લોંગેવાલાની લડાઈ

વિકિપીડિયામાંથી
લોંગેવાલાની લડાઈ
૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ નો ભાગ
તિથિ ૪-૭ ડિસેમ્બર ૧૯૭૧
સ્થાન લોંગેવાલા, રામગઢ, રાજસ્થાન, ભારતથી આશરે ૩૦ કિમી દુર
27°31′30″N 70°09′24″E / 27.524942°N 70.156693°E / 27.524942; 70.156693
પરિણામ ભારતનો નિર્ણાયક વિજય
યોદ્ધા
 ભારત  પાકિસ્તાન
સેનાનાયક
બ્રિગેડિયર ઇ એન રામદોસ

લેફ્ટ કર્નલ મોહમ્મદ ખુર્શીદ હુસૈન
મેજર કુલદીપસિંઘ ચાંદપુરી
કેપ્ટન ધરમ વીર
વીંગ કમાન્ડર એમ એસ બાવા
વીંગ કમાન્ડર આર એ કોવાસજી
વીંગ કમાન્ડર સુરેશ
વીંગ કમાન્ડર શેર્વિન ટલી
મેજર આત્મા સિંઘ

પાકિસ્તાન બ્રિગેડિયર તારીક મીર

પાકિસ્તાન બ્રિગેડિયર જહાનઝેબ અબાબ
પાકિસ્તાન બ્રિગેડિયર સૈયદ મોહમ્મદ ઝૈદી
પાકિસ્તાન લેફ્ટ કર્નલ ઝહીર આલમ ખાન

શક્તિ/ક્ષમતા
૧૨૦ સૈનિકો

૪ હન્ટર વિમાન
૧ એચએએલ ક્રિષક
૧ એમ ૪૦ રિકોઇલ લેસ તોપ
એચએએલ મારુત

૨,૦૦૦ સૈનિકો

૧ પાયદળ બ્રિગેડ[૧]
૪૫ રણગાડીઓ[૧]

મૃત્યુ અને હાની
૨ સૈનિકો મૃત્યુ પામ્યા

૧ તોપનો નાશ[૨]

૨૦૦ સૈનિકો મૃત્યુ પામ્યા[૨]

૩૬ રણગાડીઓનો નાશ[૨][૧]
૫૦૦ કરતાં વાહનો નુક્શાન પામ્યા અથવા નાશ પામ્યા[૨]

લોંગેવાલાની લડાઈ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધની પ્રથમ મોટી લડાઈ હતી. તે પૂર્વ મોરચા પર રાજસ્થાન, ભારતના થરના રણપ્રદેશમાં સ્થિત ભારતીય ચોકી લોંગેવાલા ખાતે આક્રમણકારી પાકિસ્તાની સેના અને રક્ષણ કરી રહેલ ભારતીય ભૂમિસેના વચ્ચે લડવામાં આવી હતી.

મેજર કુલદીપ સિંઘ ચાંદપુરીના નેતૃત્વ હેઠળ રહેલ ભારતની પંજાબ રેજિમેન્ટની ૨૩મી પલટણની 'એ' કંપની પાસે પાકિસ્તાની યાંત્રિક પાયદળના હુમલા સામે લડવા અથવા પીછેહઠ કરવા વિકલ્પ હતો.[૩] ચાંદપુરીએ પ્રથમ વિકલ્પ પસંદ કર્યો અને એ પ્રકારે યોજના બનાવી અને તેમની તમામ અસ્કયામતો સચોટ સ્થળ પર નિયુક્ત કરી, મજબુત રક્ષણાત્મક નિયુક્તિ ગોઠવી અને દુશ્મન સૈન્ય અધિકારીઓની ભૂલોનો મહત્તમ ફાયદો ઉઠાવ્યો. ચોકીના રક્ષણમાં ભારતીય વાયુસેનાનો પણ કિમતી લાભ તેમને મળ્યો.

