લખાણ પર જાઓ

હેમચંદ્રાચાર્ય

વિકિપીડિયામાંથી
આચાર્ય

હેમચંદ્ર
હેમચંદ્ર
વિક્રમ સંવત ૧૨૯૪નું પામના પત્તા પર દોરેલું હેમચંદ્રનું ચિત્ર
અધિકૃત નામઆચાર્ય હેમચંદ્ર સુરી
અંગત
જન્મ
ચાંગદેવ

આશરે ૧૦૮૮ ‍(જુઓ નોંધ)
મૃત્યુઆશરે ૧૧૭૩ ‍(જુઓ નોંધ)
અણહિલવાડ પાટણ
ધર્મજૈન ધર્મ
માતા-પિતાચાચીંગદેવ, પાહીણી દેવી
પંથશ્વેતાંબર
ધાર્મિક કારકિર્દી
દિક્ષાસોમચંદ્ર
જુઓ નોંધ
ખંભાત
દેવચંદ્રસુરિ વડે

હેમચંદ્રાચાર્ય જેઓ કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાય છે, સોલંકી યુગમાં થઇ ગયેલા જૈન મુનિ, વિદ્વાન, કવિ અને સાહિત્યકાર હતા. તેઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમકાલીન હતા.

ભારતીય ચિંતન, સાહિત્ય, અને સાધનાનાં ક્ષેત્રમાં આચાર્ય હેમચંદ્રનું નામ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેઓ એક મહાન ગુરુ, સમાજ-સુધારક, ધર્માચાર્ય અને અદ્ભુત પ્રતિભા હતા. સમસ્ત ગુર્જરભૂમિને તેમણે અહિંસામય બનાવી દીધી. તેમણે સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને વાઙમયનાં દરેક અંગો પર નવા સહિત્યની રચના કરી તથા નવા પંથકોને આલોકીત કર્યાં. સંસ્કૃત અને પ્રાકૃત પર પણ તેમનું પ્રભુત્વ સમાન હતું. તેમણે લખેલા 'કાવ્યાનુશાસન' ગ્રંથે તેમને ઉચ્ચકોટિના કાવ્યશાસ્ત્રોનાં રચયિતાઓની શ્રેણીમાં પ્રસ્થાપિત કર્યાં. પૂર્વાચાર્યો પાસેથી ઘણું મેળવી તેમણે પરિવર્તિ વિચરકોનાં ચિંતન માટે વિપુલ સામગ્રી પ્રદાન કરી.

પ્રસ્તાવના

[ફેરફાર કરો]

તેમનો જન્મ અમદાવાદથી ૧૦૦ કીલોમીટર દૂર આવેલા ધંધુકામાં વિક્રમ સવંત ૧૦૮૮ની કારતક પુર્ણિમાની રાત્રે થયો હતો.[note ૧][]

માતા-પિતા

[ફેરફાર કરો]

પિતાનું નામ ચાચીંગ કે ચાચ અને માતાનું નામ પાહીણી દેવી હતું. તેમનું જન્મનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું હતું.

માતા પિતાનો ધર્મ

[ફેરફાર કરો]

માતા પાહીણી અને ચાંગદેવના મામા નાગદેવ જૈન હતા. લાગે છે પિતા શિવ-પાર્વતીના ઉપાસક હતા. આચાર્ય હેમચંદ્રને કારણે એમની માતાને ઉચ્ચ સ્થાન મળતું હતું અને છેવટે જૈન સાધ્વી બનેલ.

કિંવદંતિ

[ફેરફાર કરો]

હેમચંદ્રના જન્મ પહેલાં માતા પાહીણીને એક સ્વપન આવ્યું હતું. સાધુ દેવચંદ્રએ એ સ્વપ્નનું વિશ્લેષણ કરી કહેલું કે આ પુત્રરત્ન જૈન સિદ્ધાંતનો સર્વત્ર પ્રચાર પ્રસાર કરશે.

