લખાણ પર જાઓ

મૌન મંદિર

વિકિપીડિયામાંથી

મૌન મંદિર એ એક એવા પ્રકારના મંદિરના આકારમાં બનાવાયેલા ખાસ ઓરડાઓ છે જેમાં અગાઉથી નિર્ધારિત કરેલા અમુક અઠવાડિયાઓ માટે સાધકો આધ્યાત્મિક સાધના કરવા માટે બેસે છે. આ સમય દરમિયાન તેઓ બિલકુલ બહાર નીકળતા નથી. એક વખત સાધક આ મૌનમંદિરમાં પ્રવેશે એટલે બહારથી તાળુ મારીને દરવાજો બંધ કરી દેવામાં આવે છે. આ મૌન મંદિર ગુજરાતમાં નડિયાદ અને સુરત ખાતે આવેલા છે. જેની શરુઆત સંત પૂજ્ય શ્રી મોટા દ્વારા કરવામાં આવી હતી.

સ્થાપના અને ઉદ્દેશ

[ફેરફાર કરો]

ભારતમાં પ્રાચીન સમયમાં ૠષિમુનીઓ એકાંત ગુફાઓમાં બેસીને આધ્યાત્મિક સાધના કરતા હતા. હિમાલય, ગીરનાર અને ગીરના જંગલમાં આવેલી ગુફાઓમાં આજે પણ સાધુઓ સાધના કરતા હોવાનું મનાય છે. ગુજરાતમાં ઇસ્વીસનની ૨૦મી સદીમાં થઈ ગયેલા સંત પૂજ્ય શ્રી મોટાએ પોતાના જીવનકાળ દરમ્યાન આવા એકાંત સ્થળોએ સાધના કરી હતી[]. ત્યાં સુવિધાના અભાવે ઘણી મુશ્કેલીઓ પડતી, કેટલાક દિવસો સુધી નકોરડા અપવાસ કર્યા બાદ કોઇને ખબર પડે તો દયાભાવનાથી પ્રેરાઈને ભોજન આપવા આવતા. સ્વાનુભવથી પ્રેરાઈને આધ્યાત્મિક સાધકોને સુવિધા સાથેનું એકાંત પૂરું પાડવાના ઉદ્દેશથી આ મૌન મંદિરોની સ્થાપના કરાઇ હતી.

નડીઆદ ખાતે ઇ.સ.૧૯૫૫ અને સુરતમાં ઇ.સ.૧૯૫૬માં મૌનમંદિરોની સ્થાપના કરવામાં આવી હતી. આ મૌનમંદિરોનુ સંચાલન હરિ:ૐ આશ્રમ ટ્રસ્ટ, નડીઆદ અને સુરત દ્વારા કરવામાં આવે છે. મૌનમંદિરોના સમૂહને જ હરિ:ૐ આશ્રમ નામ આપવામાં આવેલુ છે. અહીં મૌન મંદિરની પ્રવૃત્તિ જ મુખ્ય છે.

મૌન મંદિરની કાર્ય પ્રણાલી

[ફેરફાર કરો]

મૌનમંદિર ૮ x ૮ કે ૧૨ x ૧૨ના ઓરડાઓ હોય છે જેમનો ગુંબજ મંદિરના જેવો છે. બહારથી તેનો આકાર મંદિર જેવો દેખાય તે રીતે બનાવવામાં આવેલા છે પરંતુ અંદર કોઇ ભગવાનની મૂર્તિના બદલે સાધના માટે બેઠેલો સાધક એ જ આ મંદિરનો અધિષ્ટાતા દેવ છે. આ મૌનમંદિરમાં પ્રવેશ મેળવવા માટે અગાઉથી બુકીંગ કરાવવું પડે છે. દર રવિવારે નવા મૌનાર્થીઓને સવારે ૬ વાગ્યે સામૂહિક પ્રાર્થના બાદ પ્રવેશ આપવામાં આવે છે. બુકીંગ મુજબ નિર્ધારીત દિવસે સાધક આગળના દિવસની રાત્રે અથવા વહેલી સવારે ત્યાં પહોચી જાય છે. જે સાધકના મૌનનો સમય પૂર્ણ થતો હોય તે બહાર નીકળે તેના સ્થાને અન્ય સાધકોને મૌનમંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. ઓછામાં ઓછા સાત અને સાત દિવસના ગુણાંકમાં અગાઉથી નોંધાવેલા સપ્તાહ માટેના ગાળા સુધી આ મૌનમંદિરમાં બેસી શકાય છે. સાધક મૌનમંદિરમાં પ્રવેશે એટલે બહારથી તાળુ મારી દેવામાં આવે છે. નિર્ધારેત દિવસો સુધી મૌનાર્થી બિલકુલ બહાર નીકળતા જ નથી અને કોઇ પણ વ્યક્તિ સાથે તેનો કોઇ પ્રકારનો સંપર્ક રહેતો નથી. બહારના વાતાવરણથી તે સદંતર અળગો જ રહે છે. અંદર મોબાઇલ ફોન કે લેપટોપ પણ લઇ જવાની મંજૂરી નથી.