પાકિસ્તાની સૈન્યનું નેતૃત્વ કરી રહેલ અધિકારીઓએ અનેક ક્ષતિભર્યા નિર્ણયો લીધા, જેમાં લોંગેવાલા વિસ્તારમાં ભારતના બોમ્બમારો કરી શકતા વિમાનોની હાજરી વિશે વ્યૂહાત્મક માહિતીનો અભાવ, કાર્યવાહી દરમિયાન રસ્તાના યોગ્ય પૂર્વેક્ષણ વિના આગેકૂચ કરવી અને ઇજનેરી પૂર્વેક્ષણ વિના આમનેસામનેનો વ્યૂહાત્મક હુમલો સામેલ હતા. આ પરિબળોને કારણે પાકિસ્તાની બ્રિગેડ હવાઇ હુમલા સામે લાચાર બની, વાહનો માટે અયોગ્ય ભૂપ્રદેશના કારણે તેમનું ફસાઇ જવું, વાહનો માટે એક જ સાંકડા માર્ગનો ઉપયોગ, લડાઇ દરમિયાન ઇંધણના બાહ્ય સંગ્રહને કારણે દુશ્મન ગોળીબારથી વધારાનો ખતરો, અજાણ્યા પ્રદેશમાં રાત્રિ દરમિયાન હુમલો કરવો અને કટોકટીના કલાકોમાં પાયદળને આગળ વધવામાં અડચણો આવવી અને તેના કારણે ગેરસમજ ઉભી થવી જેવી પરિસ્થિતિઓ ઉભી થઈ.

પશ્ચાદભૂ[ફેરફાર કરો]

૧૯૭૧ના યુદ્ધ દરમિયાન ભારતીય ભૂમિસેનાનું ધ્યાન મુખ્યત્ત્વે પૂર્વ મોરચા પર હતું અને પશ્ચિમી મોરચા પર પાકિસ્તાની સૈન્યને ફક્ત રોકી રાખી અને કોઈ વિસ્તાર પર કબ્જો કરતાં અટકાવવાનું હતું કે જેનો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભારતે પૂર્વમાં કબ્જે લીધેલ પ્રદેશ સામે સોદાબાજીમાં ઉપયોગ કરી શકે. નવેમ્બર અંત સુધીમાં અતગ્રામ ખાતે ભારતીય સેના અને જેસ્સોર ખાતે મુક્તિ બાહિની દ્વારા પૂર્વ મોરચે કાર્યવાહી શરુ કરી દેવાઈ હતી.[૪] આ સમયે ઇસ્લામાબાદ ખાતે સ્થિત પાકિસ્તાની નેતૃત્વને સમજાઈ ચૂક્યું હતું કે યુદ્ધ અવગણી નહિ શકાય અને પૂર્વ પાકિસ્તાનનું લાંબાગાળા માટે રક્ષણ શક્ય નથી.[૫] યાહ્યા ખાને પાકિસ્તાનને એકીકૃત રાખવા માટે અયુબ ખાનની રણનીતિ અપનાવી - ' પૂર્વ પાકિસ્તાનનું સંરક્ષણ પશ્ચિમમાં છે.[૬]

શરુઆત[ફેરફાર કરો]

પશ્ચિમ મોરચો[ફેરફાર કરો]

ખાનની નીતિની પૂર્વધારણા અનુસાર યુદ્ધ આંતરરાષ્ટ્રિય દબાણને કારણે વધુ સમય નહિ ચાલે અને પૂર્વ પાકિસ્તાનનું સંરક્ષણ અશક્ય હોવાથી સૈન્યની કોશિષ પશ્ચિમ મોરચા પર ભારતનો મહત્તમ પ્રદેશ કબ્જે કરવા પર હોવું જોઈએ જેનો પાછળથી સોદેબાજીમાં ઉપયોગ કરી શકાય. આ માટે જનરલ ટીક્કા ખાને ભારતમાં આક્રમણની યોજના બનાવી અને પાકિસ્તાની વાયુસેનાને મુખ્ય કાર્ય તેને આધાર આપવાનું સોંપાયું.[સંદર્ભ આપો] શરુઆતની યોજના મુજબ વાયુસેનાએ ખાનના સૈનિકોને શક્ય એટલા સમય માટે હવાઇ રક્ષણ આપવાનું હતું જે દરમિયાન તેઓ મોટો વિસ્તાર કબ્જે કરી અને રક્ષણાત્મક હરોળ રચી શકે. તે અનુસાર, પાકિસ્તાની વાયુસેનાએ ભારતીય હવાઇમથકો પર ૩ ડિસેમ્બરના રોજ પૂર્વનિયોજીત હવાઇ હુમલા કર્યા. પશ્ચિમી મોરચા પર સિંધ વિસ્તારમાં સ્થિત રહીમ યાર ખાન નામનું ગામ ખાનના દળો માટે સંચાર અને પુરવઠાનું કેન્દ્ર હતું. તે પંજાબ-સિંધ રેલ્વે લાઇન પર સ્થિત હતું. જો તે ભારતના કબ્જામાં જાય ખાનના દળોને કરાચીથી આવતા ઇંધણ અને દારુગોળાની ખેંચ પડી જાય તેમ હતું.