બાળ અવસ્થામાં જ ચાંગદેવે જૈન દીક્ષા લેવાની તીવ્ર ઈચ્છા દર્શાવી. જૈન સંઘની સહમતી અને ચતુર્વીધ સંઘની હાજરીમાં ખંભાત ના ભગવાન પાર્શ્વનાથ ચૈત્યાલયમાં કર્ણાવતીના ઉદ્દયન મંત્રીના સહયોગ અને ધામધૂમથી નવ વર્ષની ઉમરે વિક્રમ સવંત ૧૧૫૪ની માઘ સુદી ચૌદસને શનીવારે ચાંગદેવે દીક્ષા લીધી અને સોમચંદ્ર નામ રાખવામાં આવ્યું. સોમચંદ્રનું શરીર સુવર્ણ જેવું તેજસ્વી અને ચંદ્રમાં જેવું સુંદર હતું અને હેમચંદ્ર તરીકે ઓળખાયા.

આચાર્ય પદ

[ફેરફાર કરો]

૨૧ વર્ષની ઉમરમાં સમસ્ત શાસ્ત્રોનું મંથન કરી વિક્રમ સંવત ૧૧૬૬માં સૂરિપદ પ્રદાન મહોત્સવમાં નાગપુરના ધનદ વ્યાપારી ભાગ્યશાળી થયા. સાહિત્ય અને સમાજસેવા કરવાની શરુઆત કરી અભયદેવસૂરિના શિષ્ય પ્રકાંડ વિદ્વાન આચાર્ય દેવચંદ્રસૂરી એમના દીક્ષાગુરુ, શિક્ષાગુરુ અને વિદ્યાગુરુ હતા.

રાજાશ્રય: રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ રાજા

[ફેરફાર કરો]

વિ.સં. ૧૧૬૧ થી ૧૧૬૬ સાત વર્ષ સિદ્ધરાજ જયસિંહ સાથે અતુટ સબંધ રહ્યો. માલવ વિજય પછી ભોજવ્યાકરણ સાથે પ્રતિસ્પર્ધા માટે ગુજરાતના પૃથક વ્યાકરણ ગ્રંથ 'શબ્દાનુશાસન' સિદ્ધરાજ જયસિંહના આગ્રહ અને અનુરોધથી બનાવ્યું. જયસિંહે વિ.સં. ૧૧૫૧ થી ૧૧૬૬ સુધી રાજ્ય કર્યું. મૃત્યુ વખતે ઉમર ૫૪ વર્ષ હતી. સિદ્ધરાજને કોઈ પુત્ર ન હોતો. રાજગાદી માટે ઝગડો થયો. છેવટે ૫૦ વર્ષના કુમારપાળનો વિક્રમ સંવત ૧૧૬૬માં માગસર વદી ચૌદશે રાજ્યાભિષેક થયો. હેમચંદ્રસૂરિ કર્ણાવતી થી પાટણ આવ્યા અને ઉદ્દયન મંત્રીએ એમનું સ્વાગત કર્યું. હેમચંદ્રના પ્રભાવથી ૧૮ પ્રાંતમાં ૧૪ વર્ષ સુધી પશુવધ બંધ હતો. ગુજરાતને તમામ દુર્વ્યસનોથી મુક્ત કરવા પ્રયાસ કર્યા. કહેવાય છે કુમારપાળે ૧૨ વ્રત સ્વીકારી દીક્ષા લીધી. જૈન રાજધર્મ થયો અને બધાધર્મની ઉન્નતી થઈ. કેદાર અને સોમનાથનો પણ ઉદ્વાર થયો. પૂર્વના ગ્રંથોમાં સંષોર્ધન થયું. કુમારપાળે ૭૦૦ લેખકોને બોલાવી હેમચંદ્રના ગ્રન્થોને લેખબદ્ધ કર્યા. ૨૧ મોટા જ્ઞાનભંડારો બનાવ્યા. જૈનોના મત પ્રમાણે ૧૦૦ શિષ્યોનો પરિવાર એમને ઘેરી બેસતો અને ગુરુ લખાવે એને લખી લેતા. જૈન્ ધર્મ અને સાહિત્યના પ્રત્યેક ક્ષેત્રમાં સર્જન થયું. એક વ્યક્તિની વ્યાકરણશાસ્ત્રની આ ઉપાસના અદ્દભુત છે. સાહિત્યની વિરાટ સમૃદ્ધિ થઈ.

