સધરા જેસંગનો સાળો

વિકિપીડિયામાંથી
સધરા જેસંગનો સાળો
લેખકચુનીલાલ મડિયા
પૃષ્ઠ કલાકારશિવ પંડ્યા
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારવ્યંગાત્મક નવલકથા
પ્રકાશકશ્રી હરિહર પુસ્તકાલય, સુરત
પ્રકાશન તારીખ
૧૯૬૨
OCLC20908481
દશાંશ વર્ગીકરણ
891.477

સધરા જેસંગનો સાળો એ ભારતીય લેખક ચુનીલાલ મડિયા લિખિત ૧૯૬૨ની ગુજરાતી વ્યંગાત્મક નવલકથા છે. આ નવલકથામાં શાકભાજી વેચનાર સધરાની વાર્તા વર્ણવવામાં આવી છે, જે છેવટે દેશનો વડાપ્રધાન બની જાય છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

સધરા જેસંગ નો સાળો નવલકથા જાન્યુઆરીથી ડિસેમ્બર ૧૯૬૧ સુધી ૫૨ (બાવન) હપ્તામાં અમદાવાદથી પ્રકાશિત ગુજરાતી ભાષાના દૈનિક સમાચાર પત્ર સંદેશમાં ધારાવાહિક સ્વરૂપે પગટ થઈ હતી. મડિયાએ ૧૯૬૨માં આ નવલકથાને બે ભાગમાં પુસ્તક તરીકે પ્રકાશિત કરી હતી.[૨][૩]

સારાંશ[ફેરફાર કરો]

૧૯૫૮માં ચુનીલાલ મડિયા

આ નવલકથા રાષ્ટ્રીય નેતાઓની રાજનીતિ અને સ્વતંત્ર ભારતની લોકતાંત્રિક કાર્યપ્રણાલીને ધ્યાનમાં રાખીને લખાઈ છે. આ સમગ્ર નવલકથા 'સુવર્ણદ્વીપ' નામની કાલ્પનિક ભૂમિમાં આકાર પામી છે. સધરો જેસંગ નાયક છે. શાક વેચનાર સધરાને પ્રજામંડળ પાર્ટી અને તેના પક્ષપ્રમુખ સેવકરામ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવે છે અને સધરો આખરે વડાપ્રધાન તરીકે ચૂંટાય છે. નવલકથામાં દર્શાવવામાં આવેલા અન્ય પાત્રોમાં એક યુરોપિયન મહિલા 'ફ્લોરા'નો સમાવેશ થાય છે, જે 'સુવર્ણદ્વીપ'માં સ્થાયી થઈ છે અને સુવર્ણદ્વીપની રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

કથાપ્રવાહમાં વિવિધ કૌભાંડો અને ભ્રષ્ટાચાર સામે આવે છે. સરકાર સુપ્રીમકોર્ટના ન્યાયાધીશો પર બિનજરૂરી પ્રભાવ અને દબાણ લાવે છે. દરેક નાગરિકને સોનું આપવાનું સરકારનું વચન વિચિત્ર રીતે પૂરું થાય છે.

બીજો ભાગ[ફેરફાર કરો]

મડિયાએ આ નવલકથાના અનુસંધાનમાં ૧૯૬૭માં સધરાના સાળાનો સાળો નામે નવલકથા લખી હતી, જેમાં વાર્તા આગળ વધે છે. તે ગુજરાતી દૈનિક અખબાર ગુજરાત મિત્રમાં ધારાવાહિક રૂપે પગટ થઈ હતી. ૧૯૬૮માં આ નવલકથા એક પુસ્તક તરીકે પ્રકાશિત થઈ હતી.[૧]

પ્રતિસાદ[ફેરફાર કરો]

દિગીશ મહેતા, મધુસૂદન પારેખ અને બળવંત જાની સહિતના વિવેચકો તરફથી સધરા જેસંગનો સાળો નવલકથાને હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.[૪] મધુસુદન પારેખે તેને એક "રાજકીય વ્યંગ નવલકથા" કહી હતી.[૧] ગુજરાતી લેખક અને વિવેચક બળવંત જાનીએ નવલકથાની ભાષાની પ્રશંસા કરી હતી અને નવલકથાને ગુજરાતી વ્યંગાત્મક કાલ્પનિક કથાનું સીમાચિહ્ન ગણાવ્યું હતું.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ વડગામા, નિતિન (1999). ચુનીલાલ મડિયા. ભારતીય સાહિત્યના નિર્માતાઓ. નવી દિલ્હી: સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 20–22. ISBN 81-260-0731-1.
  2. મડિયા, ચુનીલાલ (1962). સધરા જેસંગનો સાળો (પ્રસ્તાવના). સુરત: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત.
  3. સંજય કચોટ (10 October 2014). ગુજરાતી પત્રકારત્વનું સાહિત્યિક અને સામાજીક પ્રદાન. REDSHINE Publication. Inc. પૃષ્ઠ 59. ISBN 978-93-84190-12-5.
  4. જોશી, ઉમાશંકર, સંપાદક (1970). મડિયાનું મનોરાજ્ય. મડિયા મેમોરિયલ ટ્રસ્ટ. પૃષ્ઠ 39. OCLC 24412894.
  5. જાની, બળવંત. ચુનિલાલ મડિયા. મુંબઈ: એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. પૃષ્ઠ 19. OCLC 25399994.