ભારતીય યોજના અનુસાર પાકિસ્તાનમાં સ્થિત સરકારી તાલા થઈ અને ૧૨મી ડિવિઝને ઇસ્લામગઢ તરફ આગળ વધવું અને શક્યતઃ રહીમ યાર ખાનને કબ્જે કરવું. તેમ થતાં પાકિસ્તાનના પંજાબ અને જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રોમાં પણ લડવાની ક્ષમતા પર અસર થવાની ધારણા હતી. તેમ થતાં ભારત શકરગઢ ક્ષેત્રમાં યોજના અનુસાર હુમલો કરી શકે.[૭]

પાકિસ્તાને પંજાબ અને રાજસ્થાનના વિસ્તારને કાર્યવાહીનું કેન્દ્ર ધાર્યું હતું અને તે વિસ્તારમાં તેની જાસુસી જાળ મજબુત હતી. પાકિસ્તાની જાસુસો સામાન્ય નાગરિક બની અને ભારતના કાર્યવાહીના વિસ્તારમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા હતા. તેઓ ભારતીય સૈન્યની ગતિવિધિઓ પર નજર રાખી અને પાકિસ્તાન ખબર પહોંચાડી રહ્યા હતા. પાકિસ્તાન તેની નબળાઇને દૂર કરવા રામગઢ, રાજસ્થાન તરફ કિશનગઢ થઈ અને પૂર્વનિયોજીત હુમલો કરવા ધારતું હતું.[૭] પરંતુ, લોંગેવાલા ખાતે સીમા સુરક્ષા દળ હસ્તકની ચોકી ભારતીય સેનાની એક કંપની હસ્તક હોવાની ખબરથી અજાણ હતા. તેમની યોજનામાં ભારતને પશ્ચિમ મોરચા પર વ્યસ્ત રાખવા અને મોટો વિસ્તાર કબ્જે કરવા માટે લોંગેવાલાનું વ્યૂહાત્મક મહત્વ હતું.

વ્યૂહરચના[ફેરફાર કરો]

પાકિસ્તાનની વ્યૂહરચનાની પૂર્વધારણા અનુસાર આ હુમલો તેની ૧લી બખ્તરીયા ડિવિઝનના શ્રીગંગાનગર વિસ્તારના હુમલાને મદદરુપ બનશે. તેમના નેતૃત્વ અનુસાર ઉત્તર દક્ષિણ રેલ્વે કડી જે સરહદ પાસે હતી તેનું રક્ષણ પણ મહત્વનું હતું. પાકિસ્તાની યોજના અનુસાર તેમને બે પાયદળ બ્રિગેડ અને બે બખ્તરીયા રેજિમેન્ટ હુમલા માટે જરુરી હતી. આ માટે અલગ ૧૮મી ડિવિઝન ઉભી કરવામાં આવી જેમાં એક પાયદળ બ્રિગેડ અને એક બખ્તરીયા રેજિમેન્ટને લોંગેવાલા કબ્જે કરી અને મજબુત રક્ષણાત્મક હરોળ બનાવવા આદેશ હતો. અન્ય બ્રિગેડ અને રેજિમેન્ટને લોંગેવાલાથી આગળ વધી અને જેસલમેર કબ્જે કરવા સૂચના હતી.[૮]

આ યોજના શરુઆતથી જ અવાસ્તવિક હતી કેમ કે હુમલો રાત્રિ દરમિયાન એવા સ્થળ પર કરવાનો હતો જેનું ઇજનેરી દ્રષ્ટિએ પૂર્વેક્ષણ નહોતું થયું અને કોઈ પૂર્વનિર્ધારિત માર્ગ નહોતો ઓળખાયો. વધુમાં જે લક્ષ્યાંક તરફ ત્વરિત ગતિએ આગળ વધવા યોજના હતી તે બખ્તરિયા વાહનો માટે વિસંગત ભૂમિ પર સ્થિત હતી. આ કારણોસર જ લોંગેવાલા ખાતે પાકિસ્તાને સંખ્યાબળની દૃષ્ટિએ બળુકી સેના હોવા છતાં કારમી હાર સહેવી પડી.

