રાણકદેવી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રાણકદેવી સોરઠના દેવડા ઠાકોરના પુત્રી હતા.

કથા[ફેરફાર કરો]

દેવડા ઠાકોરને પુત્ર પામવાની ખુબ જ ઈચ્છા હતી અને પુત્રીનો જન્મ થતા ઠાકોરના જ્યોતિષે એવી સલાહ આપી કે પુત્રીના પગલા અશુભ છે અને તેને જંગલમાં છોડી દેવી જોઈએ. આ સલાહ માનીને ઠાકોરે તેને જન્મની સાથે જ જંગલમાં ત્યજી દીધી. આ પુત્રી મજેવડી ગામના એક પ્રજાપતિ ને મળી અને તે નિસંતાન હોવાથી તેણે આ દીકરીને ઉછેરવાનું નક્કી કર્યું અને તેને રાણક નામ પણ આપ્યું. સમય જતા રાણક ઉંમરલાયક થઇ અને જુનાગઢના રાજા રા' ખેંગાર સાથે તેની મુલાકાત થઇ અને તે પ્રેમમાં પરિણમે છે. આ બાજુ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના માતા તેમના માટે એક સારી કન્યાની શોધમાં હોય છે અને આ કામ માટે પોતાના ગામના બારોટને જુદા જુદા દેશોમાં મોકલે છે. બારોટની મુલાકાત રાણક સાથે થાય છે અને બારોટ રાણકના પિતા પ્રજાપતિને મળીને સિદ્ધરાજ માટે રાણકના વિવાહની વાત કરે છે. સિદ્ધરાજ અને રા' ખેંગાર એકબીજાના દુશ્મન હોય છે. રાણક પોતાના અને રા'ખેંગારના પ્રેમની વાત પોતાના પિતાને કરે છે પરંતુ, તેના પિતાએ બારોટને લગ્ન માટે વચન આપી દીધું હોય છે તેથી રાણકને સિદ્ધરાજ સાથે લગ્ન કરવા મજબુર થવું પડે છે. રાખેંગારને આ વાતની જાણ થતા તે તલવાર લઈને આવી અને રાણકને પોતાની સાથે લઇ જાય છે અને તેની સાથે લગ્ન કરી લે છે. આ વાતની સિદ્ધરાજને જાણ થતા તે અપમાનિત અનુભવે છે અને બદલો લેવા તત્પર બને છે. સિદ્ધરાજનો ભત્રીજો પોતાને પાટણની રાજગાદી ન મળતી હોવાથી સિદ્ધરાજ સાથે દગો કરીને રા' ખેંગાર સાથે ભળી જાય છે. ઘણા વર્ષો સુધી સિદ્ધરાજ જુનાગઢ પર હુમલો કરે છે, પરંતુ તેનો પરાજય થાય છે. અંતે ૧૨ વર્ષ પછી સિદ્ધરાજ પોતાના ભત્રીજાને ગાદીની લાલચ આપીને છળકપટથી જુનાગઢ પર હુમલો કરે છે અને રા' ખેંગારને પરાજિત કરે છે અને તેનું માથું કાપી નાખે છે. તે રા' ખેંગાર ના બંને પુત્રોને પણ મારી નાખે છે. તે રાણકદેવીને પોતાની રાણી બનવા ઈચ્છા વ્યક્ત કરે છે, પરંતુ રાણકદેવી તેને શ્રાપ આપે છે અને રા' ખેંગારની પાછળ સતી થઇ જાય છે.

રાણકદેવીનું મંદિર[ફેરફાર કરો]

રાણકદેવીનું મંદિર

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલાં વઢવાણ તાલુકામાં રાણકદેવીનું મંદિર અથવા સતીની દેરી આવેલી છે. આજુબાજુના વિસ્તારમાં કોતરણી કામ કરેલ મોટું શિખર છે અને ફરતે વઢવાણ ગઢની દીવાલ આવેલી છે જેમાં અનેક પાળિયાઓ આવેલા છે. આ સ્થળ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક ‍(N-GJ-183) છે.