વરદવિનાયક મંદિર, મહાડ

વિકિપીડિયામાંથી

વરદવિનાયક મંદિર, મહાડ ભારત દેશના રાયગડ જિલ્લાના ખાલાપુર તાલુકામાં આવેલ મહાડ ગામમાં ગણેશજીનું મંદિર છે. આ મંદિર અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકીનું એક છે. વરદવિનાયક મંદિર અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકી ચોથા ગણપતિ તરીકે ઓળખાય છે. આ ગણેશજીની નજીક જઈ પૂજા કરવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, તેમ છતાં આ મંદિરનું ગર્ભગૃહ પેશવાકાળના હેમાડપંત સ્થાપ્ત્ય ધરાવે છે.  આ ગણેશમંદિર પુરાતન કાળનું હોવાનું કહેવાય છે. ગણેશજી અહીં વરદવિનાયક (સમૃદ્ધિ અને સફળતા આપનાર) રૂપે પૂજાય છે. આ મંદિરની મૂર્તિ ધોંડૂ પૌઢકરને અહીંના તળાવમાંથી ૧૬૯૦ના વર્ષમાં મળી હતી. ૧૭૨૫ના વર્ષમાં કલ્યાણના સૂબેદાર રામજી મહાદેવ ભિવળકર દ્વારા અહીં મંદિર બંધાવી મહાડ ગામ વસાવવામાં આવ્યું હતું.

મંદિર[ફેરફાર કરો]

આ મંદિરની ચાર કોરે ચાર હાથીની મૂર્તિઓ છે. ૮ ફૂટ બાય ૮ ફૂટ માપના આ મંદિર પર ઊંચો કળશ છે. કળશના સૌથી ઉપલા ભાગ પર સોનું છે. પૂર્વાભિમુખ ગણેશમૂર્તિ પાસે દીવો સતત સળગતો રાખવામાં આવે છે.  કહેવાય છે કે આ દીવો ૧૮૯૨ના વર્ષથી સતત સળગે છે.

દંતકથા[ફેરફાર કરો]

પ્રાચીન સમયગાળામાં મહાડ ગામનું નામ મણિપુર અથવા મણિભદ્ર હતું. ગુત્સમદ ઋષિએ આ ભગવાન ગણેશજીની સ્થાપના કરી એવી દંતકથા છે. વચકનવી નામના ઋષિ હતા. એક વખત તેમના આશ્રમમાં રાજા રૂક્માંગદાપધાર્યા હતા. તે સમયે ઋષિપત્ની તેના રૂપ પર મોહિત થઈ. તેણે તેને આશ્રમમાં બોલાવ્યા હતા. જોકે રાજાએ ઇનકાર કર્યો હતો. આ વાત દેવતાઓના રાજા ઇન્દ્રએ જાણતાં તેણે રૂક્માંગદાનું રૂપ ધરી તેનો ઉપભોગ કર્યો. ઋષિપત્ની મુકુંદાને ઇન્દ્રથી થયેલ પુત્ર એટલે ગુત્સમદ. તેને અનૌરસ પુત્ર તરીકે જાણ થતાં માતાને તેણે 'તમે બોરડીનું વૃક્ષ થશો' એવો શાપ આપ્યો હતો. આ શાપ આપ્યાના પ્રાયશ્ચિતરૂપે તેણે અહીંના જંગલમાં 'ઓમ ગંગણપતયે નમ:'ના મંત્ર જપતાં ઘોર તપશ્ચર્યા કરી હતી. આથી ગણેશજી પ્રસન્ન થયા હતા. ઋષિએ ગણેશજીને 'અહીં રહીને ભક્તોની મનોકામના પૂર્ણ કરો' એવી વિનંતી કરી. ગણપતિએ આશીર્વાદ આપ્યા પછી ઋષિએ ગણેશજીની સ્થાપના કરી અને તેનું નામ વરદવિનાયક રાખ્યું.

ભૌગોલિક[ફેરફાર કરો]

  • રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪ પર (મુંબઇ-પનવેલ-ખોપોલી માર્ગ પર) ખપોલી પહેલાં ૬ કિ.મી. અંતરે જમણી બાજુ મહાડ જવા માટે માર્ગ છે. મુંબઇ-મહાડ અંતર ૮૩ કિ.મી. જેટલું છે.
  • મુંબઇ-પુણે રેલરોડ પર કરજત સ્ટેશન થી મહાડ ૨૪ કિ.મી. જેટલા અંતરે છે.
  • કરજત થી મહાડ ફાંટાની એસ.ટી. બસો મળે છે. મહાડ ફાંટા થી દેવસ્થાન દોઢ કિ.મી. જેટલા અંતરે છે, જે ચાલીને જઈ શકાય છે.


અષ્ટવિનાયક
મોરેશ્વર સિદ્ધિવિનાયક બલ્લાળેશવર વરદવિનાયક ગિરિજાત્મજ ચિંતામણી વિઘ્નહર મહાગણપતિ