ છે.

અવકાશ (૧૯૭૨) : નલિન રાવળનો ‘ઉદગાર’નો અનુગામી કાવ્યસંગ્રહ. લગભઘ ૯૩ જેટલી રચનાઓમાં ચિંતનગર્ભ પ્રતીકો, સ્ફૂર્તિલાં કલ્પનો અને ગતિશીલ સુશ્લિષ્ટ કાવ્યબંધ જોવાય છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને મનુષ્ય-પ્રેમના ત્રિવિધ સ્તરે એમનું સંવેદન દ્યોતક છે. પરંપરિત છંદપ્રયોગોની એમની વિશિષ્ટ શૈલી છે. અહીં ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’ એમની વૈયક્તિક લાક્ષણિકતા પ્રગટ કરતું મહત્વનું કાવ્ય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]