આ મૌનમંદિરમાં સાધકોના વ્યક્તિગત ઉપયોગ માટે એટેચ્ડ સંડાસ/બાથરુમ હોય છે એટલે શૌચ માટે પણ સાધકે બહાર આવવું પડતું નથી. તેમાં ૨૪ કલાક પાણીની સુવિધા હોય છે અને વહેલી સવારે નહાવા માટે નળમાં ગરમ પાણી મળે છે. સાધકોને ભોજન આપવા માટે એક બારી બનાવવામાં આવી છે જેની રચના એવા પ્રકારની છે કે તેને બહાર અને અંદર બન્ને તરફ દરવાજા હોય છે અને દિવાલમાં પગના ભાગે એકદમ નીચે બનાવેલી હોવાથી ભોજન આપનાર કે લેનાર એક્બીજાને જોઇ શકતા નથી. આશ્રમના સ્વયંસેવકો નિર્ધારીત સમયે ભોજનની થાળી બારીમાં મૂકીને પોતાના તરફનો દરવાજો બંધ કર્યા બાદ 'હરિ:ૐ પ્રભુ' એમ બોલીને અંદર રહેલા સાધકને સૂચિત કરે છે. આ રીતે બારી મારફતે વહેલી સવારે ચા, કોફી કે ઉકાળો, બે સમયનું ભોજન, બપોર પછીના સમયની ચા આપવામાં આવે છે. સાધકોના કપડા પણ ધોઇને એ બારી મારફતે પરત આપવામાં આવે છે. રુમની અંદરની સફાઇ સાધકે પોતે જ કરવાની હોય છે.

આ ઉપરાંત મૌનમંદિરમાં સાધકોના ઉપયોગ માટે વીજળી, સુવા માટે પથારી, ઓશીકુ અને ઓઢવાના સાધનો, મચ્છરદાની, બેસવા કે લખવા માટે ટેબલ ખુરશી, પ્રાર્થના કરવા માટે બેસવાની વ્યવસ્થા, ટેબલ, આરામ ખુરશી, આધ્યાત્મિક પુસ્તકાલય, હીંચકો વગેરે સુવિધાઓ હોય છે. અંદર લાઇટ હોય છે પણ તેનો ઉપયોગ વાંચવા કે જમવાના સમયે જ કરવાનો હોય છે બાકીના સમયમાં સાધકો તદ્દન અંધારામાં જ બેસીને સાધના કરે છે. સૂર્યનું એક કીરણ પણ અંદર ન પ્રવેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોય છે. અંદર કોઇ પણ ધર્મ કે જ્ઞાતિના વ્યક્તિને કોઇ ભેદભાવ વગર પ્રવેશ આપવામાં આવે છે. વિદેશમાંથી પણ લોકો આ મૌન મંદિરમાં બેસવા માટે આવે છે. અહીં મોટા ભાગના સમયમાં ટાંકણી પડે તો પણ અવાજ આવે તેવી શંતિ હોય છે. સાધકોને પ્રવેશ આપવા સમયે પ્રાર્થના સિવાય અહીંનો કોઇ સામૂહિક કાર્યક્રમ હોતો નથી. અહીં ટોળા સ્વરુપે લોકોને જવાની અને અવાજ કરવાની મનાઇ ફરમાવવામાં આવે છે.

