લખાણ પર જાઓ

રાઈનો પર્વત

વિકિપીડિયામાંથી
રાઈનો પર્વત
પાંચમી આવૃત્તિનું મુખપૃષ્ઠ, ૧૯૨૩
લેખકરમણભાઈ નીલકંઠ
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારનાટક
પ્રકાશન તારીખ
૧૯૧૪
દશાંશ વર્ગીકરણ
૮૯૧.૪૭૨

રાઈનો પર્વતરમણભાઈ નીલકંઠ દ્વારા લિખીત, ૧૯૧૪માં પ્રગટ થયેલ, ગુજરાતી નાટક છે. આ નાટકની ગણના ગુજરાતી ભાષાના પ્રશિષ્ટ નાટકોમાં થાય છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

મણિલાલ દ્વિવેદીનું નાટક કાન્તા વાંચ્યા પછી એનાથી પ્રભાવિત થયેલા રમણભાઈએ એક નાટક લખવાનો નિર્ણય કર્યો હતો. ૧૮૯૫માં એમણે રાઈનો પર્વત નાટક લખવાની શરૂઆત કરી, પણ પહેલો પ્રવેશ લખ્યા પછી તેઓ એ નાટક આગળ લખી શક્યા નહી. ૧૯૦૯ ના મે મહિનામાં એમણે આ નાટક પુરું કરવાનો નિર્ણય કરી ફરી લખવાનો આરંભ કર્યો, પરંતુ એમની બીજી બધી પ્રવૃત્તિઓને લીધે આ નાટક અધૂરું જ રહેતું હતું. અંતે, ચાર વર્ષ પછી ૧૯૧૩ના અંત ભાગમાં આ નાટક એમણે પુરું કર્યું અને ૧૯૧૪માં પુસ્તક રૂપે પ્રકાશિત કર્યુ.[૧]

બંધારણ[ફેરફાર કરો]

સાત અંક અને ૩૬ પ્રવેશમાં વહેંચાયેલું આ નાટક શૅક્સપિયરી નાટ્યશૈલી અને સંસ્કૃત નાટ્યશૈલીનું મીશ્રણ કરી તૈયાર કરવામાં આવ્યું છે. નાટકનું કથાવસ્તુ પ્રાચીન કથા પરથી લેવામાં આવ્યું છે, પરંતુ રમણલાલે એમાં અર્વાચિન ભાવોને પૂરવાનો પ્રયત્ન કર્યો છે. નાટકનું કથાવસ્તુ રમણલાલના પિતા મહીપતરામ નીલકંઠ દ્વારા સંગ્રહિત 'ભવાઈસંગ્રહ'માં આવતાં 'લાલજી મનીયાર'ના વેશમાં આવેલા એક દુહા અને એની નીચે ટીપ્પણીમાં આપેલી વાર્તા ઉપરથી લેવામાં આવ્યું છે. એ દુહો નીચે મુજબ છે:[૧]

"સાઈઆંસે સબકુચ હોતે હે, મુજ બંદેસે કચુ નાહીં;
રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી."

— લાલજી મનીઆર વેશ, મહીપતરામ નીલકંઠ

સારાંશ[ફેરફાર કરો]

રાજા પર્વતરાયે તેના આગળના રાજા રત્નદીપદેવનો કપટથી વધ કરી રાજગાદી મેળવી છે. રત્નદીપદેવની રાણી અમૃતદેવી રાજ્ય પાછું મેળવવા પોતાના પુત્ર જગદીપ સાથે રાજધાની કનકપુરમાં આવી ત્યાં પોતે માલણ જાલકા અને પુત્ર માળી રાઈને નામે રહે છે. જગદીપ પોતાનો પૂર્વવૃત્તાન્ત કે જાલકા સાથેનો પોતાનો સાચો સંબંધ જાણતો નથી. યુવાન લીલાવતીને પરણેલા વૃદ્ધ રાજા પર્વતરાયને જાલકા એક રાતે, પોતાના રહેઠાણ કિસલવાડીમાં બોલાવે છે. પર્વતરાય તેના સાથી શીતલસિંહ સાથે ત્યા જાય છે, પણ રાઈએ એને પશુ ગણી બાણ મારતાં તે મરણ પામે છે. જાલકાની સૂચનાથી એમ જાહેર કરવામાં આવે છે કે, 'પર્વતરાય યુવાન થવા માટે એક વૈદ્ય સાથે ભોંયરામાં ઊતર્યા છે, ને ત્યાં કોઈને પેસવાની મનાઈ કરી છે; છ મહિના પછી એ બહાર નીકળશે'. અને નક્કી થાય છે કે છ મહિના પછી રાઈએ જુવાન પર્વતરાય તરીકે જાહેર થવું. આ સમયે જાલકા રાઈને પોતાની સાચી ઓળખાણ આપે છે.