મૃત્યુ

[ફેરફાર કરો]

વૃદ્ધાવસ્થામાં હેમચંદ્રસૂરિને લૂતા રોગ થયો. અષ્ટાંગયોગાભ્યાસ કરી રોગનો નાશ કર્યો. ૮૪ વર્ષની અવસ્થાએ અનશનની આન્ત્યારાધના ક્રિયા પ્રારંભ કર્યો. કુમારપાળને કહ્યું કે આપની ઉમરમાં હવે છ મહિના બાકી છે. કુમારપાળને ધર્મઉપદેશ આપી દશમ દ્ભારથી આચાર્ય હેમચંદ્રે પ્રાણ ત્યાગ કર્યો. શ્રી હેમચંદ્રનું સમાધિ સ્થળ શંત્રુજય પહાડ ઉપર છે. પ્રભાવકચરિત મુજબ કુમારપાળ રાજાથી આચાર્યનો વિયોગ સહન ન થયો અને છ મહીનામાં એ પણ સ્વર્ગે સિધાવ્યા.

ગ્રંથો

[ફેરફાર કરો]

કાવ્ય ગ્રંથ

[ફેરફાર કરો]

આચાર્ય હેમચંદ્રએ અનેક વિષયો પર વિવિધ પ્રકાર ના કાવ્યો રચ્યા છે. અશ્વઘોશની જેમ હેમચંદ્ર સોદેષ્ય કાવ્ય રચવામાં વિશ્વાસ રાખતા હતા. તેમનું કાવ્ય 'કાવ્યમાનન્દાય' કવિતા નહિ પણ 'કાવ્યમ્ ધર્મપ્રચારાય' છે. અશ્વઘોશ અને કાલિદાસની સહજ અને સરળ શૈલી તેમની કવિતા માં ન હતી પણ તેમની કવિતા માં હ્રુદય અને મસ્તિષ્કનું અપૂર્વ મિશ્રણ હતું.

આચાર્ય હેમચંદ્રના કાવ્યોમાં સંસ્કૃત બૃહત્ત્રયી ના પાણ્ડિત્યપૂર્ણ ચમત્ક્રુત શૈલી છે,ભટ્ઠિનિ અનુસાર વ્યકરણ્નું વિવેચન, અશ્વઘોશની જેમ ધર્મપ્રચાર અમે કલહણની જેવો ઇતિહાસ છે.આચાર્ય હેમચંદ્રનું પાણ્ડિત કવિઓ માં મૂર્ધન્ય સ્થાન છે. 'ત્રિષષ્ઢિશલાકાપુરુષ ચરિત' એક પુરાણ કાવ્ય છે. સંસ્કૃતસ્ત્રોત્ર સાહિત્યમાં 'વીતરાગસ્તોત્ર'નું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. વ્યાકરણ, ઇતિહાસ અને કાવ્ય એ ત્રણેનું વાહક દ્રુવાશ્રય અપુર્વ છે. આ ધર્માચાર્યને સાહિત્ય-સમ્રાટ કહેવામાં અત્યુ ક્તિ નહિ કહેવાય.

