પૂજ્ય શ્રી મોટા

વિકિપીડિયામાંથી
પૂજ્ય શ્રીમોટા

પૂજ્ય શ્રી મોટા (૪ સપ્ટેમ્બર ૧૮૯૮ – ૨૩ જુલાઇ ૧૯૭૬) એ ગુજરાતના આધ્યાત્મિક ગુરુ હતા.

જીવન પરિચય[ફેરફાર કરો]

શ્રી મોટાનું મૂળ નામ ચુનીલાલ આશારામ ભગત હતું. તેમનો જન્મ વડોદરા તાલુકાના સાવલી ગામે ૪ સપ્ટેમ્બર ૧૮૯૮ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ આશારામ ભગત અને માતાનું નામ સુરજબા હતું. તેમનું બાળપણ ખૂબ ગરીબીમાં વિત્યું.[૧] તેમના ગુરુ ધુણીવાળાદાદા સાંઇખેડાના કહેવાથી બાલયોગીજી મહારાજે તેમને સાધનામાં દિક્ષિત કર્યા. તેઓ ગુજરાત હરિજન સેવક સંઘમાં મંત્રી તરીકે કામ કરતા હતા અને સાથે સાથે આધ્યાત્મિક સાધના પણ કરતા હતા. તેમણે નડીઆદમાં શેઢી નદીના કાંઠે અને સુરતમાં તાપી નદીના કિનારે હરિઃ ૐ આશ્રમો સ્થાપ્યા. તેમણે પોતાનું વસિયતનામું કરેલું કે મારા મૃત્યુ બાદ કોઇ ઇંટ ચુનાનું સ્મારક બનાવવું નહિ અને તે નિમિત્તે જે રકમ આવે તેનો શાળાઓના ઓરડા બનાવવામાં ઉપયોગ કરવો. ગુજરાતી વિશ્વકોશની શરુઆત તેમણે કરાવી હતી.[૨]

પૂર્વજીવન[ફેરફાર કરો]

તેઓ સંત તરીકે પ્રસિદ્ધ થયા તે પહેલા તેમનું પૂર્વજીવન અનેક સંકટો વચ્ચે વિત્યું. તેઓ હરિજનસેવાની પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા. મહાત્મા ગાંધીજીએ ૧૯૨૧માં કૉલેજમાં ભાષણ કર્યું અને ત્યારે એ કાળ દેશ માટે કુરબાની આપવાનો હોવાનું કહીને છાત્રોને પ્રેરણા આપી. તેથી તેમણે દેશસેવા માટે ઇ.સ. ૧૯૨૦માં કારકિર્દીની ચિંતા છોડીને કૉલેજનો ત્યાગ કર્યો. ત્યારે વડોદરા કૉલેજ છોડનારા પ્રથમ બે વિદ્યાર્થી હતા. તેમની સાથે બીજા વિદ્યાર્થી પાંડુરંગ વિઠ્ઠલપંત વળામે હતા જે બાદમાં પૂ. રંગ અવધૂત મહારાજના નામે પ્રસિદ્ધ થયા. કૉલેજ ત્યાગ બાદ થોડા સમય પછી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો પણ ફરી ગાંધીજીની હાકલ થતા મેટ્રીક પાસ થવાનો મોહ છોડ્યો.[૧]

કપરી સાધના[ફેરફાર કરો]

તેમને ૧૯૨૩માં બાલયોગી મહારાજે દિક્ષા આપ્યા બાદ આધ્યાત્મિક જીવનની શરુઆત થઈ. અભય કેળવવા માટે તે રાત્રે સ્મશાન અને ભયંકર હોય તેવી જગ્યામાં સૂવા જતા. લાંબા સમય સુધી ભૂખ્યા રહીને એકાંતમાં સાધના કરવા ચાલ્યા જતા. કામવિકારના શમન માટે મહિનાઓ સુધી છાણાની ધગધતી ધૂણી ફરતે ગોઠવીને તેમાં વચ્ચે બેસીને સાધના કરી હતી. નમ્રતા કેળવવા માટે તે જાણે ભોટ હોય તેવો દેખાવ ધારણ કરી રાખતા. પરિવારે દબાણ કરીને લગ્ન કરાવ્યાં પણ લગ્નમંડપમાં જ તેમને સમાધિ લાગી ગઈ. આ સમયમાં તેમને કેટલાયે સંતો મળ્યા જેમણે તેમની આધ્યાત્મિક વિકાસમાં પ્રગતિ કરાવી. ઇ.સ. ૧૯૩૪માં સગુણ અને ઇ.સ. ૧૯૩૯માં નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો.[૧]