ભારતની રક્ષણાત્મક યોજના[ફેરફાર કરો]

લોંગેવાલા ખાતેની ભારતીય ચોકીએ મેજર કુલદીપસિંઘ ચાંદપુરીની આગેવાની હેઠળ એક કંપની નિયુક્ત હતી. તેમણે વાહનો ચલાવવા માટે અશક્ય એવા તે વિસ્તારના સૌથી ઉંચા રેતીના ઢુવા પર સૈનિકોને ગોઠવ્યા હતા. ચોકીની ફરતે કાંટાળી વાડ ઉભી કરવામાં આવી હતી. ૨૩મી પંજાબ રેજિમેન્ટની બાકીની પલટણ લોંગેવાલાથી ૧૭ કિમી ઉત્તર-પૂર્વમાં સાઢેવાલા ખાતે નિયુક્ત હતી. લોંગેવાલા ખાતે નિયુક્ત કંપનીમાં જોકે પલટણે વધારાના સૈનિકો નિયુક્ત કર્યા હતા. આમ, કંપની પાસે બે વધારાના સેક્શન (આશરે ૨૦ જેટલા) જેટલા સૈનિકો હતા જેમાં એક મધ્યમ મશીનગન અને એક ૮૧ મીમી મોર્ટાર ચલાવતા હતા. કંપનીમાં એક જીપ પર ગોઠવેલ રણગાડી વિરોધિ તોપ પણ હતી. આ સિવાય કંપની સાથે સ્થાનિક પ્રદેશનું જ્ઞાન ધરાવતા સીમા સુરક્ષા બળના ચાર ઊંટ સવાર જવાનો પણ હતા.[૯] ચોકી ખાતે કોઈ બખ્તરીયા વાહનો નહોતા પરંતુ તેમને ૧૭૦મી અને ૧૬૮મી ફિલ્ડ રેજિમેન્ટ દ્વારા તોપખાનાની સહાય મોજૂદ હતી.

લડાઈ[ફેરફાર કરો]

લોંગેવાલા ખાતે પાકિસ્તાની બખ્તરિયા વાહનો વિરુદ્ધ ઉપયોગ કરાયેલ ત્રણ વિમાનો પૈકીનું એક મારુત

૪થી ડિસેમ્બરના રોજ રાત્રિ સમયે લેફ્ટ ધરમવીરના નેતૃત્વ હેઠળની ચોકિયાત ટુકડીએ સરહદ પાર વાહનો અવાજ સાંભળ્યો જેના આધારે એમ જણાતું હતું કે મોટી સંખ્યામાં બખ્તરીયા વાહનો સરહદ તરફ આવી રહ્યા છે.[૧૦] તે અનુમાનને થોડા જ સમય બાદ વાયુસેનાના હવાઇ સર્વેક્ષણ કરી રહેલ વિમાનના ચાલક મેજર આત્મા સિંઘ દ્વારા સમર્થન આપવામાં આવ્યું. મેજર આત્મા સિંઘ અનુસાર લોંગેવાલાની દિશામાં આશરે ૨૦ કિમી લંબાઇની બખ્તરીયા વાહનોની હાર આગળ વધી રહી હતી.[૧૧] ચાંદપુરીએ લેફ્ટ વીરની ટુકડીને આગળ વધી રહેલ દુશ્મનનો પીછો કરવા જણાવ્યું અને પલટણ મુખ્યાલયને સંદેશ મોકલી અને તોપખાના તેમજ બખ્યરીયા વાહનોની મદદ માગી. વધુ સૈનિકો મોકલવા પણ વિનંતી કરી. પલટણ મુખ્યાલય દ્વારા તેમને વ્યૂહાત્મક પીછેહઠ કરવા અથવા રક્ષણાત્મક સ્થિતિમાં શક્ય તેટલું લડવા અને દુશ્મનને રોકી રાખવાના વિકલ્પ આપ્યા કેમ કે મદદ આવવામાં આશરે છ કલાક જેટલો સમય લાગી શકે તેમ હતો. ચાંદપુરી પાસે સૈનિકોને ખસેડવા પૂરતા વાહનો નહોતાં દુશ્મન પાસે તે બહોળી સંખ્યામાં હતા; તે ધ્યાનમાં લઈ અને તેમણે રક્ષણાત્મક સ્થિતિમાં સૈનિકો ગોઠવી અને લડવા નિર્ણય કર્યો. વધુમાં ચોકી પર રહી અને રક્ષણાત્મક આડ બનાવવી આસાન હતી જ્યારે રાત્રિ દરમિયાન પીછેહઠ જોખમભરી હતી.