વ્યાકરણ ગ્રંથ

[ફેરફાર કરો]

પાણિની સંસ્કૃત વ્યાકરણમાં શાકટાયન, શૌનક, સ્ફોટાયન, આપિશલિનો ઉલ્લેખ કર્યો. પાણિની ના અષ્ટાધ્યાયી માં શોધન કત્યાયન અને ભાષ્યકર પતંજલિ કર્યો. પુનરુદ્ધાર ભોજદેવના 'સરસ્વતી કંઠાભરણ' માં કર્યો

વ્યકરણ રચનાઓ

[ફેરફાર કરો]
સિદ્ધહેમશબ્દાનુશાસનની પ્રત

આચાર્ય હેમચંદ્રએ સમસ્ત વ્યાકરણ વાઙમયનું અનુશીલન કરી 'શબ્દાનુશાસન' અને અન્ય વ્યાકરણ ગ્રંથો ની રચના કરી. પૂર્વવત્ આચાર્યોના ગ્રંથોનું સમ્યક અધ્યયન્ કરી સર્વાંગ પરિપુર્ણ અને સરળ વ્યાકરણની રચના કરી અને તેને સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓને પૂર્ણતઃ અનુશાસિત કરી છે. હેમચંદ્રએ 'સિદ્ધહેમ' નામક નૂતન પંચાંગ વ્યાકરણ તૈયાર કર્યુ. આ વ્યાકરણ ગ્રંથનું શ્વેતછત્ર સુષોભિત બે ચામર સાથે ચલ સમારંભ હાથી પર કાઢવામાં આવ્યું. ૩૦૦ લહિયાઓએ 'શબ્દાનુશાસન'ની ૩૦૦ પ્રતિઓ લખીને ભિન્ન-ભિન્ન ધર્માધ્યકક્ષો ને ભેટ આપી અને અહતિરિક્ત વ્રુત્તિ દેશ-વિદેશ, ઈરાન, સીલોન(શ્રીલંકા), નેપાળમાં મોકલવામાં આવી. ૨૦ પ્રતિઓ કાશ્મીરના સરસ્વતી ભંડારમાં પહોંચી. જ્ઞાન પંચમી (કારતક સુદ પાંચમ) ના દિવસે પરીક્ષા લેવામાં આવતી હતી.

આચાર્ય હેમચંદ્ર સંસ્કૃતનના અંતિમ મહવૈયાકરણ હતા. અપભ્રંશ સાહિત્યની પ્રાચિન સમૃદ્ધિના સંબંધમાં વિદ્વાન તે પદોનિ શોધમાં લાગી ગયા. ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ બૃહદ્ વૃતિ પર ભાષ્ય કતિચિદ દુર્ગાપદખ્યા વ્યાખ્યા લખવામાં આવી. આ ભાષ્યની હસ્તલિખિત પ્રત બર્લિનમાં છે.

અલંકાર ગ્રંથ

[ફેરફાર કરો]

હેમચંદ્રના અલંકાર ગ્રંથ

[ફેરફાર કરો]

કાવ્યાનુશાસન ના ગદ્યમાં સૂત્ર, વ્યાખ્યા અને સોદાહરણ વૃત્તિ એવા ત્રણ ભાગ છે. સૂત્રોની વ્યાખ્યા કરવાવાળી વ્યાખ્યા 'અલંકાર ચૂડામણિ' નામે પ્રચલિત છે. તેને સ્પષ્ટ કરવા માટે 'વિવેક'નામે વૃત્તિ લખવામાં આવી. 'કાવ્યાનુશાસન' ના ૮ અધ્યાયોમાં વિભાજિત ૨૦૮ સુત્રોમાં કાવ્યશાસ્ત્રના બધા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. 'અલંકાર ચૂડામણિ'માં૮૦૭ ઉદાહરણ પ્રસ્તુત છે તથા વિવેકમાં ૮૨૫ ઉદાહરણ પ્રસ્તુત છે. ૫૦ કવિઓના તથા ૮૧ ગ્રંથોના નામોનો ઉલ્લેખ છે.

