લખાણ પર જાઓ

ઈવા ડેવ

વિકિપીડિયામાંથી
ઈવા ડેવ
જન્મપ્રફુલ નંદશંકર દવે
(1931-03-05)5 March 1931
વડોદરા, બ્રિટીશ ભારત
મૃત્યુ26 September 2009(2009-09-26) (ઉંમર 78)
ઉપનામઈવા ડેવ
વ્યવસાયવાર્તાકાર, નવલકથાકાર, શિક્ષક
ભાષાગુજરાતી
શિક્ષણએમ. એ., બી. એડ., પીએચ. ડી.
માતૃ શિક્ષણ સંસ્થામહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વોશિંગટન યુનિવર્સિટી

પ્રફુલ નંદશંકર દવે, (૫ માર્ચ ૧૯૩૧ – ૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૯) ઈવા ડેવ તરીકે જાણીતા ગુજરાતી વાર્તા લેખક અને નવલકથાકાર હતા.

ડેવનો જન્મ ૫ માર્ચ ૧૯૩૧ના રોજ વડોદરા ખાતે થયો હતો. તેમનો પરિવાર નડિયાદનો હતો. તેમણે નડિયાદથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને ૧૯૪૯માં મેટ્રિક કર્યું હતું. તેમણે ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. અને ૧૯૫૫માં એમ.એ. તથા ૧૯૫૬માં બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બી.એડ.નો અભ્યાસ કર્યો હતો. તેમણે ૧૯૫૭માં એમ.એ. ઇન એજ્યુકેશન અને ૧૯૬૩માં અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.નો અભ્યાસ કર્યો હતો.[][]

કારકિર્દી

[ફેરફાર કરો]

ડેવે ૧૯૫૨ થી ૧૯૫૬ સુધી વલ્લભ વિદ્યાનગરની એક શાળામાં શિક્ષણકાર્ય કર્યું હતું. તેમણે ૧૯૫૫માં એલિનાની શાળામાં આચાર્ય તરીકે પણ સેવા આપી હતી. તેમણે ૧૯૬૦ થી ૧૯૬૨ સુધી વોશિંગ્ટન યુનિવર્સિટીમાં સંશોધન સહાયક તરીકે કામ કર્યું હતું. ૧૯૬૩માં યુનાઇટેડ સ્ટેટ્સની સેન્ટ લુઇસ મેન્ટલ હોસ્પિટલમાં સંશોધન સહયોગી તરીકે કામ કર્યા બાદ તેઓ ૧૯૬૪માં ભારત પરત ફર્યા. ૧૯૬૪ થી ૧૯૭૨ સુધી રીડર તરીકે અને ૧૯૭૨ થી ૧૯૭૪ સુધી મૈસૂર પ્રાદેશિક શિક્ષણ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપ્યા બાદ ૧૯૭૪ થી ૧૯૭૭ સુધી અજમેર રિજનલ કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ ઇન્ચાર્જ તરીકે જોડાયા. ૧૯૭૭માં એનસીઈઆરટી, નવી દિલ્હી ખાતે રીડર તરીકે જોડાયા હતા અને બાદમાં ૧૯૯૧માં નિવૃત્તિ સુધી પ્રોફેસર તરીકે સેવા આપી હતી.[][]

૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ તેમનું અવસાન થયું.[][]

નવલકથાઓ ડેવનું મુખ્ય યોગદાન છે. તેમની પ્રથમ નવલકથા સાબુની કાકડી પ્રજાબંધુ દૈનિકમાં પ્રકાશિત થઈ હતી. ‘આગંતુક’ (૧૯૬૯), ‘તરંગિણીનું સ્વપ્ન’ (૧૯૭૧) અને ‘તહોમતદાર’ (૧૯૮૦) સંગ્રહોની વાર્તાઓએ એમને ગુજરાતીના ધ્યાનપાત્ર આધુનિક વાર્તાકારોમાં સ્થાન અપાવ્યું છે. એક જ ઘટનાનો આશ્રય, ‘હું’ પાત્રની રીતિથી વાર્તાકથન અને ચોટદાર વળાંકથી વાર્તાનો અંત એ એમની વાર્તાઓની મુખ્ય લાક્ષણિકતાઓ છે. વિજાતીય આકર્ષણ અને કુટુંબજીવનની વ્યક્તિઓ સાથેના સંબંધમાંથી જન્મતી વિભિન્ન પરિસ્થિતિઓ વિશેષતઃ એમની વાર્તાઓના વિષય બને છે. ‘ચોન્ટી’, ‘તમને તો ગમીને ?’, ‘તરંગિણીનું સ્વપ્ન’ ઇત્યાદિ એમની ધ્યાનપાત્ર વાર્તાઓ છે.

‘ઈસુને ચરણેઃ પ્રેયસી’ (૧૯૭૦)માં પ્રણયજીવનની વિલક્ષણ પરિસ્થિતિઓને આલેખતી બે લઘુનવલો છે. મિશ્ર લોહી તેમની અન્ય એક નવલકથા છે.[][][]

'આગન્તુક' (૧૯૬૯) ઈવા ડેવની પચ્ચીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે. ચીલાચાલુ કરતાં જુદી પડતી અને ઘટના સાથે કામ પાડી ઘટનાનો વિશેષ રીતે ઉપયોગ કરતી આ વાર્તાઓ રહસ્યવળાંકો અને ભાષાની માવજતને કારણે જુદી પડે છે. ઘણી વાર્તાઓ વિદેશી વાતાવરણમાં મુકાયેલી છે. વળી, પાત્રસહજ ભાષાને ઉપસાવવામાં અને ખાસ તો બાળકના દ્રષ્ટિકોણથી લખાયેલી ‘ચોન્ટી’, ‘મારી બા’, જેવી વાર્તાઓમાં બાળકની મનોદશા અને એની અભિવ્યક્તિમાં પ્રમાણભૂતતા પ્રવેશેલી છે.[]

પુરસ્કાર

[ફેરફાર કરો]

તેમની ટૂંકી વાર્તાઓ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. તેમને ગોવર્ધનરામ ત્રિપાઠી પુરસ્કાર અને ૧૪મો ધૂમકેતુ નવલિકા પુરસ્કાર મળ્યા હતા.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "પ્રફુલ્લ દવે". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 18 March 2017.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃષ્ઠ 227–229. ISBN 978-93-5108-247-7.
  3. ૩.૦ ૩.૧ Datta, Amaresh, સંપાદક (1988). Encyclopaedia of Indian Literature: Devraj to Jyoti. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 1239. ISBN 978-81-260-1194-0.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]