પાકિસ્તાની દળોએ આશરે રાત્રિના ૧૨.૩૦ વાગ્યે હુમલાની શરુઆત કરી.[૧૨] હુમલાના થોડા જ સમય પહેલાં પાકિસ્તાની તોપખાનાએ પાકિસ્તાની વિસ્તારમાં રહી અને તોપમારો કર્યો જેમાં સીમા સુરક્ષા બળના કુલ દસમાંથી પાંચ ઊંટ મૃત્યુ પામ્યા. પાકિસ્તાની સૈન્યની હાજરી પકડાઈ અને હુમલાની શરુઆત વચ્ચે થોડો સમય હતો જેમાં રણગાડી વિરોધિ સુરંગ ઉતાવળે બિછાવવામાં આવી જેમાં એક ભારતીય સૈનિક મૃત્યુ પામ્યો.[૧૩] પાકિસ્તાની બખ્તરીયા વાહનો ચોકીથી આશરે ૩૦ મિટરની દુરી પર હતા ત્યારે જ ભારતીયોએ તેમના રણગાડી વિરોધિ હથિયારો વડે ગોળીબાર શરુ કર્યો.[૧૩] જીપ પર ગોઠવેલ તોપ વડે રણગાડીઓ આસાનીથી નિશાન બનાવવામાં આવી કેમ કે ભારતીયો ઉંચાઇ પર હતા અને ત્યાંથી નીચે રહેલ પાકિસ્તાની રણગાડીઓનો ઉપરનો ભાગ દેખાતો હતો જ્યાં રણગાડીનું બખ્તર નબળું હતું.[૧૪] વધુમાં રણગાડીઓ રેતીમાં ફસાતી હોવાને કારણે હલનચલન વધુ નહોતી કરી શકતી. આમ, રક્ષણાત્મક સ્થિતિમાં જ જાનહાનિ સહ્યા વિના પાકિસ્તાનની ૧૨ રણગાડીનો નષ્ટ કરી અથવા નુક્શાનગ્રસ્ત થઈ. પાકિસ્તાની પાયદળની આગેકૂચ કાંટાળી વાડને કારણે અણધારી અટકી ગઈ કેમ કે તે અંધારામાં દૂરથી ન દેખાઈ અને તેને સુરંગક્ષેત્રની નિશાની માની લેવાઈ. પાકિસ્તાનીઓએ લોંગેવાલાથી આગળ જેસલમેર સુધી જવા માટે વધારાના ઇંધણને રણગાડીના પાછળના હિસ્સામાં બહારની તરફ સંગ્રહ્યું હતું. તેની કેટલીક કોઠીઓમાં આગ લાગતાં જમીનના સ્તરે અજવાળું ફેલાઈ ગયું અને ભારતીયોને પાકિસ્તાની વાહનો અને સૈનિકો આસાનીથી દેખાવા લાગ્યા. વધુમાં તે આગના કારણે જમીન પર તીવ્ર ધુમાડો છવાઈ ગયો અને તેણે પાકિસ્તાની પાયદળની ગૂંચવણમાં વધારો કર્યો. પાકિસ્તાની ઇજનેરોને કાંટાળી વાડ સુધી લાવવામાં બે કલાકનો વ્યય થયો અને અંતે ખબર પડી કે સુરંગક્ષેત્ર હતું જ નહિ. તે ગુંચવણ દુર થઈ તે દરમિયાન પાયદળને અન્ય સ્થળેથી હુમલો કરવા તૈયાર કરાઈ રહ્યું હતું તેને પાછું લાવવામાં સમય લાગી ગયો. વાહનો દ્વારા ચોકીને ઘેરવામાં પણ બે કલાક લાગ્યા અને તેમાં પણ વાહનો રેતીમાં ફસાઈ ગયાં. આ સમગ્ર કાર્યવાહીઓ દરમિયાન મેજર ચાંદપુરી તોપખાનાને દિશાનિર્દેશિત કરતા રહી અને પાકિસ્તાનીઓ પર ગોળા વરસાવતા રહ્યા.