કાવ્યાનુશાસનનું વિવેચન: સંપુર્ણ અને અર્વોત્ક્રુષ્ટ પાઠ્યપુસ્તક

[ફેરફાર કરો]

કાવ્યાનુશાસન પ્રાય: સંગ્રહ ગ્રંથ છે. રાજશેખરના કાવ્યમીમાંસા, મ્મમટના કાવ્યપ્રકાશ, આનંદવર્ધનના ધ્વન્યાલોક અને અભિનવગુપ્તના લોચન માંથી પર્યાપ્ત સામગ્રી ગ્રહણ કરી છે.

મૌલિકતાના વિષયમાં હેમચંદ્રનો પોતાનો સ્વતંત્ર મત છે. હેમચંદ્રના મતે કોઇ પણ ગ્રંથકાર નવી વસ્તુ નથી લખતો. યદ્યપિ મમ્મટનો કાવ્યપ્રકાશ અને હેમચંદ્રના કાવ્યાનુશસન માં ઘણું સામ્ય છે. પર્યાપ્ત સ્થાનો પર હેમચંદ્રાચાર્યે મમ્મટનો વિરોધ કર્યો છે. પર હેમચંદ્રાચાર્ય અનુસાર આનંદ, યશ અને સન્તાતુલ્ય ઉપદેશ જ કાવ્યનું પ્રયોજન હોઇ શકે તથ અર્થલાભ, વ્યવહાર,જ્ઞાન અને અનિષ્ટ નિવ્રુત્તિ પર હેમચંદ્રાચાર્યના અનુસાર વ્યવહાર જ્ઞાન અને અનિષ્ટ નિવ્રુત્તિ પર હેમચંદ્રાચાર્ય ના મતાનુસાર કાવ્યના પ્રયોજન ન હોઇ શકે. કાવ્યાનુશાસનનાઆભ્યાસ થી કાવ્યશાસ્ત્રના પાઠકોને સમજવામાં સુલભતા અને સુગમતા રહે છે.

મમ્મટનો કાવ્યપ્રકાશ વિસ્ત્રુત છે. સુવ્યવસ્થિત છે પરંતુ સુગમ નથી. અગણિત ટિકાઓ હોવા છતાં પણ મમ્મટનું કાવ્યપ્રકાશ દુર્ગમ રહી જાય છે. કાવ્યાનુશાસનમાં આ દુર્ગમતા ને અલંકારચુડામણિ અને વિવેક દ્વારા સુગમતામાં પરિણત કરવામાં આવ્યું છે. કાવ્યાનુશાસનમાં તેઓ સ્પષ્ટ લખે છે કે તેઓ પોતાનો મત નિર્ધારણ અભિનવગુપ્ત અને ભરતના આધારે કરી રહ્યાં છે.

ખરેખર્ અન્ય ગ્રંથો-ગ્રંથકારોના ઉદ્વરણ પ્રસ્તુત કરતા હેમચંદ્રનો પોતાનો સ્વતંત્ર મત, શૈલી અને દ્રષ્ટિકોણ મૌલિક છે. ગ્રંથ અને ગ્રંથકારોના નામથી સંસ્કૃત સાહિત્ય, ઇતિહાસ પર પ્રકાશ પડે છે. દરેક સ્તર ના પાઠક માટે સર્વોત્ક્રુષ્ટ પાઠ્યપુસ્તક આપી છે અને વિશેષ જ્ઞાન વ્રુદ્ધીનો અવસર આપ્યો છે. અતઃ આચાર્ય હેમ્ચમ્દ્ર ના કાવ્યનુશાસનનુ અધ્યયન કર્યા પછી બીજો ગ્રંથ વાંચવાની જરૂર નથી રહેતી. સંપૂર્ણ કાવ્યશાસ્ત્ર પર સુવ્યવસ્થિત તથા સુરચિત પ્રબંધ છે.

