રસિકવલ્લભ

વિકિપીડિયામાંથી
રસિકવલ્લભ 
રચનાર: દયારામ
કવિ દયારામના હસ્તાક્ષરમાં 'રસિકવલ્લભ'ની હસ્તપ્રતનું પ્રથમ પાનું
રચના સાલ૧૮૨૮
દેશભારત
ભાષાગુજરાતી
વિષય(યો)ધાર્મિક-દાર્શનિક કાવ્ય
લીટીઓકુલ ૧૦૯ પદો
ઓનલાઇન વાંચોરસિકવલ્લભ at Wikisource

રસિકવલ્લભ (રચના વર્ષ ઇ.સ.: ૧૮૨૮) એ ગુજરાતી કવિ દયારામ (૧૭૭૭–૧૮૫૩) દ્વારા રચેલી દાર્શનિક પદ્યકૃતિ છે. દયારામે તેમની ૫૧ વર્ષની વયે આ કૃતિની રચના કરી હતી. આ કૃતિ શંકરાચાર્યના કેવલાદ્વૈતવાદનું ખંડન કરી પુષ્ટિસંપ્રદાયના શુદ્ધાદ્વૈતવાદની સ્થાપના કરે છે.[૧][૨]

પાર્શ્વભૂમિ[ફેરફાર કરો]

દયારામ પુષ્ટિસંપ્રદાયમાં[lower-alpha ૧] શ્રદ્ધા ધરાવતા હતા. આથી એ સંપ્રદાયના સિદ્ધાન્તોને લોકભોગ્ય બનાવવા માટે જ કદાચ તેમણે આ પદ્યગ્રંથ રચ્યો હશે એવું વિદ્વાનોનું મંતવ્ય છે. આથી શ્રીકૃષ્ણ અને પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યના નામો સૂચિત રીતે દયારામે 'રસિકવલ્લભ' શીર્ષકમાં ગૂંથ્યાં છે. શંકરાચાર્યના કેવલાદ્વૈત મતનો વિરોધ કરી વલ્લભાચાર્યએ જગત પ્રભુનું કાર્ય હોઈ તે પણ સત્ય જ છે — એવો સિદ્ધાન્ત પ્રર્વતાવ્યો હતો. વાદોની ખંડનમંડનની પ્રાચીન પરંપરાને સ્વીકારીને ગુરુશિષ્યના સંવાદની પ્રયુક્તિ દ્વારા દયારામે આ કાવ્યમાં વલ્લભાચાર્યનાં મતોનું – બ્રહ્મ, જગત, જીવ, મોક્ષ જેવાં તત્ત્વઘટકોનું — દૃષ્ટાંતો આપીને નિરૂપણ કર્યું છે. કાવ્યમાં ખંડન-મંડનની રીતિનો ઉપયોગ કર્યો હોવાથી, દયારામનો સાંપ્રદાયિક અભિનિવેશ કેટલેક સ્થળે જોવા મળે છે.[૧]

સાર[ફેરફાર કરો]

'રસિકવલ્લભ'માં કુલ ૧૦૯ પદો છે. આખ્યાનનો કડવાબંધ તેમાં સ્વીકારાયો છે. કેટલાંક પદોમાં ઊથલાની પણ યોજના છે. શ્રીમદ્ ભાગવતમ્માં દર્શાવવામાં આવેલ નવધા ભક્તિ દ્વારા દસમી પ્રેમલક્ષણા ભક્તિનું સર્વોચ્ચ સોપાન ચડવું, તેમાં જ પુષ્ટિપથમાર્ગીનું શ્રેય છે, મોક્ષ છે, એવો વિચાર આ કાવ્યના કેન્દ્રસ્થાને છે.[૧]

પદ ૧માં મંગલાચરણ સાથે ગ્રંથરચનાનો હેતુ, પદ ૨થી ૧૦માં શિષ્યની જ્ઞાનજિજ્ઞાસા અને પોતે કરેલી તીર્થયાત્રાનું નિવેદન, પદ ૧૧થી ૧૮માં ગુરુમુખે શ્રીકૃષ્ણની સર્વોપરિતાનું કથન, પદ ૧૯થી ૨૭માં અન્યાશ્રય છોડી હરિરસનો અધિકાર મેળવવા અનન્યાશ્રયનો બોધ, પદ ૨૮થી ૪૭માં માયાવાદનું અભિનિવેશપૂર્વક ખંડન અને ભજનાનંદી ગોપીઓના ગૌરવનું નિરૂપણ, પદ ૪૮થી ૭૬માં કર્મ-જ્ઞાનમાર્ગ કરતાં ભક્તિનો મહિમા વિશેષ દર્શાવતાં દૃષ્ટાન્તો અને જ્ઞાનથી મોક્ષ મળે તે કરતાં ભક્તિ દ્વારા ભગવાનની પ્રાપ્તિ સવિશેષ મહત્ત્વની છે એવું કથન કરી પદ ૭૭થી ૯૬માં શ્રીકૃષ્ણ શરણની વિવિધ રીતે ચર્ચા નિરૂપાયેલી છે. પદ ૯૭થી ૧૦૭માં આંતરશુદ્ધિના બોધરૂપે નિર્દોષ દૃષ્ટિ કેળવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. પદ ૧૦૮માં સંદેહમુક્તિ થતાં શિષ્યનો આનંદ પ્રગટ કરી પદ ૧૦૯માં ગ્રંથ-રચનાનાં વર્ષ અને સ્થાન તેમજ શ્રીનાથજીની કૃપાનો ઉલ્લેખ થયો છે.[૧]

આવકાર[ફેરફાર કરો]

દયારામની પુષ્ટિસંપ્રદાયમાં નિષ્ઠા અને શુદ્ધાદ્વૈત વેદાંતની સમજ દર્શાવતો આ ગ્રંથ મધ્યકાલીન દાર્શનિક ગ્રંથોની ધારામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.[૧]

નોંધ[ફેરફાર કરો]

  1. પુષ્ટિસંપ્રદાયના દાર્શનિક પક્ષને 'શુદ્ધાદ્વૈત વેદાંત' તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાન્ત અનુસાર જગત સત્ય છે; જીવ, જગત, અંતર્યામી, અક્ષરબ્રહ્મ વગેરે કાર્યરૂપ ઘટનાઓનું એક જ કારણ 'શુદ્ધ નિર્ગુણ બ્રહ્મ શ્રીકૃષ્ણ' છે. જીવ અને બ્રહ્મતત્ત્વ વચ્ચે અદ્વૈત નહિ, પણ અંશ-અંશીનો સંબંધ છે. પરબ્રહ્મસ્વરૂપ શ્રીકૃષ્ણની ભક્તિ અને સેવા એ જ તેના અંશરૂપ જીવનું ધ્યેય હોઈ શકે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ દવે, સુભાષચંદ્ર મણિલાલ (૨૦૦૩). "રસિકવલ્લભ". ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૭ (ય – રાં). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૭૫–૩૭૬. OCLC 551875907.
  2. Sandesara, Bhogilal (1981). Dayārām. Makers of Indian Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 34–35. OCLC 9350238. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]