જ્યારે ચોકી ઘેરાઈ ગઈ અને પાકિસ્તાની આગળ વધવા લાગ્યા ત્યારે આગ અને પૂનમની રાત્રિને કારણે ભારતીયો નાના હથિયારો અને મોર્ટાર વડે તેમને સચોટ નિશાન બનાવવામાં સફળ રહ્યા.[૧૨] આમ, પરોઢના સમય સુધી પાકિસ્તાનીઓ ચોકી કબ્જે કરવામાં નિષ્ફળ રહ્યા.

ભારતીય વાયુસેનાના મારુત અને હન્ટર વિમાનો રાત્રિ દરમિયાન લડવા સક્ષમ ન હોવાથી તેમણે પરોઢ સુધી કાર્યવાહી નહોતી કરી.[૧૫] પરંતુ સવાર થઈ જતાં વાયુસેના બોમ્બમારો કરવામાં સફળ રહી અને તેમને કૃષક વિમાનમાં સવાર મેજર આત્મા સિંઘ લક્ષ્યાંકો વિશે સૂચના આપતા રહ્યા. પાકિસ્તાની વાયુસેના અન્ય સ્થળે વ્યસ્ત હતી અને તેના અભાવે ભારતીય વિમાનોએ પાકિસ્તાનીઓને આસાન નિશાન બનાવ્યા. રણગાડીઓ પર ૧૨.૭ મીમીની વિમાન વિરોધિ બંદૂકની પહોંચ મર્યાદિત હતી અને ભારતીય વિમાનોને તેમનાથી કોઈ ખતરો નહોતો. વધુમાં, કોઈ છત્રના અભાવે સમગ્ર યુદ્ધભૂમિ આકાશમાંથી સ્પષ્ટ નજરે પડતી હતી. બપોરના ૧૨ વાગ્યા સુધીમાં પાકિસ્તાની હુમલો સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગયો હતો અને તેણે કુલ ૩૪ રણગાડીઓ ગુમાવી હતી. હુમલા અને પીછેહઠ દરમિયાન વિવિધ પ્રકારના આશરે ૧૦૦ વાહનો પાકિસ્તાનીઓએ ગુમાવ્યા. વધુમાં પીછેહઠ દરમિયાન ભારતીય બખ્તરિયા દળની ૨૦મી લાન્સર રેજિમેન્ટ અને ૧૭મી પલટણ રાજપૂતાના રાઇફલ્સએ આશરે છ કલાક સુધી પાકિસ્તાનની ભૂમિ પર જઈ લડાઈ લડી.

પ્રત્યાઘાત[ફેરફાર કરો]

સમગ્ર લડાઈમાં પાકિસ્તાને મોટી ખુવારી વેઠી જ્યારે ભારતે કોઈ ખાસ નુક્શાન ન વેઠ્યું. ભારતના બે સૈનિકો શહીદ થયા અને એક જીપ પર ગોઠવેલ તોપ નાશ પામી. પાકિસ્તાને ૩૪ રણગાડીઓ, ૧૦૦ વાહનો અને ૨૦૦ સૈનિકો ગુમાવ્યા. યુદ્ધના અંતે પાકિસ્તાન દ્વારા રચવામાં આવેલ ન્યાયિક સમિતિએ ૧૮મી ડિવઝનનું નેતૃત્વ કરી રહેલ મેજર જનરલ મુસ્તફા પર બેદરકારી દાખવવા માટે કાર્યવાહી કરવા સલાહ આપી.[૧૬]