કોશ ગ્રંથ

[ફેરફાર કરો]

સર્વ પ્રચીન કોશગ્રંથ અનુપલબ્ધ છે. ૧૨મી શતાબ્દીમાં રચાયેલ 'શબ્દ કલ્પદ્રુમ' કોશમાં ૨૯ કોશકારોના નામ ઉપલબ્ધ છે. સૌથી વધુ ખ્યાતી અમરસિંહના 'અમરકોષ' ને મળી છે. ભૈરવીના 'અનેકાર્થકોશ', અભયપાલ નો 'નાનાર્થ-રત્નમાળા', મહેશ્વર કેશવસ્વામીના ગ્રંથ પણ આ યુગની દેન છે. આચાર્ય હેમચંદ્રએ 'નિઘન્ટુશેષ', 'અભિધાન ચિંતામણિ', 'અનેકાર્થ સંગ્રહ' અને 'દેશીનામમાલા' કોશોની રચના આ સમયે કરી. ૧૨મી શતાબ્દીમાં સર્વોત્ક્રુષ્ટ ગ્રંથ હેમચંદ્ર ના કોશ છે. ઐતિહાસિક દ્રુષ્ટિએ ૫૬ ગ્રંથકારો તથા ૩૧ ગ્રંથોનોઇ ઉલ્લેખ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આચાર્ય હેમચંદ્ર કહે છે. આત્મપ્રસંશા અને પરનિંદા નું શું પ્રયોજન? મુક્તિનો પ્રયત્ન કરવો જોઇએ. દરેક વર્ણોને અપનાવતા સંકરીત, વર્ણસંકર, ઉચ્ચ નીચનો ભાવ અત્યધીક હતો એ સત્ય છે.અમરકોશ ની અપેક્ષા હેમચંદ્રનૂ સંસ્કૃત કોશ શ્રેષ્ઠતમ છે. સંપૂર્ણ કોશ સાહિત્યમાં અક્ષુણ્ણ છે. મહવબલાધિક્રુત- ફીલ્ડ માર્શલ, અક્ષયપટલાધિપતિ - રેકૉર્ડ્ કીપર, સાંસ્ક્રુતિક ઇતિહાસ, શબ્દ જ્ઞાન માં 'અભિધાન ચિંતામણિકોશ' સર્વોત્ક્રુષ્ટ અને સર્વાંગ સુંદર છે. વ્યાકરણ લખીને તેમણે શબ્દાનુશસન ને પુર્ણતા પ્રદાન કરી. તેજ રીતે વ્યાકરણના પરિશિષ્ટ ના રૂપે દેશી નામમાળાની રચના કરી.

દાર્શનિક અને ધર્મિક ગ્રંથ

[ફેરફાર કરો]

પ્રમાણમીમાંસા

[ફેરફાર કરો]

જૈન ધર્મ વૈદિક કર્મકાંડના પ્રતિબંધ અને તેના હિંસા સંબંધી વિધાનોનો સ્વિકાર નથી કરતો. આચાર્ય હેમચંદ્રના દર્શન ગ્રંથ 'પ્રમાણમીમાંસા'નું વિશિષ્ઠ સ્થાન છે. એમનાંં અંતિમ અપૂર્ણ ગ્રંથ પ્રમાણમીમાંસાનું પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી દ્વારા સંપાદન થયું. સૂત્ર શૈલી કણાદ અથવા અક્ષપાદ સમાન છે. દુર્ભાગ્યથી અત્યાર સુધી ૧૦૦ સૂત્ર જ ઉપલબ્ધ છે. સમ્ભવતઃ વ્રુદ્ધાવસ્થામાં આ ગ્રંથને તેઓ પૂર્ણ ન કરી શક્યા અથવા શેષ ભાગ કાળ ક્રમે શિષ્યોની ઉદસિનતાને લીધે નામશેષ થયા. એમનાં મત પ્રમાણ બે જ છે: પ્રત્યક્ષ અને પરોક્ષ. બંને એકબીજાથિ તદ્દન ભિન્ન છે. સ્વતંત્ર આત્માને આશ્રીત જ્ઞાન જ પ્રત્યક્ષ છે. આચાર્યના આ વિચાર તત્વચિંતનમાં મૌલિક છે. હેમચંદ્રે તર્કશસ્ત્રમાં કથાનો એક વાદાત્મક રૂપ સ્થિર કર્યો. જેમા છળ આદિ કોઇ પણ કપટ-વ્યવહાર નો પ્રયોગ વર્જ્ય છે. હેમચમ્દ્રના અનુસાર ઇંદ્રિય જન્મ, મતિજ્ઞાન અને પરમાર્થિક કેવળજ્ઞાન માં સત્યના પ્રમાણ માં ફરક છે,ગુણ માં નહી. પ્રમાણમીમાંસા થી સંપૂર્ણ ભારતીય દર્શન શાસ્ત્રના ગૌરવમાં વૃદ્ધિ થઇ.

