બારિન્દ્રકુમાર ઘોષ
બારિન્દ્ર કુમાર ઘોષ বারীন্দ্র কুমার ঘোষ | |
---|---|
બારિન્દ્ર કુમાર ઘોષ | |
જન્મની વિગત | ૦૫/૦૧/૧૮૮૦ |
મૃત્યુ | ૧૮/૦૪/૧૯૫૯ (૭૯ વર્ષ) |
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | ક્રાંતિકારી, પત્રકાર |
માતા-પિતા | ડૉ. કૃષ્ણધન ઘોષ, સ્વર્ણલતા દેવી |
બારિન્દ્ર કુમાર ઘોષ અથવા બારિન્દ્ર ઘોષ અથવા લોકપ્રિય બારિન ઘોષ (૫ જાન્યુઆરી ૧૮૮૦ – ૧૮ એપ્રિલ ૧૯૫૯) એ ભારતીય ક્રાંતિકારી અને પત્રકાર હતા. તેઓ બંગાળના ક્રાંતિકારી સંગઠન જુગાંતરના સહ-સંસ્થાપક હતા. તેઓ શ્રી અરવિંદના નાના ભાઈ હતા.
પ્રાંરભિક જીવન
[ફેરફાર કરો]બારિન્દ્ર કુમાર ઘોષનો જન્મ ૫ જાન્યુઆરી ૧૮૮૦ના રોજ લંડન પાસેના ક્રોયડન નામના કસ્બામાં થયો હતો. તેમના પિતા કૃષ્ણધન ઘોષ એક જાણીતા ચિકિત્સક અને જિલ્લા સર્જન હતા.[૧] તેમની માતા સ્વર્ણલતા દેવી પ્રસિદ્ધ સમાજ સુધારક અને વિદ્વાન રાજનારાયણના પુત્રી હતા. ક્રાંતિકારી અને બાદમાં અધ્યાત્મવાદી શ્રી અરવિંદ તેમના ત્રીજા ક્રમના મોટા ભાઈ હતા. અન્ય એક મોટા ભાઈ શ્રી મનમોહન ઘોષ અંગ્રેજી સાહિત્યના વિદ્વાન, કવિ, કલકત્તાની પ્રેસીડેન્સી કોલેજ તેમજ ઢાકા વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર હતા. તેમને સરોજીની ઘોષ નામની એક મોટી બહેન પણ હતી.
બારિન ઘોષનું પ્રાથમિક શિક્ષણ દેવગઢમાં થયું હતુ. ૧૯૦૧માં તેઓ પ્રવેશ પરીક્ષા પાસ કરી પટના કોલેજમાં દાખલ થયા હતા. તેમણે વડોદરા ખાતેથી સૈન્ય પ્રશિક્ષણ મેળવ્યું હતું. આ સમય દરમિયાન તેઓ શ્રી અરવિંદથી પ્રભાવિત થયા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તરફ વળ્યાં.[૧]
ક્રાંતિકારી પ્રવૃત્તિઓ
[ફેરફાર કરો]૧૯૦૨માં તેઓ કલકત્તા પાછા ફર્યા અને જતિન્દ્રનાથ મુખર્જીની મદદથી બંગાળમાં કેટલાક ક્રાંતિકારી જૂથોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. ૧૯૦૬માં ભુપેન્દ્ર દત્ત સાથે મળીને બંગાળી સામયિક યુગાંતર પ્રકાશિત કર્યું.[૧] સમગ્ર બંગાળમાંથી યુવા ક્રાંતિકારીઓની ભરતીમાં બારિન અને જતિનદાસ મુખર્જી ઉર્ફે જતીન બાઘાની મહત્વની ભૂમિકા રહી.
૩૦ એપ્રિલ ૧૯૦૮ના રોજ ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી દ્વારા કિગ્સફોર્ડની હત્યાના પ્રયાસ બાદ પોલીસે તેની તપાસને પગલે ૨ મે ૧૯૦૮ના દિવસે બારિન્દ્ર ઘોષ અને અરવિંદ ઘોષ સહિત ૩૪ ક્રાંતિકારીઓને ગિરફ્તાર કર્યા હતા.[૧] આ મુકદ્દમામાં (જે અલીપોર બોમ્બ કાંડ તરીકે પણ પ્રખ્યાત છે) બારિન ઘોષ અને ઉલ્લાસકર દત્તાને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી જે પાછળથી આજીવન કારાવાસમાં રૂપાંતર કરવામાં આવી હતી. ૧૯૦૯માં દેશબંધુ ચિતરંજનદાસ અને બારિન ઘોષ સહિત અન્ય દોષિતોને અંદામાનની સેલ્યુલર જેલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
સજા બાદની પ્રવૃત્તિઓ
[ફેરફાર કરો]બારિન ઘોષને પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ૧૯૨૦માં આપવામાં આવેલી સામુહિક માફી અંતર્ગત છોડી મૂકવામાં આવ્યા હતા. તેઓ પત્રકારિતાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે કલકત્તા પાછા ફર્યા હતા પરંતુ થોડા જ સમયમાં પત્રકારિતા છોડી કલકત્તા ખાતે એક આશ્રમની સ્થાપના કરી હતી. તેમણે પોતાના સંસ્મરણ ધ ટેલ ઓફ માય એક્ઝાઇલ – ટ્વેલ્વ ઇયર્સ ઇન અંદામાન નામે પ્રકાશિત કર્યા હતા.[૨]૧૯૨૩માં તેઓ તેમના ભાઈ અરવિંદ ઘોષ દ્વારા પોંડિચેરીમાં સ્થાપિત અરવિંદ આશ્રમ ખાતે સ્થળાંતરિત થયા હતા. અહીં શ્રી અરવિંદે તેમને અધ્યાત્મ અને સાધના તરફ પ્રેરિત કર્યા. ૧૯૨૯માં તેઓ ફરી કલકત્તા પાછા ફર્યા અને પત્રકારિતા શરૂ કરી. ૧૯૩૩માં તેમણે ધ ડૉન ઓફ ઇન્ડિયા નામનું એક અંગ્રેજી અખબાર શરૂ કર્યું. ત્યારબાદ તેઓ સ્ટેટસમેન સમાચારપત્ર સાથે જોડાયા. આ જ વર્ષે તેઓ શૈલજા દત્ત નામની વિધવા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતા. ૧૯૫૦માં તેઓ બંગાળી દૈનિક સમાચારપત્ર બાસુમતિના સંપાદક બન્યા. ૧૮ એપ્રિલ ૧૯૫૯ના રોજ લાંબી માંદગી બાદ શેઠ સુખલાલ કરણાની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.[૧]
સર્જન
[ફેરફાર કરો]બારિન ઘોષ લિખિત પુસ્તકો :
- દ્વિપાંતર બંશી
- પાથેર ઇંગિત
- અમર આત્મકથા
- અગ્નિજુગ
- ઋષિ રાજનારાયણ
- The Tale of My Exile
- શ્રી અરવિંદ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ શુક્લ, જયકુમાર ર. (જાન્યુઆરી ૨૦૦૨). "ઘોષ, બારિન્દ્રકુમાર". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૫ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૭૭. OCLC 248968453.
- ↑ Ghose, Barindra Kumar (1922). The tale of my exile - twelve years in Andamans. Pondicherry: Arya Publications.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]બારિન્દ્રકુમાર ઘોષ - સર્જન અથવા તેમના વિશે વધુ માહિતી ઇન્ટરનેટ અર્કાઇવ પર