ભારતના વિજય છતાં બંને પક્ષે જાસુસી અને વ્યૂહાત્મક નિષ્ફળતાઓ હતી. ભારતનું જાસુસીતંત્ર પશ્ચિમ મોરચા પર આ ક્ષેત્રમાં આટલી મોટી સંખ્યામાં બખ્તરીયા વાહનોની હાજરી વિશે જાણકારી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. વધુમાં ચોકી પાસે ભારે હથિયારોનો અભાવ હતો અને જ્યારે વાયુસેનાએ દુશ્મનને પીછેહઠ કરવા મજબૂર કર્યો ત્યારે તેમણે મજબુત સ્થિતિનો ફાયદો ઉઠાવતાં વધુ હુમલા ન કર્યા.

પાકિસ્તાનીઓએ રેતીને કારણે, ઉંચાઇ પર સ્થિત, રાત્રિ દરમિયાન હુમલો અને પૂનમની રાત્રિને કારણે મળતી ચોકીની વધારાની રક્ષણાત્મક ક્ષમતાનું યોગ્ય આકલન નહોતું કર્યું. વાયુસેનાની સહાયના અભાવે અને ભારતીય વાયુસેનાની હાજરી વિશેની અજાણતાને કારણે તેમણે ચોકી સુધી પહોંચી અને હુમલો કરવાની સ્થિતિમાં આવવામાં વિલંબ કર્યો હતો. ભૂરચનાને ધ્યાનમાં લેતા પાકિસ્તાની હુમલાની યોજના અયોગ્ય હતી કેમકે શેરમાન અને ચીનની ટાઇપ-૫૯ રણગાડીઓ રેતી પર ધીમી ગતિએ ચાલી શકતી હતી.[૧૭] રેતીમાંથી નિકળવા કોશિષ કરવામાં કેટલીક રણગાડીઓના ઇંજન ગરમ થઈ જતાં તેમને છોડવી પડી. હવાઇ હુમલા સામે છુપાવાની જગ્યાનો અભાવ પણ મહત્વનો થઈ પડ્યો.

ભારતીય કંપનીનું નેતૃત્વ સંભાળી રહેલ મેજર (પાછળથી) બ્રિગેડિયર ચાંદપુરીને મહાવીર ચક્ર (પુરસ્કાર) એનાયત કરવામાં આવ્યું. કંપનીના અન્ય સભ્યોને પણ વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. બીજી તરફ પાકિસ્તાનના ડિવિઝનનું નેતૃત્વ કરી રહેલ અધિકારીને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા.

અંગ્રેજ પત્રકાર જેમ્સ હટ્ટરે લડાઇને થર્મોપાઇલીની લડાઇ સાથે સરખાવી. અંગ્રેજ સેનાના ઉપસેનાધ્યક્ષ ફિલ્ડ માર્શલ કાર્વરે લડાઈના થોડા અઠવાડિયા બાદ યુદ્ધક્ષેત્રની મુલાકાત લીધી અને મેજર ચાંદપુરી પાસેથી વિગતો મેળવી.[૧૮]

૨૧મી સદીના શરુઆતે કેટલાક અધિકારીઓએ લડાઇની સફળતા માટે માત્ર વાયુસેનાને જ યશપાત્ર ગણતો દાવો કર્યો. આ વિરુદ્ધ ચાંદપુરીએ ન્યાયાલયમાં ખટલો પણ દાખલ કર્યો.[૧૯][૨૦][૨૧]

અન્ય માધ્યમોમાં[ફેરફાર કરો]

