સભ્ય:Gazal world/પંડિતયુગ
ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઈ.સ. ૧૮૮૦થી ઈ.સ. ૧૯૧૫ સુધીના સમયને પંડિતયુગ તરીકે ઓળખવામાં આવે છે. પંડિતયુગના લેખકોમાં કલાપી, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા, મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત', ન્હાનાલાલ, આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર, ગોવર્ધનરામ ત્રિપાઠી વગેરેનો સમાવેશ થાય છે.[૧]
પાર્શ્વભૂમિ
[ફેરફાર કરો]ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઈ.સ. ૧૮૮૦થી ઈ.સ. ૧૯૧૫ સુધીના સમયને પંડિતયુગ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અન્ય ભાષાઓમાં પણ આવા પંડિતયુગ જોવા મળે છે.[૧] પંડિતયુગને 'સાક્ષરયુગ' તરીકે પણ ઓળખવામાં આવે છે.[૨]
પંડિતયુગના લેખકોની પેઢી અંગ્રેજી ભાષાના સાહિત્ય અને પાશ્ચાત્ય ચિંતનથી સુપરિચિત હતી અને વારસામાં મળેલ સંસ્કૃત સાહિત્યની પરંપરા સાથે તેમને ઘનિષ્ઠ પરિચય હતો. આ ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે તેમને પ્રેમ અને આદર હતા. પંડિતયુગના દરેક સર્જકો અને ચિંતકો આગવી કેડી કંડારનારા હતા અને કેટલીક વખત એકબીજાથી વિરોધી દ્રષ્ટિબિંદુ પણ ધરાવતા હતા.[૧]
સર્જકો
[ફેરફાર કરો]પંડિતયુગના સર્જકોમાં કલાપી તેમની લાગણીસભર કવિતા માટે, મણિલાલ નભુભાઈ દ્વિવેદી તેમના પાંડિત્યપૂર્ણ તત્ત્વજ્ઞાન માટે, રમણભાઈ નીલકંઠ તેમના સુધારાવાદી વલણો માટે, નાટ્યપ્રવૃત્તિ તેમજ વિવેચનપ્રવૃત્તિ માટે, કવિ ન્હાનાલાલ તેમના ઊર્મિગીતો માટે, ગોવર્ધનરામ ત્રિપાઠી તેમની ચાર ખંડોમાં વિસ્તરેલી મહાનવલ 'સરસ્વતીચંદ્ર' માટે, મણિશંકર ભટ્ટ 'કાન્ત' ગુજરાતી કવિતાના સંવેદનાવિશ્વ અને બાનીમાં ખૂબખૂબ પરિવર્તન આણવા માટે અને બળવંતરાય ઠાકોર તેમના સોનેટ તેમજ કવિતા વિશેના નૂતન વિચારો માટે જાણીતા હતા.[૧]
લક્ષણો
[ફેરફાર કરો]પંડિતયુગના લગભગ બધા જ સાહિત્યકારો ચિંતક હતા, તેઓ મુખત્વે કેટલાંક મૂળભૂત માનવીય મૂલ્યો અને પ્રશ્નો પ્રત્યે નિસબત ધરાવતા હતા. આથી આ યુગના લેખકોની કૃતિઓના પાયામાં હંમેશા કોઈ એક તાત્ત્વિક વિચાર જોવા મળે છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Panchal, Shirish (1998). B.K. Thakore. Makers of Indian Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 1–5. ISBN 978-81-260-0373-0.
- ↑ શેઠ, ચંદ્રકાન્ત શેઠ (૧૯૯૦). કાન્ત. ભારતીય સાહિત્યના નિર્માતા. નવી દિલ્હી: સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૧–૨. ISBN 81-7201-033-8. OCLC 1043708189.