મૌનમંદિરમાં બેસતા સાધકો પોતાની ઇચ્છાથી જાતે બેસે છે અને તેમને અનેક પ્રકારના જુદા જુદા અનુભવો થયા છે, મૌન પૂર્ણ થયાના અંતિમ દિવસે સાધકો પોતાનો અનુભવ એક કાગળ પર લખી આપે છે. જો કે એ લખવુ ફરજીયાત હોતુ નથી. કોઇ આકસ્મિક ઘટના માટે મૌનમંદિરમાં એક ઘંટડીની સ્વીચ મૂકવામાં આવે છે જે દબાવવાથી સ્વયંસેવક તુરત જ બારી પાસે હાજર થઇ જાય છે. આ સેવાનો ઉપયોગ કટોકટીના સમયે જ કરવાનો હોય છે. આ મૌન મંદિરો શહેરથી દૂર એકાંતમાં નદીના કાંઠે નયનરમ્ય સ્થળોએ આવેલા છે.

મૌન મંદિરનું સમયપત્રક

[ફેરફાર કરો]

મૌન મંદિરમાં સવારે ઊઠવાનો અને બહારથી અપાતા ભોજન, ચા વગેરનો સમય નિર્ધારિત હોય છે જ્યારે અંદર કરવાની ધ્યાન, નામસ્મરણ, યોગાભ્યાસ, વાચન વગેરે પ્રવૃત્તિનું સમયપત્રક સાધકે જાતે જ નક્કી કરવાનું હોય છે. મૌન મંદિરમાં ઊઠવાનો સમય સવારે 3:30 થી ૪:૦૦નો છે. ઊઠવા માટે એલાર્મ હોય છે. ૪:૩૦ વાગ્યે ચા, કોફી કે ઉકાળો (આ પૈકીનું કોઇ એક જે સાધકે નક્કી કર્યું હોય તે) બારી મારફતે આપવામાં આવે છે. ૪:૩૦ થી ૫:૦૦ વાગ્યા સુધી નહાવા માટે ગરમ પાણી મળે છે. આ પહેલા સાધકે મૌન મંદિરની સફાઇ કરીને કચરો એક તગારીમાં ભરીને બારીમાં મૂકી દેવાનો હોય છે. સ્નાન બાદ ૫:૩૦ વાગ્યે ધૂપ બારી મારફતે આપવામાં આવે છે, ધૂપદાની મૌનમંદિરમાં ફેરવીને પરત બારીમાં મૂકી દેવાની હોય છે. સ્નાન કર્યા બાદ ૫:૩૦ વાગ્યે ધૂપ આવે તે પહેલા સાધકે પોતાના ધોવાના કપડા, ગાદલા પરની ચાદર, બેસવાના આસન વગેરેની કપડાની નોટબુકમાં નોંધ કરીને તે કપડા બારીમાં મૂકી દેવાના હોય છે. ૧૦ વાગ્યે ભોજન, ૧ વાગ્યે ચા/કોફી/ઉકાળો અને સાંજે ૫:૦૦ વાગ્યે ભોજન આપવામાં આવે છે. ચા કે ભોજન બાદ એઠા વાસણો સાધકે જાતે સારી રીતે સાફ કરીને બારીમાં મૂકી દેવાના હોય છે. બપોર બાદ ધોયેલા કપડા બારી મારફતે પરત અપાય છે. દરેક નિર્ધારિત સમયનું વ્યવસ્થિત રીતે પાલન કરવામાં આવે છે. રાત્રે સૂવાનો સમય ૮:૩૦નો છે. સાધકોએ દિવસે સુવાની મનાઇ છે. સાધકોને અન્ય કોઇ ચીજની જરુર કે કોઇ અગવડતા, ફરિયાદ હોય તો એક ચીઠ્ઠી લખીને બારીમાં મૂકી શકાય છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ભગતમાં ભગવાન, પૂજ્ય મોટાની જીવનકથાનો ગ્રંથ, લે.પૂજ્ય મોટા, પ્રકાશક:હરિ:ॐ આશ્રમ, સુરત