૧૯૯૭ની બોલીવુડ ચલચિત્ર બોર્ડરમાં લોંગેવાલાની લડાઈને દર્શાવવામાં આવી છે. સની દેઓલ મેજર ચાંદપુરીની ભૂમિકામાં અભિનય કર્યો છે. આ સિવાય જેકી શ્રોફ, સુનિલ શેટ્ટી અને અક્ષય ખન્ના પણ પાત્રાભિનયમાં સામેલ છે.[૨૨] ચલચિત્રમાં ભારતીય સેનાની જાનહાનિ વધારીને બતાડવામાં આવી છે અને વાયુસેનાના આગમન પહેલાં તેને ખરાબ હાલતમાં ચિત્રિત કરાઇ છે આ બાબતે તેની ટીકા પણ થઈ છે. જોકે નિર્દેશક અનુસાર આમ ચલચિત્રને નાટ્યાત્મક બનાવવા કરાયું છે.[૨૩][૨૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Jaques, Tony (2007). Dictionary of Battles and Sieges: A Guide to 8,500 Battles from Antiquity Through the Twenty-First Century. Greenwood. પૃષ્ઠ 597. ISBN 978-0313335389.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Col J Francis (Retd) (30 August 2013). Short Stories from the History of the Indian Army Since August 1947. Vij Books India Pvt Ltd. પૃષ્ઠ 93–96. ISBN 978-93-82652-17-5.
  3. "The Tribune – Windows – Featured story". tribuneindia.com. મેળવેલ 2 August 2016.
  4. "Pakistan — Yahya Khan and Bangladesh". Library of Congress Country Studies. April 1994. મેળવેલ 6 April 2009.Check date values in: April 1994 (help)
  5. Kyle, R.G. (14 March 1964). "The India-Pakistan War Of 1971: A Modern War". મૂળ માંથી 18 April 2009 પર સંગ્રહિત. મેળવેલ 6 April 2009. Unknown parameter |dead-url= ignored (|url-status= suggested) (મદદ)Check date values in: 14 March 1964 (help)
  6. Failure in Command: Lessons from Pakistan's Indian Wars, 1947–1999. Faruqui A. Defense Analysis Vol.17, No. 1, 1 April 2001
  7. ૭.૦ ૭.૧ Thakur Ludra, K. S. (13 January 2001). "An assessment of the battle of Longewala". India: The Tribune. પૃષ્ઠ 1. મેળવેલ 6 April 2009.Check date values in: 13 January 2001 (help)
  8. Correspondence from Lt. Col. (Retd) H.K. Afridi Defence Journal, Karachi. feb-mar99 સંગ્રહિત ૨૨ જૂન ૨૦૦૬ ના રોજ વેબેક મશિન URL accessed on 22 September 2006
  9. Shorey A. Sainik Samachar. Vol.52, No.4, 16–28 February 2005
  10. p.177, Nayar
  11. p.239, Rao
  12. ૧૨.૦ ૧૨.૧ p.83, Imprint
  13. ૧૩.૦ ૧૩.૧ p.42, Sharma
  14. there is a suggestion there were two RCL-armed Jeeps at the post
  15. p.100, Nordeen
  16. Hamoodur Rehman; Sheikh Anwarul Haq; Tufail Ali Abdul Rehman. Hamoodur Rahman Commission Report (Report). Government of Pakistan. pp. 79–80. Archived from the original on 4 માર્ચ 2012. https://web.archive.org/web/20120304011310/http://www.pppusa.org/Acrobat/Hamoodur%20Rahman%20Commission%20Report.pdf. Retrieved 19 July 2013. 
  17. "Pakistan Army Order of Battle — Corps Sectors". મેળવેલ 14 January 2014.
  18. Hattar, James (16 December 2000). "Taking on the enemy at Longewala". The Tribune. મૂળ માંથી 22 April 2009 પર સંગ્રહિત. મેળવેલ 6 April 2009. Unknown parameter |dead-url= ignored (|url-status= suggested) (મદદ)Check date values in: 16 December 2000 (help)
  19. "The truth of courage". tehelka. મૂળ માંથી 22 October 2014 પર સંગ્રહિત."The truth of courage". tehelka. મૂળ માંથી 22 October 2014 પર સંગ્રહિત.
  20. Sura, Ajay (29 November 2013). "War veteran's book reiterates doubts over Army's role in Longewala battle". Times of India.More than one of |work= and |newspaper= specified (help); Check date values in: 29 November 2013 (help)
  21. "Army lied to the nation Longewala?". Hindustan times. મૂળ માંથી 4 November 2014 પર સંગ્રહિત.
  22. p.17, Alter
  23. "Border". 1 January 2000. મેળવેલ 2 August 2016.Check date values in: 1 January 2000 (help)
  24. p.17-18, Alter