મૌન મંદિર[ફેરફાર કરો]

મૌન મંદિર એ આધ્યાત્મિક ક્ષેત્રે એમનું અનોખુ પ્રદાન છે. આ મૌન મંદિર નડિયાદ અને સુરતમાં તેમણે સ્થાપેલા હરિ:ૐ આશ્રમ ખાતે આવેલા છે. તેમાં સાધક પ્રવેશે ત્યાર બાદ બહારથી દરવાજો બંધ કરી દેવામાં આવે છે. અંદર વીજળી, શૌચાલય, સ્નાન માટે બાથરૂમ, પૂજા માટેની જગ્યા વગેરે સુવિધા હોય છે. ભોજન વગેરે બારીમાંથી આપવામાં આવે છે.[૩]

નોંધપાત્ર પ્રદાન[ફેરફાર કરો]

નીચે મુજબના કાર્યો માટે તેમણે માતબર રકમના દાન આપ્યા છે:–

 • ભક્તિ પરત્વેના અને આધ્યાત્મિક સાહિત્યના મૌલિક સર્જનો.
 • બાળકોમાં ગુણ અને ભાવ પ્રગટાવે એવી મૌલિક વાર્તાના સર્જનો.
 • બહેનો અને માતાઓના જીવન પરત્વે સમાજના માનસમાં સદ્દભાવ, આદર અને માન પ્રગટે એવા મૌલિક વાર્તાના સર્જનો.
 • ‘જ્ઞાનગંગોત્રી’-સંદર્ભ ગ્રંથો (Book of Knowledge) નુ સર્જન. ‘બાલભારતી’ ‘કિશોરભારતી’ વિજ્ઞાન શ્રેણીના ગ્રંથો તથા સર્વધર્મી તત્વજ્ઞાનદર્શન શ્રેણીના ગ્રંથો વગેરેની પ્રકાશન યોજના.
 • માનવ સમાજમાં સાહસ, હિંમત, પરાક્રમ, પ્રામાણિકતા, ત્યાગ, સહનશક્તિ વગેરે ગુણોની કદરભાવનાના પ્રતિક રૂપે ચંદ્રકો આપવા.
 • સ્ત્રીઓના શરીર સુદૃઢ બને અને તેમનામાં ગુણ તથા ભાવનાના સંસ્કાર પ્રગટે એવી સક્રિય યોજનાઓ.
 • વિદ્યાર્થીઓમાં ગુણ તથા ભાવના પ્રગટે તેવા નિબંધોની હરીફાઈઓ.
 • નાના નાના ગામડાઓની શાળાઓમાં ગુણ અને ભાવના પ્રગટે તેવા પુસ્તકોની વહેંચણી.
 • જૂના જર્જરિત થઇ ગયેલા ઓવારાની દુરસ્તી અને સામાજિક સંસ્થાઓને સહાય.
 • પછાત વર્ગની બહેનોમાં એસ.એસ.સી. ઈત્યાદિમાં પ્રથમ આવનારી બહેનોમાં શિષ્યવૃત્તિઓ.
 • ખેડા જિલ્લામાં અસ્પૃશ્યતા નિવારણાનું સારામાં સારું કામ કરે તેને દર વર્ષે ચાંદીનો મોટો શિલ્ડ.
 • નડિયાદ, રાજપીપળા અને સુરતમાં સ્નાનાગારો, તાપી નદી અને નર્મદા નદીમાં તરણસ્પર્ધાઓ, અખિલ હિન્દ ધોરણે સમુદ્ર તરણ સ્પર્ધાઓ, રાજ્ય કક્ષાએ હોળી હરીફાઈઓ તથા મેરેથોન દોડ-રેસ યોજના.
