લખાણ પર જાઓ

ભોગીલાલ ગાંધી

વિકિપીડિયામાંથી
ભોગીલાલ ગાંધી
જન્મભોગીલાલ ચુનીલાલ ગાંધી
(1911-01-26)26 January 1911
મોડાસા, ગુજરાત
મૃત્યુ10 June 2001(2001-06-10) (ઉંમર 90)
વડોદરા, ગુજરાત
ઉપનામઉપવાસી
રાષ્ટ્રીયતાભારતીય

ભોગીલાલ ચુનીલાલ ગાંધી (૨૬ જાન્યુઆરી ૧૯૧૧ - ૧૦ જૂન ૨૦૦૧) એ એક સ્વાતંત્ર્યસેનાની અને સાહિત્યકાર હતા.

તેમનો જન્મ મોડાસામાં થયો હતો. અમદાવાદ, મોડાસા, મુંબઈ તથા ભરૂચમાં શરૂઆતનું શિક્ષણ લઈ તેઓ ૧૯૩૦માં ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. તેઓ સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય હતા તેમણે બારડોલી અને દાંડી સત્યાગ્રહોમાં ભાગ લીધો હતો. તેઓ બંગાળી શીખેલા અને જેલમાં તેમણે નગીનદાસ પારેખ પાસે પોતાનો બંગાળીનો અભ્યાસ આગળ વધાર્યો હતો.[] અને તેમણે જેલવાસ પણ વેઠ્યો હતો. આગળ જતા તેઓ માર્કસવાદી સાહિત્યના સ્વાધ્યાયથી આકર્ષાયા અને કૉંગ્રેસ સમાજવાદી પક્ષમાં થઈ છેવટે ૧૯૪૦માં સામ્યવાદી પક્ષમાં જોડાયા. અમદાવાદ-મુંબઈમાં તેમણે પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન, તેમજ તેમના પક્ષની વડી કચેરી સાથે રહી ગુજરાતી પ્રકાશનોનું સંપાદન-સંકલન કર્યું.[]

સ્વરાજ પછી સામ્યવાદી પક્ષની નવી નીતિના સંદર્ભમાં તેમણે ૧૯૪૯થી ૧૯૫૧ સુધી અઢાર માસનો જેલવાસ ભોગવ્યો. ત્યાર બાદ તેમણે ૧૯૫૬માં સામ્યવાદી પક્ષમાંથી રાજીનામું આપ્યું. ત્યાર બાદ જયપ્રકાશ નારાયણના આંદોલનો સાથે તેઓ જોડાયા. ગુજરાતમાં જનતા મોરચાની રચનામાં તથા કટોકટી સામેના લોકસંઘર્ષમાં તેમણે અગ્રભૂમિકા (૧૯૭૪–૭૭) ભજવી હતી.[]

સાહિત્ય સેવા

[ફેરફાર કરો]

તેમણે ‘વિશ્વમાનવ’ સામયિક (આરંભ ૧૯૫૮) અને સરદાર પટેલ યુનિવર્સિટી સંયોજિત જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના પ્રથમ સત્તાવીસ ગ્રંથ (૧૯૬૭–૧૯૯૦)નું સંપાદન કર્યુ હતું. [] તેમણે બંગાળના ઉત્તમ સાહિત્યકારો શરદબાબુ, રવીન્દ્રનાથ આદિના લખાણોના અનુવાદ કર્યા છે. દેવદાસનો અનુવાદ તેમણે કર્યો હતો.[]

તેઓ ‘ઉપવાસી’ ઉપનામ હેઠળ તેમનું લેખન કરતા. અમુક અપવાદો બાદ કરતા તેમણે મુખ્યત્વે સ્વાધ્યાય લક્ષી લેખન કર્યું છે.[] અન્ય સાહિત્ય ઉપરાંત તેમણે ઘણાં રાજકીય લખાણો લખ્યાં.[]

પ્રવાસકથા

[ફેરફાર કરો]
  • મહાબળેશ્વર (૧૯૩૮)