છ મહિના પૂરા થવાની આગલી રાતે શીતલસિંહ રાઈને લીલાવતીના આવાસથી પરિચિત કરવા લઈ જાય છે, ત્યારે રાઈને પહેલી જ વાર ખ્યાલ આવે છે કે પર્વતરાય થવું એટલે પર્વતરાઈની સ્ત્રી લીલાવતીના પણ પતિ થવું, જે તેને અનૈતિક લાગે છે. અંતે મનોમંથન બાદ તે લીલાવતી સમક્ષ તેમજ પ્રજા સમક્ષ પોતાની સાચી ઓળખ છતી કરે છે. પ્રજાજનોને પોતાને માટે યોગ્ય રાજા શોધી લેવા કહે છે, ને પોતે પણ ગાદીનો ઉમેદવાર હોઈ પ્રજા નિષ્પક્ષપાતપણે રાજા પસંદ કરી શકે તે માટે પંદર દિવસ નગર બહાર ચાલ્યો જાય છે. ત્યાં તે, એકાન્ત મહેલમાં રહેતી પર્વતરાયની વિધવા પુત્રી વીણાવતીને અકસ્માતથી બચાવે છે, અને બંને વચ્ચે પ્રેમ થાય છે. લીલાવતીની દાસી મંજરી અને શીતલસિંહ રાજગાદી મેળવવા ખટપટ કરે છે, પણ તે નિષ્ફળ જાય છે. અંતે લીલાવતી જગદીપ એટલેકે રાઈને તથા વીણાવતીને લગ્ન માટે આશીર્વાદ આપી મરણ પામે છે. રાઈને અને વીણાવતીને રાજગાદી પ્રાપ્ત થાય છે.

વિવેચન અને આવકાર[ફેરફાર કરો]

પ્રાર્થનાસમાજવાદી રમણભાઈએ છેલ્લા બે અંકોમાં રાઈનું વિધવા વીણાવતી સાથે લગ્ન ગોઠવી પોતાની સમાજ સુધારક તરીકેની મુદ્રા ઉપસાવી છે. તેને કારણે આ નાટક વસ્તુસંકલનાની ર્દષ્ટિએ શિથિલ બનતું હોવાનું લવકુમાર દેસાઈએ નોંધ્યું છે.[૨]

ભજવણી અને રૂપાંતરણ[ફેરફાર કરો]

જૂની રંગભૂમિની નામાંકિત નાટ્યસંસ્થા ગુજરાતી નાટક મંડળી, મુંબઈ તરફથી ૧૯૨૬માં આ નાટક ભજવાયું હતું.[૨]

સાહિત્યિક સજ્જતાથી નોખા તરી આવતા આ નાટકની પ્રભાવક નાટ્યક્ષમતાથી પ્રેરાઈને ચિનુ મોદીએ નાટકના પાત્ર જાલકાને કેન્દ્રમાં રાખી જાલકા નામનું નાટક ૧૯૮૫માં લખ્યું હતું, તેમજ નાટ્યકાર હસમુખ બારાડીએ આ જ નાટક પરથી રાઈનો દર્પણરાય નામનું નાટક ૧૯૮૯માં પ્રગટ કર્યું હતું.[૨]

પૂરક વાચન[ફેરફાર કરો]

  • રાવળ, અનંતરાય (૧૯૫૭). 'રાઈનો પર્વત': વિવેચન (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ઝવેરી, બિપિનચંદ્ર જીવણચંદ (૧૯૫૦). રાઈનો પર્વત ની સમીક્ષા. મુંબઈ: રમેશ બુક ડિપો. પૃષ્ઠ ૬-૮.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ લવકુમાર મ., દેસાઈ (April 2003). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૧૭. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૪૭-૪૪૮.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]