 • યુનિવર્સિટી દ્વારા શ્રીઅરવિંદ તત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા અને બીજી વ્યાખ્યાન માળાઓ.
 • ફળાઉ વૃક્ષારોપન, પરબ, તિતિક્ષા હરીફાઈ, વિદ્યાર્થીઓને મદદ, પક્ષીઓને ચણ, દવા-મદદ વગેરે.
 • વેદની રુચાઓના અર્થો આમજનતાને સુલભ બને તે માટેના પ્રકાશનો.
 • વિજ્ઞાન, ખેતી, મેડીસીન, સર્જરી, ઇલેક્ટ્રોનિક્સ, પ્લેનેટરી એન્ડ સ્પેસ સાયન્સીઝ, ગામડાં અને શહેરોમાં રસ્તા અને મજબૂત મકાનોના બાંધકામ આદિ ક્ષેત્રે એન્ડાઉમેન્ટના વ્યાજમાંથી પ્રતિ વર્ષે મોટી રકમોના અખિલ હિન્દ કક્ષાએ માતબર પારિતોષિકની યોજનાઓ.
 • વિદ્યાર્થીઓમાં શ્રમનું મહત્વ, કન્યા વ્યાયામ શાળાઓને ઉત્તેજન.
 • હાઈસ્કુલ કક્ષાના છાત્રો માટે સાઈકલ અને દોડ સ્પર્ધા પારિતોષિક ટ્રસ્ટો.
 • પર્યટનો, પર્વતારોહણો, બોટિંગ, પગપાળા પ્રવાસો અને રમતગમતો દ્વારા ગુજરાતની બધી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓમાં સાહસ, હિંમત, નીડરતા આદિ ગુણના વિકાસાર્થે જુદા-જુદા ટ્રસ્ટો અને યોજનાઓ.
 • સંગીત-વાદ્ય-નૃત્ય અને ચિત્ર જેવી લલિત કલાઓની સ્પર્ધાની યોજનાઓ અને વાર્ષિક પારિતોષિકો.
 • બ્રિટીશ એન્સાઈક્લોપીડિયાની ઢબની કક્કાવારી કોશની ગ્રંથ શ્રેણીઓ અને ગુજરાતી સાહિત્ય કોશ.
 • રાજ્ય કક્ષાએ તમામ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે જુદા-જુદા વિષયોની પ્રતિભાશોધ અને ઉત્કર્ષ માટે સ્પર્ધાત્મક પરિક્ષાઓ દ્વારા પારિતોષિકોની યોજના.
 • રામાયણ, મહાભારત, ભાગવત આદિ ગ્રંથોની ત્રિરંગી, સચિત્ર અને સરળ શૈલીમાં વાર્તાઓના પ્રકાશન ટ્રસ્ટોની યોજનાઓ.
 • ગુજરાત કક્ષાએ લીલીસૂકી ખેતી, બાગાયત, રેશમ અને તેના રેસા, સમુદ્રશાસ્ત્ર પુરાતત્વવિદ્યા, બાયો-જીયો-સૈલ-કેમેસ્ટ્રી, બોટની પ્લાન્ટ પેથોલોજી, ટ્રોપિકલ ડીસીસીઝ, એન્જીનીયરીંગ અને ટેકનોલોજી વિષયો, રંગ અને રંગની બનાવટો, પ્રાણવિજ્ઞાનશાસ્ત્ર આદિ જુદા-જુદા વિષયોની ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ દ્વારા સ્પર્ધાત્મક પારિતોષિકની યોજનાઓ.