યોગશાસ્ત્ર

[ફેરફાર કરો]

આની શૈલી પતંજલીના યોગસૂત્રની અનુસાર જ છે. પરંતુ વિષય અને વર્ણન ક્રમમાં મૌલિકતા અને ભિન્નતા છે. યોગશાસ્ત્ર નીતિ વિષયક ઉપદેશાત્મક કાવ્યની કોટિમાં આવે છે. યોગશાસ્ત્ર જૈન સંપ્રદાયનો ધાર્મિક અને દાર્શનિક ગ્રંથ છે. તે એક અધ્યાત્મોપનિષદ છે. આના અંતર્ગત મદિરા દોષ, માંસ દોષ, નવનીત ભક્ષણ દોષ, મધુ (મધ)દોષ, ઔદુમ્બર દોષ, રાત્રિ ભોજન દોષ નુ વર્ણન છે. અંતિમ ૧૨મા પ્રકશના પ્રારંભમાં શ્રુત સમુદ્ર અને ગુરુના મુખથી જે કાંઇ મેં જાણ્યુ છે, તેનું વર્ણન કરી ચુક્યો છું. હવે નિર્મળ અનુભવ સિદ્ધ તત્વને પ્રકશિત કરું છું એવો નિર્દેશ કરી વિક્ષિપ્ત યાતાયાત, એ ચિત્ત-ભેદોના સ્વરૂપનું કથન કરતા બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્માનું સ્વરૂપકહેવામાં આવ્યું છે.

  • સદાચાર જ ઈશ્વર પ્રણિધાન નિયમ છે.
  • નિર્મળ મન એજ મનુષ્યનો ધર્મ છે.
  • સંવેદના એજ મોક્ષ છે જેની સામે સુખ કંઈજ નથી એવુ પ્રતિત થાય છે.

સંવેદન માટે પાતચ્જલ યોગસૂત્ર અને હેમચંદ્ર યોગશાસ્ત્રમાં પર્યાપ્ત સામ્ય છે. યોગથી શરીર અને મન શૂદ્ર થાય છે. યોગનો અર્થ ચિત્રવ્રુતિનો નિરોધ. મન ને સબળ બનાવવામાટે શરીરને સબળ બનાવવું અત્યાવશ્યક છે. યોગસૂત્ર અને યોગશાસ્ત્રમાં અત્યંત સાત્વિક આહારની ઊપયોગીતા સમજાવીને અભ્ક્ષ્ય ભક્ષણનો નિષેધ કરવામા આવ્યો છે. આચાર્ય હેમચંદ્ર સૌથી પહેલા "નમો અરિહંતાણં"થી રાગ અને દ્વેષ જેવા આન્તરિક શત્રુઓનો નાશ કરવાવાળાને વંદન કર્યા છે. યોગસૂત્ર અને યોગશાસ્ત્ર નજીકમાં છે. સંસારના સર્વ વાદ, સંપ્રદાય, મત દ્રષ્ટિરાગનું પરિણામ છે. દ્રષ્ટિરાગને લીધે અશાંતિ અને દુ:ખ છે. અતઃ વિશ્વશાંતિને માટે, દ્રષ્ટિરાગના ઉચ્છેદન માટે હેમચંદ્રનો યોગશાસ્ત્ર આજે પણ અત્યંત ઉપાદેય ગ્રંથ છે.