જીવનચરિત્રો

[ફેરફાર કરો]
  • પ્રા. કર્વે, રાજગોપાલાચારી, મહામાનવ રોમા રોલાં (1958)
  • પુરુષાર્થની પ્રતિભા(૧૯૩૯–૧૯૮૦)

કાવ્યસંગ્રહ

[ફેરફાર કરો]
  • સાધના (૧૯૪૩)

વાર્તાસંગ્રહ

[ફેરફાર કરો]
  • પરાજિત પ્રેમ (૧૯૫૭)
  • લતા (૧૯૬૭)

આ સિવાય તેમણે રચેલ સાહિત્ય મોટે ભાગે સ્વાધ્યાયલક્ષી લખાણોનું છે. ‘સોવિયેટ રશિયા’ (૧૯૪૭), ‘સામ્યવાદ’ (૧૯૪૮), ‘રશિયાની કાયાપલટ’ (૧૯૫૯), ‘અદ્યતન સોવિયેત સાહિત્ય’ (૧૯૬૪), ‘મહર્ષિ તોલ્સ્તોય’ (૧૯૮૩). ‘સામ્યવાદી ચીન’, ‘સામ્યવાદી સાંસ્કૃતિક ક્રાંતિનો અભિશાપ’, ‘સામ્યવાદી બ્રેઇનવૉશિંગ’ અને ‘સામ્યવાદી આત્મપ્રતારણાને પંથે’ – આ ગ્રંથશ્રેણી (૧૯૬૫–૬૭) તેમણે લખી છે. ‘ઇન્દિરાજી કયા માર્ગે ?’ (૧૯૬૯) જેવા સમીક્ષા-પુસ્તકો, ‘નર્મદ – નવયુગનો પ્રહરી’ (૧૯૭૧) જેવા ચરિત્રો, ‘ચમત્કારોનું મનોવિજ્ઞાન’ (૧૯૮૨) જેવી પરામનોવૈજ્ઞાનિક જેવા લેખ પણ તેમણે લખ્યા છે. ‘ચમત્કારિક શક્તિની શોધમાં’ (૧૯૮૩) એ જાદુ-મનોવિજ્ઞાન-ધર્મની ર્દષ્ટિઓને રજૂ કરતું તેમનું પુસ્તક છે. ‘ઇસ્લામ–ઉદય અને અસ્ત’ (૧૯૮૪) એ બિનમુસ્લિમ પ્રજા ઇસ્લામથી સુપરિચિત બને એવા ઉદ્દેશથી લખાયેલી લેખમાળાનું સંકલન છે. તદુપરાંત, તેમણે બંગાળી-અંગ્રેજી અનુવાદો પણ કર્યા છે.[]

‘મિતાક્ષર’ (૧૯૭૦) અને ‘પાથેય’ (૧૯૭૨) નામે તેમના અન્ય લેખ સંગ્રહો પ્રસિદ્ધ થયા છે. મિતાક્ષરમાં સાંસ્કૃતિક સાહિત્યિક અભ્યાસલેખો છે, જ્યારે પાથેયમાં તેમના પોતાના વિચારમંથન અને પુનર્વિચારનો ચિતાર છે.[]

સન્માન

[ફેરફાર કરો]

ઈ.સ. ૨૦૧૧માં તેમની યાદમાં ભોગીલાલ ગાંધી જન્મ શતાબ્દી ગ્રંથ બહાર પાડવામાં આવ્યો હતો. []

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "પ્રખર ગાંધીવાદી ભોગીભાઇ ગાંધીની જન્મશતાબ્દી પ્રસંગે". દિવ્ય ભાસ્કર. 2011-01-29. મેળવેલ 2021-09-23.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "ગાંધી, ભોગીલાલ ચુનીલાલ 'ઉપવાસી' – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2021-09-23.
  3. "ભોગીલાલ ગાંધી જન્મ શતાબ્દી ગ્રંથ : પુસ્તક પરિચય". opinionmagazine.co.uk. મેળવેલ 2021-09-23.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]