ઉપર જણાવેલા બધા જ કામો માટે ૧૯૬૨થી ૧૯૭૫ સુધી પૂજ્ય શ્રી. મોટાએ રૂપિયા એક કરોડ સમાજ પાસેથી મેળવીને સમાજને આપ્યા. ૨૩મી જુલાઈ ૧૯૭૬ના તેમના દેહત્યાગ બાદ પણ આ પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ છે.[૩]

જીવન ઝરમર[ફેરફાર કરો]

 • ૧૯૧૬ – પિતાનું અવસાન.
 • ૧૯૧૯ – મેટ્રીક પાસ.
 • ૧૯૨૦ – વડોદરા કોલેજમાં.
 • ૧૯૨૧ – કોલેજ ત્યાગ , ગુજરાત વિદ્યાપીઠ પ્રવેશ.
 • ૧૯૨૧ – ગુજરાત વિદ્યાપીઠ ત્યાગ , હરિજન સેવાનો આરંભ.
 • ૧૯૨૨ – ફેફરુ નાં રોગથી કંટાળીને આત્મહત્યા નિષ્ફળ પ્રયાસ.
 • ૧૯૨૩ – તુજચરણે અને મનનેની રચના.
 • ૧૯૨૩ – બાલયોગી ધ્વારા દિક્ષા લીધી.
 • ૧૯૨૬ – લગ્ન વખતે સમાધીનો અનુભવ.
 • ૧૯૨૮ – પ્રથમ હિમાલય યાત્રા.
 • ૧૯૩૦ – ૩૨ સાબરમતી, વિસાપુર, નાસિક, યરવડા જેલમાં (જેલવાસ વહોરવાનો હેતુ સેવાનો નહિ પણ સાધનાનો), સરળ ભાષામાં ગીતાનું વિવરણ જેલમાં લખ્યું.
 • ૧૯૩૪ – સગુણ બ્રહમનો સાક્ષાત્કાર.
 • ૧૯૩૪ – ૩૫ હિમાલય અઘોરીબાવા પાસે ગયા, ચૈત્ર માસમાં ધૂણી ધખાવી નર્મદા કિનારે નગ્ન બેસીને સાધના, શિરડીના સાઈબાબાનાં પ્રત્યક્ષ દર્શન.
 • ૧૯૩૯ – રામનવમી કાશીમાં નિર્ગુણ બ્રહમનો સાક્ષાત્કાર, હરીજન સેવક સંઘમાંથી રાજીનામું.
 • ૧૯૪૦ –અમદાવાદથી કરાંચી વિમાનમાર્ગે.
 • ૧૯૪૧ – માતાનું અવસાન.
 • ૧૯૪૬ – મૌન કુટીરનો પ્રારંભ.
 • ૧૯૫૦ – દક્ષિણ ભારતમાં આશ્રમની સ્થાપના.
 • ૧૯૫૬ – સુરતમા આશ્રમની સ્થાપના.
 • ૧૯૬૨ – ૭૫ શરીરના રોગો અને સતત પ્રવાસ સાથે ૩૬ ગ્રંથોનું પ્રકાશન.
 • ૧૯૭૬ – ફાજલપુર – મહી નદીના કિનારે શ્રી રમણ ભાઈ અમીનના ફાર્મ હાઉસમાં ૨૩ જુલાઇ ૧૯૭૬ના રોજ માત્ર છ લોકોની વચ્ચે ઈચ્છામૃત્યુ.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ પૂજ્ય શ્રી મોટા (૨૦૦૦). ભગતમાં ભગવાન (PDF). સુરત, ગુજરાત: હરિઃૐ આશ્રમ, સુરત. પૃષ્ઠ 36-.[હંમેશ માટે મૃત કડી]
 2. વિશ્વકોશ ટ્રસ્ટ. "પરિચય". સંસ્થા પરિચય. અમદાવાદ, ગુજરાત, ભારત. ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટ. મૂળ માંથી 2013-07-13 પર સંગ્રહિત. મેળવેલ 2013-05-2૬.
 3. ૩.૦ ૩.૧ રમેશ ભટ્ટ (૧૯૯૬). હરિઃૐ આશ્રમ. સુરત, ગુજરાત: હરિઃૐ આશ્રમ, સુરત. પૃષ્ઠ ૧૦-૩૭.
 4. સોમાભાઇ ભાવસાર (૨૦૦૮). તરણામાંથી મેરું. સુરત, ગુજરાત: હરિઃૐ આશ્રમ, સુરત. પૃષ્ઠ ૨૪૫-૨૪૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]