અન્ય સાહિત્ય

[ફેરફાર કરો]

સંસ્કૃત માં ઉમાસ્વતિનો 'તત્વાર્થાધિગમસસૂત્ર', સિદ્ધસેન દિવાકરનો 'ન્યાયાવતાર', નેમિચંદ્ર નો 'દ્રવ્ય સંગ્રહ,મલ્લિસેન નો'સ્યાદ્વાદમંજરી', પ્રભચંદ્રનો 'પ્રમેય કમલમાતંડ', આદિ પ્રસિદ્ધ દર્શનિક ગ્રંથ છે.

ઉમાસ્વતિ થી જૈન દેહ માં દર્શનાત્મા એ પ્રવેશ કર્યો. જ્ઞાનની ચેતના પ્રસ્ફુટિત થઈ જે આગળ કુંદકુંદ, સિદ્ધસેન, અકલંક, વિદ્યાનંદ, હરિભદ્ર, યશોવિજય આદિ ના રૂપમામ્ વિકસિત થતિ ગઇ.

સાહિત્યમાં હેમંચંદ્રનું સ્થાન

[ફેરફાર કરો]
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં હેમચંદ્રાચાર્યનું પૂતળું.

હેમચંદ્રએ પોતાના યોગશાસ્ત્રમાં દરેકને ગૃહસ્થ જીવનમાં આઅત્મસાધનાની પ્રેરણા આપી છે.પુરુષાર્થથી દૂર રહેવાવાળાને પુરુષાર્થની પ્રેરણા આપી. તેમનો મૂળ મંત્ર સ્વાવલંબન છે. વીર અને દ્રુઢ ચિત્ત પુરુષો માટે તેમનો ધર્મ છે.

હેમચંદ્રાચાર્યના ગ્રંથોએ સંસ્કૃત અને ધાર્મિક સાહિત્યમાં ભક્તિની સાથે શ્રવણ ધર્મ તથા સાધના યુક્ત આચાર ધર્મનો પ્રચાર કર્યો. સમાજમાંથી નિદ્રાલસ્ય (નિંદ્રા+આળસ)ને ભગાડી જાગૃતિ ઉત્પન્ન કરી. સાત્ત્વિક જીવનથી દીર્ઘાયુ પામવાના ઉપાય બતાવ્યા. સદાચારથી આદર્શ નાગરીક નિર્માણ કરી સમાજને સુવ્યવસ્થિત કરવામાં આચાર્ય હેમચંદ્રે અપૂર્વ યોગદાન કર્યું.

આચાર્ય હેમચંદ્રએ તર્કશુદ્ધ, તર્કસિદ્ધ અને ભક્તિયુક્ત સરસ વાણી દ્વારા જ્ઞાન ચેતનાનો વિકાસ કર્યો અને તેને સર્વોચ્ચ શિખર પર પહોંચાડ્યો. જૂની જડતાને જડમૂળથી ઉખાડી ફેંકી. આત્મવિશ્વાસનો સંચાર કર્યો. આચાર્યના ગ્રંથોને કારણે જૈન ધર્મ ગુજરાતમાં દૃઢમૂળ થયો. ભારતમાં સર્વત્ર, વિશેષતઃ મધ્ય પ્રદેશમાં જૈન ધર્મના પ્રચારમાં તે ગ્રંથો એ અભૂતપૂર્વ યોગદાન કર્યું. આ દૃષ્ટિએ જૈન ધર્મના સાહિત્યમાં આચાર્ય હેમચંદ્રના ગ્રંથોનું સ્થાન અમૂલ્ય છે.

  1. તેમના જન્મ અને મૃત્યુ અંગે મતમતાંતરો છે. તેમની દિક્ષા ૨૧ વર્ષની વયે થઇ હતી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Dinkar Joshi (1 January 2005). Glimpses of Indian Culture. Star Publications. પૃષ્ઠ 79–80. ISBN 978-81-7650-190-3.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]